ધર્મ, આસારામ અને વિશ્વ હિન્દુ પરિષદ

ધર્મ ક્ષેત્રમાં પાખંડી લોકો અધર્મ આચરી રહ્યા હોય તેનું કોઈ કાળે સમર્થન થઈ શકે નહીં.

સમાજ – તરૂણ દત્તાણી

સગીરા યુવતીના યૌન શોષણના અપરાધમાં આસારામને આજીવન કેદની સજા થઈ છે. ધર્મ ક્ષેત્રમાં પાખંડી લોકો અધર્મ આચરી રહ્યા હોય તેનું કોઈ કાળે સમર્થન થઈ શકે નહીં. આસારામના અસંખ્ય અંધભક્તોની આંખો હજુ ખૂલી નથી એ આપણું દુર્દૈવ છે. અંધશ્રદ્ધાની બાબતમાં સામાજિક જાગૃતિની આજે પણ કેટલી તીવ્ર જરૃર છે એની પ્રતીતિ થાય છે, પરંતુ જેમના શિરે આવી બાબતોમાં સામાજિક જાગૃતિ લાવવાની અને ધર્મ-સંસ્કૃતિ વિશે સાચી સમજ કેળવવાની જવાબદારી છે એવી ધાર્મિક – સામાજિક – સાંસ્કૃતિક સંસ્થાઓ પણ તેની ફરજમાંથી ચલિત થઈને પાખંડીઓના સમર્થનમાં લાગી જાય ત્યારે? આપણો સંદર્ભ વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવી અન્ય સંસ્થાઓનો છે. દિવંગત અશોક સિંઘલ અને છેક હમણાં સુધી પ્રવીણ તોગડિયાના સમય સુધી વિશ્વ હિન્દુ પરિષદ પણ આસારામનો બચાવ કરતી હતી. આ લખનારે એક વખત આ બાબતે અશોક સિંઘલ સાથે વાતચીત કરી હતી ત્યારે સિંઘલજી એકદમ ઊકળી ઊઠ્યા હતા અને એવું પુરવાર કરવા તત્પર બન્યા હતા કે હિન્દુ ધર્મને બદનામ કરવા માટેનું આ પશ્ચિમના દેશોનું અને ઈસાઈયતનું ષડ્યંત્ર છે.

અશોક સિંઘલની વિદ્વતા વિશે કોઈ શંકા કરી શકાય નહીં. પરંતુ હિન્દુત્વના પુરસ્કર્તા તરીકે કાર્ય અને કર્તવ્ય કરતા રહીને હિન્દુ સમાજની જ સગીરાઓ કે મહિલાઓને પાખંડી લોકોના શોષણનો ભોગ થતો રહેવા દેવો એ તો તેઓ જેના પુરસ્કર્તા રહ્યા એ હિન્દુ, હિન્દુત્વ, ધર્મ અને સંસ્કૃતિની તેમજ સમાજની ઘોર કુસેવા કરવાનું કૃત્ય બની રહે છે. આજે પણ હિન્દુત્વની આવી જ દીક્ષા પામેલા તાજેતરમાં જેલમુક્ત થયેલાં સાધ્વી પ્રજ્ઞા પણ આસારામનો બચાવ કરતાં નજરે પડે છે. ધોળે દિવસે, છતી આંખે આંધળા બનવા જેવો આ તમાશો છે. એક સગીરા છડેચોક દુનિયા સામે પોતાની લાજ-શરમ અને બદનામીનું જોખમ વહોરી લઈને પોતાના જાતીય શોષણની વાત કરીને ન્યાયની દેવડીએ જાય અને સાક્ષીઓ પણ જુબાની આપે, એવા અન્ય કિસ્સાઓ પણ ચર્ચાવા લાગે, ત્યારે શોષણનો ભોગ બનેલી એ સગીરાની વાત પર વિશ્વાસ કરવાને બદલે પાખંડીઓના બચાવની વાત કરવામાં આવે ત્યારે એવું લાગે કે હિન્દુત્વના પુરસ્કર્તાઓ પણ ક્યારેક સમાજને ગેરમાર્ગે દોરી શકે છે. યાદ રહે, આવી સંસ્થાઓની વિશ્વસનીયતાને પણ પાખંડીઓના બચાવથી લૂણો લાગવા માંડે છે અને સમાજ તેનાથી વિમુખ થવા લાગે છે.

એક પરિવર્તને વિશ્વ હિન્દુ પરિષદને આવા સામાજિક દુષ્કૃત્યથી બચાવી લીધી છે. ગત દિવસોમાં પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા વિષ્ણુ કોકજેએ આસારામને સજાની જાહેરાત થયા પછી પ્રતિક્રિયા આપતાં અદાલતના ચુકાદાને આવકાર આપ્યો એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આવા સ્વયંભૂ પાખંડી બાબાઓ માટે અદાલતનો આ ચુકાદો બોધપાઠ રૃપ છે, જે તેમના અનૈતિક કૃત્યોથી હિન્દુ ધર્મને બદનામ કરે છે. એક પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં કોકજેએ કહ્યું પણ ખરું કે આવા કહેવાતા સાધુઓ પાછળ અંધ બનીને લોકોએ દોડવું જોઈએ નહીં.

વિશ્વ હિન્દુ પરિષદમાં ચૂંટણીને પગલે થયેલા નેતૃત્વ પરિવર્તન પછી પરિષદ સાચી દિશામાં પ્રવૃત્ત થઈ હોવાનું જણાય છે. આ વલણ સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહેવું જોઈએ. મધ્યપ્રદેશની ભાજપ સરકાર દ્વારા પાંચેક હિન્દુ ધર્મગુરુઓને પ્રધાન કક્ષાનો દરજ્જો આપવાનો નિર્ણય પણ ધર્મ અને સમાજને માટે લાંબા ગાળે વિભાજનકારી બની રહે તેવો છે. ભાજપના નેતાઓ તેમની સરકારને આવા નિર્ણયથી દૂર રહેવા કેમ સમજાવી શક્તા નથી એ સવાલ છે. પશ્ચિમ બંગાળ કે બિહારની સરકારે મુસ્લિમ ધર્મગુરુઓને આવા દરજ્જા આપ્યા છે એવું ઉદાહરણ આપીને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો બચાવ થઈ શકે નહીં. પશ્ચિમ બંગાળની સરકારે ખોટું કામ કર્યું છે. તેનો વિરોધ થવો જોઈએ. તેના પગલે ચાલવાનો પ્રયાસ યોગ્ય નથી. આવા સરકારી દરજ્જા ધર્મગુરુઓને પણ તેમના ધાર્મિક કાર્યમાં વિઘ્નરૃપ બની રહેતા હોય છે. તેઓએ સામે ચાલીને આવી સરકારી સુવિધાની લાલસાનો ત્યાગ કરવો જોઈએ.

—————-.

તરૂણ દત્તાણી
Comments (0)
Add Comment