ગાંધીધામની જમીનનો જટિલ કોયડો

એક ટોકન રૂપે લઈને ૧૫ હજાર એકર જમીન

પાંજોકચ્છ – સુચિતા બોઘાણી કનર

ભારતના ભાગલા પછી પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા સિંધી લોકોને વસાવવા અને પાકિસ્તાનમાં ગયેલા કરાચી બંદરની અવેજીમાં મહાબંદર વિકસાવવાના હેતુથી ગાંધીધામ, આદિપુર અને કંડલાનો વિકાસ કરાયો હતો. આ માટે કચ્છના મહારાવે માત્ર રૃ. એક ટોકનરૃપે લઈને ૧૫ હજાર એકર જમીન ભારત સરકારને આપી હતી. જે-તે સમયે હિજરત કરીને આવેલા લોકોને આ જમીન ડેવલપમેન્ટ ચાર્જ તથા અન્ય રકમ લઈને આપવામાં આવી હતી. તમામ જમીનનો વહીવટ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) અને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (એસ.આર.સી) કરે છે. જોકે લોકો પાસે આ જમીનની માલિકી નથી. જમીન તેમને ૯૯ વર્ષની લીઝ પટ્ટે અપાઈ હતી. લીઝ હોલ્ડ જમીનને ફ્રી હોલ્ડ કરવાની લાંબા સમયની માગણી પછી કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૪માં આ જમીન ફ્રી હોલ્ડ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ આખી પ્રક્રિયા એટલી જટિલ અને ખર્ચાળ હોવાથી લોકો પોતાના ફાયદામાં હોવા છતાં જમીન ફ્રી હોલ્ડ કરાવવા પ્રત્યે ઉદાસીન છે. રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની તાતી જરૃર છે. તેવી જ રીતે સિટી સર્વે કચેરી શરૃ કરીને દસ્તાવેજોની જાળવણી કરીને જમીન ફ્રી હોલ્ડ કરાયા પછીના વ્યવહાર જેવા કે વેચાણ, મોરગેજ વગેરેની તકલીફો દૂર કરવી જોઈએ.

હાલમાં જે જમીન લીઝ પર છે તેને અન્યના નામે ટ્રાન્સફર કરવામાં ડીપીટીને ટ્રાન્સફર ફી ભરવી પડે છે. આ ફી ૨૦૦૯ સુધી ડેવલપમેન્ટ ચાર્જના આધારે વસૂલાતી હતી, પરંતુ ત્યાર પછી જંત્રીને આધાર ગણીને વસૂલવાનું શરૃ કરાતા ટ્રાન્સફર ફીમાં પણ ૫૦૦થી ૧૦૦૦ ગણો વધારો ઝીંકાયો હોવાથી લોકોની મુશ્કેલી વધી છે.

 

ગાંધીધામ કચ્છનું મેટ્રોપોલિટિન શહેર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અહીં દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો વસે છે. અહીં કચ્છી કે ગુજરાતીના બદલે હિન્દી ભાષાનું ચલણ વધુ છે. કંડલા પોર્ટ, કંડલા સેઝ તથા ભૂકંપ પછી વિકસેલા વિવિધ ઉદ્યોગોના કારણે તેનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. જોકે વિકસતાં શહેરની સાથે શહેરીજનોને મળતી સુવિધા વધવાના બદલે જમીનની માલિકી જેવા વિકાસના પાયાના પ્રશ્નમાં પડેલી મડાગાંઠના પગલે લોકો અહીં જમીન ખરીદવા, વેચવા કે જમીન ડેવલપ કરવા વિચાર કરતા થયા છે.

દેશના ભાગલા વખતે સિંધ પ્રાંતમાં વસતા સિંધી લોકો મોટી સંખ્યામાં હિજરત કરીને ભારત આવ્યા હતા. આ લોકોને નવેસરથી વસાવવાના હતા. સિંધ અને કચ્છ પાસે-પાસે હોવાથી બંને વિસ્તારની સંસ્કૃતિ, ભાષા વગેરેમાં બેહદ સામ્ય છે. તેથી જ ગાંધીજી અને સિંધી આગેવાન ભાઈ પ્રતાપ, આચાર્ય ક્રિપલાની વગેરેએ સિંધી હિજરતીઓને કચ્છમાં જ વસાવવાનું નક્કી કર્યું. તે માટે કચ્છના રાજવી મહારાવ મદનસિંહજી પાસે જમીનની માગણી કરાઈ. માનવતાની પુકારને રાજવીએ સહૃદયતાથી જવાબ આપ્યો અને કંડલાના માછીમાર બંદર નજીકની ૧૫ હજાર એકર જમીન માત્ર રૃ. ૧ના ટોકન ભાવે ભારત સરકારને સુપરત કરી હતી.

ભાગલા વખતે દેશના પશ્ચિમ કાંઠાનું ધીકતું બંદર કરાચી પાકિસ્તાનના ફાળે ગયું હતું. તેનો વિકલ્પ પણ ઊભો કરવાનો હતો. આથી સરદાર પટેલ સહિતના નેતાઓએ કંડલા બંદર પર પસંદગી ઉતારી હતી. આ બંદરને મુંબઈ જેવું જ ધમધમતું બંદર બનાવવાનું આયોજન કરાયું હતું. સિંધી લોકોના પુનર્વસનની સાથે-સાથે કંડલા બંદરની કાયાપલટની પ્રક્રિયા પણ શરૃ થઈ. લોકોના પુનર્વસન માટે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન અને કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.ટી)ની સ્થાપના થઈ. કંડલા પોર્ટના વિકાસાર્થે ગાંધીધામ – આદિપુર ટાઉનશિપ વસાવવાનું શરૃ કર્યું. ભારત સરકારે ૯૯ વર્ષની લીઝ પર એસ.આર.સી.ને ૨૬૦૦ એકર જમીન આપી. બાકીની જમીન કે.પી.ટી. હસ્તક હતી. હકીકતે હિજરત કરીને આવેલા લોકોના પુનર્વસનનો આ પ્રોજેક્ટ હતો છતાં કોઈ પણ જાતની સરકારી સહાય કે સબસિડી મળી ન હતી. રૃ. એક હજારના શેર પર વિસ્થાપિતને તે સમયના બજાર ભાવે ૬૦૦ ચો.મી. સુધીની જમીન અપાઈ હતી. જોકે લોકોને આ જમીન માલિકી હક્કના બદલે ૯૯ વર્ષના લીઝ પટ્ટે મળી હતી. કે.પી.ટી. દ્વારા પણ લોકોને ડેવલપમેન્ટ તથા અન્ય ચાર્જ લઈને લીઝ પર જમીન અપાઈ હતી.

ડેવલપમેન્ટ ચાર્જના નામે જમીનની કિંમત ભરાઈ ગઈ હોવા છતાં લોકોને જમીન ફ્રી હોલ્ડ મળી ન હતી. તે સમયે ગાંધીધામ- આદિપુર વિસ્તારમાં નગરપાલિકા કે સિટી સર્વે જેવી સંસ્થાઓ ન હોવાથી રોડ, લાઈટ, પાણી જેવી માળખાગત સુવિધા લોકોને મળે અને તેની સારસંભાળ રાખવાની કામગીરી કે.પી.ટી. એ કે એસ.આર.સી.એ કરવાની હતી. તેના કારણે જમીનને લીઝ હોલ્ડ રખાઈ હતી, પરંતુ ૧૯૮૬માં આ જવાબદારી નગરપાલિકાને સોંપવામાં આવી ત્યારે જમીન ફ્રી હોલ્ડ કરવાની જરૃર હતી, પરંતુ તે અંગે ક્યારેય કોઈ કાર્યવાહી થઈ નહીં.

જો જમીન લીઝ હોલ્ડ હોય તો લીઝ ધારકને તેનો માલિક ગણી શકાતો નથી. તેથી જ તે જમીન વેચી શકાતી નથી કે નથી તે ગીરો મુકી શકાતી નથી. આ જમીન અન્યના નામે ટ્રાન્સફર કરવા માટે પણ ઘણી પ્રક્રિયા કરવી પડે છે. દરેક પ્રક્રિયા વખતે મોટી રકમ ભરવી પડે છે. આથી લીઝ ધારકનો આર્થિક બોજો વધતો જાય છે. જો કોઈ પિતાને બે કે વધુ સંતાનો હોય તો તેમની જમીન તેમને ભાગે પડતી વહેંચીને તેમના અલગ- અલગ નામે પણ કરી શકાતી નથી. સંતાનોને જમીન આપવી હોય તો કાં તો સંયુક્ત નામે લીઝ ટ્રાન્સફર કરવું પડે અથવા તો કોઈ એકના નામે જ.

