ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાન – ઈશ્ક પણ શાયરી અને ફાંસી સાથે!

૧૯રપમાં સપ્ટેમ્બરનો અંત આવતાં તેના પર વૉરંટ નીકળ્યું

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

શાયરીનો ફાંસીના ઝૂલા સાથેનો પ્રિયાભાવ?

આપણો ઇતિહાસ તો એવા અગણિત પાનાં રચી ચૂક્યો છે- વસંતનો વિપ્લવી રાગ.

અઝીમુલ્લાખાન અઢારસો સત્તાવનનો શાયર-તંત્રી-વિપ્લવી. રામપ્રસાદ બિસ્મિલ ફાંસીની અંતિમ વેળાએ આત્મકથાકાર. સાવરકરની જનમટીપ એ કવિતા અને આત્મકથ્યનો એ અધ્યાય. સુભાષચંદ્ર બોઝ અને લોકમાન્ય ટિળકની ઉત્કૃષ્ટ રચનાઓનું સ્થાન માંડલે જેલ. ક્રાંતિથી યોગનો શ્રી અરવિંદનો પહેલો મુકામ અલીપુર જેલ. રાસબિહારી વિપ્લવ નેતા અને વિદ્વાન- બંને. સરદાર ભગતસિંહ અને સુખદેવ થાપર- બંને અનોખા ચિંતકો.

આમાં એક વધુ નામ અશફાકઉલ્લા ખાનનું. શાહજહાંપુરના અમીર પરિવારમાં તેનો જન્મ. મસ્તીભરી તરુણાઈ. નદીમાં સામા પૂરે તરવું. ઘોેડેસવારી કરવી, શિકારમાં નિપુણતા, પણ દેશ સૌથી પહેલો. રામપ્રસાદ બિસ્મિલનો પરિચય જ શાહજહાંપુરની એક સાંકડી ગલીના નિવાસે થયો ને પછી ‘બિસ્મિલ’ અને ‘અશફાક’ જિગરી દોસ્ત બની રહ્યા. એટલે સુધી કે ફાંસીને ફૂલમાળ ગણવામાંયે સાથે! ગૌરવરણો અશફાક તંદુરસ્ત યુવક હતો. શાળાના અભ્યાસ દરમિયાન અસહકારનો બૂંગિયો ફૂંકાયો એટલે અશફાકે અભ્યાસ છોડ્યો. પગપાળા ગામડે-ગામડે જઈને સ્વ-દેશની વાતો કરી, પણ અસહકાર આંદોલન તો પાછું ખેંચાયું. હવે?

દેશભક્તિની ક્યાં કોઈ સરહદ હોય છે? ક્રાંતિકારી દળમાં જોડાયા. દળમાં તેમને સહુ ‘કુંવરજી’ કહેતા. પોલીસ તો પાછળ હતી જ. રામપ્રસાદ બિસ્મિલની દોસ્તીને લીધે ગુપ્તચર તંત્ર આખું અશફાકની રજોરજ માહિતી માટે સક્રિય રહેતું. ૧૯રપમાં સપ્ટેમ્બરનો અંત આવતાં તેના પર વૉરંટ નીકળ્યું, પણ આ તો અશફાક! એમ કંઈ હાથ આવે? દિલ્હીમાં તેમની ધરપકડ થઈ. ઘર કો આગ લગ ગઈ, ઘર કે ચિરાગ સે! કાકોરીના એક અડીખમ ક્રાંતિકાર રામદુલારે ત્રિવેદીએ તેમના સંસ્મરણ પુસ્તકમાં લખ્યું છેઃ ‘૮ સપ્ટેમ્બર, ૧૯ર૬ના દિલ્હીમાં રહેનાર એક મહાન હિન્દી લેખક, લોહલેખિનીના ધનીની વિશેષ દયાથી પોલીસ અશફાકને પકડીને લઈ ગઈ.’

કોણ આ સાહિત્યકાર? અનેકોએ એક નામ તો લીધું જ છે તે યશપાલનું. બીજું કોઈ? જે હોય તે, આવાં નામો ગુમનામ થાય તે જ સારું. ગિરફતારી પછી અશફાક પર જુલમ શરૃ થયા. કાકોરી કાંડના ઇન્ચાર્જ સી.આઈ.ડી. ઓફિસર તસદુક હુસેને અશફાકને કહ્યું, ‘આપણા ખાનદાની સંબંધો છે. હું અને તું બંને મુસલમાન છીએ. ‘કાફર’ તો આર્યસમાજી બિસ્મિલ છે. તારે આપણા મઝહબ-વિરોધીને સાથ આપવો જોઈએ નહીં. મારું કહ્યું માની જા અને બધી માહિતી આપી દે.’ અશફાકનો ચહેરો લાલઘૂમ ઃ ‘હવે પછી આવી વાત કરવા આવશો નહીં. બિસ્મિલ તો સાચો હિન્દુસ્તાની છે. મુલ્કને ગુલામીથી છોડાવવાનો અમારો ઇરાદો છે.’

પહેલા દિવસે અદાલતમાં ન્યાયાધીશ સઈદ અઈનુદ્દીનને પૂછ્યું – મને ઓળખો છો? પેલો તો સ્તબ્ધ! હસીને અશફાક કહે ઃ ‘આ પહેલાં તમે જેટલા ક્રાંતિકારીઓના મુકદ્દમા ચલાવ્યા ત્યારે છૂપાવેશે હું અહીં બેસતો!’

૧૯પ પાઉન્ડનું વજન. ખૂબસૂરત નવયુવક. સેન્ટ્રલ જેલમાં તો તે સૌનો લાડકો બની ગયો! મુકદ્દમો પૂરો થયો, કેટલી સજા? ત્રણ ફાંસી અને બે કાળાપાણી! ફાંસીના એક દિવસ પહેલાં કેટલાક દોસ્તો તેને મળવા જેલમાં પહોંચ્યા. ખુશખુશાલ અશફાકે સ્નાનાદિ કરીને સજ્જ થયો હતો. કહે, ‘કાલે સવારે મારી શાદી છે. દુલ્હો બરાબર શોભે છે ને?’ ૧૯ ડિસેમ્બર, ૧૯ર૭ની સવારે છ વાગે ફૈઝાબાદ જેલના ફાંસીઘરમાં તેને લઈ જવાયો. જન્મ્યો હતો ર૧ ડિસેમ્બર, ૧૯૦૦. શહાદત ૧૯ ડિસેમ્બર, ૧૯ર૭. બે દિવસ પછી તેનો જન્મ દિવસ હતો! ‘વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૃબ હશે કો માતા, એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા…’ મેઘાણીની ‘કોઈનો લાડકવાયો’ ગીતની આ પંક્તિ અશફાકને ય લાગુ પડતી હતી. માથા પર લાંબા ઓડિયા વાળ, ચહેરા પર મુસ્કુરાહટ, સાફ સુથરા કુરતા ઉપર કુરાને શરીફ અને ફાંસી વખતે પોતાનો જ શેરઃ

તંગ આકર હમ ભી ઉન કે જુલ્મ સે બેદાદ સે;
ચલ દિયે સૂયે અદમ જિન્દાન-ફૈઝાબાદ સે!

ફના હૈ સબ કે લિયે હમ યે કુછ નહીં મોકૂફ.
બકા હૈ એક ફક્ત જાતે-કિબ્રિયા કે લિયે!

ફાંસી પછી ફૈઝાબાદથી શાહજહાંપુર મૃતદેહ લઈ જવાનો હતો. લખનૌ સ્ટેશન પર ભારી ભીડ- ‘પ્રતાપ’ના તંત્રી ગણેશ શંકર વિદ્યાર્થી પોતે આવ્યા, કેમેરામાં તસવીર લીધી તે અશફાકની અંતિમ નિદ્રાના સ્મિતની એકમાત્ર તસવીર છે! શાહજહાંપુરમાં અશફાકની કબર પણ ગણેશશંકર વિદ્યાર્થીએ બનાવડાવી હતી.

અશફાક શાયર હતા, ‘હસરત’ તખલ્લુસથી લખતા. કેટલીક રચનાના આ અંશો-

ન કોઈ ઈંગલિશ, ન કોઈ જર્મન ન કોઈ રશિયન, ન કોઈ તુર્કી-
મિટાનેવાલે હૈં અપની હિન્દી જો આજ હમ કો મિટા રહે હૈં!

સુનાયે ગમ કી કિસે કહાની હમેં તો અપને સતા રહે હૈં
હંમેશાં વો સુબહ-શામ દિલ પર સિતમ કે ખંજર ચલા રહે હંૈ

વહ રંગ અબ કહાં હૈં નસરીનો- નસ્તરન મેં
ઉજડા હુઆ પડા હૈ ક્યા ખાક હૈં વતન મેં!

મોત ઔર જિન્દગી હૈં દુનિયા કા ઈક તમાશા,
ફરમાન કૃષ્ણ કા થા અર્જુન કો બીચ રન મેં!

ખુદા વાકિફ હૈ જૈસી ભી ગુજરતી હૈં, ગુજરતી હૈ
સુનોગે દાસ્તાં ક્યા યાર  તુમ બીમારે- હિજરા કી!

બુઝદિલોં કો હી સદા મૌતસે ડરતે દેખા,
ગો કિ સૌ બાર ઉન્હેં રોજ હી મરતે દેખા

મૌત સે વીર કો હમને નહીં ડરતે દેખા,
તખ્તા-એ-મૌત પર ભી ખેલ હી કરતે દેખા

મૌત ઈક રોજ જબ આની હૈં, તો આની હૈ
ફિર ઉસ સે ડરના કયા હૈં? હમ સદા ખેલ હી સમજા

કિયે મરના કયા હૈં? વતન હંમેશાં રહે શાદકામ
ઔર હો આઝાદ હમારા ક્યા હૈ, અગર હમ રહે, ના રહે!

તેણે છેલ્લો સંદેશો આપ્યો હતો, ભારતવાસીઓને – ‘ભારતમાતાના મંચ પર અમે અમારી ભૂમિકા અદા કરી ચૂક્યા છીએ. ગલત કે સાચું- અમે જે કાંઈ કર્યું તે આઝાદીની ભાવના માટે કર્યું છે. આપણા પોતાના લોકો અમારી નિંદા કરે કે પ્રશંસા, પણ આપણા દુશ્મનોએ તો અમારા સાહસની પ્રશંસા કરવી પડી છે. અમે તો મુલ્કમાં આઝાદી માટેની ક્રાંતિ કરવા માંગતા હતા. ન્યાયાધીશોએ અમોને નિર્દય, બર્બર, મનુષ્યનાં કલંક- વગેરે ગણાવ્યા છે. આપણા શાસકોએ જનરલ ડાયરના હાથે નિશસ્ત્રો પર ગોળી ચલાવી હતી- બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પર. ન્યાયના આ ઠેકેદારોએ તેમના ડાયર વિશે કેમ કશું કહ્યું નથી? હિન્દુસ્તાની ભાઈઓ! તમે ગમે તે મઝહબમાં માનતા હો, દેશ માટે- મુલ્ક માટે- આગળ આવો ઃ આ મુલ્કના સાત કરોડ મુસલમાનોમાં હું પ્રથમ મુસલમાન છું- જે આઝાદી માટે ફાંસીએ ચઢી રહ્યો છે. મને તેનું ગૌરવ છે… હિન્દુસ્તાન ઝિંદાબાદ!’

શાયરની શાયરી અને ક્રાંતિ-ભાવના કેવા તેજસ્વી હોય છે તે અશફાકઉલ્લાની શહાદત પ્રમાણ છે.
(ક્રમશઃ)

————————————–.

ભારતની આઝાદીના લડવૈયા તેમના અંગત જીવનમાં પણ પ્રેમપ્રસંગો બનેલા. આવા અગણિત પાત્રોની રિયલ સ્ટોરી ‘અભિયાન’માં નિયમિત રીતે ‘ક્રાંતિપથ પર પ્રણયના ફૂલ’ કોલમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા લખી રહ્યા છે. આપ આ પ્રસંગો નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

ક્રાંતિપથ પર પ્રણયના ફૂલક્રાંતિવીરોપદ્મશ્રી વિષ્ણુ પંડ્યાપ્રયણપ્રસંગો
Comments (0)
Add Comment