કલોલનું સરકારી તંત્ર ‘ગટેહરા’ને ગળી જશે

સમસ્યા – નરેશ મકવાણા

ગાંધીનગરના કલોલ નજીક આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યાની વાત નવી નથી. દાયકા અગાઉ યાયાવર પક્ષીઓથી હર્યુંભર્યું રહેતું આ તળાવ આજે કલોલની કેમિકલ ફેક્ટરીઓના સતત ઠલવાતાં રહેતાં ગંદા પાણીના કારણે નર્ક બની ગયું છે. કોર્ટે તંત્રને જરૃરી પગલાં લેવા કહ્યું છે છતાં સ્થિતિ જૈસે થે છે, ત્યારે કલોલના નીંભર તંત્રને જગાડવાના છેલ્લા ઉપાય તરીકે એક સરકારી કર્મચારીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

‘હેલ્લો, ‘અભિયાન’માંથી વાત કરો છો?’
‘હા જી, આપ કોણ?’
‘સર, હું સંદીપ બ્રહ્મભટ્ટ વાત કરું છું. કલોલ પાસેના પલસાણા ગામેથી.’
‘જી બોલો..’

‘સાહેબ હું પર્યાવરણપ્રેમી છું. છેલ્લા એક દાયકાથી મારી નજીકમાં જ આવેલા ગટેહરા પક્ષી ક્ષેત્રને બચાવવા માટે લડત આપી રહ્યો છું. દસ વર્ષમાં લાગતાં વળગતાં તમામ અધિકારીઓ, વિભાગોમાં અરજીઓ કરી જોઈ. હાઈકોર્ટમાં અરજી કરી જેમાં જવાબદાર તંત્રને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે આ પક્ષી ક્ષેત્રને કોઈ પણ ભોગે બચાવવું.’

‘બરાબર, તો પછી સમસ્યા શું છે?’

‘સાહેબ, છતાં કલોલ નગરપાલિકા તંત્ર ગાંઠતું નથી. હું ભારતીય પોસ્ટ વિભાગમાં સિનિયર કર્મચારી છું. પોસ્ટ ખાતાના પર્યાવરણ સમસ્યા વિભાગમાં વેલ્ફેર ઇન્સ્પેક્ટર અને નોડલ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યો છું. છતાં આજે સ્થિતિ એ આવીને ઊભી રહી છે કે હું મારા જ ગામના પર્યાવરણને બચાવી શકતો નથી. કલોલનું સરકારી તંત્ર જીપીસીબી સહિતની સંસ્થાઓના આદેશને ઘોળીને પી ગયું છે. એટલે મેં નક્કી કર્યું છે કે, જો તંત્ર આ માટે જરૃરી પગલાં નહીં ભરે તો હું જાહેરમાં આત્મવિલોપન કરીશ.’

‘જુઓ સંદીપભાઈ, આવું ન કરાય. કોઈ પણ સમસ્યાનો ઉકેલ આત્મવિલોપન તો નથી જ. તમે લાગતા વળગતા વિભાગોને અરજી કરીને ઉકેલ લાવવા કેમ પ્રયત્ન કરતા નથી?’

‘સાહેબ, છેલ્લાં દસ વર્ષથી એ જ તો કરી રહ્યો હતો. હાઈકોર્ટે પણ મેં ઉઠાવેલા પ્રશ્નોના નિરાકરણની તરફેણ કરીને તંત્રને યોગ્ય પગલાં લેવા કહ્યું છે. છતાં આજદિન સુધી જવાબદાર તંત્રમાંથી કોઈ અહીં ફરક્યું નથી. એક સમયે સ્વચ્છ પાણીથી ભરેલું રહેતું ગટેહરા તળાવ આજે ઝેરી કેમિકલનો અડ્ડો બની ગયું છે. પક્ષીઓ આવતાં નથી અને જમીન બગડી ગઈ છે. ચોમાસામાં કેમિકલયુક્ત આ પાણી આસપાસનાં અનેક ખેતરોમાં ફરી વળે છે એટલે ઊભો પાક બળી જાય છે. ખેડૂતો અભણ છે એટલે તેમનો પક્ષ લઈને મેં સરકારમાં અરજીઓ કરેલી છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે. એટલે મેં તો નક્કી જ કર્યું છે કે, ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા આત્મવિલોપન જ કરવું.’

એક અઠવાડિયા પહેલાંની આ વાત છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ભારતીય પોસ્ટ વિભાગની કચેરીમાં ઍન્વાયરોન્મેટલ ઇશ્યૂ વિભાગમાં વેલ્ફેર ઇન્સ્પેક્ટર અને નોડલ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલા અને પલસાણા ગામે રહેતા સંદીપભાઈ બ્રહ્મભટ્ટનો ‘અભિયાન’ને ફોન આવે છે. પ્રાથમિક પરિચય બાદ વીસેક મિનિટ સુધી તેમની સાથે ચર્ચા થાય છે. જેનો સાર એવો નીકળતો હતો કે, પલસાણા-કલોલ રોડ પર આવેલા ગટેહરા પક્ષી ક્ષેત્રને ખુદ સરકાર અને સરકારી અધિકારીઓએ જ મળીને ખતમ કરી નાખ્યું છે. અમારા માટે નવાઈની વાત એ હતી કે, સરકારી તંત્ર સામે ફરિયાદ કરનાર કોઈ એક્ટિવિસ્ટ નહીં, પણ સરકારના એક વિભાગમાં પર્યાવરણના મુદ્દાઓ પર કામ કરી ચૂકેલો એક કર્મચારી હતો. તેમણે વાત આગળ વધારતાં કહ્યું, પક્ષી ક્ષેત્ર હોવા છતાં છેલ્લાં દસ વર્ષથી અહીં તળાવમાં છેક કલોલથી ગંદું કેમિકલયુક્ત પાણી ચોવીસે કલાક ઠલવાતું રહે છે. જીપીસીબીના ચૅરમેન, કલોલ ચીફ ઓફિસર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગના સચિવ તથા સ્થાનિક ધારાસભ્ય એમ તમામ લાગતાં વળગતાં અધિકારીઓ, હોદ્દેદારોને મેં એકથી વધુ વખત લેખિતમાં અરજીઓ કરી છે. છતાં આ મામલે આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી એટલે કંટાળીને તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. સંદીપભાઈનો કોલ પુરો થયો અને અમે વિચારતા થઈ ગયા કે આવું માત્ર આપણે ત્યાં જ બની શકે. તંત્રની બલિહારી જુઓ કે, સરકારના જ એક વિભાગમાં પર્યાવરણ બચાવવા માટે કામ કરતો એક કર્મચારી જીપીસીબી, પર્યાવરણ વિભાગ, કલેક્ટર, નગરપાલિકા વગેરે સરકારના જ વિભાગો સામે લડત આપી રહ્યો છે છતાં તંત્ર તેને ગાંઠતું નથી. આ વિભાગોની ફરજ છે કે પર્યાવરણની જાળવણી થાય અને ક્યાંય પણ તેના નિયમોનો ભંગ થતો હોય તો કાયદેસરનાં પગલાં લે. તેમ છતાં અહીં ખુલ્લેઆમ ગંદું પાણી વહેતું રહે છે જેના કારણે ગટેહરા પક્ષી અભયારણ્ય આખું કેમિકલયુક્ત પાણીથી ઊભરાતું થઈ ગયું છે. જવાબદાર તમામ સરકારી વિભાગો અને તેના અધિકારીઓ મીંઢું મૌન ધારણ કરીને બેસી ગયા છે ત્યારે સંદીપભાઈ જેવો પર્યાવરણ મામલે સંવેદનશીલ માણસ આત્મવિલોપન ન કરે તો શું કરે?

ગટેહરાની ગૂંચવણ
આખી સમસ્યાની શરૃઆત વર્ષ ૨૦૦૦ પછી ત્યારે શરૃ થઈ જ્યારે કલોલ આસપાસનાં પલસાણા, સઇજ, લક્ષ્મીપુરા સહિતના ગામોના જરૃરિયાતમંદ ખેડૂતોને કલોલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ચોક્કસ ધારાધોરણો વિના ખેતી માટે આપવાનું શરૃ કરાયું. આ પાણી ગટરલાઇન તથા ફેક્ટરી વેસ્ટનું હોવાથી અતિશય દુર્ગંધ મારતું હતું. આ દરમિયાન કેટલાક ખેડૂતો આ પાણીના સંભવિત ખતરાથી અજાણ હોઈ ખેતરોમાં સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવા માંડેલા, પણ પ્રદૂષિત પાણી ખેતરો, જાહેર રસ્તા, નેળિયાઓમાં દિવસો સુધી ભરાઈ રહેતું હોઈ તેની નકારાત્મક અસરોથી ખેડૂતો ધીરે-ધીરે વાકેફ થયા. દુર્ગંધ મારતાં એ પાણીથી ખેડૂતોની જમીન ઉપરાંત જ્યાંથી પણ તે વહેતું તે તમામ જમીનો ખરાબ થવા માંડી હતી. ગંદા પાણીમાં ઊભા રહેવાના કારણે ખેડૂતોને ચામડીના રોગ લાગુ પડવા માંડ્યા. આટલી સમસ્યા છતાં ખેડૂતો સીધી રીતે તંત્રને ફરિયાદ કરતાં ડરતા હતા. કેમ કે, તેમને ડર હતો કે ક્યાંક સરકાર તેમને દારૃના કોઈ કેસમાં ફસાવી દેશે. ખરી સમસ્યા તો ત્યારે ઊભી થઈ જ્યારે આ ગંદંુ પાણી અહીંના ગટેહરા પક્ષી ક્ષેત્ર એટલે કે ગટેહરા તળાવમાં વાળવામાં આવ્યું. જેનું પરિણામ ભયંકર આવ્યું છે. અત્યંત પ્રદૂષિત, ગંદું, કાળા રંગનું કેમિકલયુક્ત પાણી ગટેહરા તળાવ, આસપાસનાં ખેતરો અને રસ્તાઓ પર સતત વહેતું રહેવાથી આખો વિસ્તાર ગંધાઈ ઊઠ્યો. જમીનમાં ઊંડે સુધી વ્યાપી ગયેલા કેમિકલોની અસર હવે સ્થાનિકોના પીવાના પાણીમાં દેખાવા માંડી છે. છતાં તેનાં ગંભીર પરિણામોથી અજાણ સ્થાનિકો હજુ તે પાણીનો ઉપયોગ કરે છે.

————————-.

પૂરો રિપોર્ટ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

નરેશ મકવાણા
Comments (0)
Add Comment