પંચામૃત – ભૂપત વડોદરિયા
રશિયન નવલકથાકાર તુર્ગનેવની નવલકથા ‘ફાધર્સ એન્ડ સન્સ’માં બાઝારેવનું પાત્ર કુટુંબનો માળો છોડીને પોતાની પાંખો વડે સ્વતંત્રપણે ઊડવા આતુર પંખીનું છે. આમાં એક સંઘર્ષ છે. એક બાજુ દીકરા કે દીકરીનું રટણ કરતાં મા-બાપ છે. બીજી બાજુ લાગણીના વધુ કસોકસ બંધનમાંથી મુક્તિ માગતાં બાળકો છે. બાઝારેવ ડૉક્ટર થવા માટે વતનથી દૂરના શહેરમાં ગયો છે. મા-બાપ એને ઝંખે છે. એકનો એક દીકરો છે. વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે તેની ઉપર બહુ આશા બાંધી છે. બાઝારેવ પ્રયોગશાળામાં સિદ્ધ ન થઈ શકે તેવું કશું માનવા તૈયાર નથી અને લાગણીનો અતિરેક તો તેને સમજાતો જ નથી. મા-બાપને મળવા તે આવે છે, પણ પૂરા ચાર દહાડા પણ રોકાતો નથી. પુત્ર ઘેર આવશે, પોતાની સાથે રહેશે, ઘરને ભર્યુંભર્યું બનાવી દેશે એવી કંઈ-કંઈ આશાઓ મા-બાપે બાંધી છે. તેના સ્વાગત અને મહેમાનગતિની કંઈ-કંઈ તૈયારીઓ કરી છે, પણ બાઝારેવને તો ઘણુંબધું કામ છે. બાપ નિવૃત્ત લશ્કરી તબીબ છે. ખેતી છે. આમ તો સુખી છે, પણ સંતાન વગર મા-બાપ એકલાં એકલાં થાક્યાં છે. બાઝારેવને પોતાની માની લાગણીની ખબર છે એટલે તે પોતાની વિદાયની વાત પહેલી પિતાને કહે છે. પિતાને આઘાત લાગે છે, પણ પોતાના આઘાતને ઢાંકીને એ પોતાની પત્નીનાં દુઃખની વાત કરે છે. બાઝારેવ કહે છે કે મારી માને કહેવાની જરૃર નથી. આવતી કાલે વહેલી સવારે હું ઊપડી જવા માગું છું. મારી માને તમે સમજાવી દેજો. ખોટી રોકકળ કરે નહીં. બાઝારેવનો પિતા મોડી રાતે કલાકોની માથાકૂટ પછી પત્નીને ‘સમજાવી’ દે છે. મા આંસુ ઢાંકી દે છે, ધરતી વીજળીને ગળી જાય તેમ આઘાતને પણ અંદર ઉતારી દે છે. વણવરસેલાં આંસુઓનાં વાદળ વચ્ચે વીજળીની જેમ સ્મિતને ઝબકાવ્યા કરે છે. બાઝારેવ ઊપડી જાય છે. બાઝારેવની વિદાય પછી બાપની હિંમત તૂટી પડે છે. તે ભાંગી પડે છે. ત્યારે બાઝારેવની માતા પતિને કહે છે ઃ ‘પુત્ર કે પુત્રી તો ઝાડ ઉપર બેઠેલાં પંખી જેવાં બાજ કે સમળી જેવાં છે – ગમે ત્યાં સુધી બેસે અને પછી ઊડી જાય. મા-બાપ તો સુક્કાભઠ થડ જેવાં છે! તમે દિલને નાનું કરશો નહીં. બાળકો આપણાં હોય છે અને છતાં તે આપણાં નથી હોતાં. તમે દીકરાની આશા છોડો. હું તમને એટલું કહું કે હું તમને કદી નહીં છોડી દઉં! દુઃખમાં, સુખમાં, માંદગીમાં, યાતનામાં આપણા બેનો સથવારો પાકો! આપણે એકબીજાનાં થઈને રહીએ.’
તુર્ગનેવની નવલકથાના અહીં ટાંકેલા શબ્દો લાંબા વખતે યાદદાસ્તમાંથી ઉતાર્યા છે. થોડા શબ્દો અહીંતહીં ફરી ગયા હશે, પણ ભાવાર્થ આવો જ છે. તુર્ગનેવનો ડૉક્ટર બાઝારેવ આપણા માટે છેક અજાણ્યું પાત્ર નથી. ગુજરાતી વાર્તાકાર, વિવેચક સ્વ. રામનારાયણ વિ. પાઠકની ટૂંકી વાર્તા ‘મુકુંદરાય’નો મુકુંદરાય પણ બાઝારેવનો જ પિતરાઈ ભાઈ નથી લાગતો? આખી દુનિયામાં તમામ સમાજોમાં બે પેઢી વચ્ચે એક નાજુક સીમા ઉપર મા-બાપ અને સંતાનની વિદાય-જુદાઈનાં દૃશ્યો રચાતાં જ રહે છે. ક્યાંક દીકરો બ્રિટન કે અમેરિકા કે જર્મની ઊપડી જાય છે. ક્યાંક દીકરી વતન છોડીને પહેલાં ભણવા માટે શહેરમાં અને પછી આગળ વધવા માટે મહાનગરની કેડી પકડે છે. યુવક-યુવતીઓનાં હૈયામાં મા-બાપ માટે કાંઈ લાગણી કે પ્રેમ નથી જ હોતો તેમ માનવાની જરૃર નથી. તેમને લાગણી છે, મા-બાપ માટે કંઈક કરવાની પણ ઇચ્છા છે, પણ વતનના ઘરનો લીંબડો ગમે તેટલો ગમતો હોય તોય તેને મોટા શહેરમાં લઈ જઈ શકાતો નથી, તેમ મા-બાપને પણ સાથે લઈ જવાનું ઘણાબધાને મુશ્કેલ કે અશક્ય લાગે છે. આવાં યુવક-યુવતીને કોઈક વાર આપણે એમનાં મા-બાપની આળી લાગણીની વાત કરીએ તો એ ઊલટા દુભાઈને કહે છે કે, ‘અમને લાગણી નથી તે વાત ખોટી છે, પણ આ જમાનામાં મા-બાપને દિલમાં રાખી શકીએ તેમ છીએ, સાથે રાખી શકીએ તેમ નથી. શ્રવણના ખભા ઉપર મા-બાપની કાવડ હતી. અમારા ખભા પર પણ મા-બાપ છે, પણ તે સ્થૂળ અર્થમાં નહીં. બાકી મા-બાપ પોતાના ઉપકાર કેમ આટલા આગળ કરે છે? મા-બાપ જાણે કે અમે જરૃર તેના દેવાદાર છીએ. અમને ખબર છે કે અમે તેમનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી, છતાં જે કાંઈ ચૂકવવાનું છે તે અમે મા-બાપને આપી નહીં શકીએ. કદાચ થોડું ઘરડાં મા-બાપના હાથમાં આપીશું. બાકીની બધી રકમ અમે તેમના પૌત્રને આપીશું! અમારાં મા-બાપે અમારું કર્યું, અમે અમારા દીકરાનું કરીશું! બાપ અને દીકરા વચ્ચે હિસાબ ચૂકતે થઈ શકશે નહીં. દાદા અને પૌત્ર વચ્ચે હિસાબ ચોક્કસ થઈ જશે!’
ભૂપત વડોદરિયાના ‘પંચામૃત’, ઘરે બાહિરે, જિંદગી એક મિજાજ, જિંદગી ઝિંદાદિલીનનું નામ, પંચામૃત અભિષેક, બે અક્ષર જિંદગીના, મારી તમારી વાત, પંચામૃત આચમન, જાગરણ, ઉપાસના વગેરે પુસ્તકોમાંથી સંપાદિત લેખોના સંગ્રહ નિયમિત વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો….
——————————————–.