તમારી પ્રતીતિ તમને જ થઈ શકે…

પંચામૃત – ભૂપત વડોદરિયા

માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને ‘હકીકત’ કહે છે અને માણસ માને છે કે આ ‘હકીકત’ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને ‘હકીકત’ કહે છે તે ઘણી વાર તો આળસથી ઊંઘી ગયેલી શંકાઓ કે વહેમો જ હોય છે. માણસ વારંવાર કહે છે કે આ ‘હકીકત’ છે, પણ હકીકત શું છે? હકીકત એ જ હોય છે – તેણે જોયેલા એક દ્રશ્યનું તેનું પોતાનું એ વૃત્તાંત હોય છે. જેલમાં પડેલા સર વોલ્ટર રેલેએ ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખવાનું નક્કી કર્યું. પાંચ-સાત પાનાં લખ્યાં, એક દિવસ તેમણે જેલની બારીની બહાર થોડે દૂર કંઈક ઝઘડો થતો જોયો. તેમણે જે જોયું તે પરથી મનમાં નક્કી કર્યું કે ઝઘડો અમુક બાબત વિશેનો અને અમુક વ્યક્તિ વચ્ચેનો હતો. ત્યાં એક નોકરડી સર વોલ્ટર રેલેને પાણી આપવા આવી. સર વોલ્ટર રેલેએ પૂછ્યુંઃ ‘ઝઘડો શેનો હતો?’ નોકરડી તો ઝઘડાની તદ્દન નજીક ઊભી હતી. તેણે જે વાત કરી તે સાંભળીને સર વોલ્ટર રેલેને આશ્ચર્ય થયું. નોકરડી ચાલી ગઈ પછી તેમણે પોતે લખેલાં ઇતિહાસનાં પાંચ-સાત પાનાં ફાડી નાખીને કચરાની ટોપલીમાં ફેંકી દીધાં.

સગી આંખે દૂરથી જોયેલા એક ઝઘડાના દ્રશ્યના બે જ આંખે દેખ્યા અહેવાલો આટલા ભિન્ન કે તદ્દન વિરોધાભાસી બની જતા હોય તો સો-બસો વર્ષ પહેલાંની ઘટના વિશે વિશ્વાસપૂર્વક-ખાતરીપૂર્વક લખવાનો અર્થ શું? મોટા ભાગે માણસો પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોને પકડી-થિજાવીને, ઢીમ બનાવી દઈને તેને નામ આપે છે – હકીકત! એ જેને હકીકત કહે છે તે તેનું અમુક સ્થળે અને અમુક ક્ષણે સાચું એક દ્રષ્ટિબિંદુ જ હોય છે, પણ તે પોતાની આ હકીકતને – પોતાના આ ‘સત્ય’ને એકદમ આંતરરાષ્ટ્રીય ચલણનો દરજ્જો આપી દે છે. પોતાનો સિક્કો દરેકે સ્વીકારવો જોઈએ! જો ન સ્વીકારે તો તો એણે ‘સત્યોનો દ્રોહ’ કર્યો કહેવાય! એટલે જ જ્યારે ધર્મ કહે છે કે સત્ય એ જ પરમેશ્વર છે ત્યારે તેમાં માણસની પોતાની મર્યાદા વિશેની ઊંડી સૂઝ પ્રગટ થાય છે અને તે સમજે છે કે સત્યને પામવું તે પણ ઈશ્વરની કૃપાનો પ્રસાદ છે. તમારી ચકોર દ્રષ્ટિને તમે ગમે તેટલી વખાણતા હો કે તમારી બુદ્ધિને તમે ગમે તેટલી કુશાગ્ર લેખતા હો – તમે જે જુઓ છો તેમાં ખરેખર ‘સત્ય’ શું છે તે માત્ર પરમાત્મા તથા તેની કૃપા પામેલા દ્રષ્ટાઓ જ કહી શકે.

