સુખની ચાવી

દુનિયાદારી દાખલ થઈ નહોતી!

 

અંગ્રેજી ભાષાના સમર્થ નિબંધલેખક અને વિવેચક વિલિયમ હેઝલીટ એક એવો માણસ હતો જે ખરેખર ‘સુખી’ હતો – તે તેના પોતાના અસ્તિત્વના સ્વપ્નમાં જીવતો હતો. પોતાના મનના અજવાળામાં બધી વસ્તુઓ જોતો હતો. શ્રદ્ધા અને આશાના સહારે ચાલતો હતો. યૌવનના આદર્શનો ધ્રુવતારો દૂરથી તેની ઉપર પ્રકાશતો હતો અને એનામાં દુનિયાદારી દાખલ થઈ નહોતી!

હકીકતો તદ્દન જુદી હતી. હેઝલીટ આમ જુઓ તો દુઃખી માણસ હતો. છવ્વીસ વર્ષની ઉંમરે તેનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું અને બાવન વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો. પચીસ વર્ષના સર્જનકાળમાં તેણે ઉત્તમ લેખનકાર્ય કર્યું. દેવું ભરી નહીં શકવા માટે તેને જેલમાં જવું પડ્યું હતું. તે એક યુવતીને દિલોજાનથી ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે તેણે પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા, પણ પછી તે ક્યાંયનો ન રહ્યો! જે યુવતીને એ ચાહતો હતો તે સારાહ વોકર તેની સાથે માત્ર પ્રેમનું નાટક કરી રહી હતી. હકીકતે વિલિયમ હેઝલીટ પ્રેમમાં મૂરખ બન્યો હતો! ગરીબી અને પ્રેમમાં હતાશાના લીધે કોઈ પણ માણસના મનમાં કડવાશ ઊભરાય, પણ આવી કોઈ કડવાશ હેઝલીટની જીવનદ્રષ્ટિમાં દેખાતી નથી. તેણે પોતાના મનની અંદરની હરિયાળીનું બરાબર જતન કર્યું છે. બહારની જિંદગીમાં રેગિસ્તાનના ઊના પવન ફૂંકાય છે, હેઝલીટ દાઝ્યા કરે છે, પણ છતાં તે તેની શ્રદ્ધા અને આશાની મૂડીને ખૂટવા દેતો નથી.

તેના જીવનકાળ દરમિયાન તેની કોઈ કદર થઈ નહીં, પણ તેથી કરીને તે બીજા સર્જકોની કદર કરવામાં મુદ્દલ પાછો પડતો નથી. જ્હોન કીટ્સને કોઈ માન્યતા આપતું નહોતું – વિવેચકો તેને ઉતારી પાડતા હતા ત્યારે હેઝલીટે કીટ્સની બરાબર કિંમત કરી. કવિ વડ્ર્ઝવર્થ સાથે હેઝલીટને ગંભીર મતભેદો હતા છતાં તેની કવિ તરીકેની યોગ્યતાને તેણે બરાબર સન્માન આપ્યું હતું.

ગરીબી અને દુઃખોની વચ્ચે પણ તે કેટલો સ્વસ્થ હતો તેનો ખ્યાલ આપણને તેના એક પત્ર પરથી આવી શકે છે. હેઝલીટે પોતાની પ્રથમ પત્નીથી થયેલા દસ વર્ષના પુત્રને એક પત્ર લખ્યો છે. હેઝલીટે પુત્રને સલાહ આપી છે – ‘સારો નિયમ એ જ છે કે ‘શ્રેષ્ઠ જ થશે’ એવી આશા રાખવી. અનિષ્ટોની કલ્પના કરવી નહીં. સૌ સારાંવાનાં થશે તેવી શ્રદ્ધા કેળવવી. કોઈની પ્રત્યે પૂર્વગ્રહથી જોવું નહીં, કારણ કે આપણે બીજા લોકોની પરિસ્થિતિ વિશે ખરેખર કશું જાણતા હોતા નથી. કદી કોઈનો તિરસ્કાર ન કરવો. માણસ-માણસ વચ્ચેની સમાનતાનો સ્વીકાર એ જ સાચી નૈતિકતા છે અને એ જ સાચું શાણપણ છે. દરેકને સારી વ્યક્તિ ગણવી અને કોઈની ઈર્ષા ન કરવી. તમારે કોઈની ઈર્ષા કરવાની જરૃર જ હોતી નથી. જે આપણા વિશ્વાસુ મિત્રો હોય તેમની સાથે ઝઘડો કરવો નહીં – ‘શહીદ’ બનવું નહીં અને ખુશામતખોર પણ બનવું નહીં.’

રખે કોઈ માને કે આ માણસે લડાઈનું મેદાન છોડી દીધું હશે! એવું નથી. તે પોતાના સિદ્ધાંતો અને માન્યતાઓ માટે બરાબર લડે છે. પ્રહારની સામે પ્રહાર પણ કરે છે, પણ તે ક્યાંય હતાશા કે વેરઝેર પ્રગટ કરતો નથી. તેની દ્રષ્ટિ નિર્મળ અને સ્વસ્થ રહે છે.

‘નિબંધલેખનને છેલ્લી સલામ’માં તેણે નોંધ્યું છે ઃ ‘હું અડગ રહી શક્યો છું તેનું કારણ એ કે હું એકલો પડી ગયો છું તો પણ હું કદી પડઘાની પૂજા કરતો નથી! હું સ્પષ્ટ જોઈ શકું છું કે કાળું છે તે સફેદ નથી! ઘાસ લીલુંછમ છે! પૂર્વગ્રહો ઉપર મેં મારા કોઈ અભિપ્રાયો બાંધ્યા નથી.’

વિલિયમ હેઝલીટે જિંદગીની જાત-જાતની કસોટીઓ અને દુઃખોની વચ્ચે ‘સુખની ચાવી’નું બરાબર જતન કર્યું હતું.

————————.

દિલોજાનભૂપત વડોદરિયાલેખનકાર્યસુખની ચાવી
Comments (0)
Add Comment