‘માયા’ના દર્પણમાં મહાગુજરાત

'માયા' એ ઇન્દુલાલ યાજ્ઞિકે લખેલ નવલકથા છે

કવર સ્ટોરી – તરુણ દત્તાણી

ગુજરાતના દિવંગત લોકનેતા ઇન્દુલાલ યાજ્ઞિકની કલમે મહાગુજરાત આંદોલનની પાર્શ્વભૂમાં લખાયેલી દસ્તાવેજી મૂલ્ય ધરાવતી નવલકથા ‘માયા’ના સ્મરણ સાથે મહાગુજરાત ચળવળના શબ્દચિત્રની ઝલક.

મહાગુજરાત આંદોલનના નેતાઓએ સેવેલા સ્વપ્ન સાકાર થઈ શક્યા છે ખરાં?

ર૦૧૮ની ૧લી મેના રોજ ગુજરાત રાજ્યની રચનાને પ૮ વર્ષ પૂરાં થયાં છે. ૧૯૬૦માં પૂ. રવિશંકર મહારાજના હસ્તે અભિનવ ગુજરાતની યાત્રાનો આરંભ થયો એ પૂર્વે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને બાકીનું ગુજરાત મુંબઈ રાજ્યનું અંગ હતું, પરંતુ ભાષાવાર રાજ્યોની રચનાના એ દિવસોમાં ગુજરાતને મુંબઈથી અલગ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતનું એક અલાયદું ગુજરાતી ભાષી રાજ્ય બનાવવાની માગણી સાથે મહાગુજરાત આંદોલન આરંભાયું હતું. ૧૯૬૦ પછી જન્મેલી ઉછરેલી અને વયસ્ક બનેલી પેઢીઓ મહાગુજરાત આંદોલનના ઇતિહાસથી વાકેફ ન હોય એ સમજી શકાય તેવી વાત છે. કેમ કે શૈક્ષણિક અભ્યાસક્રમમાં એ વાત વિસ્તારથી ક્યાંય ભણાવાતી નથી. તો ગુજરાતમાં એવા વાસ્તવિક કથાનક પરથી ફિલ્મોનું નિર્માણ થયું નથી તેમ કથા સાહિત્ય પણ બહુ રચાયું નથી. આપણા ગુજરાતી સાહિત્યની એ વિડંબના રહી છે કે સાંપ્રત રાજકીય સામાજિક પ્રવાહોનું પ્રતિબિંબ ઝીલતી હોય એવી કૃતિઓ બહુ સર્જાઈ નથી. નવનિર્માણ આંદોલનની ગુજરાત પર અસર તો બહુ રહી, પણ તે સમયના સામાજિક, રાજકીય પ્રવાહોને આલેખતી એક માત્ર ઉલ્લેખનીય નવલકથા કોલકાતામાં વસેલા દિવંગત સર્જક શિવકુમાર જોષી પાસેથી મળી છે. આવા જૂજવાં સંદર્ભ સાથે મહાગુજરાત ચળવળને આલેખતી એક કૃતિ યાદ આવે છે- ‘માયા’.

‘માયા’ એ ગુજરાતના ખરા અર્થમાં જનનાયક કહેવાય એવા ઇન્દુલાલ યાજ્ઞિકે લખેલ નવલકથા છે. ઇન્દુચાચાના હુલામણા નામથી પરિચિત એ વ્યક્તિત્વને રાજ્યની પ્રજા રાજકીય નેતા, સમાજવાદી અગ્રણી તરીકે જાણે છે, પણ સર્જક તરીકે બહુ પરિચિત નથી. આપણે એ જાણી લેવું જોઈએ કે ગુજરાતના પ્રખર ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્માનું સૌ પ્રથમ અધિકૃત જીવનચરિત્ર ઇન્દુલાલ યાજ્ઞિકે આલેખ્યું હતું. ‘કુમારનાં સ્ત્રી રત્નો’ નામનો સંગ્રહ પણ એમણે આપ્યો છે. ઇન્દુલાલ યાજ્ઞિકનાં સર્જનોમાં રસ ઉત્પન્ન કરવા માટે આટલી વિગતો પૂરતી છે અને આપણે તો અહીં કરવું છે ‘માયા’ના આયનામાં મહાગુજરાત ચળવળનું દર્શન.

મહાગુજરાતનું આંદોલન ૧૯પ૬ના ઑગસ્ટથી ૧૯૬૦ સુધી ચાલ્યું હતું. એ સમય દરમિયાન ઘટનાઓ કેવી રીતે આકાર લેતી હતી, સરકાર અને લોકો કેવી રીતે વિચારતા હતા, આંદોલનમાં કેવા આરોહ-અવરોહ આવ્યા, વિવાદના મુદ્દા શું હતા – એ બધાનું આલેખન થયું છે ‘માયા’માં. ઇન્દુચાચા સ્વયં એ આંદોલનના અગ્રનાયક હતા એટલે કથાનો કેટલોક ભાગ આંદોલનનો જીવંત દસ્તાવેજ હોય એવું અનુભવાય છે.

એ વખતે અનેક પરિવારો ‘મહાગુજરાત’મય બની ગયેલા. કથાની નાયિકા ‘માયા’ એવા જ એક પરિવારમાંથી આવે છે. કૉલેજમાં અભ્યાસ કરતી વકીલ પિતાની પુત્રી માયા બી.એ.ના ત્રીજા વર્ષના આરંભે શરૃ થયેલ મહાગુજરાતની ચળવળમાં ઝંપલાવે છે. નાની બહેન કોકિલા પણ આંદોલનમાં સક્રિય છે. ૧૯પ૬ના જૂન-જુલાઈથી આરંભાતો કથા-પ્રવાહ ગુજરાત રાજ્યની સ્થાપનાના ૧લી મે, ૧૯૬૦ સુધી લંબાય છે. ૧૯પ૬ના ઑગસ્ટમાં એકાએક શરૃ થયેલ ચળવળમાં એક આવેગમય તબક્કામાં કથાની નાયિકા પ્રતિજ્ઞા લે છે – મહાગુજરાત ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવા. પ્રતિજ્ઞા લીધા પછીનાં વર્ષોમાં આંદોલનમાં અનેક ચઢાવ-ઉતાર આવે છે. એ ઘટનાક્રમ દરમિયાન માયાના દિલમાં એ યૌવન-સહજ પ્રણયના અંકુર ફૂટે છે – પહેલાં એક ડૉક્ટર સાથે અને એ પ્રણયભંગ પછી એક પીઢ પુરુષ સાથે, પરંતુ પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે. એટલે ધ્યેયની પ્રાપ્તિ સુધી ધીરજ ધરવાની સ્વીકૃતિ પ્રિયપાત્ર પાસેથી મેળવી લઈ મહાગુજરાતની રચના પછી જ લગ્ન કરે છે. એક ધ્યેયપૂર્તિ, સ્વપ્નનું સાફલ્ય જીવનના બીજા સ્વપ્નને સાકાર કરે છે. આમ, આંદોલનની કથા સાથે પ્રણયનો રંગ પણ ઘૂંટાતો રહે છે.

આંદોલનની પાર્શ્વભૂ હોવાને કારણે આંદોલનની ઘટનાઓ સાથે કથા-પ્રવાહ આગળ ચાલે છે. તો આંદોલન ઠંડું પડે ત્યારે કથાપ્રવાહ ખોડંગાય છે. એ વાતને બાજુએ રાખીએ તો કથામાં આલેખાયેલ ઐતિહાસિક ઘટનાક્રમ ઘણો મહત્ત્વનો છે. આજે તો એ ઘટનાઓનું મૂલ્ય અદકેરું જણાશે. જેમ કે –

૧૯પ૬, ઑગસ્ટનું પ્રથમ સપ્તાહ ઃ ‘પાંચમી-છઠ્ઠી તારીખે તો વિદર્ભ, મરાઠાવાડ અને કચ્છ-સૌરાષ્ટ્ર સમેત મુંબઈનું મહાદ્વિભાષી રાજ રચવાની દરખાસ્ત પર લોકસભાના કેટલાય કોંગ્રેસી અને વિરોધી પક્ષના સભ્યોની ટપોટપ સહીઓ થયાની ખબર અખબારોમાં ચમકી અને સર્વે વિચારવંત ગુજરાતીઓના પેટમાં તેલ રેડાયું…’

– અને સાતમીની સવારે દ્વિભાષી રાજ રચવાની દરખાસ્ત સરકારે સ્વીકાર્યાની ખબર આવી ત્યારે આખા ગુજરાતમાં ગરમીનો પારો ચઢી ગયો. અમદાવાદની કૉલેજના વિદ્યાર્થીઓ મોટું સરઘસ કાઢી ‘વી વૉન્ટ મહાગુજરાત’ સૂત્રો પોકારતા કોંગ્રેસ હાઉસ આવ્યા.

‘પણ ૮મીની સવારે તો છાપામાં ભડકાવે એવા મથાળા નીચે સમચાર ચમક્યા કે દિલ્હીમાં ગુજરાતનો ઘડોલાડવો થઈ ગયો. મુંબઈના દ્વિભાષી રાજ્યની રચના પર સંસદની સીલ લાગી ગઈ છે. તરત જ વિદ્યાર્થીઓ અને જુવાનિયાઓનાં મંડળોમાં પ્રવૃત્તિ વધી પડી. ઘડીના પલકારામાં ગુજરાત રાજ્યની ચળવળને મહાગુજરાતની લડતનું નામ આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓની કમિટી રચાઈ.’

વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

———————.

કવરસ્ટોરીતરૂણ દત્તાણી
Comments (0)
Add Comment