રાજકાજઃ અફઘાનમાં ચીન-ભારત સહયોગ, પાક.ને ચેતવણી

નર્મદા પરિક્રમા પછી દિગ્વિજયસિંહ રાજકારણમાં સક્રિય

રાજકાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ચીનની અનૌપચારિક મુલાકાતની ફલશ્રુતિ અંગે ચર્ચા ચાલે છે ત્યારે ટીકાનો એક સ્વર એવો સાંભળવા મળે છે કે બંને દેશના નેતાઓ ચોવીસ કલાકમાં છ વખત મળ્યા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આવી ટીકા કરનારાઓ એક વાત ભૂલી જાય છે કે અનૌપચારિક મુલાકાતમાં ઔપચારિક મુલાકાત જેવો કોઈ નિશ્ચિત એજન્ડા, કોઈ કરાર કે સંયુક્ત નિવેદન જેવી ઔપચારિકતાઓની અનિવાર્યતા હોતી નથી. બંને દેશના નેતાઓ પરસ્પર હિતના અનેક મુદ્દાઓ પર મુક્ત રીતે વાતચીત કરીને કોઈક સ્તરે સહમતી સુધી પહોંચવાના પ્રયાસ કરે છે. કોઈ નિશ્ચિત એજન્ડા ન હોવા છતાં વાતચીત માટેની ભૂમિકા તો હોય જ છે અને એટલે બંને નેતાઓએ એ માટેની તૈયારી પણ કરી જ હોય છે. ઔપચારિક શિખર સંમેલન તો અનેક પ્રકારના દબાણ વચ્ચે યોજાતા હોય છે અને તેમાં અમલદારશાહીની મોટી ભૂમિકા હોય છે. એ મુલાકાતમાં સત્તાવાર સમજૂતી, કરાર, ઘોષણાઓ અને સંયુક્ત નિવેદનની કવાયત થાય છે. જ્યારે અનૌપચારિક મુલાકાત એ બંને દેશના વડાઓના પારસ્પરિક વ્યક્તિગત સંબંધના એક સ્તરની પરિચાયક હોય છે.

મોદીએ અનેક દેશના વડાઓ સાથે આ પ્રકારના સંબંધ વિકસિત કર્યા છે અને તેમની સાથે ગમે ત્યારે ફોન પર વાતચીત કરી શકે છે. આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત થયા પછી વિશ્વના એક શક્તિશાળી નેતા તરીકે ઉપસી આવ્યા છે અને ભારતે લાંબા ગાળાનાં હિતોને લક્ષમાં રાખીને ચીન સાથેના સંબંધોને પરિભાષિત કરવાના છે. એ સંજોગોમાં મોદીના નેતૃત્વમાં અજિત ડોભાલ, સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારામન વગેરેએ ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં નવી ઊંચાઈ સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. બંને દેશો એકબીજાની ક્ષમતા અને શક્તિને સમજી-પરખીને પરસ્પર સહયોગથી કામ કરવા સજ્જ થાય એ દિશામાં મોદીની આ ચીન મુલાકાતે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ડોકલામમાં ચીનને જવાબ દેવાને બદલે મોદી ચીનને ઘૂંટણિયે પડી ગયા એવી ટીકા કરવી મુત્સદીગીરીની બાબતમાં તદ્દન નાસમજી અને બાલિશ ટીકા છે. ડોકલામ વિસ્તારમાં ચીન પોતાના ક્ષેત્રમાં જે નિર્માણ કરતું હોય તે, પરંતુ અગાઉ સર્જાયો હતો એવો કોઈ વિવાદ ફરી ડોકલામમાં ન સર્જાય એવી સંમતિ આ અનૌપચારિક ચર્ચામાં સધાઈ છે. પોતપોતાના ક્ષેત્રમાં નિર્માણ કાર્યને લાગેવળગે છે ત્યાં સુધી હવે ભારત પણ એ ક્ષેત્રમાં સુવિધાઓ નિર્માણ કરવા તત્પર બન્યું છે. ચીન સમક્ષ ભારત દ્વારા ઘૂંટણ ટેકવવાની વાત પણ ખોટી છે. સાચી વાત એ છે કે અફઘાનિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટને યોગ્ય રીતે આગળ ધપાવવા માટે ચીને ભારતની મદદ માગી છે. મુત્સદીગીરીના જાણકારોના કહેવા પ્રમાણે ચીન આતંકવાદને કારણે અફઘાનિસ્તાનમાં તેના આર્થિક પ્રોજેક્ટ શરૃ કરતાં હિચકિચાટ અનુભવે છે. ત્યાં તેને ભારત જેવા વિશ્વસનીય સાથીની જરૃર છે. એ માટે ચીને રીતસર ભારતની મદદ માગી છે. કેમ કે અફઘાનિસ્તાનમાં ભારતના અનેક પ્રોજેક્ટ કાર્યરત છે અને આગળ ધપી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારત-ચીનનો સહયોગ પાકિસ્તાનને માટે શિરદર્દ બની રહેશે.

પાકિસ્તાન માટે એ એક પ્રકારે પરોક્ષ ચેતવણી પણ છે એવું પૂર્વ વિદેશ શશાંક કહ્યું છે. અફઘાનિસ્તાનમાં ભારત બસો સરકારી અને ખાનગી શાળાઓનું નિર્માણ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના એક હજાર વિદ્યાર્થીઓને ભારત સ્પોન્સર કરે છે. અફઘાનિસ્તાનમાં ભારત પાંચમા નંબરનો સૌથી મોટો રોકાણકાર દેશ છે. અફઘાનિસ્તાનમાં ભારત-ચીનની સંયુક્ત આર્થિક યોજનાની દરખાસ્ત એ મોદી-જિનપિંગ વચ્ચેની અનૌપચારિક મુલાકાતની સૌથી મોટી સફળતા છે. ૨૦૧૩ની સાલમાં પણ આવી દરખાસ્ત આવી હતી, પરંતુ વાત આગળ વધી ન હતી. પૂર્વ રાજદૂત જી. પાર્થસારથિના કહેવા પ્રમાણે ચીને અફઘાનિસ્તાનમાં કોપર માઇન પ્રોજેક્ટ લીધો હતો, પરંતુ પંદર વર્ષમાં એક પૈસાનું કામ પણ કરી શકાયું નહીં. ચીન હવે ત્યાં ભારત સાથે કામ કરવા માગે છે તેનું મોટું કારણ એ છે કે તેને અફઘાનિસ્તાનમાં સૌથી સારી ઇમેજ ધરાવતો સાથી મળશે. જિંગપિંગ સાથેની આ અનૌપચારિક મુલાકાત દરમિયાન કૃષિ, ઊર્જા અને પર્યટન ક્ષેત્ર અંગે પણ ચર્ચા થઈ હતી. બંને દેશો સાથે મળીને વૈશ્વિક સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે એ  વાતની પ્રતીતિ ભારતના વડાપ્રધાને છેલ્લાં બે હજાર વર્ષના ઐતિહાસિક તથ્યોના આધારે કરાવી હતી. અનૌપચારિક મુલાકાતના પરિણામ ભલે તત્કાલ જોઈ ન શકાય, પરંતુ બંને દેશોના લાંબાગાળાનાં હિતોની દષ્ટિએ એ ઘણી વખત લાભદાયક બની રહે છે.
———————.

નર્મદા પરિક્રમા પછી દિગ્વિજયસિંહ રાજકારણમાં સક્રિય
કોંગ્રેસના મોવડીઓ ભલે ગમે તેટલા દાવાઓ કરતા હોય, પરંતુ મધ્યપ્રદેશ કોંગ્રેસની આંતરિક જૂથબંધીનો હજુ અંત આવ્યો નથી અને નજીકના ભવિષ્યમાં અંત આવવાની શક્યતા પણ નથી. રાજ્યના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ દિલ્હીના કોંગ્રેસ દરબારમાં પણ એટલું જ વજન ધરાવે છે. તેમણે હમણાં જ ૩૩૦૦ કિલોમીટરની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમાને કારણે તેઓ ઘણા સમયથી રાજકીય પ્રવૃત્તિથી અલિપ્ત જણાતા હતા, પરંતુ હવે તેઓ ફરી મેદાનમાં આવી ગયા છે અને પક્ષમાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. અલબત્ત, તેમની નર્મદા પરિક્રમા પૂર્ણ થતાં સુધીમાં કોંગ્રેસના સુકાની બદલાઈ ગયા છે અને હવે રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ છે. દિગ્વિજયસિંહ એક સમયે રાહુલના સલાહકાર હતા અને રાહુલ તેમની દરેક વાત માનતા હતા. કમસે કમ તેમણે એવી છાપ ઊભી કરી હતી. હવે નવા માહોલમાં એવો પ્રશ્ન પૂછાય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસના આંતરિક સંઘર્ષમાં દિગ્વિજયસિંહ શું કરશે? તેઓ રાજકારણના જૂના ખેલાડી છે. જ્યોતિરાદિત્યને મુખ્યપ્રધાનપદના કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ સ્વીકાર નહીં કરે એવું માનવામાં આવે છે. દિગ્વિજયસિંહ ખુદ એ પદ માટેના દાવેદાર છે અને બીજા દિગ્ગજ નેતા કમલનાથ પણ રાજ્યના મુખ્યપ્રધાન બનવા ઇચ્છે છે. તેમને હવે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે એટલે સિંધિયાનું સમર્થન કરવાની વાત કરે છે, પરંતુ જો દિગ્વિજય અને કમલનાથની જોડી હાથ મિલાવશે તો સિંધિયાને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર બનાવવાનું રાહુલ માટે સરળ નહીં હોય. કોંગ્રેસના આ આંતરિક સંઘર્ષને કારણે જ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને એવું લાગે છે કે રાજ્યમાં ભાજપ ચોથી વખત વિજય મેળવશે!
———————.

