એક IPSએ રાશન પોર્ટેબિલિટી સ્કીમ લોન્ચ કરી
આપણા દેશમાં આઈપીએસ ઓફિસરનું સર્વપ્રથમ કામ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોય છે, પરંતુ તેલંગણાના એક આઈપીએસ ઓફિસર આઈએએસ ઓફિસરની કામગીરીને લઈ ચર્ચામાં છે. આ ઓફિસરની પહેલ બાદ ૨૦૧૭માં હૈદરાબાદમાં રાશન પોર્ટેબિલિટી સ્કીમ (કોઈ પણ સ્થળેથી રાશન મેળવવાની સુવિધા) દાખલ કરવામાં આવી હતી. ૧ એપ્રિલ, ૨૦૧૮થી તો સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળેથી કોઈ પણ ગ્રાહક રાશન ખરીદી શકે તેવી સુવિધાનો અમલ પણ શરૃ કરી દેવામાં આવ્યો છે. આ યોજનાને દાખલ કરાવનારા આઈપીએસ ઓફિસર અને રાજ્યના નાગરિક પુરવઠા કમિશનર સી.વી. આનંદ કહે છે, ‘આ યોજનાએ રાશન ડીલર્સ વચ્ચે સ્પર્ધા ઊભી કરી છે, જેનો નાગરિકોને સારી સેવાઓ સ્વરૃપે લાભ મળી રહ્યો છે.’ પરંપરાગત રીતે રાજ્યના નાગરિક પુરવઠા કમિશનરની પોસ્ટ આઈએએસ ઓફિસર માટે રિઝર્વ રાખવામાં આવી છે, પરંતુ આ વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ મુખ્યમંત્રીએ આઈપીએસ આનંદની આ પોસ્ટ પર ખાસ નિમણૂક કરી તેમને વિશેષ જવાબદારી સોંપી હતી. જવાબદારી સંભાળ્યા બાદ તેમણે વિશેષ ટીમો બનાવી ભ્રષ્ટાચાર આચરી રહેલી રાઈસ મિલો અને સસ્તા અનાજની દુકાનો પર રેડ કરવાની શરૃ કરી. આથી રાજ્યની તિજોરીને થઈ રહેલું ૧૨૦૦ કરોડ રૃપિયાનું નુક્સાન અટક્યું છે. એટલું જ નહીં, ખામીવાળા રેશનકાર્ડનું પ્રિન્ટિંગનું કામ રોકી દઈ ૬ કરોડ રૃપિયાની ગેરરીતિ થતાં અટકાવી છે. આ યોજના થકી ૨.૭૫ કરોડ નાગરિકોને તેનો લાભ મળવાનો અંદાજ છે. આ યોજનાની સૌથી મહત્ત્વની ખાસિયત એ છે કે ગ્રાહક રાજ્યની કોઈ પણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશન ખરીદી શકે છે. રાજ્યમાં ૮૫ લાખ રેશનકાર્ડ હોલ્ડર્સ છે. જેમને ૧૭૦૦૦ સસ્તા અનાજની દુકાનો સાથે આધારના માધ્યમથી લિંક કરવામાં આવ્યા છે. ગ્રાહકો ટી-રાશન એપ થકી નજીકની સસ્તા અનાજની દુકાનને લોકેટ કરી શકે છે. ગ્રાહક જેવો પોતાનો ક્વોટા ઉપાડે કે તરત જ તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે. આ આખી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિને કોઈ જ અવકાશ રહેતો નથી. રાશન પોર્ટેબિલિટી સ્કીમ આ પ્રકારની દેશની પ્રથમ યોજના હોવાનું તેલંગણા સરકારનું કહેવું છે.
—————————————-.