કવર સ્ટોરી – હિંમત કાતરિયા
બંધારા જ દરિયામાં વહી જતું નદીઓનું મીઠું પાણી બચાવે, પણ બંધારા બાંધે કોણ? ૧૯૮૦ના દાયકામાં બે હાઈ લેવલ કમિટી(એચએલસી)એ રિપોર્ટમાં કહ્યું હતું કે જમીન બચાવવી હોય તો દરિયાનો ક્ષાર જમીનમાં આગળ વધતો અટકાવવા અને નદીઓનાં મીઠા પાણીને દરિયામાં મળી જતાં અટકાવવા સાત વર્ષમાં ૭૦૦ કરોડના ખર્ચે દરિયાકાંઠે જરૃરી એવા બધા જ બંધારા બાંધી દો. ૧૯૮૪માં રિપોર્ટની ભલામણોની અમલવારી કરવાની હતી. આજ પર્યંત બંધારાનું કામ લટકેલું છે. આજે રાજ્યમાં ચારેકોર પીવાના પાણીની બૂમાબૂમ સંભળાઈ રહી છે. વાસ્તવમાં બંધારા જમીનની પણ તરસ છિપાવી શકે તેમ છે અને સૂકી જમીનને નવપલ્લવિત કરી શકે તેમ છે. ઉદાહરણ સાથે આખા વિષયને સમજવાની કોશિશ. …
ગુજરાતની ઉપર જળ દેવતાના આશિષ છે. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકાંઠો મળ્યો છે. ગુજરાત માટેે સમુદ્રનો સંગાથ મુખ્યત્વે બે રીતે ઉપકારક છે. એક, જળ સીમાએ સમુદ્ર જ રાજ્યની સીમાની રખેવાળી કરે છે. બીજું, બંધારાની મદદથી સમુદ્રને મળતી નદીઓને દરિયાના મુખ પર બાંધી દઈએ તો મીઠા પાણીના જળાશયો મળે. ચોમાસા દરમિયાન રાજ્યની સેંકડો નદીઓનાં મીઠા પાણી દરિયામાં વહી જાય છે તેને બંધારા એટલે કે દરિયાકાંઠે પાળ બાંધીને અટકાવી દેવામાં આવે તો મીઠા પાણીનો કેટલો અનામત જથ્થો મેળવી શકાય? અરે, રાજ્યનું ગમે તેવું જળસંકટ ટાળી શકાય એટલો વિપુલ જથ્થો બંધારાના પ્રોજેક્ટથી મેળવી શકાય. અત્યારે ચોમેર પાણીની બૂમાબૂમ છે ત્યારે આ વિષયની ચર્ચા એકદમ પ્રાસંગિક છે.
મહુવા પંથકમાં બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કલસરિયાએ વિશેષ જહેમતથી બંધાવ્યા હતા. માલણ બંધારો અને નિકોલ બંધારો બંને મોટા બંધારા છે. જ્યારે કલસાર અને સમઢિયાળામાં નાના બંધારા છે. બંને મોટા બંધારામાંથી નાના બંધારામાં પાણી જાય છે. બંને મોટા બંધારામાંથી આસપાસના ખેડૂતો ખેતી માટે પાણી વાપરે છે. તેમ છતાં અત્યારે પણ માલણ અને નિકોલ બંધારામાં મીઠું પાણી ભરેલું છે અને હજુ બે મહિના ચાલશે. માલણ અને નિકોલ બંને બંધારાનો સંયુક્ત હિસાબ કરીએ તો ૩૦ હજાર વીઘા જેટલી જમીનને આ બંધારામાંથી સિંચાઈનો સીધો લાભ મળ્યોે છે. મતલબ કે આટલી જમીનમાંથી ક્ષારનું પ્રમાણ ઘટ્યું અને જમીન ફળદ્રુપ બની છે. સમઢિયાળા બંધારાથી ૬ હજાર વીઘા અને કલસાર બંધારાથી ૩ હજાર વીઘા જમીનને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. આ બંધારાઓને કારણે અહીં સારી ગુણવત્તાના શાકભાજી પાકી રહ્યાં છે. આજે મહુવામાં મળે છે એટલા સારા શાકભાજી આજુબાજુ ક્યાંય નથી મળતા. લોકોને કૃષિ ક્ષેત્રે રોજગારી મળતી થઈ છે.
આ બંધારાના કારણે જ આ જમીન અત્યારે નવસાધ્ય થઈ ગઈ છે. જો આ બંધારા ન બન્યા હોત તો આ ગામડાંઓ ઉજ્જડ બની ગયાં હોત. લોકોએ પોતાના પશુઓને લઈને અહીંથી ઉચાળા ભરવા પડ્યા હોત. માણસો તો ઠીક અહીં પશુ, પંખી માટે પણ જીવન દોહ્યલું બની ગયું હતું. અહીંનાં ખેતરોમાં પાકતો પશુઓ માટેનો લીલો ચારો આસપાસનાં ઘણા ગામડાંઓમાં વેચાય છે. અહીંનું વાતાવરણ જ સમૂળગંુ બદલાઈ ગયું છે. પક્ષીપ્રેમીઓ માટે આ બંધારા બર્ડ વૉચિંગ સાઇટ બની ગઈ છે. અહીં યાયાવર પક્ષીઓ આવતાં થયાં છે.
દરિયાને અડીને આવેલા મહુવાના ખારાપાટમાં બંધારા પહેલાં કોઈ પાંચ હજાર રૃપિયાની કિંમતે પણ વીઘો જમીન લેવા તૈયાર નહોતું. બંધારાના પગલે આ જમીન બહુ નંદનવન જેવી ફળદ્રુપ બની ગઈ છે. એક કાળે વેરાન ખારોપાટ હતી તેવી આ જમીનના માલિકો આજે બંધારાના પાણીથી વર્ષની ત્રણ ઉપજ લેતા થઈ ગયા છે. આ ફેરફારને પગલે જમીન આજે વીઘે ૫૦ લાખ રૃપિયા સુધીના ભાવે મંગાઈ રહી છે. ડૉ. કનુભાઈ કલસરિયા કહે છે, ‘ખેડૂતોને આ બંધારાને કારણે બધી પ્રકારે સુખના દિવસો આવ્યા છે. ખેડૂતો મને કહે છે કે બંધારા ન હોત તો તો અમારે ઉચાળા જ ભરવા પડત.’
અગતરિયા ગામના ખેડૂત જસાભાઈ બાંભણિયા બંધારાથી થયેલા લાભની વાત કરતા કહે છે, ‘બંધારો થતા અમારી જમીનોમાં ક્ષાર અટક્યો છે અને બંધારાના પાણીથી અમે વર્ષના ત્રણ પાક લેતા થયા છીએ. બંધારા પહેલાં અમે ખેતરોમાં નાછૂટકે ખારા પાણીથી સિંચાઈ કરતા. એ વખતે અમે ખેતરમાં ચાલીએ તો પણ શરીરે નકરી ખંજવાળ આવે એવા પાણી હતા એ. એ પાણીથી જમીન ક્ષારથી ફૂલી ગઈ હતી. ક્ષાર તો દરિયાથી ૪૦ કિલોમીટર આગળ નીકળી ગયો હતો. એ વખતની અમારી પીડાની વાતો શું કરવી? એ વાતો તો જુલમ જેવી હતી. કલસરિયા સાહેબે બંધારા બાંધીને અમને નવું જીવન આપ્યું એમ કહી શકાય. બંધારાથી ખરેડ, ગઢડા અગતરિયા, દુઘેરી, સેવળિયા, ડોળિયા, પઢિયારકા, વાંગર, સમઢિયાળા, જેવા ઘણા ગામોને પાણી મળતાં થયા છે. જમીન તો આસપાસના ઘણા કિલોમીટર સુધીની સુધરી છે.’
કવરસ્ટોરીના રસપ્રદ વિષયોની વધુ જાણકારી નિયમિત વાંચવા માટે ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો…
—————.