વાંચનનો વ્યાપ વધારવા શાળાનો પુસ્તક મેળો

ગુજરાતના કલોલ ગામની હોલી ચાઇલ્ડ સ્કૂલ દસ વર્ષથી પુસ્તક મેળાનું આયોજન કરે છે

પ્રેરણા – હેતલ રાવ

પુસ્તક મેળાનું આયોજન પર્સનલ લેવલે કે સંસ્થાઓ દ્વારા અને પ્રકાશકો તો વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ જ્યારે શાળા આવો પ્રયત્ન શરૃ કરે ત્યારે તેની નોંધ લેવી જોઈએ. ઉત્તર ગુજરાતના કલોલ ગામની હોલી ચાઇલ્ડ સ્કૂલ દસ વર્ષથી પુસ્તક મેળાનું આયોજન કરે છે. તે જે કાર્ય કરે છે તેવું જ્વલ્લે જ ગુજરાતમાં કોઈ કરતું હશે.

સહજાનંદ રૃરલ ડેવલપમૅન્ટ ટ્રસ્ટ ભુજના સહકારથી યોજાય છે. વિવિધ વિષયના અને લોકોને ઉપયોગી નિવડે તેવા શ્રેષ્ઠ પુસ્તકો લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસને માત્ર શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ જ નહીં, પરંતુ સમગ્ર શહેર અને આજુબાજુમાં વસ્તા ગામવાસીઓ પણ આવકારે છે. આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા પણ પુસ્તકો વાંચવા પડે છે. તેમ કહેતાં શાળાનાં આચાર્યા હેતલ પટેલ કહે છે, ‘દસ વર્ષથી ચાલતાં આ પુસ્તક મેળો એ અમારી સાથે મળીને શરૃ કરવામાં આવેલું કાર્ય છે. જેમાં શાળાના તમામ સ્ટાફ અને ટ્રસ્ટીઓનો પૂરો સહકાર રહે છે.’ પુસ્તક મેળાનું આયોજન કરવા પાછળના હેતુને સમજાવતા હેતલ કહે છે, ‘આજે ઇન્ટરનેટ અને સોશિયલ સાઇટની દુનિયા ધીમે-ધીમે મોટી થતી જાય છે અને સંસ્કારો અને સંસ્કૃતિનું જ્ઞાન ઓછું થતું જાય છે. તેવા સમયમાં આ એક એવું અભિયાન છે જે લોકો માટે ઉપયોગી બની રહે છે.’

લિફ્ટ આવવાથી પગથિયાંની જરૃરિયાત બંધ નથી થઈ, તેમ કહેતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હરીશભાઈ બ્રહ્મભટ્ટ કહે છે, ‘સોશિયલ મીડિયામાં ભલે ગમે તેટલી ક્રાંતિ આવી હોય, છતાં સારું વાંચન સારા વિચારો માટે ઉપયોગી મેડિસિન છે. વાલીઓ માટે ખાસ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં કોઈ પણ વાલી પોતાની પસંદગીની બુક વાંચી શકે છે. જ્યારે બાળકો માટે પણ અલગથી લાઇબ્રેરી છે જ્યાં બાળકો વાંચનની સાથે ગ્રહણ પણ કરે છે. તો શાળાના શિક્ષકગણ અને સ્ટાફને પણ વાંચવા માટે પ્રેરણા મળે અને વાંચનમાં રુચિ વધે તેવા આશયથી આ શાળાના સ્ટાફ માટે અલગથી પુસ્તકાલયની સુવિધા કરવામાં આવી છે. શિક્ષકો અને વાલીઓ વાંચતા થશે તો જ બાળકોને તે માટે પ્રેરણા આપી શકશે.’

એક નવતર પ્રયોગ રૃપે શાળામાં બુક કોર્નર શરૃ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ શહેરીજનો વિદ્યાર્થીઓ અને વાલીઓ બારેમાસ કરી શકે છે. વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી  પેન્સિલ, ચોકલેટ કે કોઈ વસ્તુ આપીને કરતા હોય છે. ત્યારે આ શાળામાં બુક કોર્નરમાંથી બુક ખરીદવા માટે બાળકોને પ્રેરિત કરવામાં આવે છે.

અઢીથી ત્રણ લાખની વસ્તી ધરાવતા કલોલ ગામમાં લાખ રૃપિયાનાં પુસ્તકો દર વર્ષે વેચાય છે તે આ પુસ્તક મેળાના આયોજનને આભારી છે. મસમોટી ફી લઈને વાલીઓને લૂંટતી શાળાઓ માટે હોલી ચાઇલ્ડ શાળા એક લપડાક છે. એક ખાનગી શાળા હોવા છતાં આ શાળાની ફી સરકારે નક્કી કરેલા ધારાધોરણ કરતાં પણ ઓછી છે.

કલા-સાહિત્ય અંગેની રિપોર્ટિંગ સ્ટોરી નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો…

—————–.

 

પુસ્તક મેળોહેતલ રાવ.
Comments (0)
Add Comment