કર્ણાટકની ચૂંટણીમાં જનતા દળ (એસ)ની ડબલ ગેમ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે કે કેમ એ વિશે પ્રદેશ ભાજપમાં જ સંશયની સ્થિતિ પ્રવર્તે છે. કોંગ્રેસ જોકે આ બાબતે નિશ્ચિંત અને ઉત્સાહિત છે, પરંતુ કેટલાક રાજકીય પંડિતો એવું માને છે કે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે અને એચ.ડી. દેવગૌડાનો પક્ષ જનતા દળ (એસ) કિંગમૅકરની ભૂમિકામાં આવશે. આવી સંભાવનાને લક્ષ્યમાં રાખીને જ ભાજપના અગ્રણી અનંતકુમાર આણી કંપની જનતા દળ (એસ)ના નેતા કે. કુમારસ્વામી સાથે ગોષ્ઠી કરી રહી છે. કહે છે કે આ બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે તાજેતરના દિવસોમાં બેઠકોના અનેક દોર થઈ ચૂક્યા છે. જોકે આ બેઠકોનું કોઈ નક્કર પરિણામ હજુ સુધી આવ્યું નથી. કારણ એ છે કે કુમારસ્વામી પોતાના પક્ષની કિંગમૅકરની સંભાવનાને સમજીને આ સ્થિતિનો મહત્તમ લાભ લેવાનું વિચારી રહ્યા છે. તેઓ વિચારે છે કે બીજાને મુખ્યપ્રધાન બનાવવા માટે સમર્થન આપવાને બદલે તેઓ ખુદ જ મુખ્યપ્રધાનપદના દાવેદાર બની જાય તો! મતલબ મુખ્યપ્રધાન જનતા દળ (એસ)ના હોવા જોઈએ. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં કુમારસ્વામીની સ્વાભાવિક પસંદગી ભાજપને સમર્થન આપવાની હશે કેમ કે તેમના પિતા દેવગૌડા અને કર્ણાટકના કોંગ્રેસી મુખ્યપ્રધાન સિદ્ધરમૈયા વચ્ચે છત્રીસનો આંકડો છે, બંને વચ્ચે કોઈ મનમેળ નથી. દેવગૌડા જાહેરસભાઓમાં એવું કહેવાનું ચૂકતા નથી કે સિદ્ધરમૈયા તેમની ઇમેજ ખરાબ કરવા ઇચ્છે છે. દેવગૌડાની નારાજીનું એક કારણ એ છે કે સિદ્ધરમૈયાએ મુખ્યપ્રધાન બન્યા પછી કર્ણાટકની તમામ સરકારી કચેરીઓમાં જ્યાં દેવગૌડાની તસવીરો હતી એ ઉતરાવી લીધી. દેવગૌડા કહે છે કે હું એક માત્ર એવો વડાપ્રધાન રહ્યો કે જે કર્ણાટકનો હોય.

જોકે દેવગૌડાના જૂના મિત્ર શરદ યાદવ તેમને કોંગ્રેસ સાથે જોડવા પ્રયાસ કરી રહ્યા છે. એ વાત સાચી છે કે દેવગૌડા શરદ યાદવ ઉપરાંત માર્ક્સવાદી નેતા સિતારામ યેચુરીના પણ સંપર્કમાં છે. સીપીએમે તેની કૅડરને કોંગ્રેસના સમર્થનમાં કામ કરવા કહ્યું છે. મતલબ જનતા દળ (એસ) બેવડી રમત રમે છે. દેવગૌડા કોંગ્રેસ માટે દ્વારા ખુલ્લા રાખવા તૈયાર છે ત્યારે પુત્ર કુમારસ્વામી ભગવા પાર્ટીના સમર્થન માટે તત્પર છે. આખરી ખેલ મતગણતરી પછી જોવા મળશે.
———————.

દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટના અને રાષ્ટિય ફલક પર રાજકીય હિલચાલનું ત્વરિત વિશ્લેષણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

રાજકાજ
Comments (0)
Add Comment