દલિતો પ્રત્યે રાજકારણીઓનો દંભ ઉઘાડો પડી રહ્યો છે

દલિતોના ઘરે ભોજનના તાયફા કરતા નેતાઓ

રાજકાજ

રાજકારણીઓના દંભ અને દેખાડા પરાકાષ્ટાની કોઈ ક્ષણે ખુલ્લા પડી જતા હોય છે. દલિતોના ઘરે ભોજનના તાયફા કરતા નેતાઓની નૌટંકીનું પણ આવું જ થયું છે. દલિતો પ્રત્યેની વાસ્તવિક સંવેદનશીલતાના અભાવ સાથે માત્ર દુનિયા સામે દેખાડો કરવા માટે દલિતોના ઘરે ભોજનના કાર્યક્રમો ગોઠવતા નેતાઓ આવા દંભથી ત્રસ્ત બનીને તેમના વાસ્તવિક સ્વરૃપે પ્રગટ થઈ રહ્યા છે. ઉમા ભારતીને દલિતના ઘરે ભોજન માટે જવાનું રૃચ્યું નહીં એટલે તેમનો ઇનકાર પણ કડવી વાણીમાં પ્રગટ થયો. તેમણે કહ્યું કે, ‘હું કોઈ રામ થોડી છું કે દલિતો સાથે ભોજન કરવાથી તેઓ પવિત્ર થઈ જાય.’ ઉમા ભારતી સંન્યાસિની છે. તેમણે વિધિવત્ દીક્ષા લીધી છે. પવિત્રતાની વાત જવા દઈએ, પણ દલિતોના ઘરે તેઓ ભોજન કરે તો તેનાથી સમાજમાં સમરસતાનો સંદેશો સુદૃઢ રીતે ફેલાવાની સંભાવના તો ખરી જ. તેઓ સંન્યસ્ત જીવનનું કર્તવ્ય ભૂલ્યાં છે. સંન્યાસીના જીવનમાં અને વ્યવહારમાં માનવ માત્ર પ્રત્યે સમ્યક દૃષ્ટિ હોવી જોઈએ. ઊંચ-નીચ, જાતિ-જ્ઞાતિના ભેદ તો તેમને મન ભૂંસાઈ જવા જોઈએ. કદાચ તેઓ હજુ સાચા અર્થમાં સંન્યસ્ત જીવન અંગીકાર કરી શક્યા નથી. સંન્યસ્ત જીવનનો આવો જ બોધ સ્વામી વિવેકાનંદને ખેતડીના રાજદરબારમાં એક નર્તકીનાં ભજન-ગીતથી સાંપડ્યો હતો. ઉમા ભારતીને સંન્યસ્ત જીવનની સમ્યક દૃષ્ટિ હજુ સાંપડી નથી. રાજકારણીઓ તો રાજકીય સ્વાર્થ માટે દલિતોના ઘરે ભોજનના કાર્યક્રમ ગોઠવે છે. તેમને આવા કાર્યક્રમની પ્રસિદ્ધિમાં વધારે રસ હોય છે. નેતા કોઈ પણ પક્ષના હોય – આ બાબતમાં બધાને એક જ પંગતમાં બેસાડી શકાય તેવા છે. અન્ય એક રાજકારણીએ દલિતના ઘરે ભોજન તો કર્યું પણ કોઈ હોટલ કે કેટરર્સે બનાવેલા ભોજનને મંગાવીને ભોજન કર્યું. મતલબ, માત્ર ભોજન માટેનું સ્થળ બદલાયું હતું. રાજકારણીઓ ખોટી ભ્રમણામાં રાચે છે, દલિતો જ નહીં, બલ્કે લોકો પણ તેમના આ દંભને જાણતા હોય છે. એ સ્થિતિમાં આવા નાટકની સામાજિક કે રાજકીય અસર તેમને માટે લાભકારક બને જ નહીં. માત્ર ભોજન જ શા માટે, દલિતો સાથે વ્યવહારમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. દલિતો સાથે ભોજનના આવા વ્યક્તિગત અને સામૂહિક કાર્યક્રમો આજકાલના નહીં, સ્વાતંત્ર્ય પૂર્વથી ચાલતા રહ્યા છે. એટલા માત્રથી જો દલિતોનો ઉદ્ધાર થવાનો હોત તો ક્યારનોય થઈ ગયો હોત. દલિતો સાથે ભોજનના આવા દંભને બદલે સાચા અર્થમાં સંવેદનશીલતા દાખવવા સાથે તેમના પ્રત્યેના સમગ્ર દૃષ્ટિકોણને બદલવાની આવશ્યકતા છે.

——————-.

રાજકાજ
Comments (0)
Add Comment