ગુજરાતી ફિલ્મો હવે ‘ઢ’ રહી નથી…

ફરી એક વાર ગુજરાતી ફિલ્મોને બળ મળી રહ્યું છે.

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મોમાં એક ખાલીપો ઊભો થયો હતો તે હવે ધીરે-ધીરે દૂર થઈ રહ્યો છે. ગુજરાતી યુવા પેઢીઓને આકર્ષે તેવી ફિલ્મોનો દોર શરૃ થયો છે. તેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી રહી છે. ‘૬પમાં નેશનલ ફિલ્મ ઍવૉર્ડ જાહેર થયા તેમાં પ્રાદેશિક શ્રેણીમાં ‘ઢ’ ગુજરાતી ફિલ્મને ઍવૉર્ડ મળ્યો તે તેની વધુ એક સાબિતી આપે છે.

ગામ , ગાડું અને ગોકીરો એ હવે ગુજરાતી ફિલ્મની ઓળખ રહી નથી. અર્બન થીમ સાથેની ગુજરાતી ફિલ્મો આજની ગુજરાતી પેઢીને થિયેટર સુધી ખેંચી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં જે નવો દોર શરૃ થયો છે તે યુવા કલાકારો અને બોલિવૂડમાં મોટા બેનરમાં કામ કરનારાઓને પણ આકર્ષી રહ્યા છે. ગુજરાતી ફિલ્મો જે નવાં રૃપરંગમાં બની રહી છે તેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ૬પમા રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડની જાહેરાત કરવામાં આવી તેમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ  ‘ઢ’ને બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ અપાયો હતો. સતત બીજા વર્ષે આ બહુમાન ગુજરાતી ફિલ્મને મળ્યું છે. અગાઉ ર૦૧૭માં રોંગ સાઇડ રાજુ ફિલ્મને મળ્યું હતું. ગુજરાતના વર્તમાન પ્રવાહોને પારખીને જે ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવી રહી છે તેને તમામ સ્તર પરથી આવકાર મળી રહ્યો છે, જ્યારે ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને રાષ્ટ્રીય ઍવૉર્ડ જાહેર થયો ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ પણ આ ફિલ્મની ટીમને અભિનંદન આપીને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોમાં સમય મુજબનું પરિવર્તન આવ્યું છે. ગુજરાતી ફિલ્મો સ્પર્ધાના આ દોરમાં હજુ વધુ પ્રતિષ્ઠા મેળવે તે દિશામાં આગળ વધશે તેવો વિશ્વાસ છે.

ગુજરાતી ફિલ્મનો ૧૯૮૦ના સમયમાં ગોલ્ડન પિરિયડ હતો. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને પડદા પર જોવા માટે કતારમાં ઊભા રહીને ટિકિટો ખરીદવામાં આવતી હતી. ધીરે-ધીરે ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ ખતમ થતો ગયો. રાતોરાત આવું નથી થયું. તેનાં અનેક કારણો છે. તેની ખૂબ ચર્ચાઓ થઈ ચૂકી છે એટલે દોહરાવવી નથી. ટૂંકમાં એવું કહી શકાય કે ગુજરાતીઓની નાડ પારખવામાં હવે નિર્માતાઓ અને દિગ્દર્શકો સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાતી કલાકારોમાં ટેલેન્ટ છે, હવે તેને યોગ્ય રીતે બહાર લાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અનેક ગુજરાતી ફિલ્મો હિટ જતાં ગુજરાતી ફિલ્મો બનાવવાનારાનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ૬પ મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ જીતનાર ‘ઢ’ ફિલ્મના દિગ્દર્શક મનિષ સૈની કહે છે, ‘મારી આ પહેલી ફિલ્મ હતી અને તેને નેશનલ ઍવૉર્ડ મળતા મારો ઉત્સાહ બેવડાયો છે. ‘ઢ’ ગુજરાતી ફિલ્મ હજુ રજૂ પણ થઈ નથી ત્યાં ઍવૉર્ડ મળી ચૂક્યો છે. ત્રણ બાળમિત્રોની સ્ટોરી પરથી આ ફિલ્મ બની છે. સારું કન્ટેન્ટ અમે આપવાનો પ્રયાસ કર્યો છે તેને સારો આવકાર મળ્યો છે. કેટલા પૈસામાં ફિલ્મ બની તે મહત્ત્વનું નથી તેમાં પેશન અને ક્વૉલિટી કેવી છે તે મહત્ત્વનું છે.

અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ જેવી ગુજરાતી ફિલ્મો યુવા ગુજરાતીઓને આકર્ષી ગઈ પછી આ દોરમાં લવની ભવાઈ જેવી ફિલ્મો આવી. આ દોર આગળ વધી રહ્યો છે. ૮૦૦ જેટલા ચિત્કાર નાટકના શૉ કર્યા બાદ સુજાતા મહેતા અને હિતેનકુમાર જેવા કલાકારોને લઈને આ થીમ પરની ફિલ્મ આવતા સપ્તાહે રજૂ થઈ રહી છે. સાવરકુંડલા પાસેના માનવમંદિર ખાતે માનસિક રોગથી પીડાતી યુવતીઓ સાથે એકાદ મહિનો રહીને કલાકારોએ ચિત્કાર ફિલ્મનું શૂટિંગ કરીને રિયાલિટીને રીલ લાઇફમાં લાવવા કોશિશ કરી છે. પદ્મશ્રી ઍવૉર્ડ મેળવનાર મનોજ જોષીના અભિનયવાળી ફેરાફેરી

હેરાફેરી ફિલ્મ રિલીઝ થઈ તેની પણ ઢોલીવૂડમાં ખાસ્સી ચર્ચા છે. આમ ફરી એક વાર ગુજરાતી ફિલ્મોને બળ મળી રહ્યું છે. બોલિવૂડમાં કામ કરતાં ગુજરાતી કલાકારો ફરી એકવાર ગુજરાતી ફિલ્મો તરફ ઢળી રહ્યાં છે. તે જ બતાવે છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની આવતી કાલ ઉજળી છે.

——————–.

‘ગુજરાતકારણ’માં નિયમિત પ્રકાશિત થતા લેખો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

ગુજરાતકારણદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment