‘વખાર’ને સરસ્વતી સન્માન એવી તે કેવી આ વખાર, નામદાર!

વખાર કાવ્યસંગ્રહ સરસ્વતી સન્માનથી પુરસ્કૃત થયો

સાહિત્ય- પરિક્ષિત જોષી

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ સિતાંશુ યશશ્ચંદ્રને તાજેતરમાં એમની કાવ્યસંપદા વખાર માટે કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. કવિ સિતાંશુ યશશ્ચંદ્રની પ્રમુખ કાવ્યસંપદામાં ત્રણ કાવ્યસંગ્રહો. વ્યક્તિની એકલતાની અંદર, એના પાતાળલોકમાં, ખુદના ઊંડાણમાં જતી રચનાઓના કાવ્યસંગ્રહ ઓડિસ્યુસનું હલેસું અને એ પછી જટાયુ. ત્રીજા, આ વખાર કાવ્યસંગ્રહની રચનાઓ સમષ્ટિની રાજકીય અજાગૃત સાંપ્રત પરિસ્થિતિના બયાન સુધી પહોંચે છે.

વખારની પહેલી આવૃત્તિ થઈ વર્ષ ૨૦૦૯માં. જેનું આવરણ ચિત્ર વૉટરકલર ઓન પેપર અતુલ ડોડિયાએ અને પુસ્તકની કવર ડિઝાઇન નૌશિલ મહેતાએ કરેલી છે. વખારનો ઉઘાડ કોઈ પ્રસ્તાવનાને બદલે કોઈ નાટ્યકૃતિની જેમ પ્રવેશકથી થાય છે. અહીં નાટ્યકાર સિતાંશુ તરત જણાઈ આવે છે. તો એમની ઉપર રાષ્ટ્રપિતા ગાંધીની લેખન શૈલીનો પણ પ્રભાવ હોય એવું પ્રતીત થાય છે.

કવિનો વખાર કાવ્યસંગ્રહ જ્યારે સરસ્વતી સન્માનથી પુરસ્કૃત થયો છે ત્યારે એક વાત આંખે ઊડીને વળગે એવી એ છે કે, આ કાવ્યસંગ્રહના પહેલા જ કાવ્યની પહેલી પંક્તિ છે – મયૂર પરથી ઊતર, શારદા, સિંહ ઉપર ચઢ અને છેલ્લા કાવ્યની છેલ્લી પંક્તિ છે – સદા અમારી સંગ રહોના !/ હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના. એ અર્થમાં સરસ્વતીની શક્તિઆરાધનાથી સરસ્વતીની ભક્તિસાધના સુધી વિસ્તરેલું આ કાવ્યસંગ્રહનું ફલક સરસ્વતી સન્માનથી યોગ્ય રીતે સન્માનિત થયું છે, એવી પ્રતીતિ આપણને થયા વગર રહેતી નથી. કાવ્યસંગ્રહમાં વેદકાલિન બ્રાહ્મણ, સૂક્ત, મહાભારતની કથાઓ, બાળવાર્તાઓ વગેરેમાંથી આધાર લઈને સર્જાયેલી કાવ્યકૃતિઓમાં પરિવેશ, પરિવર્તન, પ્રતિબિંબ અને પરિણામ  વગેરે તો આજના સમાજના છે.

કાવ્યકૃતિનું મંગળાચરણ જ સિંહવાહિની સ્તોત્રથી થાય છે. જુઓ.મયૂર પરથી ઊતર, શારદા, સિંહ ઉપર ચઢ,/ દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ. 

પુસ્તકનું નામ જે કૃતિને આધારે રાખ્યું છે એ વખાર કાવ્ય ૬ઠ્ઠા ખંડમાં છે. ઑક્ટોબર, ૨૦૦૩માં પૂર્ણ થયેલું આ કુલ ૧૧ પાનાંનું કાવ્ય આમ તો સહજ બોલચાલની ભાષામાં, સંવાદરૃપે છે, પણ એમાં થયેલો છેક છેવાડાના માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી બોલીનો વિશિષ્ટ પ્રયોગ, એનાથી અજાણ લોકો માટે પણ ક્લિષ્ટ બનવાને બદલે સંવેદનાસભર બને છે. કાવ્યની શરૃઆત જુઓ./ સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે / અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત / આપ કંઈક કરો, કાયદેસરનું. અલબત્ત, ફરિયાદથી માડીને મુલાકાત, વખારમાં નજર, પણ વખારમાં નોકરી, સાહેબવારી સુખસોન્તી, એક સજેસન, ના હોય નામદાર અને અંતે ઉકેલ એવા આઠ પેટાવિભાગમાં વહેંચાયેલું વખાર કાવ્ય જાણે કે ગેરકાયેદ ઊભી થયેલી વખારને હટાવવા માટેની અરજીથી માડીને તંત્ર દ્વારા કોઈ વાત ધ્યાને ન લેવાતાં એનો અપના હાથ જગન્નાથ ન્યાયે થયેલા ઉકેલ સુધીના તબક્કાને સુપેરે વર્ણવે છે. વખાર, એના વિષય અને ભાષાની માવજતને લીધે ખરેખર આસ્વાદ્ય બન્યું છે. સમગ્ર પ્રક્રિયાને પછી કાવ્યનો અંત જ્યાં આવે છે એ પંક્તિઓ જુઓ./ના, નામદાર, બીજી કોય રાવફરિયાદ નથી. હાલ તો /આપ હવે પધારવું હોય તો પધારો/વખારનો કોયડો તો જુઓને આ વસતીએ જ ઉકેલી નાખ્યો, નામદાર.

વખાર નિમિત્તે સડ્યું સાચવે ને જીવતું મારે, એવી તે કેવી વખાર/આ આપની, નામદાર?  એમ લખતાં કવિનો આ કાવ્યસંગ્રહનો મુખ્ય સૂર તો સરસ્વતી શક્તિઆરાધનાથી સરસ્વતીની ભક્તિસાધના સુધી વિસ્તરેલો છે. વખારના માધ્યમથી સાંપ્રત સ્થિતિની વાતને બળૂકી રીતે મૂકવા બદલ અને વખાર કાવ્યસંપદા નિમિત્તે સરસ્વતી સન્માનથી પુરસ્કૃત થવા બદલ કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન.

—————–.

પરિક્ષિત જોષીસાહિત્ય
Comments (0)
Add Comment