કચ્છી ગધેડા ખેતીકામ માટે પણ ઉપયોગી બને છે

ગુજરાતમાં બે પ્રકારના ગર્દભ જોવા મળે છે,

પાંજોકચ્છ – સુચિતા બોઘાણી કનર

એક જમાનામાં ગરીબોને રોજગારી આપતા ગર્દભ આજે મહદ્અંશે બિનઉપયોગી બની રહ્યા છે. કુંભાર અને ગધેડા પાલકો તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેથી જ તે વિલુપ્ત થતી જાતિ બનવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. જો ગધેડાની કચ્છી જાતિને નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસની માન્યતા મળે તો તેના સંવર્ધન માટે પ્રયાસો થઈ શકે, તે માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી શકે, તેમ જ ગર્દભની ઉપયોગિતા વધે તે માટે પ્રયત્નો થઈ શકે.

કુદરતે દરેક જીવને આગવી મહત્તા બક્ષી છે. કોઈ સજીવ માનવીય બેદરકારીથી લુપ્ત થઈ જાય તો કુદરતે રચેલું સંતુલન ખોરવાઈ શકે છે. સજીવો એ કુદરતે આપેલી એવી સોગાદ છે જેને માનવી ફરી ક્યારેય પેદા કરી શકવાનો નથી. આથી જ દરેક પ્રકારના સજીવનું સંવર્ધન કરવું જરૃરી છે. ગર્દભ એ એક એવું પશુ છે જે ખૂબ ઉપયોગી હોવા છતાં લોકોએ તેના પ્રત્યે બેદરકારી જ બતાવી છે. તેના તરફ નફરત અને ક્રૂરતાભરી મશ્કરીવાળી નજરે જ જોવાયું છે. એક જમાનામાં ગર્દભ ઘણા જોવા મળતા હતા, પરંતુ આજે તેની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. તેમાં પણ કચ્છી જાતિના ગર્દભ આજે ખૂબ જ ઘટી ગયા છે. જો આ જાતિને સુરક્ષા પ્રદાન નહીં કરાય તો તેને નામશેષ થતાં વાર લાગશે નહીં.

નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ દ્વારા કચ્છના ખારાઈ ઊંટ, કુંઢી ભેંસ અને ઘોડાને માન્યતા અપાઈ છે. સહજીવન સંસ્થા કચ્છના અલગ જાતિના પશુઓને માન્યતા મળે તે માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થા દ્વારા જ કચ્છી ગધેડાને પણ માન્યતા મળે તે માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ સંસ્થાના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ રમેશ ભટ્ટીના જણાવ્યા મુજબ, ‘ભારતમાં ગર્દભની હિમાચલ પ્રદેશની સ્પીતિ બ્રિડને માન્યતા મળી છે. ગુજરાતની બે જાતિ પૈકી હાલમાં કચ્છી ગધેડાની જાતિને માન્યતા મળે તે માટે પ્રયત્ન ચાલુ છે. જો કોઈ પશુને સ્વદેશી જાતિ તરીકે માન્યતા મળે તો તેનું સંવર્ધન, સંરક્ષણ કરવાની તથા સ્થાયી ઉપયોગ શોધવાની જવાબદારી સરકારની બને. જે-તે પશુઓની જાતિ બચાવવા સરકાર તેના જીન સાચવે અને ન્યુક્લીઅસ ફાર્મ પણ બનાવે. જેથી ભવિષ્યમાં તે જાતિ નામશેષ ન થઈ જાય. કૃષિ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, જો કોઈ પણ પાલતુ પશુની સંખ્યા તેના પોતાના વતનમાં ૧૦ હજારથી ઓછી થાય તો તેને વિલુપ્ત થતી જાતિ ગણી શકાય. જેની વસતી ૧૦ હજારથી ઓછી હોય, તે જાતિનું ધોવાણ બહુ ઝડપથી થાય અને તે નજીકના ભવિષ્યમાં નામશેષ થવાની ભીતિ રહે. કચ્છી ગર્દભની સંખ્યા વર્ષ ૨૦૧૨ની ગણતરી મુજબ ૩૦૫૫ છે. આથી આ જાતિને બચાવવી ખૂબ જ જરૃરી છે.’

ગધેડા સામાન્ય રીતે કુંભાર માટે માટી વહી જવાના અને બાંધકામનો સામાન લઈ જવા માટે ઉપયોગી થાય છે. તેમ જ કચ્છના પચ્છમ વિસ્તાર- ખાવડા પંથકમાં સમા લોકો ગધેડાનો ખેતી માટે ઉપયોગ કરે છે. જો કે તેઓ ચોમાસાના ચાર મહિના ગધેડાને રાખે છે, પછી છોડી મુકે છે, ત્યારે ગધેડા કાળાડુંગર, બન્નીના જંગલ વિસ્તારમાં ચાલ્યા જાય છે. ફરી ચોમાસામાં પકડી લવાય છે. અત્યારે લોકો ગધેડાને ગાડી સાથે જોડીને ઘાસ અને લાકડાં કે કોલસા વહી જવા માટે પણ ઉપયોગ કરે છે. તો ભદ્રેશ્વર- મુન્દ્રા, માંડવી પંથકના માછીમારો દરિયાકાંઠે આવેલા તેમના ‘દંગા’ (એક પ્રકારની ઝૂંપડી)માંથી માછલીને ઘર કે ગામ સુધી લઈ જવા માટે પણ ગધેડા ગાડી વાપરે છે. કચ્છમાં રુદ્રમાતા, કાંસવતી, ગજોડ જેવા ડેમ બનાવવા માટે માલસામાન વહી જવા માટે ગર્દભનો જ ઉપયોગ કરાયો હતો.

ગુજરાતમાં બે પ્રકારના ગર્દભ જોવા મળે છે, હાલારી અને કચ્છી. હાલારી ગર્દભ આખા સફેદ રંગના હોય છે જ્યારે કચ્છી પેટના ભાગે સફેદ અને ઉપરના ભાગે ભૂખરા રંગના હોય છે. તેના ગળા પાસે કાળો પટ્ટો કે લીટી હોય છે. હાલારી ગર્દભની ઊંચાઈ અને લંબાઈ કચ્છી ગર્દભ કરતાં લગભગ દોઢી હોય છે. હાલારી વજન લઈને લાંબંુ ચાલી શકે તેવા હોય છે. તેથી સૌરાષ્ટ્રના માલધારી ભરવાડ લોકો હિજરત કરતી વખતે ઘરવખરી મૂકવા માટે ગધેડા વાપરે છે. જ્યારે કચ્છી ગધેડા વધુ ચાલી શકે છે તેમ જ તે ઊંચા ડુંગરા કે બિલ્ડિંગોમાં પણ ઉપર ચડી શકે છે. તેથી મોટા શહેરોમાં નાની ગલીઓમાં થતાં બાંધકામ વખતે કચ્છી ગધેડા પર માલસામાન લઈ જવાય છે. આવા ગધેડા બિલ્ડિંગના ઉપરના માળે પણ સામાન પહોંચાડી શકે છે. કચ્છમાં અમુક જગ્યાએ પાણીના પીપ ગધેડાગાડી પર લઈ જવાય છે તો પચ્છમમાં તેનો ઉપયોગ ખેતી માટે કરાય છે.

ગધેડા સૂકું ઘાસ અને ઉકરડામાં મળતી બધી જ વસ્તુઓ ખાઈને જીવન ટકાવે છે. કચ્છમાં વ્યાપક પ્રમાણમાં ઊગી નીકળેલા ગાંડા બાવળની ફળીઓ(શીંગો) પણ આ ગધેડા પચાવી શકે છે. તેથી તેને જંગલમાં ભટકતાં છોડી મુક્યા પછી પણ તે પોતાનું પેટ સહેલાઈથી ભરી શકે છે. જોકે તેની લાદમાં ગાંડા બાવળના બીયાં નીકળતાં હોવાથી ગાંડા બાવળને ફેલાવવામાં તેનો મહત્તમ ફાળો રહ્યો છે. તેથી તેની લાદનો ઉપયોગ પહેલાના જમાનામાં ગામડાંમાં માટીનો ચૂલો, કોઠી, કોઠા, ઘરવપરાશની અન્ય માટીની વસ્તુઓ બનાવવામાં થતો હતો, પરંતુ તે ખાતર તરીકે વપરાતું ન હતું.

અભિયાનની રિપોર્ટિંગની વધુ સ્ટોરી વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

પાંજોકચ્છ.સુચિતા બોઘાણી કનલ
Comments (0)
Add Comment