પાક. ચૂંટણીના પોસ્ટરમાં ઇમરાન ખાન શંકર સ્વરૃપે

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી આગામી જૂનમાં યોજાઈ રહી

પાકિસ્તાનનામા

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી આગામી જૂનમાં યોજાઈ રહી છે. નવાઝ શરીફ ચૂંટણી લડી શકે તેમ નથી. તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ચૂંટણી લડશે પણ તેના વિજય વિશે શંકા પ્રવર્તે છે. સત્તા માટેની સ્પર્ધા દિવંગત બેનઝીર ભુટ્ટોની પાર્ટી અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિકે ઇન્સાફ (પીટીઆઈ) વચ્ચે રહેશે એવું અનુમાન છે. ચૂંટણીનું રાજકારણ અને ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટેના ચિત્ર-વિચિત્ર તરીકા અજમાવવાનું દરેક દેશમાં રાજકીય પક્ષોનું વલણ લગભગ સમાન હોય છે. પાકિસ્તાનમાં પણ ચૂંટણીના માહોલમાં આજકાલ આવું જ બની રહ્યું છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાનની લઘુમતી હિન્દુઓનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહી છે. ઇમરાનના પ્રતિસ્પર્ધીઓને એમ લાગે છે કે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ હિન્દુઓનું સમર્થન મેળવવામાં સફળ થશે. આવા અનુમાનને પગલે આજકાલ પાકિસ્તાનમાં ઇમરાન-વિરોધીઓ દ્વારા જે પ્રચાર થઈ રહ્યો છે તેના કેન્દ્રમાં એક ચૂંટણી પોસ્ટર છે. આ પોસ્ટરમાં ઇમરાન ખાનને ભગવાન શંકર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ત્યાંના સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે.

જોકે આ પોસ્ટર ગત આઠ એપ્રિલે નવાઝ શરીફના પક્ષ પીએમએલ (નવાઝ)ના સમથર્કોના નામે વાઇરલ થયું હોવાનું જણાય છે. કેમ કે તેની નીચે એવું લખવામાં આવ્યું હતું કે, ‘વી લવ નવાઝ શરીફ એન્ડ શાહબાઝ શરીફ.’ આ પોસ્ટર વિવાદનો વિષય બને એમાં નવાઈ નથી. ફેસબુક ટ્વિટર પરથી સરકીને આ વિવાદ હવે ત્યાંની એસેમ્બલીમાં શોર મચાવી રહ્યો છે. લઘુમતી હિન્દુ નેતાઓ પણ આ પોસ્ટરનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ઇમરાનના પક્ષ પીટીઆઈ એવો આક્ષેપ કરે છે કે આ શરારત, આ ચાલાકી પીએમએલ (નવાઝ) દ્વારા કરવામાં આવી છે જેથી પાકિસ્તાનના હિન્દુઓમાં ઇમરાન સામે નફરતનો માહોલ તૈયાર થાય. પાકિસ્તાનની સંસદ ગણાતી નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે ગૃહ મંત્રાલયને કહ્યું છે કે, ઈશ-નિંદાપૂર્ણ સામગ્રી પોસ્ટ કરનાર વ્યક્તિ અથવા સમૂહ સામે નક્કર પગલાં લેવામાં આવે. હિન્દુ સમુદાયના નેતાઓએ તેમની ધાર્મિક લાગણીને દુભાવનારી, નફરત અને ઘૃણાથી ભરપૂર વાતોને સતત ઓનલાઇન પોસ્ટ કરવા સામે દેખાવો યોજ્યા હતા. પાકિસ્તાનના દૈનિક અખબાર ‘ડોનલ્લના જણાવવા પ્રમાણે હિન્દુ પ્રતિનિધિઓએ ઇસ્લામાબાદમાં દેખાવો કર્યા હતા. એ પછી સ્પીકરે આવું કરનારાં તત્ત્વો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. અહેવાલ અનુસાર હિન્દુ સાંસદ રમેશલાલે આ મુદ્દો એસેમ્બલીમાં ઉઠાવ્યો હતો અને ઈશ-નિંદાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ભગવાન શંકર પર ઇમરાનનો ચહેરો લગાવાયો હતો. તેનાથી પાકિસ્તાનમાં રહેતા ચાલીસ લાખથી વધુ હિન્દુઓની ધાર્મિક લાગણીને આઘાત લાગ્યો છે.

હિન્દુ જનપ્રતિનિધિઓના જણાવ્યા પ્રમાણે આવા અપરાધ સાયબર કાનૂન અંતર્ગત આવે છે અને આવા ગુનેગારોને સજા મળવી જોઈએ. સાંસદ રમેશલાલના જણાવવા પ્રમાણે છેલ્લા બે સપ્તાહથી હિન્દુ સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુઓ પ્રત્યે સંવેદનશીલતાનો માહોલ સર્જાયો છે. એ માહોલને ચૂંટણીના સમયમાં બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગે છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીથી ત્યાંના કટાસરાજ સ્થિત  હિન્દુ તીર્થનો પુનરોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. એ સિવાય પણ કેટલાંક મંદિરો ખોલી નાખવામાં આવ્યાં છે. પંજાબ યુનિવર્સિટી લાહોરમાં સીમિત સ્તરે હિન્દી વિભાગ શરૃ કરાયો છે. આ વખતે સિંઘ ક્ષેત્રના હિંગળાજ તીર્થ પર પણ ભારે રોશની કરાઈ અને મુલાકાતી શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો. રાવલપિંડીના એક મંદિરમાં નવરાત્રિ વખતે દેવીપૂજન પણ થયું અને કેટલીક મુસ્લિમ કન્યાઓને પણ પૂજવામાં આવી.

બે વર્ષ પહેલાં નવાઝ શરીફે હિન્દુઓ સાથે હોળી મનાવી હતી. નવાઝ શરીફ કટાસરાજ તીર્થ પર પણ ગયા હતા અને ત્યાંના જીર્ણોદ્ધારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ વડાપ્રધાન હતા ત્યારે કટાસરાજ માટે પાંચ કરોડ રૃપિયાની ફાળવણી કરી હતી. મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી આતંકી સંગઠનોની સક્રિયતા છતાં લઘુમતી હિન્દુ સમુદાય હવે ધીમે-ધીમે મુખ્ય પ્રવાહનો હિસ્સો બની રહ્યાં છે. સમજદારીનો તકાજો સમજીને તેઓ મીડિયાથી દૂર રહે છેે. એક આવકાર્ય વાત એ પણ છે કે ત્યાં આબકારી વિભાગ, ઇન્કમટેક્સ તેમજ કેટલીક આઈટી કંપનીઓમાં યુવા હિન્દુઓને નોકરી અપાઈ રહી છે.

————————.

ઇમરાન ખાનપાકિસ્તાન ચૂંટણીપાકિસ્તાનનામા
Comments (0)
Add Comment