સરદારના વતન કરમસદને રાષ્ટ્રીય દરજ્જો ક્યારે?

૨૦૧૩માં કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળે તેવી માગણી

સાંપ્રત – હેતલ રાવ

લોખંડી પુરુષ તરીકે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જાણીતા   ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. માગણીઓ થઈ રહી છે તેમના વતનને રાષ્ટ્રીય દરજ્જો આપવાની. અનેક પ્રયત્નો અને માગણીઓ છતાં હજુ સુધી સરદાર પટેલનું વતન કરમસદ આ દરજ્જાથી વંચિત છે.

સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એવું કહેવામાં આવે છે કે જો આજે તેઓ હયાત હોત તો દેશની સ્થિતિ કંઈ અલગ જ હોત. કમનસીબે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સાથે જોડાયેલી એવી ઘણી બધી યાદગીરીઓ છે જેને જીવંત રાખીને તેમને સાચી શ્રદ્ધાંજલિ, સન્માન આપણે આપી શકીએ તેમ છીએ. આણંદ જિલ્લાનું કરમસદ ગામ તેમનું વતન છે અને આજે કરમસદવાસીઓ આ ગામને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે ઝઝૂમી રહ્યા છે. ૨૦૧૩માં કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળે તેવી માગણી સાથેની અરજી સ્થાનિક નગરપાલિકા, અગ્રણીઓ અને ગામવાસીઓએ સાથે મળીને સરકારને કરી હતી, પરંતુ સરકારમાં હોતા હૈ ચલતા હૈની જેમ જ આ અરજી મળતાં બાંયેધરી અપાઈ કે હા, અમે આ વાત ધ્યાન પર લઈશું, પરંતુ પાંચ વર્ષ પછી પણ તે માત્ર પોકળ જ સાબિત થઈ. હવે ફરી એકવાર નવેસરથી રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગણી થઈ છે. આ વખતે બધાએ સાથે મળીને છેક સુધી લડી લેવાનો નિર્ણય કર્યાે હતો. જેના ભાગરૃપે કરમસદમાં અગ્રણીઓ સહિત ગ્રામજનો આમરણાંત ઉપવાસ ઉપર પણ બેઠા હતા, પરંતુ અચાનક જ ઉપવાસીઓએ પારણાં કરી લીધા. જેટલા જોરશોરથી આંદોલન શરૃ થયું હતું તેટલા જ વેગથી આંદોલન સમેટાઈ ગયું.

આ અંગે કરમસદના રહીશ ચંદુભાઈ પટેલ કહે છે, ‘૨૦૦૨માં કરમસદને નેશનલ લેવલે ઓળખ અપાવવા માટે તત્કાલીન સી.એમ.ને રજૂઆત કરવામાં આવી હતી. ગામને રાષ્ટ્રીય દરજ્જો મળે તેવી માગ ૧૯૯૫થી ચાલી આવી છે. તે સમયે કેન્દ્રમાં શાસિત સત્તા પક્ષને પોરબંદરની સાથે-સાથે કરમસદને પણ નેશનલ વિલેજ જાહેર કરવાની પ્રપોઝલ મોકલવામાં આવી હતી, પરંતુ તે સમયની સરકારે માત્ર પોરબંદરની માગ માન્ય રાખી હતી.’

ગામના લોકોએ એવો પણ દાવો કર્યો છે કે બે વર્ષ અગાઉ સરદાર હિતરક્ષક સમિતિના સભ્યોએ પી.એમ.ને દિલ્હીમાં મળીને રજૂઆત કરી હતી. ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટને જરૃરી દસ્તાવેજ સાથે જવાબ આપવાના પણ આદેશ થયા હતા. છતાં કોઈ પગલાં ન લેવાતાં પીએમઓ અને સીએમઓમાં સંખ્યાબંધ ઈ-મેઇલ કરવામાં આવ્યા છે. હાલના સી.એમ.ને પણ રૃબરૃ મળી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બધેથી નિરાશા સાંપડતા અંતે સરદાર હિતરક્ષક સમિતિના સભ્યો, પ્રમુખ અને ગ્રામજનો અનિશ્ચિત સમય સુધી આમરણાંત ઉપવાસ પર ઊતર્યા હતા. તેમની સાથે જયરામગીરી મહારાજ, મોરારિદાસ મહારાજ પણ જોડાયા હતા, જ્યારે સરદાર પટેલના પરિવારના મોભી તેમના પૌત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમેશભાઈ પટેલે પણ આ ઉપવાસને સમર્થન આપી સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે ૩૦ એપ્રિલના રોજ આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કરમસદ ગામ આંદોલનના સમર્થનમાં પહેલી મેના રોજ સ્વયંભૂ બંધ રહ્યંુ હતું.

જોકે એ જ દિવસે આણંદના ભાજપના સાંસદ દિલીપભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ઉપવાસ પર બેઠેલા સમિતિના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ અને અન્ય ગ્રામજનોને સમજાવીને પારણાં કરાવી દીધાં હતાં. આમ અચાનક જ ઉપવાસ સમેટી લેવામાં આવ્યા તે સામે ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે. હાલ તો આંદોલનની આગ પર કેમ પાણી રેડી દેવામાં આવ્યું તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ‘અભિયાન’એ આ ગામની મુલાકાત લઈને જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે મામલો શું છે.

ગામના આગેવાન રશેષ પટેલ કહે છે, ‘જ્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની શરૃઆત થઈ ત્યારે માટી અને લોખંડ ઉઘરાવવાનો એક પ્રોજેક્ટ શરૃ થયો હતો. ખેડૂતોના ખેતરોની માટી ગામે-ગામથી ઉઘરાવવાની હતી અને તેની શરૃઆત કરમસદથી થઈ હતી. તે સમયથી આ રજૂઆત ચાલતી આવી છે, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે હજુ સુધી ગામને દરજ્જો મળ્યો નથી.’

કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેષ પટેલે કહ્યું કે, ‘સરદાર પટેલનો આઝાદીમાં અમૂલ્ય ફાળો છે અને હાલમાં અમે એવા જ પ્રયત્નો કરી રહ્યા છીએ કે કરમસદને પણ રાષ્ટ્રીય દરજ્જો મળે. તે માટે અમે તમામ લેવલે રજૂઆતો કરી છે. તાજેતરમાં પોરબંદર પણ જઈ આવ્યા. ત્યાંથી વિગતો લાવ્યા છીએ. હવે આગામી સમયમાં કલેક્ટર સાથે મિટિંગ કરીશું. રાષ્ટ્રીય દરજ્જા વિશે વાત કરું તો પોરબંદરને પણ રાષ્ટ્રીય સ્મારક માટે અને કીર્તિ મંદિર માટે જ દરજ્જો મળ્યો છે. બાકીના શહેરને સરકારની યોજનાઓમાં સમાવી લેવામાં આવ્યું છે. માટે જેમ પોરબંદરને જે પ્રમાણે રાષ્ટ્રીય દરજ્જામાં સમાવવામાં આવ્યું છે તેવી જ રીતે કરમસદને પણ સમાવી લેવામાં આવે. સરદાર પટેલનું સ્મારક, ઘર, શાળા બધાને સમાવી લેવામાં આવે. અમૃત યોજના ઘણી મોટી યોજના છે અને રાષ્ટ્રીય દરજ્જો મળતા આ યોજના હેઠળ ગામને સમાવી લેવામાં આવે તો ગામને દરેક લાભ મળતા થાય. આ પહેલાં મિશન યોજનામાં પોરબંદરને સમાવવામાં આવ્યંુ હતું. હવે અમૃત યોજનામાં સમાવી લેવામાં આવ્યું છે. કરમસદને પણ આ બેનિફિટ મળવા જોઈએ.’

સાંસદ દિલીપ પટેલ કહે છે, ‘સરદાર સાહેબ માટે કંઈક કરવાની ભાવના સાથે રાષ્ટ્રીય દરજ્જાની વાતને રજૂ કરવામાં આવી છે. ગાંધીજીના ગામમાં સરકારે બસોથી અઢીસો કરોડની યોજનાઓ આપી છે. સરદાર પટેલે પણ ગાંધીજીની જેમ જ દેશ માટે ઘણુ કર્યું છે. આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ પણ કરમસદ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. હું કરમસદનો વતની છું તેની સાથે સાંસદ પણ છું. આમ બંને વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવું છું.’

નગરપાલિકાના કાઉન્સિલર રશ્મિકાંત પટેલ કહે છે, ‘કરમસદ તેમની કર્મભૂમિ છે. જો તેને રાષ્ટ્રીય દરજ્જો મળે તો સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ મળી કહેવાય.’ સરદાર હિતરક્ષક સમિતિના પ્રમુખ જગદીશભાઈ પટેલ કહે છે, ‘અમારી લડત ચાલુ જ રહેશે. અમે સરદાર પટેલના વતનને રાષ્ટ્રીય દરજ્જો અપાવીને જ રહીશું. આ માટે અમે બધાએ સાથે મળી રજૂઆતો કરી છે. બેથી ત્રણ મહિનામાં તેનું પરિણામ આવવાની શક્યતા છે.’

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરીને વિશેષ દરજ્જો અપાયો છે ત્યારે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ઉત્તમ નેતૃત્વ કરી લડતને સફળતા અપાવી સરદારનું ઉપનામ મેળવનારા વલ્લભભાઈ પટેલના વતનને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યંુ.
————————.

કરમસદરાષ્ટ્રીય દરજ્જોહેતલ રાવ.
Comments (0)
Add Comment