નર્મદાનું પાણી સમુદ્રને મળે છે ત્યાં ત્રણ હજાર કરોડના ખર્ચે વધુ એક ડેમ બંધાશે – રૂપાણી

કોંગ્રેસે કદી નર્મદાની ચિંતા કરી નથી

સંવાદ – હિંમત કાતરિયા

નર્મદાનું પાણી સમુદ્રને મળે છે ત્યાં ત્રણ હજાર કરોડના ખર્ચે વધુ એક ડેમ બંધાશે – રૂપાણી

ગુજરાતની પાણીની સમસ્યાના ઉપાયો અંગે મુખ્યપ્રધાન વિજય રૃપાણી સાથે ‘અભિયાન’ની વિશેષ મુલાકાત

વરસોવરસ ઉનાળામાં સર્જાતાં જળસંકટને નિવારવા માટે ગુજરાત સરકારે ‘સુજલામ્ સુફલામ્’ યોજનાની જાહેરાત કરી. આ વિરાટ યોજનામાં એકસાથે ૧૭૦૦૦ કાર્યો થશે અને એક જ મહિનામાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે. આ યોજના સંદર્ભે ‘અભિયાન’ની ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસે મુલાકાત ગોઠવાઈ. મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે ગુજરાતની પાણીની સમસ્યા અંગેના, સૂકી પડેલી નર્મદા અંગેના અને કાયદો વ્યવસ્થાથી લઈને આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પર્યાવરણ સુધીના સવાલ જવાબો થયા….

 

‘અભિયાન’ – સુજલામ્ સુફલામ્ યોજનાની કુલ ફલશ્રુતિ શું અને પીપીપી ધોરણે સુજલામ્ સુફલામ્ની જાહેરાત પછી લોકો તરફથી કેવા ફિડબેક આવ્યા છે?

વિજયભાઈ રૂપાણી – સુજલામ્ સુફલામ્ યોજનાથી પાણીની કુલ ક્ષમતામાં ૧૧ લાખ કરોડ ઘનમીટરનો વધારો થશે. લોકો તરફથી બહુ ઉત્સાહજનક ફિડબેક આવ્યા છે. આજનો જ દાખલો લઈએ. ગીરમાંથી મને આગેવાનો મળવા આવ્યા. તેમની રજૂઆત હતી કે અમારા પંથકના ડેમની ક્ષમતા ૧૫૦૦ એમસીએફટી છે અને તે આઝાદી પછી ક્યારેય સાફ નથી થયો. અત્યારે તેની ક્ષમતા અડધી ઘટીને ૮૦૦ એમસીએફટી થઈ ગઈ છે. અમારા ડેમને સાફ કરવાની મંજૂરી મળી જાય તો અમારા પાંચ તાલુકાના ૫૦૦ ટ્રેક્ટર કામે લાગી જશે. અમારા ડેમની ક્ષમતા બમણી થઈ જશે અને તેના પટમાંથી નીકળેલો ફળદ્રુપ કાંપ પણ ઉપયોગમાં આવશે.

*       એક મહિનામાં બધાં કામો પૂરાં થઈ જવાની ખાતરી છે? સમય ઓછો નહીં પડે?
ના સમય ઓછો નહીં પડે. અમે આયોજન પૂર્વક આગળ વધી રહ્યા છીએ. પહેલી વખત ૬ સરકારી ડિપાર્ટમેન્ટને આ યોજનામાં સાંકળીને એકસાથે ૧૭૦૦૦ કામો ઉપાડ્યા છે. મશીનરી પણ વધારી દેવામાં આવી છે. સમયસર બધાં કામ પૂરાં થઈ જશે.

*       જેમ ભૂતકાળમાં ખનીજ ચોરીના ખાડાને તળાવો તરીકે બતાવીને કૌભાંડો આચરવામાં આવ્યાં હતાં તેવું આમાં ન થાય તે માટે તમે કઈ વિશેષ તકેદારી લીધી છે?
આમાં માસ્ટરપ્લાન પહેલેથી બનાવી દીધો છે. કયા જિલ્લામાં ક્યાં-ક્યાં કામો થશે તેની યાદી બનાવી છે. દરેક જિલ્લામાં કલેક્ટરોને કામ સોંપી દીધું છે. તેની મેઝરમેન્ટ બુક(એમબી) લખાશે. કામ શરૃ કરતાં પહેલાં અને પૂરું કર્યા પછી સાઇટના ફોટા વૉટ્સઍપમાં પાડીને મોકલવાના છે. પબ્લિક પાર્ટનરશિપથી કામ કરીએ છીએ એટલે લોકોની ભાગીદારી હોવાથી ભ્રષ્ટાચારને અવકાશ નહીં રહે. પબ્લિક વૉચડોગ તરીકે કામ કરશે. આધુનિક ટૅક્નોલોજીનો પૂરો ઉપયોગ કરીશું.

*       સુજલામ્ સુફલામ્ હેઠળ પુનઃજીવિત કરવા ૩૨ નદીઓની પસંદગી કયા માપદંડોને આધારે કરવામાં આવી છે?
નદીઓમાં સતત કાંપ ભરાવાને કારણે, તેમાં ઝાડી-ઝાંખરાંઓ ઊગવાના કારણે તેના મુખ બંધ થઈ જાય છે, વહેણ બંધ થઈ ગયા છે, તેના વહેણ ફંટાય છે. આ વિષયમાં ગ્રામ વિકાસ મંત્રાલયે એક્સપર્ટ પાસે એક રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. એ રિપોર્ટનું તારણ છે કે આ ૩૨ નદીઓ પુનઃજીવિત કરી શકાય તેવી છે. નદીઓની સફાઈમાં યંત્રોની સાથે મનરેગાને જોડી છે. તેમાં હજારો લોકો કામે લાગશે.

*       નદીઓને સાફ કરવાનો અત્યાર સુધી કોઈને વિચાર આવ્યો નહોતો. તમને આ વિચાર ક્યાંથી આવ્યો, તેમાં અન્ય કઈ બાબતો જોડવામાં આવી છે?
ગત ચોમાસામાં નર્મદાના ઉપરવાસમાં, મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો. નર્મદામાં પાણીનો સતત આવરો રહેતો હતો તે ઘણો ઘટ્યો. આ સંજોગોમાં ભવિષ્યમાં જળ સંકટની સ્થિતિને ટાળવા માટે જળ સંગ્રહ અને જળ વ્યવસ્થાપનમાં નદીઓને સાફ કરવી, તેને પ્રદૂષિત થતી અટકાવવી, લિકેજ દૂર કરવા, વૉટર રિચાર્જિંગ, રિસાઇક્લિંગ સહિતના આ ઉપાયો વિચારવામાં આવ્યા. ઇઝરાયેલ, દુબઈ, કુવૈતની જેમ આપણે દરિયાનું પાણી મીઠું કરવાનો પ્લાન્ટ નાખી રહ્યા છીએ. ટેન્ડર ફાઇનલ થઈ ગયું છે. ૮૦૦ કરોડનો આ પ્રોજેક્ટ છે. ૨૫ વર્ષના કરાર કરવામાં આવ્યા છે અને એ પાણી આપણને સાડા પાંચ પૈસા પ્રતિ લિટરે પડશે. એ પાણી જોડિયા પાસે નર્મદાની મેઇન લાઇનમાં જોડી દેવામાં આવશે. દરિયાના પાણીને મીઠા કરવાનો ભારતમાં ચેન્નાઈ બાદ આ બીજો પ્રોજેક્ટ બનશે. આવા ડિસેલિનેશન પ્લાન્ટ દહેજ, કચ્છ, સોમનાથ અને ભાવનગર વચ્ચે ઊભા કરવાની સરકારની ભવિષ્યની યોજના છે.

*       ચોમાસામાં નદીઓનાં પાણી દરિયામાં વહી જાય છે. સમગ્ર દરિયાઈ પટ્ટીએ દરિયાને મળતાં એ મુખ પાસે મોટા પાયે બંધારા બાંધીને એ મીઠા પાણીને રોકીને રિઝર્વોયર ઊભા કરવા કોઈ આયોજન છે?
 એવા બંધારા આપણે બાંધેલા જ છે. નર્મદાનું પાણી સમુદ્રમાં મળે છે ત્યાં ૩૦૦૦ કરોડના ખર્ચે ડેમ બનાવવાના ટેન્ડરનું કામ ચાલી રહ્યું છે.

*       આ વખતે નર્મદા ડેમમાં પાણીની ખેંચ પડી તેને લઈને વિધવિધ વાતો સંભળાઈ રહી છે. તમે શું ખુલાસો આપશો.
કોંગ્રેસે કદી નર્મદાની ચિંતા કરી નથી એટલે જ નર્મદા યોજના પાછળનો ખર્ચ ૧૦ હજાર કરોડથી વધીને સવા લાખ કરોડ રૃપિયાએ પહોંચી ગયો છે. ભાજપની સરકારે નર્મદા યોજના પૂર્ણ કરી. દર વખતે નર્મદા છલકાય છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો એ કારણે નર્મદામાં ચોમાસા પછી થતી પાણીની આવકમાં ઘણો ઘટાડો થઈ ગયો. રોજ પાણીની આવક ૨૫ હજાર ક્યુસેક પાણીથી ઘટીને ૨.૫ હજાર ક્યુસેક થઈ ગઈ. ઘણા વર્ષો પછી આવું બન્યું છે. આજે પણ નર્મદામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

*       સુજલામ્ સુફલામ્ યોજના સાથે નર્મદાના પેટાકેનાલનાં કાર્યોની ઝડપ વધશે?
આપણે નર્મદાની પેટાકેનાલની કામગીરી ઝડપથી જ કરી રહ્યા છીએ, પરંતુ જમીન અધિગ્રહણમાં કેટલીક કાનૂની મેટર બની છે તેને કારણે કામ આગળ નથી વધી શક્યું.

*       નર્મદાની બધી જ માઇનોર કેનાલ પાઇપલાઇનવાળી થશે કે ધોરિયા કેનાલથી?
હવે બધી જ માઇનોર કેનાલ પાઇપલાઇનથી થશે.

*       ફી નિયંત્રણ કાયદામાં કાચું કપાયંુ હોય એવું નથી લાગતું?
આખા ભારતમાં કોઈ રાજ્યએ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો ઉપર ફી નિયંત્રણનું કદી વિચાર્યું નથી. ગુજરાતમાં એવો પહેલો કાયદો બન્યો. કોંગ્રેસના આક્ષેપો સામે મારો જવાબ છે કે આ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની જન્મદાત્રી કોંગ્રેસ છે. કર્ણાટક, મહારાષ્ટ્રની બધી સેલ્ફ ફાયનાન્સ શાળા-કૉલેજો કોંગ્રેસીઓની છે. લેવાઈ રહેલી વધુ ફીને નિયંત્રિત કરવા માટે આ કાયદો કર્યો છે. અમારા ઉપર ઘણા દબાણો આવ્યાં, પણ અમે ઝૂક્યા નથી. અમે ફી નિયમન કમિટીમાં શાળા સંચાલક, વાલી, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઇજનેર, શિક્ષણશાસ્ત્રી અને હાઈકોર્ટના નિવૃત્ત જજને લીધા છે જેથી ન્યાયી રીતે ફી નિર્ધારણ થાય, પરંતુ દુર્ભાગ્યે કાયદાને કોર્ટમાં પડકારાયો. જોકે ૭-૮ મહિના કાનૂની પ્રક્રિયામાં ગયા, પણ હાઈકોર્ટે આપણા કાયદાને માન્ય રાખ્યો. સુપ્રીમમાં દલીલો ચાલી રહી છે. કોંગ્રેસ સુપ્રીમમાં ઉઘાડી પડી ગઈ છે. અહીં કોંગ્રેસ રોદણા રુએ છે ત્યાં કપિલ સિબ્બલ સ્કૂલવાળા વતી કેસ લડી રહ્યા છે. ચુકાદો આવી ગયા પછી વાલીઓને બે વર્ષની ફીનું રિફંડ સરકાર અપાવશે.

*       મોદી સરકાર કે યોગી સરકારથી વિપરીત ગુજરાતમાં વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સરકારનો અંકુશ નથી એવું એક જનસામાન્યનું અવલોકન છે.
કાયદો વ્યવસ્થામાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, માફિયા, ખંડણી વગેરેને ગુજરાતમાંથી સાફ કરી નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું હોઈ શકે, પણ સરકારની તો એ જવાબદારી છે કે ગુનેગાર ખુલ્લો ફરતો હોય, પકડાતો ન હોય તો કાયદો વ્યવસ્થા કથળેલી કહેવાય, ગુનેગારને રાજકીય આશ્રય મળતો હોય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એમ કહી શકાય. આની સામે ગુજરાતમાં છેેલ્લા છ મહિનામાં  બનેલા મોટા ગુનાઓ જોઈએ. દાખલા તરીકે સુરતની ૨૦ કરોડની લૂંટના આરોપીને આપણે ૩૬ કલાકમાં ઉત્તર પ્રદેશમાંથી પકડી લાવ્યા, સુરતમાં બાળકીની લાશ મળી તેના ગુનેગારને પકડી પાડ્યો. જૂનાગઢમાં પાંચ કરોડની સોનાની લૂંટ થઈ તેના આરોપીને બીજા જ દિવસે પકડી પાડ્યો. અંકલેશ્વરમાં સાડા ત્રણ કરોડની લૂંટ થઈ તેના આરોપીને આજે ગોવામાંથી પકડી લીધા. આખા ગુજરાતમાં આપણે સીસીટીવી કેમેરાનું મોટંુ નેટવર્ક ઊભું કરી રહ્યા છીએ. વર્તમાન ભાજપ સરકાર ઝીરો ટોલરન્સ પર કામ કરે છે. ગુનો થાય તો ગુનેગાર છટકી નહીં શકે.

*       એકતરફ દિલ્હી સરકાર મોહલ્લા ક્લિનિકો ખોલીને પ્રશંસા મેળવી રહી છે ત્યારે બીજી તરફ અહીં પાટણ સિવિલ હૉસ્પિટલ, પાલનપુર સિવિલ હૉસ્પિટલ જેવી સરકારી હૉસ્પિટલો પીપીપી મોડલ પર પ્રાઇવેટ સંસ્થાને ચલાવવા આપવાની હરકતો કેમ થઈ રહી છે?
આપણે ખાનગી સંસ્થાઓને સરકારી હૉસ્પિટલો આપી દઈએ છીએ એનો અર્થ એવો નથી કે તેઓ દર્દી પાસેથી ઉઘાડી લૂંટ ચલાવશે. આપણો કોન્સેપ્ટ એવો છે કે ગુજરાતમાં વધુ ને વધુ ડૉક્ટરો બને. એટલા માટે આપણે એવી મેડિકલ પોલિસી લાવ્યા છીએ કે જે સંસ્થા મેડિકલ કૉલેજ ખોલવા માગતી સંસ્થાઓને એમસીઆઈના નિયમ મુજબ કૉલેજ બિલ્ડિંગ, લેબોરેટરીઓ સાથે ૫૦૦ બેડની હૉસ્પિટલ જોઈએ. આમ એક નવી મેડીકલ કૉલેજ ખોલવા માટે અંદાજિત ૫૦૦ કરોડનું રોકાણ જોઈએ. આ કારણે નવી મેડીકલ કૉલેજો ખૂલવાનું પ્રમાણ બહુ ઓછું છે. આપણે અમલી બનાવેલી નવી મેડીકલ પોલિસી પ્રમાણે, નવી મેડિકલ કૉલેજ ખોલવા ઇચ્છુક સંસ્થાઓને સરકાર હૉસ્પિટલો આપશે. શરત એ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીને સંસ્થાએ સારા બેડ, સારા યુરિનલ, સારી સ્વચ્છતા સાથે હૉસ્પિટલને સુધારી દેવાની છે અને હૉસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી એક રૃપિયાનો પણ ચાર્જ લેવાનો નથી. દર્દીઓની મફત સારવાર સામે સરકાર ગ્રાન્ટ આપશે. મેડિકલ કૉલેજોની સંખ્યા વધારવા માટે આ પોલિસી લાવવામાં આવી છે. એટલે આ વર્ષે નવી સાત મેડિકલ કૉલેજો બની રહી છે. આપણે મેડિકલ કૉલેજોમાં સીટ પણ વધારી રહ્યા છીએ.

*       નાનાં સેન્ટરોમાં નવા નાના સરકારી ક્લિનિકો ખોલવામાં સરકાર કેમ ઉદાસીન છે?
આપણા દરેક ગામડાંઓમાં આશા વર્કરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રની પહોંચ છે, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં મફત સારવાર મળતી હોવાના કારણે દર્દીઓનો ધસારો બહુ રહે છે. તેનું મૅનેજમૅન્ટ ક્યારેક અઘરું બની જાય છે. એટલે અમે એક નવો વિચાર લાવ્યા છીએ કે જે સંસ્થાઓની હૉસ્પિટલોમાં દરેક પ્રકારનાં ઑપરેશનો, મેમોગ્રાફીથી લઈને ફિઝિયોથેરાપી સહિતની બધી સુવિધા હોય અને ટોકન દરે દર્દીઓની સારવાર કરતા હોય તે સારવાર ફ્રી કરી નાખે. તેમને સારવાર ફ્રી કરવામાં જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર આપશે. આમ થાય તો જિલ્લાની સિવિલ હૉસ્પિટલો ઉપરનું દર્દીઓનું ભારણ ઘટે અને તેમને સારી રીતે ચલાવી શકાશે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ‘અભિયાન’ સાથેના સંવાદની વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

વિજય રૂપાણીહિમંત કાતરીયા
Comments (0)
Add Comment