લેખકની દશા…(હાસ્ય લેખ)

આ ભાઈ શહેરના ઘડીક ઊગતા ને ઘડીક આથમતા લેખક હતા

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

લેખકની દશા

એક શહેરના જાણીતા ચાર રસ્તાને એક કિનારે ફૂટપાથ પર એક સજ્જન દેખાતા ભાઈ, પોલીસની પરવાનગીથી એક ટેબલની સામે ખુરસી ગોઠવીને સવારથી ગોઠવાઈ ગયેલા. ટેબલ ઉપર થોડાં પુસ્તકો, થોડી છાપાંની થપ્પીઓ અને પેન-પેપર વ્યવસ્થિત ગોઠવીને મૂકેલાં દેખાતાં હતાં. આ ભાઈ શહેરના ઘડીક ઊગતા ને ઘડીક આથમતા લેખક હતા. પોતાના લેખનના પ્રચારના દરેક શક્ય રસ્તાઓ નાકામ ગયા પછી છેલ્લા ઉપાય તરીકે એમને સહેલો લાગેલો આ રસ્તો એમણે અપનાવ્યો હતો.

‘ઓ ભાઈ! જરા એક નજર અહીં પણ નાંખતા જજો.’ જતી આવતી ભીડને ઉદ્દેશીને કરાતો એ હૃદયદ્રાવક પોકાર સાંભળીને કોઈનું પણ દિલ દ્રવી જાય ને બે નહીં તો એક ઘડી પણ કોઈનેય ત્યાં ઊભા રહેવાનું મન થઈ જાય. પણ રે લેખકની કિસ્મત! પાપી કે પવિત્ર પેટને ખાતર સવારથી દોડતી ભાગતી ભીડને એવી એકાદ નજર નાંખવીય પોસાતી નહીં. ક્યાંથી પોસાય? બીજા, ત્રીજા ને ચોથા ચાર રસ્તેય કોઈ લેખક કે કવિનો એવો આર્તનાદ સંભળાયો તો? ઑફિસમાં પોતાનો આર્તનાદ કોણ સાંભળશે? એ બીકે જ દરેક રાહદારી પોતાના દિલમાં કલાકાર પ્રત્યે સંપૂર્ણપણે સહાનુભૂતિ ને દયા-માયા ધરાવતો હોવા છતાં, જોયું ન જોયું કરીને એક નજર નાંખવાનું પણ ટાળી જતો.

જેમ-તેમ પાંચેક મિનિટની જાહોજલાલીવાળા કોઈ ભાઈ ત્યાં પહોંચી જતા તો લેખકનો ચહેરો ભર તડકામાંય, સવારના કુમળા તડકામાં મજાની ચા પીને ફ્રેશ થયો હોય એવો ચમકવા માંડતો. પેલા ભાઈ કંઈ પૂછે તે પહેલાં જ (એમનો સમય બચાવવા સ્તો) લેખક હરખના માર્યા બોલવા માંડતા, ‘આવો ભાઈ, ભલે પધાર્યા. મારા લેખનની દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે. જુઓ, આ પેપરમાં મારો ઓગણીસસો ચોર્યાસીમાં ‘જનતા શાની જનાર્દન?’ પર લેખ આવેલો, આ પેપરમાં ‘દુનિયા આવી કેમ?’ લેખ આવેલો, ‘હું કેમ લખ્યા જ કરું છું?’ લેખ તો મારો સર્વાધિક પ્રિય છે’. પેલા ભાઈને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વગર લેખક પોતાની સંગ્રહ-સંઘર્ષકથા ચાલુ રાખે અને જુદાં-જુદાં બે ચાર પેપર પતે પછી એક પુસ્તક બતાવે, ‘જુઓ, આ આપણા મોટા લેખકના લેખોનું સંપાદન છે તેમાં ફલાણા લેખમાં મારી એક લીટી લીધી છે. હું તો ધન્ય થઈ ગયો. મારી પાસે આ પુસ્તક વહેંચતાં વહેંચતાં હવે પાંચ જ કોપી વધી છે. આ તમે લઈ જાઓ. તમે મારી વાતોમાં (મારી ઉપર દયા ખાઈને) આટલો રસ લીધો એટલે તમને એકદમ ફ્રી. લ્યો, હું તમને આગલા પાને મારા હસ્તાક્ષર પણ કરી આપું.’

‘સોરી ભાઈ, હું તો ઇંગ્લિશ મિડિયમમાં ભણ્યો છું ને મને તો ગુજરાતી વાંચતાંય નથી આવડતું. સાચું કહું તો આઈ હેઈટ ગુજરાતી. પણ શું છે કે, તમારી પાસે પેન જોઈ ને એટલે બે મિનિટ જરા મારે પેનનું કામ છે તે હું પેન માગવા આવ્યો છું. પ્લીઝ, તમારી પેન આપજો ને.’ બાપડા લેખકને એ સમયે શું થયું હશે? એમને ચક્કર આવ્યા હશે? એમનું મોં તડકાને બદલે ગુસ્સાથી લાલચોળ થયું હશે? પેલા ભાઈને કૉલરેથી પકડીને ભર ચાર રસ્તે ખખડાવવાનું કે ધધડાવવાનું મન થયું હશે? ના, કંઈ નહીં. એ સજ્જન લેખકે પેન આપીને ફિક્કું સ્માઇલ કર્યું હશે. બીજું શું કરી શકે? જેમતેમ હાથ આવેલો એક બકરોય ઇંગ્લિશ ભણેલો નીકળ્યો તેના અફસોસમાં પરસેવા સાથે આંસુય વહાવી દીધાં હશે.

તોય હિંમત હારે તે લેખક નહીં. આ દુનિયામાં લેખક ‘ને કવિની જમાત ભારે મહેનતુ. કરોળિયાને ગુરુ માનીને લખવા પર મંડ્યા જ રહે. એમને તો રાત કે દિવસનોય ક્યાં બાધ હોય? ઊંઘમાંથી ઝબકીને જાગીનેય લખે ને ઝોકાં ખાતાંય લખે! વાત કરતાંય લખે ને વાત સાંભળતાંય લખે. કોઈના લખાણમાંથી જોઈનેય લખે ને બીજાનું પોતાના નામે કરીનેય લખે! બસ કોઈ પણ હિસાબે લખવું એ જ ધરમ. કોઈ નિસ્પૃહ ને સહનશીલ જાત હોય તો એ આ જાત છે એમાં ના નહીં. કોઈ વાંચે કે ના વાંચે તોય લખવું, કોઈ છાપે કે ના છાપે તોય લખવું, લોક મશ્કરી કરે તોય લખવું અને લોક દયા ખાય તોય લખવું. આનાથી મોટો કયો ધરમ છે જે આ બધું શીખવે છે કે દુનિયાની પરવા કર્યા વગર તમારા ધ્યેયને નજર સામે રાખીને બસ મંડી રહો, મંડી રહો ને મંડી રહો? કોઈ નહીં.

પેલી એક પંક્તિ અર્ધીપર્ધી યાદ આવી છે, ‘જેની દિશા સાચી હોય છે એની દશા સારી નથી હોતી.’

—————–.

હાસ્ય લેખોનો રસાસ્વાદ માણવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો.

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment