હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
કોઈ પણ સંબંધમાં અપેક્ષાઓ પ્રદીપ્ત થવી સ્વાભાવિક છે. જેઓ જિંદગીમાં પરમ શાંતિની વાતો કરે છે તેઓ પોકારીને કહે છે કે અપેક્ષાઓ ન રાખો. આવું તો શક્ય જ નથી. ક્યારેક તો આપણા કાને અધ્યાત્મનાં એવાં પ્રવચનો પહોંચી જાય છે કે એમાં બધી અશક્ય વાતોનું જંગલ હોય છે. એ સાંભળીને સામાન્ય મનુષ્યને તો એમ જ થઈ જાય કે અરે રે, હું તો કેવો દુષ્ટ છું. જેઓ મનુષ્ય છે એમનામાં અપેક્ષાઓ તો હોવાની જ. સવાલ અપેક્ષાઓના વિચ્છેદનની નથી. અપેક્ષાઓના પ્રમાણભાનની છે. જેઓ બહુ જ ઓછી એટલે કે નહિવત્ અપેક્ષાઓ સાથે આ જિંદગી પસાર કરી આપે છે તેઓ પોતે તો સુખી છે જ, પરંતુ તેમની સાથે કામ પાડનારા સહુ પણ સુખી થાય છે. અપેક્ષાઓનો એક અજબ સંતાપ હોય છે. તમારી પાસે કોઈ અપેક્ષા રાખે અને તમે એની પરિપૂર્તિ ન કરી શકો એટલે જેટલી વાર એમનું સ્મરણ થાય એટલી વાર મનની શાંત સપાટી પર વિષાદના કંકર પડે. તરંગો ઊઠે ને આપણે અકારણ નારાજ થઈએ. જેમની આપણી પાસે કોઈ જ અપેક્ષા હોતી નથી તેમને આપણે પૂર્ણ પ્રફુલ્લિત રૃપે નિરાંતે મળી શકીએ છીએ.
પરંતુ શું આપણે બીજાઓ પાસે આશા રાખીએ છીએ તેવા ખુદ પણ છીએ કે નહીં? સ્હેજ ઊંડે ઊતરીને જોવું પડે. પહેલી વાત એ છે કે આ જગતમાં માણસ એકલો તો કંઈ કરી શકે એમ નથી. અપેક્ષા રાખવી અને બીજાઓને આપણા પ્રત્યેની અપેક્ષાઓ જન્માવવી એ આપણો દોષ નથી. એ તો જીવનપ્રવાહના નિત્યના વહેણમાં ઉપરવાસથી આવતા સહજરંગ છે. એ આપણે ઊભા કરેલા નથી, પરંતુ એનું નિયમન કરવાનું આપણા હાથમાં છે. જે જિંદગીમાં બીજાઓ પ્રત્યે અપેક્ષાઓ વધારે હોય તો નક્કી છે કે એ જીવન સંપૂર્ણ પરાવલંબી હશે. અપેક્ષાઓ રાખવી સારી લાગે છે તો સમજવાનું કે પરાધીનતા કોઠે પડી ગઈ છે અને જેઓની કોઈની પાસે કોઈ અપેક્ષા જ નથી તેઓ વધુમાં વધુ સ્વાવલંબી હોય છે. એ જ કારણે જેઓ સ્વાવલંબી થવા ચાહે છે તેઓ અપેક્ષાના વાદળાઓ જ બંધાવા દેતાં નથી જેથી વરસાદ ન વરસે તો એમને કોઈ આઘાત લાગતો નથી.
અપેક્ષાઓ તમને જેના પ્રત્યે હોય એમની પાછળ તમારે ઢસરડાતા રહેવું પડે છે. આ અપેક્ષાઓ અનેક રીતે આપણામાંથી આકાર લે છે. માન્યતાનું મોટું પ્રદાન છે. હું તેને અંતઃકરણની વિશુદ્ધિથી ચાહું છું તો એ પણ મને એ રીતે ચાહે. આવું દંતકથાઓમાં હોય છે. વાસ્તવ કંઈક જુદંુ હોઈ શકે. હું એને ચાહું છું ત્યાં સુધીની વાતના જ આપણે માલિક છીએ. પછીનો આખો પ્રદેશ એમનો છે ને તેઓ આપણને ચાહે તો ઠીક છે અને ન ચાહે તો એનાં એમની પાસે કારણો હશે. એ કારણોય એમનાં છે. તેઓ આપણને જરાક ઓછું ચાહતા હોય એમાં આપણા અભિજાત લક્ષણો કે કર્મો કે એવું કંઈક તો હશે, પણ શું હશે – ની ચિંતા કરવી એ આપણું કામ નથી, કારણ કે અન્યનું મન અને હૃદય અન્યનું જ છે. આપણું નથી. આપણું જે છે જ નહીં એને આપણું માની લેવાની ભૂલ તો લાખો અપેક્ષાઓ જનરેટર કરનારું એક યંત્ર છે. અધ્યાત્મના સજ્જન ઉપદેશકો લોક કલ્યાણની ભાવનાથી આપણને સમજાવે છે કે અહીં આપણે કંઈ જ સાથે ન તો લઈને આવ્યા કે ન તો લઈને જવાના છીએ. બધું જ અહીંથી શરૃ ને અહીં જ પૂરું, પરંતુ એ બે બિંદુઓ વચ્ચે જ તો અપેક્ષાઓનું વન છે. છે અને છે જ… અરે વધુ ને વધુ ઘટાદાર – અડાબીડ જંગલ છે. જે આપણે જ ઉગાડેલું અપેક્ષાવન છે.
પારિવારિક સંબંધોમાં પણ જો દરેક સભ્ય પોતાની સજ્જનતા અને નિષ્ઠાનું વળતર ચાહતો હોય તો એને આઘાત લાગવાનો નક્કી છે, કારણ કે તમારા કૌટુંબિક પ્રદાનને પરિજનો કંઈ એટલા ઊંચા સ્તરનું માનતા નથી જેવું તમે માનો છો. આજકાલ દરેકને પોતે આપેલાં બલિદાનો અને ત્યાગ હોઠ પર જ રમે છે અને મોકો મળતાવેંત લોકો પોતાના સેક્રિફાઇસ વર્ણવવાની શરૃઆત કરી દે છે. અરે અત્યારે તો વાયરો જ એવો છે કે જ્યાં જુઓ ત્યાં લોકો પોતાની આત્મકથા વેચીને સહાનુભૂતિ અને લોકપ્રિયતા ખરીદે છે. એનો અર્થ છે કે તેઓ હજુ એવી અપેક્ષાઓ ધરાવે છે જે એમના સેક્રિફાઇસના બદલામાં એમને સન્માન મળવું જોઈએ. હકીકત એ છે કે વ્યક્તિને હજુ આ જગત સાથે કામ પાડતા આવડતું નથી. સન્માનની તરસ વ્યક્તિને અપમાનજનક સંજોગોમાં મુકી આપવામાં શત્રુ સરીખી મદદ કરે છે અને આ તમામ પ્રક્રિયા એક અપેક્ષા નામક અદ્રશ્ય ખલનાયિકા જ પાર પાડી બતાવે છે. કમ સે કમ માણસ પોતાની જાત પાસેથી રાખે એનાથી વધારે અપેક્ષા તો બીજાઓ પાસેથી ન રાખવી જોઈએ. પ્રણય અને લગ્નના કિસ્સામાં બે પાત્રો જો પરસ્પરની મર્યાદા ન સમજે તો દુર્ઘટના થાય છે. સંસારમાં ક્યારેય પણ કોઈ જાદુ થવાનો હોતો નથી. તેમ છતાં આપણે વાસ્તવિકતાનો અનાદર કરીને અપેક્ષાઓનો બોજ બીજા અનેક લોકો પર ફેંકતા રહીએ છીએ.
ક્યારેક તો વિવેક પણ ચૂકી જઈએ છીએ. જેઓ પોતે પોતાનામાં જ સ્થાયી ભાવે વસવાટ કરતા નથી તેઓના મન ગમે ત્યાં અને ગમે ત્યારે માળા બાંધવામાં મશગૂલ થઈ જાય છે. પ્રથમ સ્થિરતા છે. ધાર્મિક પ્રવૃત્તિઓને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવે છે કે પ્રથમ તો એમાં આગંતુકને સ્થિર કરવામાં આવે છે પછી ભલે તે ઉપાસના કે વિધિવિધાન હોય. ધર્મનું ઘણુંખરું તો એ પ્રથમ પગલે જ સિદ્ધ થઈ જાય છે. છતાં કેવી નવાઈની વાત છે કે ધર્મકાર્યમાંથી મુક્ત થતાંવેંત મનુષ્ય તુરત જ અસ્થિરતાના ચકડોળે સોત્સાહ ચડે છે. એક આખું સૂકાઈ ગયેલું જંગલ બુઠ્ઠી થઈ ગયેલી કુહાડીથી તમારે એકલાએ જ કાપવાનું હોય તો કેટલો સમય લાગે? એટલો સમય તો અપેક્ષાઓને દૂર કરવામાં ઑફિશિયલી લાગે જ, કારણ કે દરેક અપેક્ષાઓને પણ શાખા-પ્રશાખા, પર્ણ, અંકુર અને ભ્રામક ફળફૂલ પણ હોવાનાં જ. સમય તો લાગશે, પણ સારો કઠિયારો એને કહે છે જે જંગલ તરફ જોવાને બદલે નજીકના એક-એક વૃક્ષને જુએ છે અને પોતાનું કામ ચાલુ રાખે છે. કઠિયારો તો ઉપરનું કામ કરે એટલે એની રોજીરોટી પૂરી.
અપેક્ષાઓ તો બહુ ઊંડા મૂળ જમાવીને બેઠી હોય છે. એ મૂળ સુધી પહોંચવાનો જે કોઈ વ્યક્તિ પ્રયત્ન માત્ર આરંભે કે ત્યાંથી જ અલખ અધ્યાત્મનો મુલક ચાલુ થઈ જાય છે. જિંદગીનો અઢળક આનંદ આ અપેક્ષાઓને મૂળસહિત ઉખાડી ફેંકવામાં છે. શંકરાચાર્યનું સુપ્રસિદ્ધ આત્મકથન આમ તો અપેક્ષા ઉચ્છેદન
પછીના આનંદનો જ ઉદ્ઘોષ છે… એટલે જ તેઓ કહી શક્યા છે કે ચિદાનંદરૃપઃ શિવોહમ્ શિવોહમ્…!
——————.