વિધવા મહિલા શા માટે સારા પ્રસંગોમાંથી બાકાત?

વિધવા છે માટે અપશુકનિયાળ કહેવાય?

હેતલ રાવ

૧૯૮૨માં રાજકપૂરે વિધવા મહિલાના પુનઃ વિવાહને લઈને ‘પ્રેમરોગ’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ તે સમયે ખાસ્સી ચર્ચાનો વિષય બની હતી. જોકે ફિલ્મને વિરોધ પણ સહન કરવો પડ્યો, પરંતુ આજે આ ફિલ્મને રાજકપૂરની બેસ્ટ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. તે પછી વિધવા મહિલાની સ્થિતિ, પુનઃ લગ્ન કે પ્રેમ દર્શાવતી ફિલ્મો આવી અને લોકોએ પસંદ પણ કરી. જોકે વાત રીલ લાઈફની હોય ત્યાં સુધી બરોબર, પરંતુ જો રિયલમાં વિધવા મહિલા લગ્ન કરે તો આજે પણ સમાજ તેને ઘૃણાથી જુએ છે, સારા પ્રસંગમાં પણ તેની ઉપસ્થિતિ લોકોને ખૂંચે છે. સમાજ સુધર્યો છે તેવું લાગે છે, પરંતુ વિધવાની મુશ્કેલીઓ જેસે થે વેસે જેવી છે….

રાગિણી રોજની જેમ જ ચાર વાગે ઊઠીને ઠંડા પાણીથી નાહી પૂજા-પાઠમાં બેસી જાય છે. પાંચના ટકોરે તે ફરી પોતાની ઓરડીમાં પુરાઈ જાય છે. બરાબર છ વાગ્યાના ટકોરે મમ્મી અને મોટાભાભી ઊઠે છે અને ઘરના કામકાજની શરૃઆત થાય છે. એક પછી એક પપ્પા, ભાઈઓ, દાદીમા, દાદા અને ભત્રીજાઓ બધા ઊઠે છે અને પરવારી પોતપોતાના કામે નીકળી જાય છે. ત્યાં સુધી તો ઘડિયાળ દસ ને તીસનો સમય બતાવી દે છે. રાગિણીનો દરવાજો નાના ભાભી ધીમેથી ખટખટાવે છે. અને રાગિણી બહાર આવે છે. દાદી કહે છે, બધા ગયા હવે આવ અને ચા પી લે. આ નિત્યક્રમ હતો. રાગિણીને ફરજિયાત ચાર વાગે ઊઠવું પડતું અને બધાના ગયા પછી જ બહાર આવવાનું. ચાર વાગે ઊઠેલી રાગિણી રોજ અગિયાર વાગે ચા પીવે, કારણ કે રાગિણી ૩૮ વર્ષીય વિધવા મહિલા હતી. દાદીના કહ્યા પ્રમાણે ઘરના પુરુષો, બાળકો કામધંધે, શાળાએ જતાં હોય ત્યારે તેનો ચહેરો બતાવવો નહીં, કેમ કે તે વિધવા છે માટે અપશુકનિયાળ કહેવાય. આવી વાતો તમે સાંભળી છે..? અરે જોઈ પણ હશે. યાદ કરો લગ્નના દિવસો જ્યારે ઘરમાં રહેતા વિધવા કાકી, ફોઈ, દાદીમા, નાનીમા કે પછી અન્ય સંબંધી તમારા લગ્નની દરેક વિધિમાંથી દૂર જ રહેતાં. તેમને લાગતંુ અથવા લગાડવામાં આવતું કે જો તેમનો પડછાયો વધૂ પર પડે તો અપશુકન કહેવાય. દીકરી નવંુ જીવન શરૃ કરવા જઈ રહી છે તેમાં ઝેર રેડાય વગેરે.. વગેરે.., પરંતુ આપણે લગ્નમાં મસ્ત આ બધંુ નજરઅંદાજ કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આવી વાતોને ના માનવા છતાં પણ મૂક સંમતિ આપીએ છીએ.

વાત છે વિધવાના હકની, માનની, આત્મસન્માનની અને તેની ખુશીઓની. કહેવાય છે કે હવે તો એકવીસમી સદી અંત તરફ છે. આપણે ઘણા ફોરવર્ડ બની ગયા છે. સમાજમાં હવે એવા ઘણા રિવાજો, રસમો અને કહેવાતા ખોટા વિચારો દૂર થઈ રહ્યા છે. હવેે સમાજ ઓપનમાઇન્ડેડ બની રહ્યો છે, પરંતુ શું આ સાચી વાત છે. સમાજમાં ખરેખર બદલાવ આવ્યો છે. બે કે પાંચ ટકા લોકો એવા છે જે બદલાવને પસંદ કરે છે બાકી આજે પણ વિધવાના સન્માનની વાત હોય કે તેના પુનઃ લગ્નની વાત હોય. સમાજ સ્વીકાર કરવામાં નનૈયો જ ભરે છે.

આ વિશે વાત કરતાં કામિની (નામ બદલ્યું છે) કહે છે, ‘મારાં લગ્ન ૨૧ વર્ષે થઈ ગયાં હતાં. ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું અને લગ્ન થયાં. લગ્નનાં બે જ વર્ષમાં મારા પતિ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. મારો પરિવાર ઘણો ધનિક છે. માટે તેમને મને પરત બોલાવી લીધી. સાસરીવાળાને પણ હું પિયર ચાલી જઉ તેવી જ આશા હતી. મારી ફેમિલી એજ્યુકેટેડ હતી. ભાઈ, ભાભી, મમ્મી, પપ્પા બધાએ સારો અભ્યાસ કર્યો હતો, પરંતુ ઘરમાં દાદીમા કહે તેટલંુ જ થતું હતું. હું પરત તો ફરી અને દાદીમાએ મારા પર નિયમોની તલવાર ખેંચી. મારે ડાર્ક કલરનાં કપડાં નહીં પહેરવાનાં, બહેનપણીઓ સાથે બહાર નહીં જવાનું. સવારે વહેલા ઊઠવું, ઘરકામમાં મદદ કરવી, સારા પ્રસંગમાં હાજર નહીં રહેવાનું. કોઈ સગાને ત્યાં પણ નહીં જવાનું, પપ્પા અને ભાઈને બહાર જતા હોય ત્યારે ચહેરો નહીં બતાવાનો. અરે, ત્યાં સુધી કે દાદીમા તો ટીવી જોવાની પણ ના પાડતાં હતાં. હું મમ્મીને કહું પણ તેનું કશું ચાલે નહીં. ઘરમાં દાદીમાના ડિસિઝન ઉપર કોઈ જવા તૈયાર નહોતું. હું આ બધા રિવાજોમાં બંધાઈને રહું તેવી નથી. મારા પતિ રાકેશને હું પ્રેમ કરતી હતી, પરંતુ મારા કારણે તેમનો જીવ નથી ગયો. માટે હું શું કામ કોઈ સજા ભોગવંુ, માટે એક દિવસે ઘર છોડીને હું ચાલી ગઈ. ઘરના કોઈએ શોધવાની તસ્દી લીધી કે નહીં તે ખબર નથી, પરંતુ મને એટલી ખબર પડી હતી કે દાદીમાએ સમાજમાં એમ વાત કરી કે તેે કામિની કાશીના આશ્રમમાં છે. હાલમાં હું અમદાવાદમાં રહું છું અને મેં બીજા લગ્ન પણ કરી લીધાં છે. મારા પતિ બિઝનેસમેન છે અને આ બધા વિચારોથી પર છે. વિધવા સ્ત્રીને પણ જીવવાનો હક છે.

‘હું વિધવા છું, પરંતુ ભગવાન તો હંમેશાં મારી સાથે જ હોય છે. હવા, સૂરજ, વરસાદ, ચંદ્રમા કોઈ પણ મારાથી દૂર નથી રહેતંુ તો પછી સમાજને શું થાય છે. એમ કહેતાં વિધવા મહિલા સમાજનાં રંજનબહેન કહે છે, ‘હા, પહેલાં કરતાં આજે સમાજમાં ઘણો બધો સુધારો આવ્યો છે, પરંતુ એવા અનેર રીત-રિવાજો કે પછી કુરિવાજો છે જેના નામ પર મહિલાઓની બલિ લેવાતી હોય છે. એવા કેટલાય સમાજ છે જેમાં મહિલા વિધવા થાય તો તેની મરજી હોય કે ના હોય છતાં તેને દિયર વટુ કે જેઠ વટુ કરવું પડે એટલે કે વિધવા મહિલાને પોતાની ઇચ્છા વિરુદ્ધ પતિના નાનાભાઈ કે મોટાભાઈ સાથે લગ્ન કરવા પડે છે અને જો મહિલા લગ્ન કરવાની ના પાડે તો તેને સમાજ સ્વીકારતો નથી, તેની સાથે ખરાબ વર્તન થાય છે. ખુદ મહિલા જ મહિલાને હેરાન કરે તેવા બનાવો પણ બનતા હોય છે. આવા કુરિવાજો હવે બંધ કરવા જોઈએ. જેમ સતીપ્રથાની નાબૂદી થઈ તેવી જ રીતે વિધવાને પણ પોતાની રીતે જીવવાનો હક મળવો જ જોઈએ.’

આ લેખની વધુ વિગતો વાંચવા તેમજ ‘અભિયાન’ના ફેમિલી ઝોનમાં મહિલાઓ-યુવતીઓને લગતા લેખો નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————–.

ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment