બળાત્કારી ફક્ત શરીરથી નહીં, મનથી પણ નગ્ન હોય છે

દર ૯૮ સેકંડે અમેરિકામાં કોઈકની જાતીય સતામણી થાય છે

ચર્નિંગ ઘાટ – ગૌતમ અમીન

જે સમસ્યા માનવજાતની હોય તેનું પ્રાદેશીકરણ ના કરાય
વેસ્ટર્ન કલ્ચરને વાહવાહવાથી રાતોરાત માનવી ના થવાય

દૂષણ. પ્રમાથ. અભિભવ. ઘર્ષણ. કન્યાહરણ. બલાત્કાર. હઠસંભોગ. સ્ત્રીસંગ્રહ. શીલાપહરણ. અભિષહ્ય. બાધન. દુરુપયોગ. અધિક્ષેપ. ખલાચાર. આવા ઘણા શબ્દ રેપના સંદર્ભમાં સંસ્કૃત ભાષા ધરાવે છે. અંગ્રેજી શબ્દ રેપના મૂળમાં સીધી કે વાંકી કોઈ રીતે સંસ્કૃત ભાષા નથી. તેથી શું? તેથી એક તારણ નીકળી શકે કે ત્યાં ‘ને અહીં રેપનું અસ્તિત્વ પોતપોતાની રીતે આવેલું હશે. સમાજની ભાષા મુજબ ‘ને સમય-સ્થળ મુજબ રેપની વ્યાખ્યા થોડી ઘણી બદલાય. કાનૂની ભાષામાં બે અપુખ્ત વ્યક્તિ એકબીજાની સહમતીથી સંભોગ કરે તો પણ રેપ જાહેર થઈ શકે. સ્વભાવિક રીતે આપણે અહીં ‘બળાત્કાર’ની વાત કરીએ છીએ. જે અંગે આપણે સૌ સહમત છીએ કે રેપ એટલે ખોટી વાત. અંતિમ અસત્યમાંનું એક. બળજોરી, જોરજુલમ કે જોરાવરી એવી ક્રિયા છે જે ભારતમાં બહુમત લોકોએ નથી કરી કે બહુમત લોકો તેના ભોગ નથી બન્યા અને જેનો અનુભવ આપણને નથી છતાં આખું શરીર ઠોકીને આપણે બરાડી શકીએ કે રેપ કોઈ પણ સંજોગોમાં ના જ ચાલે.

આપણે ત્યાં બૌ જ રેપ થાય છે. આવું બોલીએ કે સાંભળીએ ત્યારે પીડા થાય છે. એવું થાય કે આ દેશમાં ના રહેવાય. પશ્ચિમના દેશમાં મોકો મળે કે જતાં જ રહેવાય. આપણા છોકરાં તો સુખી થઈ જાય. આ દેશ ક્યારેય ના સુધરે. બોસ, તમે માર્ક કરજો આ દેશ જતે દિવસે સાવ તળિયે બેસી જશે. આવો અપવાયુ ચોમેર કૃત્રિમ ઉર્ફે બનાવટી સુગંધ ફેલાવવા ધમપછાડા કરે છે. છતાં અર્થશાસ્ત્રીઓ, જ્યોતિષો ‘ને સાધારણ એવં સજ્જન હોય તેવા લોકો મોટે ભાગે આવી વાતો સાથે સહમત નથી. બહુ મોટી સંખ્યામાં એનઆરઆઈ સુદ્ધાં એવું માને છે કે ભારત એકથી વધારે રીતે પ્રગતિના પથ પર છે. કિન્તુ, ઉપરવાળો પ્રસન્ન થાય તો ‘ત્યાં’ના વિઝા સિવાય કશું ના માગનારા આપણા ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે. તો આવો એ સંખ્યાબળની થોડી વેદના દૂર કરવાની કોશિશ સ્વરૃપે ‘સ્વર્ગ’માં થતાં રેપને લગતી થોડી જાણકારી મેળવીએ.

દર ૯૮ સેકંડે અમેરિકામાં કોઈકની જાતીય સતામણી થાય છે. દરરોજ ૫૭૦થી વધારે અમેરિકન જાતીય હિંસાનો શિકાર બને છે. લગભગ પાંચમાંથી એક અમેરિકન મહિલાએ તેના જીવનમાં રેપનો અનુભવ કરેલો છે. અમેરિકામાં દર વર્ષે ૧૨ વર્ષથી વધારેની ઉંમરના વિભાગમાં સવા ત્રણ લાખ આસપાસ રેપ/જાતીય હુમલાના કિસ્સા બને છે. દર વર્ષે ત્રણ લાખ એકવીસ હજાર પાંચસો સેક્સ્યુઅલ એસોલ્ટના કેસ. અમેરિકાની વસ્તી? બત્રીસ કરોડ ત્રેસઠ લાખ વીસ હજાર આસપાસ. ફક્ત ૧૩.૮% બળાત્કારીઓ અજાણ્યા હોય છે. યાતનાનો ભોગ બનનાર ઘાયલમાંથી ૩૬.૨%ને જ સમયસર સારવાર મળે છે. સ્કૂલમાં થતા જાતીય જુલ્મમાંથી માત્ર ૫%, સ્ત્રીના રેપમાંથી માત્ર ૧૨% જ રિપોર્ટ થાય છે. પાંચમાંથી બે બળાત્કારના શિકાર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતા રોગનો ભોગ બને છે. જેમનો એક વાર રેપ થયો હોય તેવા અમેરિકનમાંથી ૪૨%નો ફરી રેપ થાય એવી શક્યતા છે. ત્યાં ૨૦૧૨માં બાળ જાતીય સતામણીના ૬૨,૯૩૯ કેસ દર્જ થયેલા. ત્યાં ફક્ત ૧૬% રેપની ફરિયાદ કાયદાકીય સત્તા સુધી પહોંચે છે. ‘૯૮થી સત્તરથી અઢાર કરોડ અમેરિકન નારી દૂષણનો ભોગ બની છે. ત્યાં આવા ગુનામાં ૯૯% આરોપી સજા નથી પામતો. કુકર્મનો ભોગ બનેલી ૧૩% અમેરિકન સ્ત્રી આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. અમેરિકામાં દસમાંથી એક રેપ વિક્ટિમ પુરુષ હોય છે.

સ્વર્ગ અથવા સ્વર્ગની હેડ ઑફિસના આંકડા આપણે જોયા! આંકડા એકદમ તાજા નથી, પણ મરેલા નથી. આવો, સ્વર્ગની શાખાઓના થોડા ઘણા હાલ જાણીએ. અંદાજે પાંચ લાખ રેપ દર વર્ષે સાઉથ આફ્રિકા દેશમાં થાય છે, દેશની વસ્તી છે ૫.૬ કરોડ જેવી. એ દેશમાં તો સ્કૂલી બચ્ચાંઓમાં ‘જેક-રોલિંગ’ નામક એક રેપની રમત છે! ઇંગ્લેન્ડ ‘ને વેલ્સમાં પાંચમાંથી એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે. લંડનમાં રેપના રિપોર્ટમાં ૨૦% રાઇઝ આવ્યો છે! છેલ્લાં ૪ વર્ષમાં અંગ્રેજોના સ્વદેશમાં રિપોર્ટ થયેલા રેપની સંખ્યા ડબલ થઈ છે. દેશની વસ્તી કુલ ૬૩ મિલ્યન. ઓસ્ટ્રેલિયામાં ૧૫%થી ઓછા રેપ પોલીસ સુધી પહોંચે છે. એમાંથી અમુક ટકા કેસમાં આગળ કામ ચાલે છે અને એમાંથી અમુક ટકા જ કેસ કોર્ટ સુધી પહોંચે છે. ગત ૫-૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં વિવિધ પ્રકારની જાતીય સતામણી વધી છે, જેમાં ફોન પરની હરકતો પણ આવી ગઈ. બ્રિટન અને ન્યૂઝીલેન્ડ કરતાં સેક્સ્યુઅલ ક્રાઇમ્સમાં ઓસ્ટ્રેલિયા ‘આગળ’ છે. બેલ્જિયમ, સ્વિડન, ફ્રાંસ, જર્મની… હે ભારતીયો, ગોરા એવં પશ્ચિમી દેશોના રેપ વગેરે અંગેના સાચા તેમ જ પૂરા આંકડા મેળવવા પણ કઠિન છે. એ સિવાય જાપાન કે કેનેડાને પણ ઓછા ના આંકશો. મોરોક્કો હોય કે ટર્કી હોય કે પેલેસ્ટાઇન, આંકડા બધે બિહામણા છે.

અલબત્ત, ભારત એ અમાનવીય આંકડાની હરીફાઈમાં ‘આગળ’ વધી રહ્યું છે. બેશક ભારતની વસ્તી ૧૩૨ કરોડથી ઘણી વધારે હોય એટલે આપણને સાપેક્ષ આંકડા જોઈ રાહત ના થવી જોઈએ. લેકિન, આપણે આપણું મગજ વત્તા મન ખુલ્લું કરવું જોઈએ. એમ જ ભારત એટલે નરક એવી ખોટી ‘ને ઉતાવળી ગપ્પાબાજી ગળે ઉતારી ના શકાય. મીડિયાને જેએસકે. ના, બીજે પણ આવું ચાલે છે તો અહીં થાય એમાં શું ખોટું? એવો કોઈ જ સૂર નથી. ખોટું એ ખોટું જ. ભાવાર્થનું કહેવાનું સિમ્પલ એન્ડ શોર્ટ છે કે ડુ નોટ મેક ધીસ ઇસ્યૂ શોર્ટ એન્ડ સિમ્પલ. રેપ પ્રકારની સમસ્યાઓ ભયાવહ છે, જટિલ છે. સમસ્યાનું સમાધાન પણ પરિશ્રમ માગે છે અને આપણે સમસ્યાના નાશની ઇચ્છા રાખી છે.

કોઈ અનુભવી ‘ને બુદ્ધિજીવી કહેવાય એવો ભારતીય કહે કે પદ્માવતીએ સ્યુસાઇડ નહોતું કરવા જેવું ત્યારે પૂછવું પડે કે હે ભૈયાજી, આપની દૃષ્ટિએ પદ્માવતી પાસે બીજા કયા-કયા વિકલ્પ હતા? આત્મહત્યા ના કરે તો એ શું કરે? પ્રશ્ન એ છે કે ભારતીય વિચારસરણી કે રીતભાતને વ્હાઇટ સ્ટાન્ડર્ડથી શું કામ તોલવાની? ભારતમાં કોઈ ફીમેલ એમ જ જાતીય સંબંધ બાંધી દે એવી ઇચ્છા પણ શું કામ કરવાની? ફ્રી-સેક્સ એ કોઈ ઉપાય નથી. જરૃરિયાત ભારતીય બાળાઓને બહાદુર બનાવવાની છે, સક્ષમ બનાવવાની છે. સ્વ-રક્ષણની તાલીમ ફરજિયાત બનાવી શકાય. જીપીએસ સિસ્ટમ, પેપર-સ્પ્રે ‘ને નોન લીથલ ઇલેક્ટ્રોશૉક વૅપન સરકારી સહાયથી ભારતીય ફીમેલ્સને મળવા જોઈએ. આપણે બોગસ છીએ અને પ્લેકાર્ડ લઈને નીકળી પડીએ એટલે સારા થઈ જઈશું, એવા મતકારણમાંથી બહાર આવીએ તો સારું. વૉટ્સઍપ પર વિરોધ કરીએ ‘ને ફેસબુક પર કાળું ડીપી રાખીએ, પણ એટલાથી શું કામ અટકવાનું? રજનીશભાઈ જેવા પૂછતા કે સમાજમાં રેપ કરનાર વ્યક્તિ મોટો કેવી રીતે થયો?, રેપ કરનારને સમજીને રેપની સમસ્યા દૂર કરવી જોઈએ. કર્મના વિજ્ઞાન મુજબ રેપ એ કનિષ્ઠ કર્મમાં આવે છે, એ કર્મની માફી શક્ય જ નથી. આવા નિકૃષ્ટતમ કર્મને રોકવું એટલું કે તેટલું સીધું ચ સરળ ના ધારી શકાય.

જાતીય આવેગ પર કાબૂ ના ધરાવતા ભારતીય મેલ્સ માટે કેમ ખાસ વિચારણા નથી થતી? એસોલ્ટ, એબ્યૂઝ કે રેપ કરનારમાંથી ઘણા પ્યોર ક્રિમિનલ માઇન્ડ હોઈ શકે છે, પણ બધા નહીં. આઇટમ સોંગ, રોઝ વગેરે ડે ‘ને સેક્સ એજ્યુકેશન થકી ક્રાંતિ કરીશું? વિદેશમાં સેક્સ એજ્યુકેશન/કન્સલ્ટેશન દરમિયાન કેટલા જાતીય ગુના થાય છે એ આપણને ખબર છે? ડાન્સ-બારમાં લાખો ‘ને પ્રાઇવેટ એડલ્ટ પાર્ટીઓમાં કરોડો વહી જાય છે ત્યારે સમાજે પોતે વિચારવું રહ્યું કે બ્રહ્મચર્ય ‘ને ચારિત્ર્યની મર્યાદિત તેમ જ દંભી વાતો હવે ઓફ કરવી કે એડિટ કરવી. વિજ્ઞાનની મદદથી સંશોધન થવું જોઈએ કે જાતીય આવેગનું સ્વસ્થ નિયમન કેવી રીતે કરી શકાય. દારૃ ‘ને માંસ જો સ્વીકાર્ય હોય તો સેક્સ કેમ નહીં? શૅર બજારના નામે ‘સારા’ ઘરમાં કર્મની દૃષ્ટિએ અધમ કર્મ એવો જુગાર ખેલાય એ ધર્મના વડાઓને પાલવે છે તો એમણે સેક્સ અંગેની એમની નીતિ અંગે પણ ફરી વિચારણા કરવી જોઈએ. આસારામ હાય હાય ‘ને ગુરમીત રામ રહીમ ઇટીસી હાય હાય, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિની જેમ જ્યાં ‘ને ત્યાં બ્રા ‘ને જાંગિયાની જાહેરાત કરતા મહાકાય હોર્ડિંગ હોય ‘ને એમાં પણ શારીરિક રીતે ‘બ્યુટી પેજન્ટ’ પ્રકારની સ્પર્ધાના માનદંડ મુજબની મહિલાઓ દેખાય તો એનાં પરિણામ બ્યુટીફૂલ ના જ આવે. અમે ગમે તેવાં કપડાં પહેરીએ એમાં તમારે શું? એવી લાગણીશીલ ચીસો પાડતાં પહેલાં સ્ત્રીઓએ મનોવિજ્ઞાનની મદદથી તેવાં કપડાંની સામાન્ય પુખ્ત નર પર શું અસર થાય એ તપાસવું જોઈએ. અરે, પુખ્ત ના થયો હોય તેવા બોય પર સેક્સ્યુઅલ ‘દૃશ્યમ’ની શું અસર થાય છે એ આપણે કદી તપાસ્યું છે? મૂળ વાત સમસ્ત વિશ્વની છે. મુખ્ય મુદ્દો સ્ત્રી-પુરુષ બંનેએ ભેગાં મળીને સમજવાનો છે.

વિચારવા જેવી ઘટના તો એય છે કે એક બળાત્કારને લઈને કોંગ્રેસ એન્ડ કંપનીની સરકાર પાડી દેવા ઘણા મચ્યા હતા ‘ને બીજા એક બળાત્કારને લઈને ભાજપ તથા મંડળીની સરકાર પાડી દેવા ઘણા મચ્યા. બળાત્કાર અર્થાત્ કુયોગનો આવો દુષ્પ્રયોગ? અને એય વિશ્વમાં ભારતની છબી શક્ય એટલી મલિન કરવાના વિડંબન સાથે? કોઈ એક કે વધુ બળાત્કારીને મૃત્યુ સુધીની સજા અપાવનારનો જય જય કાર થવો જ જોઈએ. તે છતાં બળાત્કાર અને રાજકારણને જોડવું એ કોઈ પણ રાજકીય પક્ષ યા જૂથ માટે નિંદનીય છે. આતંકવાદીનો ધર્મ હોય ના હોય, એ ‘લોકો’ સમાજકારણ ખેલે છે. રાજકારણ ખેલે છે. અર્થકારણ ખેલે છે. કાશ્મીરમાં અગાઉ શું બન્યું એ બધી વાતો પણ હાલ બાજુ પર રાખીએ. અત્યારે માત્ર એક વાસ્તવિકતા સ્વીકારવાની છે કે બળાત્કારીને કોઈ ધર્મ નથી હોતો. વર્ણ કે ધર્મ આધારિત જાતીય દુષ્કર્મ કે દુર્ઘટનાઓ થોડો અલગ વિષય છે.

આપણે ગુજરાતીઓ બળાત્કાર અંગે ખૂબ સંવેદનશીલ છીએ. આપણે ત્વરિત પ્રત્યાઘાત આપીએ કે તત્ક્ષણ આપણું માનભંગ થાય ‘ને આપણો પિત્તો જાય યા આંસુ આવે. સવાર સાંજ માંસ ખાનારો હોય કે નિયમિત રીતે નવી-નવી વ્યક્તિ સાથે સેક્સ કરનાર હોય, રેપ એ માત્ર અસ્વીકાર્ય નથી, પણ ઘૃણાસ્પદ છે. તો કેમ આપણે ત્યાં ગુજરાતીમાં રેપને લઈને કવિતા, વાર્તા કે નાટકનું સર્જન અપવાદ રૃપે જ થાય છે? હવે ગુજરાતી ચલચિત્ર જગત આળસ મરડીને બેઠું થયું છે. આશા રાખીએ કે કોઈ દુર્ઘટના બને ત્યારે જ નહીં, પણ સામાન્ય સંજોગોમાંય કળા ‘ને કારીગરીની સેવા ‘ને ધંધો કરનારા આવી સમસ્યાને લઈને અવારનવાર ડોઝ આપે. રેપ જેવા ‘વિષય’ પર ગુજરાતીમાં કહેવત કે ઉક્તિ શોધતાંય તકલીફ પડે છે. “કામી ‘ને હગાયો બારેગામ ઉજ્જડ ભાળે” એવું પાકટ વ્યક્તિ સહજ સમજી શકે, પરંતુ તરુણ યા મુગ્ધ યા કુમાર અવસ્થામાં જે ગુજરાતી છે તેમનો માનસિક પાયો સક્ષમ કરવો રહ્યો. હિન્દી/અંગ્રેજી ફિલ્મમાં રિવ્યૂ લખતી વખતે ભાનમાં રહેવું પડે. ‘ગંદી બાત’ જેવા વેબ શૉ પર પૈસા મળે એમ નહીં, ગુજરાતી નારીનું સાચું સારું હોય એ મુજબ લખવું પડે.

ખરાબ બનાવ સમાચાર રૃપે ચકચાર સર્જે ત્યારે જ ‘લોકો’ એ વિષયમાં જીભ કે કીબોર્ડ ઉપાડે એ સારી વાત નથી. આપણી તંદુરસ્તી જાળવવા આપણે મજદૂરી કરવી પડે. જાગૃત રહેવા માટે પહેલાં જાગવું પડે. ‘બેટી બચાવો’ની સીધી કે આડકતરી રીતે મશ્કરી કરીને મોજ લૂંટવાનું પત્યું હોય તો આપણે પોતે સમસ્યાનો ઉકેલ આપવાનું શરૃ કરવું જોઈએ. સમસ્યા બતાવવી એ સારું કામ છે, પણ સમસ્યાનો ઉકેલ બતાવવો એ સાચું કામ છે. રેપ કે કોઈ પણ પ્રકારનો જાતીય ગુનો આચરનાર સમાજમાંથી જ આવે છે. સરકાર ‘ને ઈશ્વર કશું નહીં કરે તો શું આપણે રેપને વ્યવહારમાં માન્યતા આપી દઈશું? બધા જ પુરુષો એવા જ હોય છે એવું બબડીશું એટલે સમસ્યા હલ થઈ જશે? ચિંતન મનન કરવું રહ્યું. માહિતી સાચી અને પૂરતી મેળવ્યા પછી. થોડું ઘણું વિજ્ઞાન જાણ્યા પછી. આશાની ગેરહાજરી એક સમયે ચાલે, આશાનું મરણ નહીં. સંસાર તથા શક્તિ પરિવર્તનીય છે. આવતી કાલ નહીં તો પરમ દિવસ, વધારે નહીં તો થોડો સારો આવી જ શકે.

ગૌતમ અમીન લિખિત ‘ચર્નિંગ ઘાટ’ની વધુ કણિકાઓ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

 

બુઝારો

ખબર છે જે ઘોડાને પાળી ના શકાય તેને શું કરે છે?
તેની ખસી કરવામાં આવે છે.

  • I spit on Your Grave (૨૦૧૦), જેનો બીજો ભાગ ‘૧૩માં આવેલો ‘ને મૂળે ‘૭૮માં આવેલું મૂવી જેના પરથી ‘જખ્મી ઔરત’ બનેલું.
ગૌતમ અમીનચર્નિંગ ઘાટ
Comments (0)
Add Comment