રૂપાણી સરકાર જળ સંગ્રહની સાથે આકરો ઉનાળો કાપી નાંખશે..!

આ મુદ્દો એવો છે કે વિપક્ષ પણ વિઘ્ન ઊભું કરવાની હિંમત કરી શકે તેમ નથી.

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

દર વર્ષે ચોમાસા પહેલા રાજયનાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ-તળાવો અને નદીઓમાં જળ સંગ્રહની ક્ષમતા વધારવાની કામગીરી કરવામાં આવે જ છે. આ વખતે ગુજરાતના પ૮મા સ્થાપના દિવસે રાજ્ય સરકારે મેગા મિશન હેઠળ જળ અભિયાન હાથ ધર્યું છે. તમામ વિભાગોને એક મહિના સુધી આ મિશનમાં જોડીને સરકાર પાણી મુદ્દે ગંભીર છે તેવો એક મેસેજ આપવા માગે છે.

ઉનાળો આકરો થતો જાય છે તેમ-તેમ સરકાર પર પાણીના મુદ્દે આલોચના વધી રહી છે. ટીકાઓ સાથે આકરો ઉનાળો કાપવાનો બાકી છે. આ સ્થિતિમાં ટીકાઓનો જડબાતોડ જવાબ આપવા અને સમયનો સદુપયોગ કરી ખાલી પડેલા જળસ્ત્રોતને સજીવન કરવાના બેવડા હેતુથી રૃપાણી સરકારે પાણી અભિયાન પર ફોકસ કર્યું છે. ગુજરાતના સ્થાપના દિવસથી એક મહિના સુધી આખા રાજ્યમાં આશરે ૧૩ હજાર જેટલાં સ્થળો પર જળ અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવશે. સરકારનું આ અભિયાન જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટે તો ઉપયોગી થશે જ સાથે પાણીના મુદ્દે લોકોમાં ઊભા થનારા રોષ અને વિપક્ષની ટીકાનો જવાબ આપવામાં પણ સરકારને મદદરૃપ સાબિત થવાનું છે. સરકાર પાણીના મુદ્દે ગંભીર છે તેવો મેસેજ આ મિશન થકી આપવા માગે છે.

આ વર્ષે સરકારમાં નજારો કંઈક ઓર જ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયથી માંડીને તમામ વિભાગોના અધિકારીઓ જળ અભિયાનની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસે જ મુખ્યમંત્રી અને પ્રધાનોએ અલગ-અલગ જિલ્લાઓમાં મેગા ઇવેન્ટના રૃપમાં જળ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. પરફેક્ટ પ્લાનિંગથી આ મિશન હાથ ધરાયું છે. તમામ મંત્રીઓ, બોર્ડ નિગમના હોદ્દેદારો, સાંસદો – ધારાસભ્યો, મહાનગરના પદાધિકારીઓ સહિતના નેતાઓને જળ અભિયાનમાં જોડાવાની સૂચનાઓ અપાઈ છે. સરકાર અને સંગઠન બંને સ્તરેથી આ અભિયાનને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ આ વિરાટ જળ અભિયાનની કામગીરી કેવી રહેશે તેના પર એક નજર કરીએ તો રાજ્યમાં તળાવો – ચેકડેમ અને નદીઓની ૧૩૦૦ સાઇટ નક્કી કરવામાં આવી છે. આ સાઇટ પર ૪૦૦૦થી વધુ જેસીબી અને ૮૦૦૦થી વધુ ટ્રેક્ટર- ડમ્પરની મદદથી કાંપ કાઢવામાં આવશે. ૩૦ જિલ્લામાં આ કામગીરી કરાશે અને તેનાથી સરકારી અંદાજ એવો છે કે ૧૧૦૦૦ લાખ ઘનફૂટથી વધુ વરસાદી પાણીની સંગ્રહ શક્તિ વધશે. પ૪૦૦ કિ.મી. લંબાઈની નહેરોની સફાઈ કરાશે અને ૩ર નદીઓને પુનઃજીવિત કરાશે. રાજ્યના કૃષિ પ્રધાન આર.સી. ફળદુનું કહેવું છે કે આ વિરાટ કાર્ય સરકાર એકલા હાથે કરી શકે નહીં એટલે જનભાગીદારીથી આ અભિયાન હાથ ધરાશે. દરેક જિલ્લામાં ધાર્મિક – સામાજિક સંગઠનોની મદદથી જળ અભિભાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન હેઠળ જે કાર્ય થશે તેમાં ૪૦ ટકા જેટલું કામ એકલા સૌરાષ્ટ્રમાં થવાનું છે.

ગુજરાતની એક ઓળખ પાણીદાર રાજ્યની છે. વિકાસના માર્ગે આગળ વધવા માટે પાણીની સુવિધા એ પાયાની જરૃરિયાત છે. સરકારનું જળ અભિયાન માત્ર ફોટોસેશન ના બને તો મોટો ફાયદો કરનારું બની રહેશે. સરકારનો ઇરાદો ભલે ગમે તે હોય, પણ લોકોને સીધો સ્પર્શ કરતો આ મુદ્દો છે અને તેનાથી સમાજને તો ફાયદો જ છે. બીજંુ આ મુદ્દો એવો છે કે વિપક્ષ પણ વિઘ્ન ઊભું કરવાની હિંમત કરી શકે તેમ નથી. એટલે સરકારને રાજકીય માઇલેજ પણ મળવાનું છે. એક મહિનો જળ અભિયાન ચાલવાનું છે એટલે સ્વાભાવિક છે કે સરકારની બીજી કામગીરી પર પણ તેની અસર પડશે. પદાધિકારીઓ અને અધિકારીઓ બીજા કામોને અગ્રતાક્રમ નહીં આપે. બોર્ડ નિગમોમાં કેટલાક મહત્ત્વના નિર્ણયોમાં વિલંબ થઈ શકે છે તેવું કેટલાક નેતાઓ કહી રહ્યા છે.

—————————.

ગુજરાતકારણદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment