બીટકોઈન અને પોલીસની માફિયા ગેંગ!

ઘણા દેશોએ ક્રિપ્ટો કરન્સીને માન્ય ગણ્યું છે

ક્રાઇમ – હિંમત કાતરિયા

ગુજરાતમાં સમૃદ્ધિ જોઈને રક્ષક જ ભક્ષકની ભૂમિકા અપનાવી લે અને કોઈ એક પ્રકરણમાં ડઝન જેટલા પોલીસ પોતાનું મૂળ કામ બાજુએ મુકીને માફિયા ગેંગની જેમ વર્તે એવું છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોહરાબુદ્દીન કેસ પછી બીટકોઈન તોડબાજી કેસમાં બીજીવાર પ્રકાશમાં આવ્યું છે.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને અમરેલી એલસીબી પીઆઈ અને તેની ટીમે ગાંધીનગર નજીકના ફાર્મહાઉસમાં ગોંધી રાખી ૧૨ કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરવાની અને ૩૨ કરોડની ખંડણી માંગવાના કેસમાં એલસીબી પીઆઈ સહિત અત્યાર સુધીમાં ૧૧ સામે ગુના નોંધાયા છે. ફરાર એલસીબી પીઆઈને પકડવા ખાસ ટીમો બનાવવી પડી છે. પોલીસની માફિયા ગેંગના દીદાર કરાવતા આ કેસને જરા ટૂંકમાં સમજી લઈએ અને પછી કેસની જટિલતાઓની વાત કરીએ. મૂળ અમરેલીના સુરત નિવાસી બિલ્ડર શૈલેષ બાબુભાઈ ભટ્ટે ગત ૨૩ ફેબ્રુઆરીએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી કે, મારું અને મારા ભાગીદારનું કોબાની રાજધાની હોટલ પાસેથી અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ અને તેની ટીમે અપહરણ કર્યું હતું. ફરિયાદ પ્રમાણે, અપહરણ કરીને બંનેને એ જ હોટલ માલિકના દહેગામના મગોડી ગામે આવેલા ફાર્મમાં ગોંધી રખાયા હતા અને ફાર્મમાં પોલીસની ગેંગે ધાકધમકી આપીને ૧૨ કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસ પણ ક્રિપ્ટો કરન્સીમાં ખંડણી, રિશ્વત ઉઘરાવતી થઈ ગઈ છે એવી તો આપણને આ જાણીને ખબર પડી. જોકે આ રકમ ઉપરાંત પોલીસે બંને પાસેથી આંગડિયા મારફતે ૩૨ કરોડની ખંડણી માગી હતી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ. આ કેસની તપાસ માટે ખાસ સીઆઈડીના ડી.આઇ.જી. દીપાંકર ત્રિવેદી અને એસ.પી. સુજાતા મજમુદારની રાહબરી હેઠળ વિશેષ તપાસ ટીમ એસ.આઈ.ટી.ની પણ રચના કરવામાં આવી. બીટકોઈન ઢઈઈઁછરૃ કંપનીમાં ટ્રાન્સફર કરાવેલા અને ખંડણી સંદર્ભે પી.ઉમેશ આંગડિયા પેઢી દ્વારા હવાલો કરાયાનું જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં એલસીબી પીઆઈ અને ૯ કોન્સ્ટેબલ સહિત ૧૧ સામે ગુના નોંધાયા છે. બિલ્ડર શૈલેષ ભટ્ટને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

શૈલેષ ભટ્ટ અને પીઆઈ અનંત પટેલના મેળાપની વાત પણ રસપ્રદ છે. બન્યંુ એવું કે શૈલેષ ભટ્ટે સુરતમાં કોઈ પાસેથી બિટકોઈન ખરીદ્યા હતા, પણ ચોખ્ખો વહીવટ ન થતાં બીટકોઈન વેચનાર પાર્ટીને સોદો કેન્સલ કરીને બીટકોઈન પાછા જોઈતા હતા. તેણે ઇન્સ્પેક્ટર અનંત પટેલનો સંપર્ક કર્યો. ઇન્સ્પેક્ટરે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે શૈલેષ ભટ્ટને ઉઠાવી લીધા અને ખંડણી સ્વરૃપે તેમની પાસેથી બીટકોઈન ઓકાવી લીધા.

૨૦૦ બીટકોઈન પડાવી લેવાના પુરાવા એકઠા કરવા સીઆઈડીએ શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયાના મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા હતા. આ કેસમાં એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ બીટકોઈન ટ્રાન્સફર નહીં થયાનું કહે છે, જ્યારે શૈલેષ ભટ્ટે કરેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે ૧૨ કરોડના બિટકોઈન તેમના બિઝનેસ પાર્ટનર કિરીટ પાલડિયાના ડિજિટલ વૉલેટમાંથી ટ્રાન્સફર કરાયા હતા. ત્યારે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આ બિટકોઇન ક્યાં પગ કરી ગયા? એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બીટકોઇન ટ્રાન્સફર કરાયા તેનો રોકડમાં વહીવટ મુંબઈમાં થઈ ગયો હતો અને પૈસા લેવા માટે અમરેલીના જ બે કોન્સ્ટેબલ મુંબઈ ગયા હતા. એ બે કોન્સ્ટેબલો પકડાય તો કંઈક વાત બને.

દરમિયાન આપણી અર્થવ્યવસ્થાને બીટકોઈનથી ખતરો પારખી ગયા બાદ ગત અઠવાડિયે રિઝર્વ બેંકે બેંકો અને નાણાસંસ્થાઓને વર્ચ્યુઅલ કરન્સીમાં વહીવટ કરવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે અને ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરતી કંપનીઓ સાથે ત્રણ મહિનામાં જ સંબંધો પૂરા કરી નાખવાનો હુકમ કર્યો છે. આ જાહેરાતના પગલે બીટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીના ભાવમાં મોટા ગાબડા પડ્યા છે. જાન્યુઆરીમાં બીટકોઈનનો ભાવ એક બીટકોઈનના ૧૪-૧૫ લાખ રૃપિયા હતો. જાહેરાત પછી તે ગબડીને ૩.૨૫ લાખ પર આવી ગયો હતો. હવે ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલી ભારતીય પેઢીઓ જેવી કે મનુ પ્રશાંતની બીએફએક્સ કોઈન અને અમિત લખનપાલની અલ કાસિર ગ્રુપ તેમનો ધંધો દુબઈમાં શિફ્ટ કરવાની વેતરણમાં પડ્યા છે. અમિત લખનપાલે દુબઈના શાસક સાથે ભાગીદારી કરીને અલ કાસિર ગ્રુપ બનાવ્યું છે. આ કંપની ત્રણ ક્રિપ્ટો પ્રોડક્ટ બહાર પાડશે. હીરા ખરીદવા વાપરી શકાય તેવા અલ માસ કોઈન, મોંઘી ઝવેરાતો સામે વાપરી શકાય તેવા અલ હકીક કોઈન અને અત્તર, પર્ફ્યુમ સામે વાપરી શકાય તેવા અલ ફલાહ કોઈન. સિંગાપોર, અમેરિકા સહિતના ઘણા દેશોએ ક્રિપ્ટો કરન્સીને માન્ય ગણ્યું છે એટલે ભારતની ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરતી કંપનીઓ ત્યાં શિફ્ટ થઈ શકે. જોકે ભારતમાં પ્રતિબંધ છતાં ઇન્ડિયા પોસ્ટ જેવી આરબીઆઈના અધિકાર ક્ષેત્ર બહારની સંસ્થાઓ ક્રિપ્ટો કરન્સી ચલાવે છે. જોકે આરબીઆઈની જાહેરાત પછી પણ ઘણા લોકો બીજા દેશોમાં ક્રિપ્ટો કરન્સીમાં લેવડદેવડ ચાલુ રાખવા માગે છે અને તેને વેચવા માંગતા નથી. બાયયુકોઈન નામની કંપની પાસે આવા બે લાખ કરતાં વધુ ખાતા છે અને આ ખાતા જે-તે કંપનીઓ સાથે વિદેશમાં શિફ્ટ થશે. દરમિયાન એવા પણ સમાચારો આવી રહ્યા છે કે આરબીઆઈ ડિજિટલ કરન્સી લાવવા જઈ રહી છે અને તેમણે તેની વ્યવહારુકતાનો અભ્યાસ કરવા એક કમિટી પણ નીમી છે.

બીટકોઈનની બબાલ પછી કેસ પર પાછા ફરીએ તો કેસ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઇમના વડા ડી.જી.પી. આશિષ ભાટિયાની સૂચનાથી કુલ છ ટીમોએ દરોડા પાડ્યા હતા, પરંતુ એલસીબી પીઆઈ અનંત પટેલ તો દરોડા પૂર્વે જ ફરાર થઈ ગયા હતા. કોન્સ્ટેબલો બાબુ ડેર અને વિજય વાઢેર હાથ લાગ્યા હતા. આ મામલે અમરેલીના એસ.પી. જગદીશ પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. સીઆઈડી ક્રાઇમ એસ.પી.ને છાવરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહે છે કે, કોઈ પણ અધિકારીની સંડોવણી ખૂલશે તો તેની સામે પગલાં લેવાશે, પરંતુ એલસીબી પીઆઈ ત્રણ-ત્રણ સરકારી વાહનો સાથે જિલ્લા બહાર જતા હોય અને એસ.પી.ને જાણ ન હોય તે બાબત માન્યામાં આવતી નથી. અપહરણની ઘટના સમયે અનંત પટેલ અને એસ.પી. જગદીશ પટેલ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી એ વાત તો સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવી છે, પરંતુ આ વાતચીત અપહરણ સંદર્ભે નહીં થઈ હોવાનું પણ કહી રહી છે જેથી એસ.પી.ને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ લાગી રહ્યંુ છે. જોકે સીઆઈડીના વડા આશિષ ભાટિયાનું એ નિવેદન આપણને આશ્વસ્ત કરે છે કે હજુ સુધી અમરેલીના ડી.એસ.પી. જગદીશ પટેલ સામે પુરાવા મળ્યા નથી. છતાં અમે ડી.એસ.પી.ને ક્લીનચીટ પણ આપતા નથી, વધુ પુરાવા મળે ત્યાર બાદ કાર્યવાહી કરીશું.

આ કેસમાં વકીલ કેતન પટેલની ધરપકડ વધુ મહત્ત્વની છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ચિલોડા ફાર્મમાં લઈ જવાયા ત્યારે કેતન પટેલ ત્યાં હાજર હતો. સૂત્રો પ્રમાણે, શૈલેષ ભટ્ટને ઉપાડી જઈએ તો સારા પૈસા મળશે એવી ટિપ કેતન પટેલે અમરેલીના ડી.એસ.પી. જગદીશ પટેલને આપી હતી. આમ આખું કાવતરું કેતન પટેલ અને જગદીશ પટેલે સાથે મળીને ઘડ્યું હતું. ત્યાર બાદ તેમાં પાત્રો ઉમેરાતા ગયા. કેતન પટેલ અને જગદીશ પટેલ લાંબો સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને ૩૨ કરોડનો હવાલો પાડવામાં પણ કેતનની ભૂમિકા મહત્ત્વની હતી. પહેલી આરોપીની યાદીમાં જગદીશ પટેલનું નામ નહીં હોવા છતાં તેમને લાંબો સમય રાહત મળે એવી શક્યતા બહુ ઓછી છે. દરમિયાન ૨૦૦૮માં પોલીસમાં જોડાયેલા પીઆઈ અનંત પટેલનું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘર હોવાની વાત ખૂલી રહી છે અને એવું પણ જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષથી અમરેલીમાં ફરજ બજાવતા પીઆઈ અનંત પટેલ ડી.સી.પી.ની ખૂબ નજીક હતા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ૬ આઇપીએસ અધિકારી સહિત ૨૬ પોલીસ અધિકારી-કર્મચારી સામે ગુનો નોંધાયો હતો અને તમામની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ આ બીટકોઈન કેસ બીજા નંબરે આવે છે. જેમાં એક પીઆઈ, ૯ પોલીસ કર્મચારી સહિત ૧૧ સામે ગુનો નોંધાયો છે અને અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ સાક્ષીઓનાં નિવેદન લેવાયાં છે. જોકે હજુ શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ રોકડ લેનાર સીબીઆઈ અધિકારી સુનિલ નાયરના મામલે સીઆઈડી તપાસ બાકી છે. પૂર્વ એમએલએ નલિન કોટડિયાનું નામ પણ ઊછળ્યંુ હતું. આ કેસની ગંભીરતા જોતાં હજુ ઘણા મોટાં માથાંઓ જાળમાં સપડાય એવું લાગી રહ્યંુ છે.

———–.

બીટકોઈનમાં બે નંબરી નાણા
આ કેસની પોલીસની માફિયા ગેંગ પછીના ક્રમે આવતી બીજા નંબરની ગંભીર વાત એ છે કે આપણી અર્થવ્યવસ્થાને બીટકોઈનથી ખતરો છે. જો ૨૦૦ બીટકોઈન પડાવી લેવાના કેસમાં ઊંડી તપાસ થાય તો કાળા નાણાને સગેવગે કરવાની નવી તરકીબ પ્રકાશમાં આવે એમ છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે નોટબંધી પછી ગુજરાતમાં માલેતુજારોે ક્રિપ્ટો કરન્સીમાં અબજો રૃપિયાની હેરાફેરી કરી રહ્યા છે. કાળા નાણાને સફેદ કરવાના આ ષડ્યંત્રમાં બીટકોઈન વૉલેટ ધરાવનારાઓને પોતાના બે નંબરી નાણા આપી પોતાના નામે બીટકોઈન ખરીદી રહ્યા છે. જો આ મામલે ઊંડી તપાસ થાય તો અબજો રૃપિયાના હવાલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને ઈન્કમટેક્સ વિભાગે ઝૂકાવવું પડે તેમ છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતમાંથી ૩૦૦૦ કરોડથી વધુ રકમનું બીટકોઈન હવાલા કૌભાંડ બહાર આવી શકે. બીટકોઈનના વ્યવહારોથી કરોડો રૃપિયા બહાર ઠલવાઈ જતાં અર્થતંત્રને મોટો ફટકો પડી રહ્યો છે. માર્કેટમાં બેનંબરી નાણાનો વ્યવસાય કરવામાં જ માનતા અનેક હીરા, ટેક્સટાઈલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના માલેતુજારોએ તેમના કાળા નાણાનું બિટકોઈનમાં રોકાણ કર્યું છે.

———–.

ગુજરાત અને દેશની સાંપ્રત ઘટનાઓમાં આર્થિક વ્યવહારોમાં થતી આંતરરાષ્ટ્રીય હેરાફેરી તેમજ ઇકો-ક્રાઇમના સમાચાર આવતા રહે છે. સમાજમાં આવી ઘટનાઓનું જનમાનસમાં કુતૂહલ સ્વભાવિક રહે. ‘અભિયાન’ અાવી ઘટનાઓ પર બારીકાઇથી નજર રાખી રહ્યું હોય છે. ઘટનાના સ્ત્રોતથી માંડી તેના વિશ્લેષણ સુધીની તમામ વિગતો જાણવા અભિયાન સબસ્ક્રાઇબ કરો….

ક્રાઇમબીટકોઇનહિંમત કાતરિયા
Comments (0)
Add Comment