પ્રદેશ વિશેષઃ અહીં અનાથ બાળકોને અપાય છે મફત શિક્ષણ

અનાથ બાળકોને મફત શિક્ષણ - વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કચ્છી યુવતી

અહીં અનાથ બાળકોને અપાય છે મફત શિક્ષણ
અભ્યાસ કરવાની ઇચ્છા હોય, પરંતુ માતા-પિતાની છત્રછાયા ન હોય તો બાળક કેવી રીતે અભ્યાસ કરે. આવો વિચાર સમાજમાં જો દરેક વ્યક્તિને આવે તો કોઈ બાળક અનાથ પણ ન રહે અને એજ્યુકેશન પણ મેળવે. આણંદમાં કૉલેજ પૂર્ણ કરી આવો વિચાર કરનાર કિરણ સેનવાએ આવા બાળકો માટે એકેડમી શરૃ કરી છે. જેમાં અનાથ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ જે બાળકો પ્રજ્ઞાચક્ષુ છે તેમને પણ મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત બેટી બચાવો અને બેટી પઢાવો યોજના અંતર્ગત આ એકેડમીમાં દીકરીઓને ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવશે. જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૪૦ ટકા જેટલી રાહત આપવામાં આવશે. આજે મસમોટી ફી લઈને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા લોકો માટે આ એકેડમી ઉત્તમ ઉદાહરણ છે. આ વિશે કિરણ સેનવા કહે છે, ‘આ ગુજરાતની એકમાત્ર એવી એકેડમી છે જે વિદ્યાર્થીઓ માટે આવી સુવિધા પૂરી પાડે. બાળકો સારો અભ્યાસ કરશે તો જ આવનારા સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થશે. અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આ અનાથ બાળકોને અમૂલ્ય શિક્ષણ આપવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પણ પોતાની આવડતને આ એકેડમી દ્વારા વધુ નિખારી શકશે. આ ઉપરાંત પણ ટેટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરાવવામાં આવશે. અંગે્રજી વિષય શીખવવા સ્પોકન ક્લાસીસ પણ ચલાવાશે. દરેક વિદ્યાર્થીઓ માટે આ એક બેસ્ટ એકેડમી સાબિત થશે.’
———————————–.

કચ્છી યુવતી બની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર
આજે સામાન્ય રીતે લગભગ બધી જ વ્યક્તિ ફોટોગ્રાફી કરતી હોય છે. કેમેરો ન હોય તો મોબાઇલ તો હાથવગો જ હોય છે, પરંતુ ખરા ફોટોગ્રાફર બનવું મુશ્કેલ કામ છે. તેમાં પણ જંગલમાં સ્વૈરવિહાર કરતાં પશુ-પંખીઓના ફોટા પાડવા માટે તો કૌશલ્ય ઉપરાંત ધીરજ પણ ખૂબ જોઈએ. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે મોટા ભાગે પુરુષોનાં નામ જ સામે આવતાં હોય છે. આ ક્ષેત્રમાં મહિલાઓ બહુ ઓછી હોય છે. પરંતુ કચ્છમાં વનખાતામાં ફરજ બજાવતી એક યુવતી આ ક્ષેત્રે ધગશપૂર્વક આગળ વધી રહી છે.

માંડવી તાલુકાના ધુણઈમાં વનરક્ષક તરીકે ફરજ બજાવતી ત્રીસ વર્ષની ઊર્મિ ભરતભાઈ જાની નામની આ યુવતીએ કચ્છના જંગલમાં રખડતાં-રખડતાં અલભ્ય કહી શકાય તેવા પક્ષીઓના ફોટા પણ પાડ્યા છે. પોતાના આ શોખ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને જંગલ, વન્ય પ્રાણી-પક્ષીઓ કે ફોટોગ્રાફીનો પહેલાથી શોખ ન હતો, પરંતુ વનખાતામાં નોકરીએ લાગ્યા પછી ટ્રેનિંગ દરમિયાન પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જાણ્યું. રોજ જંગલમાં ફરતી વખતે અનેક પ્રાણી-પક્ષીઓ જોવા મળતાં હતાં, પરંતુ હું તો તેમના વિશે કંઈ જાણતી ન હતી. આથી જો તેમના ફોટા પાડ્યા હોય તો કોઈ પાસેથી તેમના વિશે વધુ જાણી શકાય તેમ લાગ્યું આથી મેં ફોટા પાડવાનું શરૃ કર્યું. હું અનેક વખત ફરજના ભાગરૃપે કે ક્યારેક માત્ર ફોટો પાડવાના ઉદ્દેશ્યથી જંગલમાં ફરવા લાગી. દીપડા જેવા વન્ય પ્રાણીને પણ મેં કેમેરામાં ક્લીક કર્યા છે. હવે તો જંગલમાં આવતાં પક્ષીઓના અવાજ પરથી તેમને ઓળખીને, ગોતીને તેના ફોટા પણ પાડું છું. મારી નોકરીએ મને એક એવા શોખની ભેટ ધરી છે કે જેને હું આજીવન ચાલુ જ રાખીશ.’

ઊર્મિ શિખાઉ ફોટોગ્રાફર હોવા છતાં અતિઅલભ્ય એવા પક્ષીનો ફોટો પાડવાનો રેકોર્ડ તેના નામે બોલે છે. કચ્છમાં ક્વચિત જ જોવા મળતાં હરિતનીલ માખીમાર નામનું પક્ષી ૧૯૯૯ બાદ ૧૭ વર્ષે ઊર્મિની નજરે પડ્યું હતું અને કેમેરામાં કેદ પણ થયું હતું. અત્યાર સુધી ત્રણ જ વખત પક્ષીનિરીક્ષકોએ આ પક્ષીને જોયાની નોંધ છે, પરંતુ તેનો ફોટો કોઈએ પાડ્યો ન હતો. ઊર્મિએ ચોમાસામાં ઇન્ડિયન પીતા નામના પક્ષીનો અવાજ સાંભળીને તે ઓળખીને તેને ગોતવા કલાકોની જહેમત ઉઠાવીને તેનો ફોટો પાડ્યો હતો, તો રાત્રી દરમિયાન હબાયની ડુંગરમાળામાં તેનો ભેટો દીપડા સાથે થતાં તે પણ કેમેરામાં કેદ થયો હતો. કચ્છ ઉપરાંત તેણે ગીર અને પોલોના જંગલમાં પણ ફોટોગ્રાફી કરી છે. તેને ભવિષ્યમાં ચિત્તાનાં બચ્ચાંનો માતા સાથે ફોટો પાડવાની ઇચ્છા છે. કુદરતપ્રેમી આ યુવતીનો બીજો શોખ લોન ટેનિસનો છે. વનખાતાની ઓલ ઇન્ડિયા સ્પોટ્ર્સ મીટમાં તેણે સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તો ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ વુમન્સ ઓપનમાં પ્રથમ આવી હતી. જોકે તેનો પ્રથમ પ્રેમ તો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી જ છે.

ગુજરાતમાં સાંપ્રત ઘટનાઓની રિપોર્ટિંગ સ્ટોરી વાંચવા આજે જ ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

——————————–.

પ્રદેશ વિશેષસુચિતા બોઘાણી કનરહેતલ રાવ.
Comments (0)
Add Comment