આપણો જીવનધર્મ – ભૂપત વડોદરિયા
વાહનના ટાયર ઉપર ‘ગુડ ઇયર’ નામ આપણે વાચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ ‘ગુડ ઇયર?’ આજથી લગભગ બે સૈકા પહેલાં ચાર્લ્સ ગુડ ઇયર નામનો એક માણસ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ શક્ય બન્યો તે ગુડ ઇયરના કારણે. રબ્બરની ચીજો પહેલાં પણ અનેક બનતી, પણ રબ્બર તાપમાં-ગરમીમાં ઓગળી જાય છે. ગંધાઈ ઊઠે છે. એની ગંધ નાકને એટલી તો અસહ્ય લાગે છે કે અમેરિકામાં તાપમાં ઓગળીને ગંધાઈ ઊઠેલા આવા રબ્બરને જમીનમાં શબની જેમ દાટી દેવું પડતું. ચાર્લ્સ ગુડ ઇયરે કંગાળ ગરીબી અને દેવાંના ડુંગરની વચ્ચે રબ્બરને ‘વલ્કેનાઈઝ’ કરવાની પ્રક્રિયા શોધી. એણે એવા રબ્બરની જાત બનાવી કે જે રબ્બર તાપમાં-ગરમીમાં ઓગળે નહીં. આથી તો રબ્બરનાં તમામ જાતનાં ટાયર શક્ય બન્યાં. આ માણસ અત્યંત દેવાદાર હાલતમાં મૃત્યુ પામ્યો. ઈ.સ. ૧૮૩૫માં પેરિસમાં નેપોલિયન ત્રીજાએ તેને માનચંદ્રક એનાયત કર્યો. ત્યારે ગુડ ઈયર તો દેવાદાર માણસની જેલમાં હતો. ગુડ ઇયરની શોધના આધારે એક મોટો ઉદ્યોગ પેદા થયો, પણ તેના નામવાળી કંપની તો તેના મૃત્યુ બાદ વર્ષો પછી સ્થપાઈ. આ માણસ કદી કંગાલિયતથી તંગ થયો નહોતો. પોતાની દારુણ ગરીબી વચ્ચે પણ એ પોતાનો જીવનધર્મ ભૂલ્યો નહોતો. એણે એક સરસ વાત કહી છે. જિંદગીની સંધ્યાએ એણે કહ્યું છે કે, ‘હું પસ્તાવો કરી રહ્યો નથી. હું એવી ફરિયાદ નહીં કરું કે મેં બીજ વાવ્યાં અને બીજા લોકો તેનાં ફળ ભોગવી રહ્યા છે. કોઈ પણ કારકિર્દીના લાભ ડૉલર અને સેન્ટથી જ માપવા નહીં જોઈએ. માણસે અફસોસ ત્યારે જ કરવાનો હોય, જ્યારે તે બીજ વાવે, પણ તેનાં ફળ કોઈને ન મળે.’
ચાર્લ્સ ગુડ ઇયરનો આ મંત્ર આપણા આજના યુગમાં યાદ કરવા જેવો છે. આપણે કારકિર્દીની સફળતાનો માપદંડ તે દ્વારા મળતા ધન કે માનના લાભોને બનાવી દીધો છે. તમે આજે બીજ વાવો અને તેનાં ફળ તમને ન મળે, તમારા પુત્રને ન મળે, પણ સમાજને મળે તો? તમારું કામ નિષ્ફળ ન કહેવાય. ચાર્લ્સ ગુડ ઇયરની દુઃખી જિંદગીમાં ખોજની સતત તાલાવેલી, પદાર્થોના ગુણધર્મોનું અજબ કૌતુક અને આખરી ધ્યેયનું અખૂટ આકર્ષણ હતું. તેણે જે જાતનું રબ્બર બનાવ્યું તેને લીધે એક મોટા ધીકતા ઉદ્યોગને જન્મ આપ્યો. તેણે માનવજાત પર એક ઋણ ચઢાવ્યું. આજે પણ ગુડ ઇયરને કારણે જ લાખ્ખો વાહનોનાં લાખ્ખો ટાયરો દોડે છે.
ભૂપત વડોદરિયાના સંપાદીત ‘પંચામૃત’ વાંચવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો…