હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
એક સવારે અંબાલાલ અને ભોગીલાલ બંને પથુભાના પાનના ગલ્લે ઊભા હતા. વિદેશમાં માણસે ક્યાંક જવું હોય તો પોતાની કારમાં લગાડેલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)માં ગંતવ્ય સ્થાનનું પાકું સરનામંુ નાખીને પહોંચવું પડે છે, કારણ ત્યાં પાનના ગલ્લા અને ચાની હોટલો નથી. આપણે ત્યાં તો ગાડી ઊભી રાખી ગાડીમાં બેઠા-બેઠા કોઈને સાદ પાડો એટલે એ દોડીને ગાડી પાસે આવે. ત્યાર બાદ એને કહો કે મારે ચંદુભાઈ ચવાણાવાળાના ઘેર જવું છે. એટલે પેલો માણસ તરત કહેશે કે નોકની દોંડીએ હેંડ્યા જાવ, ત્રણ સર્કલ પછી ડોબા હોથ ઉપર ફંટાઈ જજો. ત્યાં પોંચ મિનિટ ગોડી ચલાવશો ત્યાં ઘોઘા બોપજીનું મંદિર આવશે. મંદિરથી જમણા હોથ પર નેકળી જવાનંુ. થોડા હેંડશો ત્યાં ચોર-પોંચ ગોય બેઠી-બેઠી કચરો ખોતી બેઠી હશે. એની બરાબર સોમે જે બંગલો છે તે ચંદુ ચવાણાવાળાનો છે.
પરદેશમાં લોકો ડિપ્રેશનનો ભોગ બની જાય છે કારણ એકલતા છે. લોનલીનેસ એને કોરી ખાય છે. ભારતમાં જમીને લુંગી પહેરીને પાનના ગલ્લે પહોંચી જાવ એટલે જાતજાતનાં અને ભાતભાતનાં નમૂનાઓ તમારંુ ટેન્શન હળવું કરવા તૈયાર જ હોય. પાનના ગલ્લા અને ચાની હોટલ વ્યસનનું પ્રતીક છે, પરંતુ આ બંને સ્થળોનું જમા પાસંુ પણ છે. આ વાત હજુ આપણા વડાપ્રધાનના મગજમાં આવી નથી નહીંતર એ સરકાર તરફથી ગામોગામ પાનના ગલ્લા અને ચાની હોટલો ખોલે. મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો પાસે ઉદ્ઘાટનો કરી ‘ગલ્લોત્સવ’ ઊજવે અને આ ગલ્લાઓ અને કીટલીઓ કેવી રીતે ભારતના વિકાસમાં મદદરૃ૫ થશે એ વિશેનું હૃદયસ્પર્શી પ્રવચન પણ કરી શકે.
અંબાલાલ અને ભોગીલાલ પાનના ગલ્લે ઊભા હતા અને લુંગી પહેરીને ચુનીલાલ આવી ચડ્યો. મદ્રાસનું નામ ચેન્નાઈ પડ્યું તે માટે ચુનીલાલ એવું માને છે કે ત્યાં સાઉથમાં બધાં મોટાભાગે લુંગી પહેરે છે અને લુંગીમાં ચેન (ઝીપ) આવતી નથી. ચેન નહીં હોવાથી મદ્રાસનું નામ ‘ચેન્નાઈ’ પડ્યું છે. અમે કોઈ જાતની દલીલ કર્યા વગર એની વાત માની લીધી છે.
‘સલમાનને સજા પડી..’ ચુનીલાલે આવતાવેંત ગરમાગરમ ન્યૂઝ રજૂ કર્યા.
‘વીસ વરસે પડી અને તે પણ પાંચ વરસની પડી.’ અંબાલાલે નિસાસો નાખ્યો.
‘વીસ વરસે પડે એટલે વધારે વરસની પડે એવું ન હોય.. કોઈ દંપતીને ત્યાં વીસ વરસે બાળક જન્મે તો પણ એ બાળક જ હોય. ત્યારે એમ ન કહેવાય કે વીસ વરસે જન્મ્યો છતાં બાળક જ જન્મ્યો.’ ભોગીલાલે સુંદર વાત કરી.
‘મારી બોલવામાં ભૂલ થઈ ગઈ, હું એમ કહેવા માગતો હતો કે ભારતમાં વીસ વરસ સુધી ચુકાદો ન આવતો હોય ત્યાં વિકાસ પણ ઝડપથી ન થઈ શકે માટે પ્રજાએ થોડી ધીરજ ધરવી જોઈએ.’ અંબાલાલે ફેરવી તોળ્યું.
‘ભગવાન રામ અને સલમાન ખાન વચ્ચે શું સામ્ય છે? ચુની ઓચિંતો કૂદી પડ્યો.’
‘તું યાર કેવી સરખામણી કરે છે? ક્યાં ભગવાન રામ અને ક્યાં સલમાન ખાન?’ ભોગીલાલ ઉવાચ.
‘છતાં એ બંને વચ્ચે સામ્ય છે.’ ચુનીલાલ મક્કમ રહ્યો.
‘શું સામ્ય છે?’ અંબાલાલ અકળાયો.
‘બંને હરણ પાછળ ગયા એમાં હેરાન થયા.’ ચુનીલાલે ચોખવટ કરી.
‘ચુનીલાલ તારી વાતમાં દમ છે. ભગવાન રામ હરણને મારવા ગયા અને સીતાનું હરણ થયું અને સલમાન પણ હરણને મારવા ગયો અને શાંતિનું હરણ થયું.’ ભોગીલાલે એનાલિસિસ કર્યું.
‘સલમાનની સાથે તેનાં મા-બાપ, પરિવાર, કરોડો ચાહકોનાં મનની શાંતિ હણાય એવી ભૂલ કરી છે એ વાત સાચી છે.’ ચુનીલાલે પુષ્ટિ કરી.
* * *
પથુભાએ ૈંઁન્ની નવી સિઝનને ધ્યાનમાં રાખીને પોતાના ‘લવલી પાન સેન્ટર’માં નવું ટીવી ખરીદ્યંુ છે. જે રીતે ગોળના ગાંગડા ફરતે માખીઓ બણબણે તે રીતે આખી સિઝન દરમ્યાન પથુભાના ગલ્લા ફરતે ક્રિકેટરસિયા ગણગણે છે. આ રીતે દિવસો સુધી ‘ગલ્લોત્સવ’ ઊજવાશે અને ગલ્લાઓ ઊભરાશે.
એક દિવસ ભારત અને પાકિસ્તાનની મેચ હતી જેમાં ભારત જીતી ગયું. પથુભાના ગલ્લે દરેક મેચ પૂરી થયા બાદ વ્યસનીઓ દ્વારા મેચનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પોતાના મોઢામાં પાનનો ડૂચો ભરાવીને ભોગીલાલ બોલ્યો ઃ
‘વિરાટ કોહલી એટલે સોલ્લીડ… સચિન રિટાયર્ડ થયો ત્યારે એમ થતું હતું કે સચિન જેવો બીજો કોઈ ક્રિકેટર મળશે નહીં, પરંતુ કોહલી તો સચિન કરતાં પણ ઊંચો ખેલાડી છે.’
‘કોહલી રમ્યો એટલે ભારત જીતી ગયંુ એવું નથી. બુમરાહની બોલિંગ જોરદાર હતી એટલે જીત્યું છે. ચાર ઓવરમાં માત્ર અઢાર રન અને ત્રણ વિકેટ. એકલા બેટ્સમેનથી મેચ ન જીતાય. બોલર્સ પણ સારા હોવા જોઈએ. બુમરાહના કારણે જીત્યા છીએ.’ અંબાલાલે બુમરાહને દત્તક લઈ લીધો.
‘તમારા બેમાંથી કોઈમાં બુદ્ધિ નથી.’ ચુનીલાલે ધડાકો કર્યો.
‘કેમ?’ ભોગીલાલ અને અંબાલાલ બંને બોલી ઊઠ્યા.
‘ક્રિકેટમાં બેટ્સમેન અને બોલર કરતાં ફિલ્ડરનું મહત્ત્વ વધારે હોય છે. સુરેશ રૈના, જોન્ટી રોડ્ઝ, યુવરાજસિંહ, એ.બી.ડી. વિલિયર્સ, કેરોન પોલાર્ડ, શાહીદ આફ્રીદી, રીકી પોન્ટિંગ, પોલી કલીંગવુડ, હર્સલ ગીબ્સ જેવા ફિલ્ડર્સ મેચની બાજી પલટાવી નાખતાં હોય છે. કાલની મેચમાં કોહલી સારું રમ્યો, બુમરાહે સારી બોલિંગ કરી, પરંતુ યુવરાજસિંઘની ફિલ્ડિંગના કારણે મેચ જીત્યા છીએ. એણે ત્રણ કેચ કર્યા. બે ખેલાડીને રનઆઉટ કર્યા અને ઓછામાં ઓછા વીસ રન બચાવ્યા છે. મારી દૃષ્ટિએ ગઈકાલનો હીરો યુવરાજ હતો.’ ચુનીલાલે વિગતવાર વાત મુકી.
ભોગીલાલના મતે કોહલી શ્રેષ્ઠ હતો, અંબાલાલ બુમરાહના બે મોઢે વખાણ કરતો હતો અને ચુનીલાલ યુવરાજને મેન ઓફ ધ મેચ ગણતો હતો. આ સ્ટેટમેન્ટ્સ ભારત મેચ જીત્યું તેનાં હતાં, પરંતુ ભારત સળંગ જીતતું નથી. એ સામેની ટીમને પણ સમાન તક આપવા માગે છે. બીજી મેચ ભારત હારી ગયું. પથુભાના પાનના ગલ્લે ફરી આ ત્રણે નમૂના ભેગા થયા, પરંતુ રાતોરાત એમની માન્યતાઓ બદલાઈ ગઈ હતી.
‘કોહલીને ટીમમાંથી કાઢો.’ ભોગીલાલે પથ્થર મુક્યો.
‘તું ક્રિકેટ ટીમનો કોચ છે? તું ક્રિકેટર નથી, પરંતુ કંડક્ટર છે.’ અંબાલાલે છણકો કર્યો.
‘કોહલી અનુષ્કામાં બરબાદ થઈ ગયો, દાઢી વધારવી, ટેટુ ચિતરાવવા, મેદાનમાં ગુસ્સો કરવો, સીનસપાટા મારવા… આ બધું ક્રિકેટમાં ન ચાલે… સચિન જેવો કોઈ ક્રિકેટર થશે નહીં.’ ભોગીલાલ એકશ્વાસે બોલી ગયો.
‘કોહલી ઝીરોમાં આઉટ થયો એમાં મેચ હાર્યા નથી. રોહિત શર્મા શિખર ધવન અને સુરેશ રૈના ખૂબ સારું રમ્યા હતા.’ અંબાલાલ બોલ્યો.
‘તો પછી કોના લીધે હાર્યા?’ ચુનીલાલે પૂછ્યું.
‘બુમરાહે બાજી બગાડી નાખી. ચાર ઓવરમાં ચુમ્માલીસ રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં. આવા બોલર હોય તો મેચ જીતી ન શકાય. કોહલીને કાઢવાની જરૃર નથી, પરંતુ બુમરાહને કાઢો.’ અંબાલાલ બોલ્યો.
‘મારું માનો તો એ બેમાંથી કોઈનો દોષ નથી.’ ચુનીલાલ ઉવાચ.
‘તો કોનો દોષ છે?’ ભોગીલાલ અને અંબાલાલ બંને બોલ્યા.
‘બધો વાંક યુવરાજસિંઘનો છે. એણે ત્રણ કેચ પાડ્યા, પંદરથી વધુ રન મિસફિલ્ડના આપ્યા અને આફ્રીદીને રનઆઉટ ન કરી શક્યો.’ ચુનીલાલે પોત પ્રકાશ્યું.
‘મને લાગે છે કે કોહલી, બુમરાહ કે યુવરાજનો વાંક નથી.’ પથુભાએ ગરમાગરમ ચર્ચામાં ઝુકાવ્યું.
‘તો?’ ચુની બોલ્યો.
‘મને લાગે છે કે બધો વાંક મારો જ છે. હું તમને મારા ગલ્લે ઊભા રહેવા દઉ, મફતમાં મેચ દેખાડુ અને ઉપરથી મારે આવા વિરોધાભાસી નિવેદનો સાંભળવા પડે છે. જે ભોગીલાલ કાલે કોહલીના ખોળે બેસી ગયો એ આજે કોહલીને ટીમમાંથી કાઢવાની વાત કરે છે. અંબાલાલ બુમરાહનાં વખાણ કરતાં થાકતો નહોતો એ આજે ગાળો ભાંડે છે. એવું જ ચુનીયાનું છે.’ પથુભાની ચોટલી ખીતો થઈ.
‘તમારી વાત વિચારવા જેવી તો છે.’ ભોગી બોલ્યો.
‘મને એ જ સમજાતંુ નથી કે તમે આજે જેના ગુણગાન ગાવ છો એને બીજા જ દિવસે ગાળો ભાંડો તે કેવી રીતે થઈ શકે છે? જે મોઢે પથુભાનું પાન ચાવો છો એ મોઢે કોલસા ન ચાવશો. તમે નાગરિક છો નેતા નથી.’ પથુભાએ છેલ્લા વાક્યો સાથે ટીવી બંધ કરી દીધું.
સુપ્રસિદ્ધ ગુજરાતી હાસ્યલેખક જગદીશ ત્રિવેદની અભિયાનમાં પ્રકાશિત ‘હસતાં રહેજો રાજ’ની વધુ મોજ માણવા અને તેમના લેખો નિયમિત રીતે વાંચવા ‘અભિયાન’ સબસ્ર્કાઇબ કરો.
——————————————–.