મોહાડીના ઊંટપાલકો પણ સમજ્યા કન્યા કેળવણીનું મહત્ત્વ

ધો. ૮ પછી ભણવાની કોઈ સગવડ અહીં નથી. તેથી તેમને ભણવાનું પડતું મૂકવું પડે છે.'

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કચ્છના અબડાસા તાલુકાના ૭૫૦ની વસતીવાળા મોહાડી ગામના ફકીરાણી જત લોકો પોતાનાં બાળકોને શાળાએ મોકલે છે. પરંપરાગત વસ્ત્રો પહેરેલી કન્યાઓ કોમ્પ્યુટર, ગણિત, અંગ્રેજી શીખે છે. આગળ વધવાની તમન્ના રાખે છે. આજના જમાનામાં શિક્ષણનું મહત્ત્વ આ લોકો પણ સમજ્યા છે, પરંતુ કન્યા કેળવણી કે શિક્ષણના મોટા-મોટા બણગાં ફૂંકતા સરકારી બાબુઓ અહીંનાં બાળકોને ધો. ૮ પછીનું શિક્ષણ મળી શકે તે માટે કોઈ પ્રયત્ન કરતાં નથી. ગામમાં એક પણ એસ.ટી. બસ આવતી નથી કે નજીકમાં આવેલી ખાનગી ઉદ્યોગગૃહની શાળામાં આ બાળકો આગળ ભણવા દાખલ થઈ શકતાં નથી. ગરીબ વાલીઓ હોસ્ટેલનો ખર્ચ કરી શકે તેમ નથી. બાળકો વધુ ભણવાના બદલે પારંપારિક ઊંટપાલન કે માછીમારીના ધંધામાં જોડાઈ જાય છે.

ગુણોત્સવ કે શાળા પ્રવેશોત્સવના નામે સરકાર લાખોનો ખર્ચ કરે છે, પરંતુ જે બાળકોમાં ખરેખર ભણવાની લગન છે તે બાળકો માટે પૂરતી સગવડ ઊભી થતી નથી તે કચ્છ સહિત ગુજરાતના વિદ્યાર્થીઓની કમનસીબી છે. કચ્છી ઊંટ તરીકે જાણીતા ખારાઈ ઊંટપાલન કરીને જીવતા ફકીરાણી જત લોકોનો એક સમૂહ અબડાસા તાલુકાના મોહાડી ગામે રહે છે. ખારાઈ ઊંટ દરિયા કિનારે ઊગતા ચેરિયા (મેન્ગુ્રવ) ખાઈને જીવે છે. આથી ઊંટનો ખોરાક જ્યાં મળે ત્યાં ફકીરાણી જત લોકો ભટકતા રહે છે, પરંતુ દરિયા કિનારે આવેલા મોહાડી ગામે ઊંટનો ખોરાક સહેલાઈથી ઉપલબ્ધ થતો હોવાથી અહીં ભૂંગાઓમાં વસતા જત લોકોને ભટકવું પડતું નથી. તેનો ફાયદો તેમનાં બાળકોને મળ્યો છે. તેઓ શાળાના પગથિયા ચડી શક્યા છે. આ ગામની શાળામાં પરંપરાગત વસ્ત્રોમાં કોમ્પ્યુટર શિખતી, ગણિતના દાખલા ગણતી કે, સી.એ.ટી. કેટ એટલે બિલાડી એવું બોલતી વિદ્યાર્થિનીઓ જોવા મળે છે.

૭૫૦ જેટલી વસતીવાળા આ ગામમાં સો ટકા વસતી જત લોકોની છે. મદરસા બરકાતે મુસ્તફા એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ગ્રાન્ટેડ ધો. ૮ સુધીની પ્રાથમિક શાળા ચાલે છે. ગામનાં તમામ બાળકો બાલમંદિર અને પ્રાથમિક શાળામાં આવે છે. પાંચ વર્ષથી નાનાં બાળકો બાલમંદિરમાં અને ૬થી ૧૪ વર્ષનાં બાળકો શાળામાં આવે છે. અહીંની કન્યાઓ પણ ભણવામાં રસ દાખવે છે. શાળાના કુલ ૧૨૩ વિદ્યાર્થીઓ પૈકી ૬૦ કન્યાઓ અને ૬૩ કુમાર અભ્યાસ કરી રહ્યા છે.

શાળાના આચાર્ય ઇસાક ખત્રીના જણાવ્યા મુજબ, ‘અહીંની દીકરીઓ હોશિયાર છે. કોમ્પ્યુટર જેવો વિષય પણ હોંશથી શીખે છે. ૧૯૮૭માં શરૃ થયેલી આ શાળામાં ઘણો લાંબો સમય કન્યાઓ અહીંના પરંપરાગત ચૂરી અને ખોંભીના પરંપરાગત પોશાકમાં જ ભણવા આવતી. જોકે આ વસ્ત્રો તેમને રમતગમતમાં અડચણરૃપ થતાં હોવાથી અને શાળામાંથી બહાર પ્રવાસમાં જવાનું થાય ત્યારે પણ તેમનો પરંપરાગત પોશાક બીજા લોકો માટે કુતૂહલ ઊભું કરતો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ સરકારી શાળાની વિદ્યાર્થિનીઓનો ગણવેશ અપનાવી લીધો છે. શાળાના વિવિધ કાર્યક્રમોમાં તમામ બાળકો હોંશે-હોંશે ભાગ લે છે, પરંતુ ધો. ૮ પછી ભણવાની કોઈ સગવડ અહીં નથી. તેથી તેમને ભણવાનું પડતું મૂકવું પડે છે.’

આ ગામથી ૧૬ કિ.મી. દૂર આવેલા વાયોર ગામે માધ્યમિક શાળા છે, પરંતુ અહીં એક જ શિક્ષક છે તે પણ વ્યાયામના. બાકીના વિષય શીખવવા કોઈ શિક્ષક આ શાળામાં નથી. વાયોર ગામથી બે કિ.મી. દૂર આવેલા એક ખાનગી ઉદ્યોગગૃહની માધ્યમિક શાળા ચાલે છે, પરંતુ તેમાં તેના સ્ટાફના બાળકોને જ ભણાવાય છે. આ ગામના બાળકો માટે પ્રવેશની જોગવાઈ ન હોવાનું જણાવાય છે. મોહાડી પ્રા. શાળાના આચાર્ય અને ગામના અગ્રણીઓ દ્વારા ઉદ્યોગગૃહના મૅનેજમેન્ટ સમક્ષ વારંવાર રજૂઆતો કરાઈ છે. વિદ્યાર્થીઓના દાખલા માટે મૌખિક રીતે હા પડાઈ હોવા છતાં કોઈને શાળામાં દાખલ કરાતાં નથી.

ઉપરાંત વાયોર ગામ સુધી જવા માટે પણ બસની કોઈ સુવિધા નથી. ગામમાં એસ.ટી.ની એક પણ બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ માટે દૂર ભણવા જવું મુશ્કેલ છે.

જત સમાજના અગ્રણી જુસબભાઈ જત આ અંગે વાત કરતાં કહે છે, ‘આ ગામના બાળકો ભણવાની ઇચ્છા ધરાવે છે. ગ્રામજનો પોતે ભણ્યા ન હોવા છતાં ભણતરનું મહત્ત્વ સમજતા થયા છે, પરંતુ ગામની શાળામાં ધો. ૮ સુધીના અભ્યાસ પછી આગળ ભણવાની સગવડા નથી. આમ છતાં ૨-૩ વિદ્યાર્થીઓએ બહારગામ જઈને ધો.૧૦ અને પછી આઇ.ટી.આઇ.નું શિક્ષણ લીધું છે. હવે તેઓ નોકરી કરે છે, પરંતુ ગામની એક પણ કન્યા ધો. ૮થી આગળ ભણી શકી નથી. જો આ ગામ સુધી બસ આવે અને નજીકના વાયોર ગામની માધ્યમિક શાળામાં પૂરતા શિક્ષકો નિમાય તો અહીંનાં બાળકો આગળ શિક્ષણ મેળવી શકે.’

આ ગામ નલિયાથી નારાયણ સરોવર જતાં રસ્તા પર મેઇન રોડથી અંદર ૫-૭ કિ.મી.ના અંતરે આવેલું છે, પરંતુ આ ૫-૭ કિ.મી.નો રસ્તો ખખડધજ છે. એક પણ બસ ગામ સુધી આવતી નથી. જોકે ચૂંટણી હોય કે સરકારી કાર્યક્રમો હોય તો બસોની દોડાદોડી ચાલે છે. આખું વર્ષ જો શાળાના અનુકૂળ સમયે બસ ચાલે અને વાયોર માધ્યમિક શાળામાં પૂરતા શિક્ષકો મુકાય તો વિદ્યાર્થીઓ ભણી શકે.

મોહાડીથી ૪ કિ.મી. દૂર જત લોકોની વસતીવાળું ભારાવાંઢ ગામ આવેલું છે. અહીં ધો. ૭ સુધીની પ્રાથમિક શાળા છે. અહીંના વિદ્યાર્થીઓ વધુ એક વર્ષ ભણી શકે તે માટે મોહાડી શાળાના આચાર્ય કે અન્ય કોઈ વ્યક્તિ આવતા-જતાં વખતે ભારાવાંઢના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પોતાની સાથે વાહનમાં લઈ આવે છે અને મુકી આવે છે. જે દિવસે કોઈ લેવા મૂકવાવાળું ન હોય તે દિવસે વિદ્યાર્થીઓને જતાં-આવતાં મળીને આઠ કિ.મી.નું અંતર પગે ચાલીને કાપવું પડે છે. આથી જ આ વિસ્તારમાં નિયમિત બસ સેવા ચાલુ કરવી જોઈએ.

જો અહીંના વિદ્યાર્થીઓ આગળ ભણે તો તેમના જ પરંપરાગત વ્યવસાય પશુપાલન કે માછીમારીમાં વૈજ્ઞાનિક ઢબે આગળ વધી શકે. આ હેતુથી બાળકોને પશુપાલન વિશેની નવી-નવી માહિતી અપાય છે, દૂધ ડેરીઓની મુલાકાતે લઈ જવાય છે.

મોહાડીની શાળામાં ભણતાં બાળકો માટે ધો. ૮ પછી ભણવાની કોઈ સગવડ ન હોવાથી બાળકો પછી પરંપરાગત ઊંટપાલન કે માછીમારીના વ્યવસાયમાં લાગી જાય છે, પરંતુ જો આ બાળકોને આગળનું શિક્ષણ મળે તો તેઓમાંથી કદાચ કોઈ ડૉક્ટર, એન્જિનિયર કે શિક્ષક પણ બની શકે. અભ્યાસની લગન ધરાવતાં આ બાળકો ખરેખર આગળ વધી શકે તે માટે જરૃર છે સરકારી પ્રયત્નોની.

આજે એક તરફ જ્યાં શિક્ષણનું વ્યાપારી કરણ થઈ રહ્યું છે, શાળા સંચાલકો-સરકાર-વાલીઓ અને વિદ્યાર્થીઓ દિન-પ્રતિદિન ફીને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે સરકારે ગુણોત્સવ જેવા કાર્યક્રમોની સાથે મોહાડી જેવા ગામની શાળા તરફ પણ ધ્યાન આપી બાળકોનાં શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય પ્રતિ કટિબધ્ધ થવું જરૃરી છે.
—————————.

ગ્રામજનો પોતે ભણ્યા ન હોવા છતાં ભણતરનું મહત્ત્વ સમજતા થયા છે, પરંતુ ગામની શાળામાં ધો. ૮ સુધીના અભ્યાસ પછી આગળ ભણવાની સગવડ નથી –  જુસબભાઈ, અગ્રણી, જત સમાજ
—————————.

અહીંની દીકરીઓ હોશિયાર છે. કોમ્પ્યુટર જેવો વિષય પણ હોંશથી શીખે છે. શાળાના વિવિધ કાર્યક્રમોમાં તમામ બાળકો હોંશે-હોંશે ભાગ લે છે – ઇસાક ખત્રી, શાળાના આચાર્ય,
——————————————–.

‘અભિયાન’ તેના રિપોર્ટિંગમાં ગામ્ય સ્તરે શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પ્રાથમિક સવલતોના પ્રશ્નોને સતત વાચા આપતું રહ્યું છે. જેમાં ગ્રામીણ મહિલા, બાળકો અને યુવા પેઢીના જીવનમાં સતત બદલાવ આવતો રહે – પ્રશાસન ક્યાં ચૂક કરી રહ્યું છે અથવા તેની નબળી કડી ક્યાં છે તેનો અંગૂલિનિર્દેશ અભિયાન સતત કરતું આવ્યું છે. આવી તમામ માહિતીથી અવગત રહેવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.

કચ્છપાંજો કચ્છ - સુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment