આસારામ – હજુ બીજા કેસમાં પણ ન્યાયનો ઇંતેજાર

આસારામ કેદી નંબર-૧૩૦ બની ગયો છે

ન્યાય -હિંમત કાતરિયા

આસારામની સ્ટાઇલ અંડરવર્લ્ડ માફિયાને પણ શરમાવે તેવી હતી. હિંસક ફિલ્મોની સ્ક્રિપ્ટનો પણ પનો ટૂંકો પડે એવી ખતરનાક રીતે આસારામ સાક્ષીઓનું કાસળ કાઢી નાખતો હતો. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આસારામ અને વડ એવા ટેટા જેવા તેમના પરાક્રમી પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ કરનારી સુરતની બે બહેનો પૈકી એકના પતિ ઉપર સુરતમાં જીવલેણ હુમલો થયો. ૧૫ દિવસમાં જ રાકેશ પટેલ નામના આસારામના વીડિયોગ્રાફર ઉપર હુમલો થયો. બીજા હુમલાના થોડા જ દિવસો બાદ દિનેશ ભગનાણી નામના ત્રીજા સાક્ષી ઉપર સુરતની કાપડ બજારમાં એસિડ ફેંકાયો. જીવલેણ હુમલા છતાં આ ત્રણેય સાક્ષીઓ બચી ગયા, પરંતુ ત્યાર બાદ ૨૩ મે, ૨૦૧૪ના રોજ આસારામના અંગત સચિવ તરીકે કામ કરી ચૂકેલા અમૃત પ્રજાપતિ ઉપર હુમલો થયો. પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સીધી ગરદન પર ગોળી મારીને પ્રજાપતિને મોતને ઘાટ ઉતારી દેવાયા. જાન્યુઆરી ૨૦૧૫માં આગળના સાક્ષી અખિલ ગુપ્તાની મુજફરનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. એના એક મહિના પછી આસારામના સચિવ તરીકે કામ કરી ચૂકેલા રાહુલ સચાને જોધપુર કોર્ટમાં જુબાની આપી કે તરત અદાલત પરિસરમાં જ જીવલેણ હુમલો થયો. રાહુલ એ હુમલામાં તો બચી ગયો, પણ ૨૫ નવેમ્બર, ૨૦૧૫થી આજપર્યંત લાપતા છે. આ મામલે આઠમો હુમલો ૧૩ મે, ૨૦૧૫ના રોજ પાણિપતમાં સાક્ષી મહેન્દ્ર ચાવલા ઉપર થયો. મહેન્દ્ર હુમલામાં માંડ બચ્યા, પણ વિકલાંગતા કાયમની રહી ગઈ. આ હુમલાના ત્રણ મહિનામાં જોધપુર કેસના સાક્ષી ૩૫ વર્ષના કૃપાલ સિંહની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. આસારામને ઝભ્ભે કરનાર આઇપીએસ અજય પાલ લાંબાને અત્યાર સુધીમાં ૧૬૦૦ પત્રો મળ્યા જેમાં લાંચની ઑફરથી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બળાત્કાર કેસમાં આસારામને આજીવન કારાવાસની કેદ પડી તે યુપીની શાહજહાંપુર પીડિતાનો અભ્યાસ બંધ થઈ ગયો.

ચુકાદા પહેલાં અમદાવાદના આસારામ આશ્રમમાં સાધકો આસારામની મુક્તિ માટે હવન કરી રહ્યા હતા, સજા થતા રડતા બહાર આવ્યા. સજા પછીનું આ અનપેક્ષિત દૃશ્ય શું સૂચવે છે? સાક્ષીઓની હત્યા, પ્રતાડન પછી મહામથામણને અંતે ન્યાય મળતો હોય ત્યારે તેને વધાવવાને બદલે આવી અમંગળ હરકતો?

આસારામે સજા બાદ જેલમાંથી સાબરમતી આશ્રમમાં ૧૭ મિનિટ સુધી તેના સેવક નિશાંત જદવાણી સાથે વાતો કરી હતી જેમાં આસારામે જલ્દી જેલમાંથી બહાર આવી જવાની સાંત્વના આપી હતી. એ વાતચીતને આશ્રમે પ્રવચન રૃપે વાયરલ કરી દીધી. વાસ્તવમાં કેદીઓને દર મહિને ૮૦ મિનિટ સુધી તેમણે આપેલા બે નંબરો પર સ્વજન સાથે વાત કરવાની સુવિધા આપવામાં આવે છે, એ અંતર્ગત જ આસારામે વાત કરી હતી. એ વાતચીતમાં આસારામે કહ્યું હતું કે પહેલા શિલ્પી બેટી અને શરદને બહાર કાઢીશ, ઉપર એકથી એક કોર્ટ છે, બાદમાં હું આવી જઈશ તમારી વચ્ચે. અચ્છે દિન આયેંગે. આ સંદેશ આસારામની મોબાઇલ એપ મંગલમય પર પણ ચાલ્યો.