જ્યારે જમીન ફ્રી હોલ્ડ હોય તો માલિક પોતાની મરજી મુજબ વહીવટ કરી શકે. તે ઇચ્છે તેને જમીન વેચી શકે કે તે ગીરો મુકીને તેના પર લોન લઈ શકે. આ માટે તેને ચૂકવવા પડતી રકમ પણ લીઝ હોલ્ડ કરતાં ઓછી હોય છે. તેથી લોકો માટે જમીન ફ્રી હોલ્ડ હોય તે વધુ ઇચ્છનીય છે.

દેશભરમાં ગાંધીધામ – આદિપુર એક એકમાત્ર એવું સંકુલ છે જ્યાં જમીનોની માલિકી લોકો પાસે નથી. તમામ જમીન લીઝ હોલ્ડ છે. આ જમીન ફ્રી હોલ્ડમાં ફેરવાય તે માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૪૫-૫૦ વર્ષથી લડાઈ ચલાવાઈ રહી છે. જેના પરિણામે કેન્દ્ર સરકારે ૨૦૧૪માં રહેણાકની અને કમ્પોઝિટ (રહેણાક વિસ્તારની દુકાનો અને ઑફિસ) જમીનોને ફ્રી હોલ્ડ કરવાની જાહેરાત કરી હતી.

જોકે જે પ્લોટમાં બાંધકામ કરાયેલું હોય તેવા પ્લોટને જ ફ્રી હોલ્ડ કરવાના હતા. સંકુલમાં ૮૦ ટકા પ્લોટ બાંધકામ કરાયેલા અને ૨૦ ટકા ખાલી છે, પરંતુ લીઝ હોલ્ડ જમીનને ફ્રી હોલ્ડ કરવા માટે કે.પી.ટી.ને કન્વર્ઝન ચાર્જ આપવા ઉપરાંત રાજ્ય સરકારને જંત્રી મુજબની સ્ટેમ્પ ડ્યુટી આપવાની થાય છે. આ રકમ ખૂબ મોટી થાય છે. ઉપરાંત કે.પી.ટી. પાસેથી લીઝ હોલ્ડમાંથી જમીન ફ્રી કરાવ્યા પછી રાજ્ય સરકારે તે સંભાળવી જોઈએ. તેના તમામ દસ્તાવેજ અને બીજી કામગીરી માટે સિટી સરવેની કચેરી ગાંધીધામમાં હોવી જોઈએ, પરંતુ રાજ્ય સરકાર પાસે ગાંધીધામ- આદિપુરની જમીનની કોઈ વિગતો જ નથી. તેથી તે નવેસરથી સરવે કરવા માગે છે, પરંતુ હજુ સિટી સરવે કચેરી જ શરૃ થઈ નથી ત્યાં સરવે કે દસ્તાવેજોની સાચવણીની વાત જ દૂરની કહેવાય.

ગાંધીધામની જમીનના પ્રશ્ન અંગે વાત કરતાં ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલ જણાવે છે, ‘જ્યારે જમીન હિજરત કરતાં લોકોને આપવાની વાત હતી અને કેન્દ્ર સરકારે જમીન ફાળવી હતી ત્યારે તે ફ્રી હોલ્ડ જ હતી, ૯૯૯ વર્ષના પટ્ટાની લીઝ હતી, પરંતુ પછી સરકારે ૯૯ વર્ષની લીઝ કરી હતી. જે ૨૦૫૪માં પૂરી થવાની છે. ૨૦૧૪માં સરકારે ફ્રી હોલ્ડ માટે જે સ્કીમ આપી છે તે ત્રુટીઓ ભરેલી છે. લોકોને તેનાથી ફાયદો થવાના બદલે નુકસાન થાય તેમ છે. જંત્રીના દરને આધાર બનાવીને ટ્રાન્સફર ફી, ડેવલપમેન્ટ ચાર્જ કે મોર્ગેજ ફી વસૂલાઈ રહી છે. આ વસ્તુ લોકોને ભારે અન્યાયકર્તા છે. જો આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લડત ચલાવાશે.’

ચેમ્બરના માનદ્ મંત્રી મુરલીધર જાગાણીના જણાવ્યા મુજબ, ‘ભાષા,સંસ્કૃતિ સરખી હોવાના કારણે કચ્છના કંડલા બંદર પાસેની જગ્યા સિંધી નિર્વાસિતોના પુનર્વસન માટે પસંદ કરાઈ હતી. કચ્છના મહારાવે માત્ર રૃ. ૧ના ટોકન ભાવે ૧૫,૦૦૦ એકર જગ્યા ભારત સરકારને આપી હતી. આ જગ્યા લોકોને માલિકી હક્કથી આપવાના બદલે કેન્દ્ર સરકારે લીઝ પટ્ટે આપી હતી. લોકોના પુનર્વસનનું કાર્ય હોવા છતાં લોકો પાસેથી તે સમયના બજારભાવ મુજબ કિંમત ડેવલપમેન્ટ ચાર્જના નામે લેવાઈ હતી. તે સમયે ૧૯૫૦ની આસપાસ રૃ. ૧૦૦૦ના શૅર ઉપર જમીન અપાઈ હતી. લોકો પાસે શૅર લેવાના પૈસા પણ ન હતા. છતાં મહામુશ્કેલીએ તેમણે શૅર ખરીદ્યા હતા. તેના પર લાંબા સમય સુધી ડિવિડન્ડ પણ અપાયું ન હતું. જો આટલા જ રૃપિયાનું અન્યત્ર રોકાણ કર્યું હોત તો તે આજે કરોડો થઈ ગયા હોત. લોકોએ મુશ્કેલ પરિસ્થિતિમાં જમીનની કિંમત ડેવલપમેન્ટ ચાર્જના નામે ભર્યા પછી આજે વર્ષો પછી પણ તે ફ્રી હોલ્ડ થઈ શકતી નથી. આ પ્રશ્ન ઉકેલવાનો જ ચેમ્બરનો એક માત્ર મહત્ત્વનો એજન્ડા છે. ચેમ્બર પોતાની સામાજિક જવાબદારી અદા કરવા લોકોનો અને સંકુલના વિકાસનો આ પાયાનો પ્રશ્ન હલ કરવા કટીબદ્ધ છે. સરકારની નીતિના કારણે સંકુલના લોકોની હાલત એવી સ્ત્રી (આમ જનતા) જેવી થઈ ગઈ છે, જેને માવતરે (ડી.પી.ટી)તો પરણાવી દઈને જવાબદારી પૂરી કરી છે, પરંતુ સાસરિયાં (રાજ્ય સરકાર) તેને સ્વીકારવા તૈયાર થતાં નથી. આથી તે અત્યારે અધવચ્ચે લટકી રહી છે.’

ચેમ્બરના માજી માનદ્ મંત્રી મહેશ તીર્થાણીએ આ પ્રશ્નને આંકડાકીય વિગતો આપીને સમજાવ્યો હતો. તેઓ કહે છે, ‘અત્યારે સંકુલમાં ૨૨,૦૦૦ જેટલી લીઝ હોલ્ડ જમીન છે. સરકારે તેને ફ્રી હોલ્ડ કરવાની પોલિસી બહાર પાડ્યા પછી ૩૦૦-૪૦૦ લોકોએ આ માટે અરજી કરી છે. લોકો આ વાતની ઉપેક્ષા કરે છે તેવું નથી, પરંતુ ફાયદાકારક વાત હોવા છતાં આખી પ્રક્રિયા અત્યંત ગૂંચવડાભરી અને ખૂબ મોટા ખર્ચવાળી હોવાના કારણે લોકો અરજી કરતાં અચકાય છે. લીઝ હોલ્ડ જમીન ફ્રી હોલ્ડમાં તબદીલ કરવા માટે ડી.પી.ટી.ને કન્વર્ઝન ચાર્જ ભરવો પડે છે. જે ૧૦૦ ચો.મી.ના પ્લોટ પર ૧ લાખ લેખે છે. આ ચાર્જ ભર્યા પછી જ્યારે દસ્તાવેજ સબરજિસ્ટાર પાસે જાય છે ત્યારે તેના પર રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી વસૂલાય છે. જે હાલની જંત્રી મુજબ છે. આ રકમ લાખોમાં થાય છે. આ આખી પ્રક્રિયા દરમિયાન જમીનનું વેચાણ થતું નથી કે નથી તેના માલિક બદલાતા, છતાં વેચાણ થયાનું ગણીને જંત્રી વસૂલાય છે. જે અયોગ્ય છે. દિલ્હી કે ચંદીગઢના અમુક વિસ્તારની જમીન આવી રીતે જ લીઝ હોલ્ડ હતી. તેને ફ્રી હોલ્ડમાં ફેરવવા માટે જે પ્રક્રિયા થઈ તે સમયે સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના બદલે કન્વર્ઝન ચાર્જ પર લેવાઈ હતી, પરંતુ ગાંધીધામ સંકુલના કિસ્સામાં ગુજરાત સરકાર જે રીતે સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે તે લોકોને અન્યાયકર્તા છે.’

સિટી સરવે કચેરી શરૃ કરવામાં રાજ્ય સરકાર બેદરકાર
આટલો કન્વર્ઝન ચાર્જ ભર્યા પછી પણ લોકોના દસ્તાવેજો સાચવવા કે આગળની કોઈ પ્રક્રિયા કરવા માટે રાજ્ય સરકારે હજુ ગાંધીધામમાં સિટી સરવેની કચેરી શરૃ કરી નથી. રાજ્ય સરકાર પાસે ગાંધીધામની જમીન, પ્લોટનો કોઈ મહેસૂલી રેકોર્ડ નથી. આ કચેરી શરૃ કરતાં પહેલાં જમીનનો સરવે કરાવવાની વાતો કરાય છે. જમીનની માપણી કરવા માટે ડી.પી.ટી.એ રૃ.૪૭ લાખ માપણી ફી પેટે રાજ્ય સરકારમાં જમા કરાવ્યા છે, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી શરૃ કરાવી નથી. આ સરવે માટે સેટેલાઇટ કે ડ્રોન જેવા અત્યાધુનિક સાધનોની મદદ લઈને આખી કાર્યવાહી ઝડપથી પૂરી કરવી જોઈએ.

આ ઉપરાંત ડી.પી.ટી. અને એસ.આર.સી. પાસે તમામ પ્લોટધારકનો રેકોર્ડ ઉપલબ્ધ છે. જોકે આ રેકોર્ડ લેવામાં પણ રાજ્ય સરકારે રસ રાખ્યો નથી. આ રેકોર્ડ મહેસૂલી દફ્તરે ચડાવાય તો આખી કામગીરી એકાદ મહિનામાં જ પૂરી થઈ શકે. આથી જો સિટી સરવે કચેરી સત્વરે શરૃ કરાય તો જે લોકો તમામ ફી ભરીને જમીન ફ્રી હોલ્ડ કરાવે છે, તેમને આગળના વેચાણ, ગીરોના વ્યવહારમાં સરળતા રહી શકે તેમ છે.

ટ્રાન્સફર ફીનો પ્રશ્ન પણ લોકોનો જીવનમરણનો પ્રશ્ન
લીઝ હોલ્ડવાળી જમીન ફ્રી હોલ્ડ કરાવવાના પ્રશ્ન જેટલો જ મહત્ત્વનો પ્રશ્ન ટ્રાન્સફર ફીનો છે. જે જમીન અત્યારે લીઝ હોલ્ડમાં છે, તેમાં નામ બદલવાની કોઈ પ્રક્રિયા માટે ડી.ટી.પી.ને ટ્રાન્સફર ફી ભરવી પડે છે. જમીન અંગેના કોઈ પણ જાતના વ્યવહાર માટે આ ફી ભરવી આવશ્યક છે. શરૃઆતમાં ડેવલપમેન્ટ ચાર્જને આધાર બનાવીને ટ્રાન્સફર ફી વસૂલાતી હતી, પરંતુ ૨૦૦૯થી જમીનની જંત્રીને આધાર બનાવીને લેવાય છે. અત્યારે જમીનની જંત્રીમાંથી અગાઉ ભરેલો ડેવલપમેન્ટ ચાર્જ બાદ કરીને આવનારી રકમ ટ્રાન્સફર ફી તરીકે લેવાય છે. જેથી તેમાં ૫૦૦થી ૧૦૦૦ ગણો વધારો થઈ ગયો છે. જે પ્લોટની ટ્રાન્સફર ફી અગાઉ ૨૬૩૫ હતી તે હવે ૮,૬૦,૮૫૭ જ્ેટલી થાય છે. તો બીજા એક કિસ્સામાં જેની ટ્રાન્સફર ફી ૧૭,૮૫૫ હતી તે હવે ૧૫,૩૧,૭૮૧ થઈ ગઈ છે. અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ પ્લોટ માટે આ આંકડો ફરે છે, પરંતુ તેમાં અકલ્પનીય વધારો થયો છે. ચેમ્બર ભવન ૨૩૦૦ ચો.વારના પ્લોટ પર ઊભું છે. ૨૦૦૩માં આ પ્લોટની ટ્રાન્સફર ફી રૃ.૫૨,૦૦૦ ભરાઈ હતી, પરંતુ આજે આ જ ફી રૃ. દોઢ કરોડની થાય છે. હકીકતે તો આજના ભાવે ડેવલપમેન્ટ ચાર્જમાંથી અગાઉ ભરેલો ડેવલપમેન્ટ ચાર્જ બાદ કરીને જે રકમ આવે તે ટ્રાન્સફર ફી તરીકે લેવી જોઈએ. આ પ્રશ્ને યોગ્ય કરવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. તેથી અત્યારે લોકોને જમીન અંગે કોઈ પણ વ્યવહાર કરે તેમને લાખોની ટ્રાન્સફર ફી ભરવી પડે છે.

આ પ્રશ્ને ડી.ટી.પીના સિનિયર ડેપ્યુટી સેક્રેટરી સુરેશ બાલન સાથે વાત કરતાં તેમણે ટ્રાન્સફર ફીમાં ૧૦૦૦ ગણો વધારો થયો હોવાનું કબૂલીને જણાવ્યું હતું કે, ‘૧૯૯૮ સુધી કે.પી.ટી. દ્વારા ડેવલપમેન્ટ ચાર્જના આધારે ટ્રાન્સફર ફી વસૂલાતી હતી, પરંતુ ત્યાર પછી ટેરિફ ઑથોરિટી ફોર મેજર પોર્ટ (ટેમ્પ) દ્વારા તેના નિયમોમાં ફેરફાર કરાયા. જોકે ભારે વિરોધના પગલે ૨૦૦૪ સુધી તેનો અમલ કરાયો ન હતો, પરંતુ ૨૦૦૪થી તેનો અમલ શરૃ કરાયો અને ૨૦૦૯થી નવા દર નક્કી થયા. જેના કારણે ટ્રાન્સફર ફીમાં ૫૦૦થી ૧૦૦૦ ગણો વધારો થયો છે. લોકોની અને ચેમ્બર જેવી સંસ્થાઓની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયનું આ અંગે ધ્યાન દોરાયું છે. શિપિંગ મંત્રાલયે કાનૂન મંત્રાલયનો અભિપ્રાય માગ્યો છે. અત્યારે આખો પ્રશ્ન તેમની પાસે પડ્યો છે. તેમના અભિપ્રાય પછી શિપિંગ મંત્રાલય આગલી સૂચના આપશે.’ લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડની જમીનના રેકોર્ડના પ્રશ્ને તેમણે જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર પાસે ગાંધીધામની જમીનના ૬-૧૨ કે ૭- અ જેવા કોઈ ઉતારા નથી. હાલમાં તમામ રેકોર્ડ ડી.ટી.પી. પાસે છે. સિટી સરવે ઑફિસ શરૃ કરીને બધો રેકોર્ડ રાજ્ય સરકારે સંભાળવો જોઈએ. આ અંગે કલેક્ટર અને રાજ્ય સરકાર સાથે મિટિંગો થઈ ગઈ છે. વાતો મોટી-મોટી થાય છે, પરંતુ કાર્યવાહી કશી જ થતી નથી. હાલમાં તો લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડની કામગીરી ધીમી થઈ ગઈ છે.’

એસ.આર.સી.ના જનરલ મેનેજર એમ.જી. સાધનાની સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ માટે એસ.આર.સી. પાસે ૫૦ જેટલી અરજી આવી છે. આ માટેની યોજના સ્પષ્ટ ન હોવાના કારણે લોકોની સમજમાં આવતું નથી. જેમણે પોતાની જમીન ફ્રી હોલ્ડ કરાવી છે તેઓ પણ લટકી પડ્યા છે. ડી.પી.ટી. હવે અમારી જવાબદારી નથી એમ કહે છે, જ્યારે રાજ્ય સરકાર તેમની જવાબદારી લેવા હજુ તૈયાર નથી.’ ગાંધીધામ-આદિપુર સંકુલના લોકોની જમીનનો પ્રશ્ન આમ અત્યારે તો ગૂંચવાયો છે. જે જમીન પર વર્ષોથી રહેતા હોય, ત્યાં જાતમહેનત કરીને વિકાસ કર્યો હોય છતાં લોકો પોતાની જમીનના માલિક નથી. જમીન લીઝ પટ્ટે હોવાના કારણે તે સહેલાઈથી વેચી શકતા નથી કે ગીરો મુકી શકતા નથી. બીજાના નામે લીઝ ફેરવવામાં પણ ખૂબ ખર્ચો થાય છે અને લાંબો સમય લાગે છે. આથી લોકો ઇચ્છે છે તેમની જમીન ફ્રી હોલ્ડ થાય, તેઓ જમીનના માલિક થાય. કેન્દ્ર સરકારે આ માટે યોજના જાહેર કરી છે તે હાલ તો માત્ર રહેણાક વિસ્તાર અને આ વિસ્તારમાં આવેલી દુકાનો તથા ઑફિસો માટે જ છે. તેમ જ આ યોજના ખૂબ જ ગૂંચવણભરી હોવાથી લોકો જમીન ફ્રી હોલ્ડ કરવામાં અચકાય છે. જેના કારણે શહેરનો વિકાસ રૃંધાઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કન્વર્ઝન ચાર્જ અને ટ્રાન્સફર ફીના મુદ્દે લોકોની લાગણી સમજીને વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ. તેમ જ રાજ્ય સરકારે તમામ જમીનનો રેકોર્ડ સાચવવા માટે સત્વરે સિટી સરવે કચેરી શરૃ કરવી જોઈએ.

——-.

આ માટેની યોજના સ્પષ્ટ ન હોવાના કારણે લોકોની સમજમાં આવતું નથી. જેમણે પોતાની જમીન ફ્રી હોલ્ડ કરાવી છે તેઓ પણ લટકી પડ્યા છે – એમ.જી. સાધનાની, એસ.આર.સી.ના જનરલ મેનેજર
——-.

ફાયદાકારક વાત હોવા છતાં આખી પ્રક્રિયા અત્યંત ગૂંચવડાભરી અને ખૂબ મોટા ખર્ચવાળી હોવાના કારણે લોકો અરજી કરતાં અચકાય છે – મહેશ તીર્થાણી, ચેમ્બરના માજી માનદ્ મંત્રી
——-.

સરકારે ફ્રી હોલ્ડ માટે જે સ્કીમ આપી છે તે  ત્રુટીઓ ભરેલી છે.  લોકોને તેનાથી ફાયદો  થવાના બદલે નુકસાન થાય તેમ છે – બાબુભાઈ હુંબલ, ચેમ્બરના પ્રમુખ
——-.

કચ્છના મહારાવે માત્ર રૃ. ૧ના ટોકન ભાવે ૧૫,૦૦૦ એકર જગ્યા ભારત સરકારને આપી હતી. આ જગ્યા લોકોને માલિકી હક્કથી આપવાના બદલે કેન્દ્ર સરકારે લીઝ પટ્ટે આપી હતી – મુરલીધર જાગાણી, ચેમ્બરના માનદ્ મંત્રી
——-.

૨૦૦૯થી નવા દર નક્કી થયા. જેના કારણે ટ્રાન્સફર ફીમાં ૫૦૦થી ૧૦૦૦ ગણો વધારો થયો છે. આ મુદ્દે વિરોધ બાદ શિપિંગ મંત્રાલયનું ધ્યાન દોરાયું છે – સુરેશ બાલન, ડી.ટી.પીના સિનિયર ડેપ્યુટી સેક્રેટરી

—————————-.

કંડલા પોર્ટગાંધીધામપાંજોકચ્છ.લેન્ડસુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment