- ભૂપત વડોદરિયા
સંસાર જેને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે એ નરેન્દ્રનાથ દત્ત જ્યારે એકવીસ વર્ષના યુવાન હતા ત્યારે તેમના કુટુંબ ઉપર ઓચિંતી એક મોટી આફત ઊતરી આવી.
નરેન્દ્રનાથ સ્નાતક થયા હતા અને કાયદાનો અભ્યાસ કરવા માગતા હતા. તેમના પિતા વિશ્વનાથ કલકત્તા હાઈકોર્ટમાં એક સફળ એટર્ની-એટ-લૉ હતા. કુટુંબના એ એકમાત્ર કમાનાર સભ્ય હતા. એ એક દિવસ ઓચિંતા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા.
નરેન્દ્રનાથનું કુટુંબ દારુણ ગરીબીના ખપ્પરમાં આવી પડ્યું. પિતા ઉદાર માણસ હતા. તેમણે ઘણાબધા સગાંસંબંધીઓને મદદ કરી હતી, પણ જ્યારે એમના મૃત્યુ પછી એમનું કુટુંબ ગરીબીનો સામનો કરવાની સ્થિતિમાં મુકાઈ ગયું ત્યારે તેમનાં કોઈ સગાંસંબંધી કશી જ મદદ કરવા આવ્યાં નહીં. લેણદારો રોજ તકાદો કરતા. જે મકાનમાં તેઓ રહેતા હતા તે મકાનમાંથી તેમને હાંકી કાઢવા સગાંવહાલાં તૈયાર થઈ ગયા! હવે કુટુંબના ભરણપોષણની બધી જ જવાબદારી નરેન્દ્રનાથના શિરે આવી પડી.
સ્વામી વિવેકાનંદે પોતાની જિંદગીના આ સૌથી વિકટ સમયનું વર્ણન કર્યું છે. વિવેકાનંદે કહ્યું છેઃ ‘પિતાના મૃત્યુના શોકનો સમય પૂરો થાય તે પહેલાં જ મારે તો નોકરીની શોધમાં જવું પડ્યું હતું. હું રોજ બપોરના તાપમાં એક હાથમાં અરજી લઈને એક પછી એક દફ્તર-કચેરીમાં ભટક્યા કરતો હતો. મારા એકબે નિકટના મિત્રોને મારા પ્રત્યે સહાનુભૂતિ હતી. નોકરીની શોધમાં હું નીકળતો ત્યારે કોઈ કોઈ વાર આ એકબે મિત્રો મારી સાથે આવતા, પણ દરેક જગ્યાએ મારા માટે બારણાં બંધ જ હતાં. જિંદગીની વાસ્તવિકતા સાથેનો આ મારો પ્રથમ પરિચય હતો અને મને લાગ્યું કે આ દુનિયામાં નિઃસ્વાર્થ સહાનુભૂતિ એક દુર્લભ ચીજ છે. નિર્બળ, નિર્ધન અને દુઃખી માણસ માટે ક્યાંય જગ્યા જ નથી. મેં જોયું કે થોડાક દહાડા પહેલાં જ જે લોકો મને મદદરૂપ થવામાં ગૌરવ અનુભવતા હતા તે હવે જાણે મારાથી મોં સંતાડતા હતા. મને મદદ કરવા માટે તેમની પાસે પૂરતાં સાધનો હતાં. આ બધું જોઈને મને કોઈ કોઈ વાર એવું લાગતું કે આ દુનિયા ઈશ્વરે નહીં, શયતાને બનાવેલી લાગે છે!
સ્વામી વિવેકાનંદને જે સવાલ જાગ્યો એ સવાલ આજે પણ લાખો જુવાનોને જાગે છે, પણ સ્વામી વિવેકાનંદ તો એક અવતારકાર્યના આત્મા હતા. એવું ભાગ્ય તો દરેકનું કે કોઈ પણ એકનું હોઈ ન શકે, પણ હરેક માણસ જેને એવું લાગે કે ઈશ્વર છે છતાં સંસારમાં આટલી પીડા અને અન્યાય કેમ? તો તેણે સ્વામી વિવેકાનંદની વાત સમજવા જેવી છે. સ્વામી વિવેકાનંદે કાલી માતા પાસે પોતાના માટે કશું માગ્યું નહીં – ત્રણ વાર દર્શન થયાં, પોતાની માતા અને ભાઈઓ માટે વધુ કંઈ નહીં તો દાળરોટીનું સુખ માગવાનું મન તેમને થયું હતું, પણ તે આવું માગી શક્યા નહીં. આટલી ક્ષુદ્ર માગણી અને તે જગતની માતા પાસે કરવાની? એક વાર તો તેમણે રામકૃષ્ણ પરમહંસને વિનંતી કરી – ‘મા પાસે મારા માટે કંઈક માગોને!’ રામકૃષ્ણ પરમહંસે કહ્યું – ‘નરેન, તું જ જાતે માગી લે ને માને તું જાણે છે. મા તને જાણે છે.’
પણ સ્વામી વિવેકાનંદે પોતાની દુઃખી માતા કે ભાંડુઓ માટે કંઈ માગ્યું નહીં. સ્વામી વિવેકાનંદનો સંદેશો એ છે કે નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો. ઈશ્વરને માત્ર મૂર્તિમાં ન જુઓ – મૂર્તિમાં ઈશ્વર છે અને જીવતાજાગતા માણસમાં ઈશ્વર નથી? ઈશ્વર તો સર્વત્ર છે – દરેક માણસ ઈશ્વરનો જ અંશ છે અને ઈશ્વરની સાચી ભક્તિ તે માણસની સેવા છે. દુઃખી માણસને સાંત્વન અને સહાય આપવા માટે જ ઈશ્વરના દૂત બનો. આ આખું વિશ્વ – સમગ્ર બ્રહ્માંડ – ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર ક્યાંય જુદો કોઈક રાજમહેલમાં સંતાઈને બેઠેલો મનસ્વી શાસક નથી.
સ્વામી વિવેકાનંદ માનવીની કરુણામાં પણ ઈશ્વરની કરુણા જુએ છે અને એમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર અને ચમત્કાર બંને જુએ છે. સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે કે માણસ જો માણસનું દુઃખ સમજે, તેને મદદ કરે તો આ પૃથ્વી પરથી ઘણાંબધાં દુઃખો અદ્રશ્ય થઈ જાય. આથી ઊલટું, આપણે જોઈએ છીએ કે માણસો ઈશ્વરનું નામ લઈને માણસને પીડા આપે છે, જુલમ કરે છે, રાજાનું નામ આગળ કરીને અત્યાચાર કરતા રાજાના કારભારીની જેમ.
———————–.
લાઇફ મોટીવેશન તેમજ ઇન્સપાયર્ડ થોટ્સ માટે ભૂપત વડોદરિયાના લેખો માંથી પસંદ કરાયેલા લેખો નિયમિત વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.