આસારામ જેલમાં આજીવન કેદ સાંભળ્યા પછીનો પહેલો દિવસ હસીને, રોઈને અને જેલનો જ નાસ્તો કરીને સૂઈને કાઢ્યો. ૫૬ મહિનાથી જેલમાં આસારામ પોતાની દિનચર્ચા જાતે નક્કી કરતા હતા, પરંતુ આજીવન કારાવાસની સજા પછી જેલના નિયમોનું પાલન કરવું પડ્યું. જેલ રેકોર્ડમાં હવે આસારામ કેદી નંબર-૧૩૦ બની ગયો છે. સવારમાં હાજરી પત્રક ભરતી વખતે જેવું કેદી નંબર ૧૩૦ બોલાયું કે આસારામે હાથ ઊંચો કર્યો અને પછી બોલ્યા, હરે રામ. સવારમાં નાસ્તામાં અન્ય કેદીઓની જેમ પલાળેલા મગ અને મગફળી સાથે ગોળ ખાધો. સ્ટીલના ગ્લાસમાં ચા પીધી. નાસ્તો કરીને એક કલાક સુધી હાથમાં માળા લઈને બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે જય શ્રી રામ હોઈ હૈ વહી જો રામ રચિ રાખા બોલતા રહ્યા. બપોરે દાળ-રોટલી ખાવા આપી તો પહેલાં તો ખાવાની ના પાડી દીધી, પણ પછી થોડું ખાધું. જેલ કર્મચારીઓ અનુસાર, આસારામ ક્યારેક અસહજ દેખાય છે તો ક્યારેક હાથ ફેલાવીને હસવા માંડતા. સાંજે માથે હાથ મુકીને જોર-જોરથી રોવા લાગ્યા અને પછી થોડીવારમાં શાંત થઈ ગયા. કેદી નંબર ૭૬ શિલ્પીએ થોડીવાર રામ નામનો જાપ કર્યો અને કેદી નંબર ૧૨૯ શરદે થોડીવાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.

આસારામ માનતા હતા કે તેમના જેવા બ્રહ્મજ્ઞાની માટે છોકરીઓનું યૌન શોષણ કરવું પાપ નથી. આ વાત સુનાવણી દરમિયાન સાક્ષી રાહુલ સચારે કોર્ટમાં કહી હતી. રાહુલે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે ૨૦૦૩માં આસારામને પુષ્કર, ભિવાની અને અમદાવાદમાં છોકરીઓનું યૌન શૌષણ કરતા જોયા હતા. રાહુલે કહ્યંુ કે મેં આસારામનો વિરોધ કર્યો ત્યારે મને તેમણે કહ્યંુ કે બ્રહ્મજ્ઞાનીને આ બધું કરવાથી પાપ નથી લાગતું. રાહુલે કોર્ટને એમ પણ કહ્યું હતંુ કે આસારામ યૌન શક્તિ વધારવા દવાઓનો સહારો લેતા હતા. સજા સમયે કોર્ટમાં સ્ટાફ, આસારામના ૧૪ વકીલો અને ૨ સરકારી વકીલો સહિત કુલ ૩૦ જણાને જ પ્રવેશ અપાયો હતો. સજા સાંભળતા જ આસારામ માથું પકડીને રોવા લાગ્યા અને હાથ જોડીને જજને પોતાની ઉંમરની શરમ ભરીને સજા ઓછી કરવાનો આગ્રહ કર્યો હતો. એ પછી આસારામ કોર્ટ રૃમમાં જ ત્રણ કલાક માથું પકડીને બેસી રહ્યા. રડતા આસારામે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને પગલે તેમને જોધપુરની એમ્સ હૉસ્પિટલમાં તેમની તપાસ કરવામાં આવી હતી.

કેસની વિગતો જોઈએ તો ઑગસ્ટ ૨૦૧૩માં આસારામ સામે બળાત્કારનો કેસ કરનાર શાહજહાંપુર નિવાસી પીડિતાનો આખો પરિવાર ઘટના પહેલાં આસારામનો કટ્ટર ભક્ત હતો. પીડિતાના પરિવારે પોતાના ખર્ચે શાહજહાંપુરમાં આસારામ આશ્રમ બનાવડાવ્યો હતો. બાળકોને સંસ્કારી બનાવવાની અપેક્ષાએ તેમણે તેમનાં બે સંતાનોને છિંદવાડાના ગુરુકુલમાં ભણવા બેસાડ્યા. ૭ ઑગસ્ટે છિંદવાડા ગુરુકુલમાંથી પીડિતાના પિતા ઉપર ફોન આવ્યો કે તેમની ૧૬ વર્ષની દીકરી બીમાર છે. બીજા દિવસે પીડિતાની માતા છિંદવાડા પહોંચી તો તેમને કહેવામાં આવ્યું કે તેમની દીકરી ઉપર ભૂત-પ્રેતનો ઓછાયો છે જેને આસારામ જ ઠીક કરી શકે છે. ૧૪ ઑગસ્ટે પીડિતાનો પરિવાર આસારામને મળવા જોધપુર આશ્રમ પહાંેચ્યા. ચાર્જશીટ પ્રમાણે, ૧૫ ઑગસ્ટની સાંજે ૧૬ વર્ષની દીકરીને સાજી કરવાના બહાને આસારામે પોતાની કુટિરમાં બોલાવીને બળાત્કાર કર્યો. પીડિતાનો પરિવાર કહે છે કે આ ઘટના તેમના માટે ભગવાન જ ભક્ષક બની ગયા જેવી હતી. આ પરિવાર છેલ્લાં પાંચ વર્ષથી પોતાના ઘરમાં નજરકેદ જેવું જીવન જીવતો હતો. પરિવારના કહેવા પ્રમાણે તેમને રિશ્વત ઑફર કરવામાં આવી અને મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ.

આસારામ મામલે ૧૮૭ લેખ લખનાર શાહજહાંપુરના પત્રકાર નરેન્દ્ર યાદવ પર પણ હુમલો થયો. હુમલાખોરોએ તેનું ગળંુ કાપી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ૭૬ ટાંકા અને ત્રણ ઑપરેશન પછી નરેન્દ્રને નવું જીવન મળ્યું છે.

પીડિતાના વકીલ પી.સી. સોલંકી શરૃઆતથી લઈને છેલ્લે સુધી કોર્ટમાં હાજર હતા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સુનાવણી દરમિયાન આસારામે પોતાને બચાવવા દેશના સૌથી મોંઘા અને નામી વકીલોનો સહારો લીધો. આસારામના બચાવમાં અલગ અલગ કોર્ટમાં બચાવની સાથે જામીન અરજી કરીને લડતા વકીલોમાં રામ જેઠમલાણી, રાજુ રામચંદ્રન, સુબ્રમણ્યમ સ્વામી, સિદ્ધાર્થ લૂથરા, સલમાન ખુર્શીદ, કેટીએસ તુલસી અને યુ.યુ. લલિત જેવાં નામો સામેલ છે. અત્યાર સુધીમાં અલગ-અલગ અદાલતોમાં આસારામની જામીનની ૧૧ અરજીઓ રદ્દ કરવામાં આવી છે. હવે આસારામના વકીલ પ્રમાણે, આસારામની સજા સ્થગિત કરવા અને જામીન અપાવવા હાઈકોર્ટમાં અપીલ કરશે. સજા સંભળાવતી વખતે જજે સૌ પ્રથમ બે આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો. ત્યારે આસારામ સફેદ લુંગી અને ઝભ્ભામાં વકીલો વચ્ચે આશ્વસ્ત બેઠા હતા. પીડિતાના વકીલના કહેવા પ્રમાણે, સુનાવણી માટે કોર્ટમાં પ્રવેશતી વખતે તેઓ મને સંબોધીને બોલ્યા, ‘બહાર હરિદ્વારમાં મળજે. આવજે હરિદ્વાર.’  પણ કોર્ટે ચુકાદો આપીને આસારામના હરિદ્વાર જવાના સપના ઉપર હંમેશ માટે પાણી ફેરવી દીધું. જાણીતા ધારાશાસ્ત્રીઓને મ્હાત આપ્યા પછી હવે વકીલ સોલંકી ઉપર ચારે બાજુથી અભિનંદનોની વર્ષા થઈ રહી છે. સૌ પહેલા તો ઘરે જતા તેની માતાએ ફૂલહાર પહેરાવીને એમનું સ્વાગત કર્યું હતું.

આસારામ પુત્ર નારાયણ સાંઈ સામે સુરતની સ્થાનિક અદાલતમાં બળાત્કારના કેસની સુનાવણી ચાલી રહી છે. સાક્ષીઓના નિવેદનો લેવાઈ રહ્યાં છે. સાંઈને દિલ્હી પોલીસે ડિસેમ્બર ૨૦૧૩માં પકડ્યો હતો. તે ૫૦ દિવસ ફરાર રહ્યા પછી પકડાયો હતો. સુરતના કેસમાં સાંઈ સાથે આસારામ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. બાદમાં આસારામ સામેનો મામલો અમદાવાદ ખસેડાયો હતો. બે બહેનો પૈકી નાની બહેને સાંઈ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમનું કહેવું છે કે, ૨૦૦૨ અને ૨૦૦૫ વચ્ચે નારાયણ સાંઈએ તેમનું યૌન શોષણ કર્યું. મોટી બહેને આસારામ સામેની ફરિયાદમાં ૧૯૯૭થી ૨૦૦૬ વચ્ચે તે અમદાવાદના આશ્રમમાં રહેતી ત્યારે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. નારાયણે ઓજસ્વી પાર્ટી બનાવી છે અને જાન્યુઆરી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા માટે જામીન માગ્યા હતા. જોકે કોર્ટે જામીન કર્યા હતા. આસારામની જેમ નારાયણ સાંઈ ઉપર પણ સાક્ષીઓની હત્યાના અને પોલીસ અધિકારીઓ સહિતનાને ધમકી આપવાના આરોપો લાગ્યા છે.
——————————.

આસારામહિંમત કાતરિયા
Comments (0)
Add Comment