સુફીસંતોની રૃપકકથાઓમાં માણસના સૈકાઓના શાણપણનો સંગ્રહ છે. એમાં એક રૃપકકથા ખૂબ સુંદર છેઃ એક ઝરણું ઊછળતું-કૂદતું આગળ વધ્યું અને રણ પાસે આવીને થંભી ગયું. ઝરણાને લાગ્યું કે પોતે આ રણ તો ઓળંગી નહીં જ શકે – ઝરણું રણમાં એક જ કદમ આગળ વધ્યું ત્યાં પાણી રેતીમાં અદ્રશ્ય થવા માંડ્યું. ઝરણાને થયું કે મારાથી આ રણ પાર કરી શકાશે નહીં. હું જો રણમાં ચાલુ તો આ સૂકી તરસી રેતીમાં ગાયબ જ થઈ જાઉં. ઝરણું મોટેથી બોલ્યું – ‘મારે આ રણ ઓળંગી જવું છે, પણ તેને કઈ રીતે પાર કરવું તેનો કોઈ રસ્તો મને સૂઝતો નથી.’

પ્રકૃતિની મૂંગી જબાનમાં રણનો અવાજ ઝરણાને સંભળાયો. રણે કહ્યું – ‘પવન મને ઓળંગી જાય છે. તું પણ મને ઓળંગી શકે છે.’

ઝરણાએ કહ્યું – ‘પણ હું જ્યારે – જ્યારે પ્રયત્ન કરું છું ત્યારે રેતી મને ચૂસી જાય છે – હું સહેજ પણ આગળ વધી શકતું નથી.’

રણે કહ્યું –  ‘રેતી પવનને તો કંઈ કરતી નથી.’

ઝરણાએ કહ્યું –  ‘પવન તો ઊડી શકે છે – હું ઊડી શકતું નથી.’

રણે કહ્યું – ‘આ રીતે વિચારવાનો તારો ઢંગ ખોટો છે. તું ભલે ઊડી શકતું ન હોય, પણ પવનની મદદ લે. પવન તને રેતીની પાર પહોંચાડી દેશે.’ ઝરણાએ દુઃખી થતા કહ્યું – ‘અરે, એ તો મરવાનો જ રસ્તો કે બીજું કંઈ? આ રીતે મારે મારું અલગ અસ્તિત્વ – મારું પોતાનું વ્યક્તિત્વ ગુમાવવું નથી. રેતીને બદલે પવન મને શોષી લે, પછી મારું શું બચ્યું?’

રણે કહ્યું – ‘આ એક તર્ક છે, પણ તેને સાચી વાસ્તવિકતા સાથે કંઈ જ નિસ્બત નથી. પવન પાણીને શોષી લે છે અને તેને રણની પાર પહોંચાડે છે. પછી એ જ ભેજવાળી હવાનાં વાદળ વરસાદરૃપે વરસે છે અને વરસાદથી ઝરણાં અને નદી બને છે.’

પણ ઝરણાની મૂંઝવણ એ છે કે એ નવું ઝરણું તો બીજા નામે ઓળખાતું હશે! એ ઝરણું હું જ છું તેની ખાતરી કઈ રીતે કરવી?

રણ જવાબ આપે છે કે તેની પ્રતીતિ તમારા અંતરમાં જ તમને થઈ શકે. લોકો તમને ભલે ગમે તે નામે ઓળખે, પણ તમે તમારી અસલિયત – તમારું મૂળ તત્ત્વ – જાણતા હશો તો તમને પ્રતીતિ થશે જ કે હું જળ છું, મારું બાહ્ય રૃપ ઝરણાનું હોય કે નદીનું હોય. હવે આ બધાં તત્ત્વો-સત્ત્વો– જ્યારે તમે ‘સર્વોપરી’ના જ અંશરૃપ પિછાનો ત્યારે પછી પેલી નામ અને રૃપની ઓળખાણ ભૂંસાઈ જવાનો ખેદ રહેશે નહીં.

———————.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment