ઉનાળામાં લીંબુ પાણી નહીં લીંબુ શરબત પીવો

ઉનાળામાં બજારૂ પીણામાં વધુ માત્રામાં શુગર હોય છે

હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

ખાંડને લોકો સફેદ ઝેર ગણે છે. આપણે આપણા બાળકોને પણ ખાંડથી દૂર રાખવાની કવાયતમાં હોઈએ છીએ. ખાંડથી બધાને પ્રોબ્લેમ છે, પરંતુ કોઈને ગળ્યા ટેસ્ટથી પ્રોબ્લેમ નથી, પરંતુ ખાંડને જોઈને આમ ડરી જવાનું વાજબી નથી. નોર્મલ વ્યક્તિ દિવસની ૪થી ૫ ચમચી ખાંડ ખાઈ શકે છે.

આજકાલ બધાં ઘરોમાં હેલ્થના નામે લીંબુ પાણી પીવાનું ચલણ વધ્યું છે. શરબત તો બંધ જ થઈ ગયા છે. ઘણા લોકો તો બાળકોને પણ શરબત નથી આપતાં કેમ કે તેમાં ખાંડ આવે છે. ઉનાળામાં જ્યારે તમે ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ કરવા માટે લીંબુ પાણી પીતા હો તેના કરતાં લીંબુ શરબત બેસ્ટ છે. તમે જ્યારે લીંબુ પાણી પીવો છો ત્યારે એ સોલ્ટનું એબ્સોર્બસન શરીરમાં તરત થઈ જાય છે અને જ્યારે ખાંડવાળું લીંબુ શરબત પીવો છો ત્યારે શરીરમાં સોલ્ટનું એબ્સોર્બસન ધીમે-ધીમે થાય છે, જે વધુ હેલ્ધી છે. તમારું બાળક તડકામાં રમવા ગયું હોય કે તમે બહારથી આવ્યા હો ત્યારે લીંબુ પાણી નહીં, ખાંડવાળું લીંબુ શરબત જ પીવો. હા, તેમાં વધારે પડતી ખાંડ નાંખવાની જરૃર નથી. એક ગ્લાસ લીંબુ શરબતમાં એક ચમચી ખાંડ નાખી શકો છો. આ ડ્રિન્ક પીવાથી તમને એનર્જી મળશે અને બેલેન્સ જળવાશે. આ ખાંડ નુકસાન પણ નહીં કરે.

ખાંડ ઠંડક આપે છે
ખાંડ પ્રોસેસ્ડ ફૂડ છે એ વાત સાચી, પરંતુ તે નર્વને રિલેક્સ કરે છે. મેટાબોલિક હિટને શાંત કરે છે, એનર્જી આપે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ રાખે છે. ખાંડ જે વિધિથી તૈયાર થાય છે તેમાં અમુક સલ્ફર જેવા કેમિકલ્સ પણ ભળે છે જેના કારણે ખાંડ હેલ્ધી ગણાતી નથી. ઉનાળાની ગરમીમાં જ્યારે ઠંડું પીવાની ઇચ્છા થાય ત્યારે લોકો ઠંડા પીણાથી દૂર રહેવાની સલાહ આપે છે તેનું એક કારણ ખાંડ પણ હોય છે. વધુ પડતી ખાંડ શરીરમાં જાય ત્યારે એટલી એનર્જી બોડી એકસાથે વાપરી ન શકતાં તે ફેટના સ્વરૃપે જમા થાય છે. ઉનાળામાં બહાર મળતા ઠંડા પીણામાં વધુ માત્રામાં શુગર હોય છે. બહાર મળતા ઠંડા પીણા, કોલા ડ્રિન્ક્સ, ફ્રૂટ જ્યૂસના નામે વેચાતાં પેકેટ ડ્રિન્ક્સ જોખમી છે. તેથી આ પ્રકારના ડ્રિન્ક્સ ન પીવામાં સમજદારી છે.

ગોળ ખાંડનો વિકલ્પ નથી
ગોળ કે મધને આપણે ત્યાં નેચરલ અને હેલ્ધી ગળ્યા પદાર્થો માનવામાં આવે છે. કેમ કે તે કોઈ પ્રોસેસ્ડ પદ્ધતિથી બનતા નથી, પરંતુ આ બંનેની પણ એક લિમિટેશન છે. ગોળ અને મધ ગમે તેટલું અને ગમે ત્યારે ખાઈ ન શકાય. ગોળ એ તાસીર પ્રમાણે ગરમ પદાર્થ છે. આ કારણે શિયાળામાં ગોળનું પ્રમાણ વધુ રાખવાનું કહેવાય છે. ગોળ મેટાબોલિક હિટને વધારે છે. ગરમીના દિવસોમાં તમે ઠંડક મેળવવા શરબત બનાવો ત્યારે તેમાં ગોળ ભેળવો કે મધ નાંખો તો ઠંડક મળતી નથી. પેટનો અગ્નિ જે શાંત થવો જોઈએ તે થતો નથી. શુગર ઠંડક આપે છે એટલે જ ઉનાળામાં શુગર લેવાય છે.

ઉનાળામાં ખાંડવાળા શરબત પીવો, પણ લિમિટમાં

*       ગરમીમાં શરબત પીવું સો ટકા સારું, પણ ઑફિસ કે ઘરમાં એસીમાં બેસીને યોગ્ય નથી.

*       ઉનાળામાં કોકમ, વરિયાળી કે કેરીના શરબતમાં ગોળ કે મધ નહીં, ખાંડ નાખો.

*       એકાદ-બે ચમચી ખાંડ તમારા શરીરને ઠંડક આપશે નુકસાન નહીં પહોંચાડે.

*       ઘરે બનાવેલા શરબત પીવાનો જ આગ્રહ રાખો. બોટલ કે સિરપવાળા હાનિકારક છે.

*       દિવસનું એકાદ ગ્લાસ શરબત પૂરતું છે, આખો જગ ભરીને પીવાનો આગ્રહ ન રાખો.

*       શરબત સાથે કંઈ ખાવ નહીં, ફક્ત શરબત જ પીવો, નહીંતર કેલરી વધી જશે.

*       ડાયાબિટીસ કે ઓવરવેઇટ હોય તેવા લોકો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ વર્તે.

—————-.

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment