સંવાદ માનવીની એક વિશિષ્ટ શક્તિ છે

શબ્દોમાં દિલની લાગણી વ્યક્ત કરી શકે છે.

પંચામૃત – ભૂપત વડોદરિયા

માણસના મનની વાત કહીએ કે બીજા શબ્દોમાં અંતરની વાત કહીએ. અંતરની વાતોનો એક ખાસ ગુપ્ત ખૂણો હોય છે. માનવીને માનવીના આંતરિક જીવનમાં ઊંડો રસ છે. દરેક માણસ પોતાના મનની વાતની ગુપ્તતા સાચવી રાખે છે, પણ બીજા માણસની અંતરની વાત જાણવામાં તેને રસ છે. દરેક માનવીને કોઈ કોઈ વાર એવો વિચાર આવે છે કે મારા અંતરના ઊંડાણમાં આ તે તે વાતો પડેલી છે. મારી જેવી બીજી વ્યક્તિના જીવનમાં પણ આવી વાતો તેના અંદરના ભંડકિયામાં હશે જ – હોવી જ જોઈએ.

આમ જોઈએ તો માનવીનાં જીવન – સ્ત્રી કે પુરુષનાં જીવન થોડાઘણા ફેરફાર સાથે લગભગ સમાન જ હોય છે. દરેક માનવીનાં જીવનની એક ખાનગી તિજોરીમાં ઘણી બધી વસ્તુઓ પડી હોય છે. દરેક જીવ માટે આ સાચું જ હશે, પણ જે પ્રાણીઓ બોલી શકતાં નથી તેને આમાંથી બાકાત રાખવા પડે. જેમને જન્મથી જ વાચા – બોલવાની શક્તિ મળી નથી એમની અંદરના મૂંગાં રહસ્યો કોઈ જાણી શકતું નથી. બધા જ જીવોમાં માનવી કુદરતે બક્ષેલી વાચા – શબ્દોમાં દિલની લાગણી વ્યક્ત કરી શકે છે. કુદરતે આ વિશેષ બક્ષિસ માનવીને આપી છે. આ બક્ષિસ – વાણીની શક્તિ બીજા કોઈ પ્રાણીને આપી નથી. જે બોલી શકતો નથી. મૂંગો છે તે લખીને પોતાની અંદરની વાત – લાગણી કહી શકે છે. બીજા કોઈ પ્રાણીને આ બક્ષિસ મળી નથી. તે અવાજ કરી શકે છે. તેમાં તેના હર્ષ કે શોકની અભિવ્યક્તિ કરી શકતા હશે, પણ એ શબ્દોમાં સાંભળનાર સાંભળી અને સમજી શકે તેવું કશું કહી શકતા નથી. અંતરની વાત કહીએ કે અંતરની લાગણીને શબ્દોમાં પ્રગટ કરીએ. સંવાદ કરવાની શક્તિ તે માનવીની એક વિશિષ્ટ શક્તિ છે. ઘણીબધી લાગણીઓ ચહેરાના, આંખના હાવભાવથી કહી શકાય છે, પણ નાની કે મોટી વાતને શબ્દોમાં સાંભળનાર સાંભળી અને સમજી શકે તે સ્થિતિ વિશેષ રૃપમાં માનવીમાં જ છે. કોઈ પણ ભાષાના શબ્દોમાં પોતાની વાત કે લાગણી પ્રગટ કરવાની વિશેષ શક્તિ માનવીને જ મળી છે. વાત કે લાગણી શબ્દોમાં પ્રગટ કરી શકે તેવી જબાન માત્ર માનવીને જ મળી છે. બીજાં પ્રાણીઓ લાગણી પ્રગટ કરવા નાના મોટા અવાજના આરોહ-અવરોહ પ્રગટ કરી શકે છે.

કુદરત કહો કે ઈશ્વર કહો. વાણી દ્વારા પોતાને અભિવ્યક્તિ કરવાની શક્તિ માત્ર માણસ પાસે છે. માત્ર મનુષ્ય જ પોતાની લાગણી ભાષામાં વ્યક્ત કરી શકે છે.

————–.

પંચામૃતભૂપત વડો
Comments (0)
Add Comment