ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની
ખોડલધામ, આ ધાર્મિક સંસ્થા આજે ગુજરાતના જાહેર જીવન અને રાજકીય મોરચે ચર્ચાના એરણ પર ચડી છે. ગુજરાતમાં અનેક મોટી ધાર્મિક સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે. રાજકીય લોકો ભલે ચૂંટણીઓ સમયે ધર્મનો આશરે લે, પણ ગુજરાતની ઊંઝા સહિત મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓ રાજકારણથી દૂર રહી છે. ધર્મ સંસ્થાઓને રાજકારણનો લૂણો ન લાગે તે માટે ટ્રસ્ટીઓ પૂરી સાવધાની રાખતા હોય છે. વાત કરીએ ખોડલધામની તો લાખો – કરોડો લેઉવા પટેલને એક છત્ર નીચે લાવીને એકતાના સંદેશા સાથે ખોડલધામ જ્યારથી નિર્માણ થયું ત્યારથી તેના રાજકીય ઉપયોગની ચર્ચાઓ ચાલતી આવી છે. તેનું કારણ એ છે કે ખોડલધામમાં રાજકારણ સાથે જોડાયેલા નેતાઓ જોડાયેલા છે. જોકે ખોડલધામનું સપનું સાકાર કરવામાં જેમનું પાયાનું યોગદાન છે તેવા નરેશ પટેલે શરૃઆતથી જ ખોડલધામ રાજકીય પ્લેટફોર્મ ન બને તે માટે સાવચેતી રાખી છે. હવે ફરી ખોડલધામનું આંતરિક રાજકારણ ડહોળાયું છે ત્યારે ચૅરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ માટે ખોડલધામ સંસ્થાને રાજકારણથી દૂર રાખવી એ અગ્નિપરીક્ષા સમાન ઘડી છે. ખોડલધામ સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોઈ ને કોઈ રીતે જોડાયેલા છે ત્યારે આ કામ આસાન નથી.
ખોડલધામના શાંત વાતાવરણમાં એકાએક વિવાદનાં વમળો સર્જાય છે તેની ચર્ચા કરીએ એ પહેલાં આ સંસ્થા માત્ર છ – સાત વર્ષના ટૂંકા ગાળામાં કેમ એકાએક લોકપ્રિય બની ગઈ, ઉદ્યોગપતિઓ – રાજકારણીઓ કેમ ખોડલધામ સાથે જોડાવા આતુર બન્યા છે તેને સમજતા બહુ મગજ કસવું પડે તેમ નથી. સૌરાષ્ટ્રમાં જેતપુર નજીક આવેલા કાગવડ પાસે ૧૦૦ એકર જમીન પર આશરે ૬૦ કરોડના ખર્ચે બેનમૂન શિલ્પકળા સાથેનું ખોડલધામ મંદિરની વર્ષ ર૦૧૧માં શિલાન્યાસ વિધિ થયા બાદ પાંચેક વર્ષમાં તૈયાર થઈ ગયું હતંુ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને તેમાં લાખો લોકો જોડાય છે. ખોડલધામના મૂળિયા સૌરાષ્ટ્રના ગામે-ગામ સુધી પથરાયેલાં છે, કારણ કે દરેક તાલુકા – ગામ સ્તરની સમિતિઓ કાર્યરત છે.
ગુજરાતનો વિશાળ લેઉવા પાટીદાર સમાજ ખોડલધામ સાથે જોડાયેલો છે એટલે સ્વભાવિક છે કે ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ તેને ખોડલધામથી દૂર રહેવું રાજકીય રીતે પોષાય તેમ નથી. બાવીસ દેશોમાં જેમનો બિઝનેસ પથરાયેલો છે તેવા ઉદ્યોગપતિ નરેશ પટેલે ખોડલધામનું નેતૃત્વ શરૃઆતથી લીધેલું છે. તેમણે ખોડલધામ પર કોઈ એક પક્ષનો પડછાયો ન પડે તે માટે સાવચેતી જરૃર રાખી છે. જુદા-જુદા પક્ષ સાથે સંકળાયેલા નેતાઓ ખોડલધામ ટ્રસ્ટમાં સામેલ છે. ખોડલધામના કાર્યક્રમોમાં લાખો લોકો ઊમટતા હોય રાજકીય પક્ષોએ પણ તેનો લાભ લેવાની કોશિશ કરી છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ વખતે ખોડલધામ ફેક્ટરની ચર્ચાઓ થતી રહી છે. પાટીદાર અનામત આંદોલને ખોડલધામના ટ્રસ્ટીઓ વચ્ચેનું અંતર વધાર્યું હતું. આંદોલન સમયે વિઠ્ઠલ રાદડિયા અને હાર્દિક પટેલનો વિવાદ વકર્યો હતો એ સૌ જાણે છે, જ્યારે વિવાદો બહાર આવે છે ત્યારે ટ્રસ્ટીઓ સતત એવું કહેતા હોય છે કે ખોડલધામ એ આસ્થાનંુ કેન્દ્ર છે, આ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી.
ગયા સપ્તાહે એકાએક તેમણે ખોડલધામના ચૅરમેનપદેથી રાજીનામું આપ્યું ત્યારે આ ધર્મ સંસ્થાને રાજકારણના રંગ લાગી રહ્યાનો ભારે વિવાદ જાગ્યો હતો. ખુદ નરેશ પટેલ પર તેઓ કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોવાના આક્ષેપો થયા તો ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા અને અન્ય ટ્રસ્ટીઓનો ભાજપ તરફી ઝુકાવ આ વિવાદનું કારણ હોવાની ચર્ચાઓ થઈ હતી. હાલ તો ત્રણ જ દિવસમાં નરેશ પટેલ અને પરેશ ગજેરાએ મીડિયા સામે આવીને વિવાદ પર ઠંડું પાણી રેડી દીધું હતું, પણ આગામી દિવસોમાં ખોડલધામને રાજકારણથી દૂર રાખવું એ ટ્રસ્ટીઓ માટે અગ્નિપરીક્ષા સમાન છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને કેશુભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા જેવા સર્વ સ્વીકૃત નેતાઓની ખોટ પણ સાલી રહી છે. આ બંને નેતાઓ જુદાં-જુદાં કારણસર હાલ સક્રિય નથી.
ગુજરાતના રાજકારણ પરની ટિપ્પણી અને તટસ્થ વિશ્લેષણ – ગુજરાતની રાજકીય શતરંજ પર ખેલાતા આટાપાટની વિશેષ માહિતી નિયમિત રીતે વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો. અને ગુજરાતની બદલાતી રાજકીય તાસીરના અહેવાલ અવગત રહો.
——————————————–.