પંગુ લંઘયતે ગિરિમ્

સ્ટિફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન

સ્મૃતિ વંદન – હિંમત કાતરિયા

બ્રિટિશ સાયન્ટિસ સ્ટિફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું છે. કિસ્મતે થોડાં ડગલાં પણ ચડી ન શકાય તેવી પંગુતા આપી તો આખા અંતરિક્ષને જમીન ઉપર ઉતારી લાવ્યા હોકિંગ. જેમ-જેમ તેમની શારીરિક સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ તેમ વિજ્ઞાન ક્ષેત્રે તેમની કારકિર્દી વધુ ને વધુ ઊજળી થતી ગઈ. આવો તેમની જીવનઝરમર જોઈએ…

સ્ટિફન વિલિયમ હોકિંગનો જન્મ ઑક્સફર્ડ, ઇંગ્લેન્ડમાં ૮ જાન્યુઆરી, ૧૯૪૨ના દિવસે થયો હતો. ચાર ભાંડુઓમાં સ્ટિફન શાળામાં ભણવામાં સાવ સામાન્ય હતા. ઑક્સફર્ડમાં તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કૉલેજમાં હોકિંગ આ બંને વિષયો ભણવામાં એટલા તો હોશિયાર હતા કે તેમને ભાગ્ય જ પુસ્તકો ખોળવા પડતાં કે નોંધ જોવી પડતી. આમાંય તેમનો એકમાત્ર ગમતો વિષય હતો કોસ્મોલોજી(બ્રહ્માંડ વિજ્ઞાન). કેમ કે તેમાં મોટા પ્રશ્ન ‘વિશ્વનું સર્જન કેવી રીતે થયું?’નો જવાબ મળે તેમ હતું. સ્નાતક થયા પછી તેમણે કેમ્બ્રિજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં હોકિંગ સંશોધન ચાલુ કરે તે પહેલાં જ તેમના ૨૧મા જન્મદિવસની ઉજવણી પૂરી થઈ ત્યાં જ ચેતાતંત્રને લગતી ભયાનક બીમારી એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસનો ભોગ બન્યા. ત્રણ વર્ષમાં બીમારીએ આખા શરીર ઉપર કબજો લઈ લીધો. હોકિંગ આંગળીઓ પણ માંડ હલાવી શકતા, પરંતુ તેમની માનસિક ક્ષમતાને કોઈ અસર ન થઈ.

૧૯૬૫માં તેમણે ભાષાવિજ્ઞાનની વિદ્યાર્થી જેન વાઇલ્ડ સાથે લગ્ન કર્યા. સમૃદ્ધ લગ્નજીવનને માણવા હોકિંગે ગંભીરતાપૂર્વક ડૉક્ટરેટનું કામ કર્યું. ૧૯૭૪ સુધી હોકિંગ જાતે ખાઈ શકતા અને પથારીમાંથી ઊઠી શકતા હતા અને પત્નીના સહારે દાદર ચડીને બેડરૃમમાં જઈ શકતા. ૧૯૮૦ પછી તેમના શરીરની સ્થિતિ બગડતા સંભાળ માટે તેમને નર્સને હવાલે કરવામાં આવ્યા. એ પછીના આજીવન સંઘર્ષ અને સંશોધનને કારણે હોકિંગ માનવ નિર્ધાર અને જિજ્ઞાસાનું પ્રતીક બની ગયા. ૧૯૮૮માં તેમનું પુસ્તક ‘એ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમઃ ફ્રોમ બિગ બેન્ગ ટુ બ્લૅક હૉલ્સ’ પ્રગટ થયું. તેની ૧ કરોડ નકલો વેચાઈ ગઈ અને હોકિંગ ઝળહળતો સિતારો બની ગયા. ૨૦૧૪માં તેમના જીવન ઉપર ફિલ્મ બની, ‘ધ થિયરી ઓફ એવરિથિંગ’ અને ઓસ્કાર પણ જીતી.

ગુરુત્વાકર્ષણને ખંખોળવામાં અને બ્લૅક હૉલના ગુણધર્મો ચકાસવામાં હોકિંગ માર્ગદર્શક બની ગયા. તેમણે ખોંખારીને કહ્યંુ કે, બ્લૅક હૉલને મામૂલી ગણનારા ધૂળ ફાંકે છે. વાસ્તવમાં બ્લૅક હૉલ ઉર્ફે તળિયા વગરનો ગુરુત્વાકર્ષણનો ગોબો એટલો તો ગહન અને ઊંડો પડે છે કે તેમાંથી પ્રકાશ પણ નીકળી ન શકે. હોકિંગના આ કાર્યે આધુનિક ભૌતિક શાસ્ત્રને નવો વળાંક આપ્યો. લાંબી અને જટિલ ગણતરીઓ કરીને હોકિંગે શોધી કાઢ્યું કે બ્લૅક હૉલ તો પૌરાણિક સંહારના દેવતાના અવતાર જેવા છે. છેવટે બ્લૅક હૉલ વિસ્તરતા તેમાંથી રેડિયેશન લીક થાય છે અને છૂટા પડેલા કણો સર્વત્ર ફેલાય છે અને અંતમાં કલ્પો બાદ વિસ્ફોટ થાય છે અને ગાયબ થાય છે.

એ મર્યાદાને લાંઘી જનારા પુરુષ હતા અને તે પણ માત્ર બૌદ્ધિક જીવનમાં જ નહીં, તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં પણ. તેમણે વિજ્ઞાનની મિટિંગો માટે દુનિયાભરમાં ભ્રમણ કર્યું. એન્ટાર્કટિકા સહિત બધા ખંડોની મુલાકાત લીધી. તેમના કામને લગતાં બેસ્ટ સેલિંગ પુસ્તકો લખ્યાં. બે વાર પરણ્યા અને ત્રણ બાળકોના પિતા બન્યા. ૧૯૭૪માં હોકિંગ વિશ્વના સૌથી જૂની વિજ્ઞાન સંસ્થા રોયલ સોસાયટીના અધ્યેતા બન્યા. ૧૯૮૨માં તેમની કેમ્બ્રિજમાં ગણિતશાસ્ત્રના વડા તરીકે નિમણૂક થઈ. જેના ઉપર એકવાર આઇઝેક ન્યુટન બિરાજતા હતા. તેમણે ૬૦મો જન્મદિવસ હોટ-ઍર બલૂનમાં ઊડીને ઊજવ્યો હતો. એ જ અઠવાડિયે કેમ્બ્રિજમાં તેમની ઇલેક્ટ્રિકથી ચાલતી વ્હીલચૅર ફસડાઈ ગઈ અને તેમનો પગ ભાંગી ગયો.

એપ્રિલ ૨૦૦૭માં તેમના ૬૫મા જન્મદિવસના થોડા દિવસો બાદ તેમણે નિર્ભાર અનુભૂતિ માટે વિશેષ સાધનોથી સજ્જ બોઇંગ ૭૨૭માં શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ મેળવ્યો. એ પછી તેમને રિચાર્ડ બ્રાન્સનની વર્જિન ગેલેક્ટિક કંપની અબ્રોડ સ્પેસશિપ ટુમાં અવકાશમાં જવાનો મનસૂબો હતો. તેમને એવું પૂછવામાં આવ્યું કે આટલો બધો ઉદ્યમ શા માટે? એના જવાબમાં હોકિંગે કહ્યંુ, ‘જ્યાં સુધી આત્મા સાબૂત હોય તો શરીર ભલે સાવ ભાંગી પડે તો પણ તેને કોઈ મર્યાદા નડતી નથી એ મારે બતાવવું હતું.’

જ્યારે કોમ્પ્યુટર એક્સપર્ટ વોલ્ટર વોલ્તોઝે હોકિંગની શારીરિક સ્થિતિ વિશે સાંભળ્યંુ ત્યારે તેમણે હોકિંગ માટે ઇક્વિલાઇઝર નામનો પ્રોગ્રામ બનાવી આપ્યો. જેમાં તેઓ કામ કરતી આંગળીથી સ્વિચ દબાવી શકે અને હોકિંગ મેનુમાં રહેલા બધા અક્ષરો અને ૨૫૦૦ કરતાં વધુ શબ્દોને સિલેક્ટ કરીને સંવાદ કરી શકે. શબ્દ પ્રતિ શબ્દ અને જરૃર પડે તો અક્ષર પ્રતિ અક્ષર હોકિંગ કોમ્પ્યુટર સ્ક્રીન પર વાક્યની રચના કરી શકે અને પછી તેને સિન્થેસાઇઝરમાં મોકલે જેથી તે બોલી જણાવે. આ બધી યંત્રણા તેમની વ્હીલચૅર સાથે જોડવામાં આવી.

આંગળીઓ ચલાવવામાં પણ અસમર્થતા જણાય તો તેમણે ઇન્ફ્રારેડ બીમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી સંવાદ કર્યો. આ બીમ તેઓ તેમના જમણા જડબા કે આંખના પલકારાથી સક્રિય કરતા. આધુનિક સિસ્ટમે તેમને જાતે જ તેમની ઑફિસનો દરવાજો ખોલવા અને બંધ કરવા તેમજ કોઈનીય મદદ વગર ટેલિફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સમર્થ બનાવ્યા હતા. તેમની પ્રતિ મિનિટ ૧૫ શબ્દો જેટલી સરેરાશ રહેતી. હોકિંગે અનુભવ્યું કે અવાજ ગુમાવ્યો તે પહેલાં તેઓ જે બોલી શકતા હતા તેના કરતાં વધુ સારું કોમ્પ્યુટરની મદદથી બોલી શકે છે. તેમની એક જ ફરિયાદ હતી, તેમને આપેલું સિન્થેસાઇઝર કેલિફોર્નિયામાં બન્યું હતું અને તેમને અમેરિકન અંગ્રેજી આપતું હતું. હોકિંગને બ્રિટિશ અંગ્રેજી જોઈતું હતું.

૧૯૯૦માં હોકિંગ અને તેમનાં પત્ની ૨૫ વર્ષના દાંપત્યજીવન પછી છૂટા પડ્યાં. જેન હોકિંગે સાથે ગાળેલા અઢી દાયકાને સજોડે પુસ્તકબદ્ધ કર્યા. બે પુસ્તકમાં, ‘મ્યુઝિક ટુ મૂવ ધ સ્ટાર્સઃ એ લાઇફ વિથ સ્ટિફન હોકિંગ’ અને ‘ટ્રાવેલિંગ ટુ ઇન્ફિનિટીઃ માય લાઇફ વિથ સ્ટિફન’. પાછળથી ૨૦૧૪માં આ બંને પુસ્તકો જ ફિલ્મ ‘થિયરી ઓફ એવરિથિંગ’ માટે પાયારૃપ બન્યા હતા.

૧૯૯૫માં હોકિંગે તેમને ન્યૂમોનિયા થયો ત્યારથી તેમની સંભાળ લેતી નર્સ એલેન મેસોન સાથે બીજા લગ્ન કર્યા. એ પહેલાં એલેને હોકિંગના સ્પિચ સિન્થેસાઇઝરની સંભાળ લેતાં એન્જિનિયર ડેવિડ મેસોન સાથે લગ્ન કર્યા હતા. ૨૦૦૪માં બ્રિટિશ સમાચારપત્રોમાં અહેવાલો છપાયા કે એલેને હોકિંગને ત્રાસ આપ્યો હતો અને કેમ્બ્રિજ પોલીસ તપાસ કરી રહી છે. જોકે ફરિયાદ ન નોંધાઈ અને હોકિંગે આરોપોનો રદિયો આપ્યો. બંને ૨૦૦૬માં છૂટાછેડા માટે સંમત થયાં. તે સમયગાળામાં ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિને હોકિંગને સવાલ પૂછ્યો હતો કે, તમને મોટા ભાગનો સમય કયા વિચારો આવે છે? હોકિંગે જવાબ આપ્યો, ‘સ્ત્રી એ સાવ વણઉકેલાયેલું રહસ્ય છે.’

આખરે હોકિંગની જીવનલીલા સંકેલાઈ ગઈ. બુધવારે તેમનાં બાળકો રોબર્ટ, લ્યુસી અને ટીમે જાહેરાત કરી કે ભારે દુઃખ સાથે જણાવવાનું કે અમારા પિતાજીનું આજે અવસાન થયું છે, પરંતુ તેમનું કામ અને વારસો વર્ષો સુધી જીવશે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને અસાધારણ મનુષ્ય હતા અને તેમણે પોતાની બુદ્ધિમત્તા અને રમૂજથી લોકોને પ્રેરિત કર્યા છે. તેમને ઘણાં સન્માનો મળ્યાં. બસ, એક જ સન્માનની ખોટ પડી અને તે છે નોબલ પ્રાઇઝ.

હોકિંગે તાજેતરમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્પિચથી સૌને સ્તબ્ધ કરી દીધા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, ‘આપણે માનવના અસ્તિત્વને ખાતર પણ સતત અવકાશને ખંગાળતું રહેવું પડશે. મને નથી લાગતું કે આપણા ગ્રહ ઉપર હવે ૧૦૦૦ વરસ આપણે જીવતા રહી શકીશું.’

અંતમાં, હોકિંગનો ભારત સાથેનો સંબંધ જોઈએ. હોકિંગે ૨૦૦૧માં મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના સ્ટ્રિંગ ૨૦૦૧ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંસ્થાના વડા પ્રોફેસર સંદીપ ત્રિવેદીના કહેવા પ્રમાણે, કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં. એવામાં ઇંગ્લેન્ડથી સંદેશો આવ્યો કે સ્ટિફન હોકિંગ કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ આવશે અને તેઓ આવ્યા. એ કાર્યક્રમમાં હોકિંગ કુરતો પહેરીને આવ્યા હતા. સંદીપભાઈએ કુરતો પહેરવા અંગે કુતૂહલ વ્યક્ત કર્યું તો હોકિંગે ભેદક નજરથી સંદીપભાઈને તાકતા સામો મૌન સવાલ કર્યો કે, ‘હું તમારો પહેરવેશ પહેરીને આવ્યો, પણ તમે જ તમારો લિબાસ કેમ ત્યજી દીધો?’ ભારત સાથે પ્રોફેસર હોકિંગનો બૌદ્ધિક લગાવ હતો. ભારતીય વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો સાથે તેમની નિકટતા હતી. બ્લૅક હૉલ સહિતના બ્રહ્માંડનાં રહસ્યો તેમણે ઉકેલ્યાં તેમાં ચંદ્રશેખર સુબ્રમણિયમ અને રોય ચૌધરી જેવા ભારતીય વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન છે. તેમના અધ્યયનોને જ હોકિંગે પોતાના વિશ્વપ્રસિદ્ધ સિદ્ધાંતોનો આધાર બનાવ્યો હતો.

એ ભાષણમાં એમણે કહ્યું હતું કે, તમને બધાને એવો સવાલ થતો હશે કે હું મારી અપંગતા વિશે શું વિચારતો હોઈશ? તો સાંભળી લો… મારી શારીરિક સ્થિતિ તમારાથી થોડી અલગ છે અને એટલે મારી જરૃરિયાતો થોડી અલગ છે. એ સિવાય એકેય વાતે હું મારી જાતને તમારાથી જુદી નથી સમજતો. તાજમહેલ હોટલમાં રાખેલા ગેટ ટુ ગેધર કાર્યક્રમ ઓર્કેસ્ટ્રાની ધૂન ઉપર બધા નાચી રહ્યા હતા ત્યારે હોકિંગ સાહેબ પોતાની વિશેષ વ્હીલચૅરને નચાવીને બધાનો સાથ આપી રહ્યા હતા. તેઓ જીવનના જોશથી તરબતર હતા.

આટલા મોટા વૈજ્ઞાનિક હોવા છતાં તેમની અંદરનું બાળક સમયાંતરે બહાર ડોકિયા કરતું રહેતું. સંદીપ ત્રિવેદી અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એક કાર્યક્રમમાં હોકિંગને મળ્યા ત્યારે હોકિંગ કોઈને કહી રહ્યા હતા કે નહીં બાબા, પરમદિવસે નહીં. એ દિવસે તો હું ડિઝનીલેન્ડ જોવા જવાનો છું.

દુનિયાભરમાં હોકિંગ પ્રત્યે બહુ આદર હતો. એકવાર હોકિંગે સંદીપભાઈને અંગત આમંત્રણ પાઠવીને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં બોલાવ્યા હતા. વિઝા અધિકારી બહુ નખરાં કરતો હતો ત્યારે સંદીપભાઈએ તેની સામે હોકિંગનું આમંત્રણ મૂક્યંુ કે તરત જ તેના ચહેરા ઉપર આદર અને અચરજના ભાવ આવી ગયા અને તેણે વિઝા આપી દીધા.

હોકિંગને માત્ર ૨૧ વર્ષની વયે મોટર ન્યુરોન ડિસીઝ લાગુ પડ્યો  હતો અને આ રોગ સામેનો એમનો સંઘર્ષ ઘણો લાંબો ચાલ્યો. ૨૬ વર્ષની વયે વ્હીલચૅર હોકિંગની કાયમની સાથીદાર બની. પ્રાણઘાતક શારીરિક સ્થિતિ વચ્ચે પણ તેઓ સ્વભાવે ઘણા રમૂજી હતા.  ૨૦૦૬માં એક મુલાકાત આપતા તેમણે કહ્યંુ હતું કે હું ઇચ્છું છું કે લોકો મને મારા બ્લૅક હૉલ અને ઓરિજિન ઓફ યુનિવર્સ ઉપરના મારા કામને લઈને યાદ કરે, નહીં કે મારા દેખાવને. હોકિંગ નાસ્તિક હતા અને તેમણે કહ્યું હતું કે મારો તો સાદો મત છે કે ઈશ્વરની હસ્તી જ નથી. હોકિંગ આ પેઢીના જિનિયસ મસ્તિષ્કના માલિક તરીકે યાદ રહેશે.
———-.

આ તસવીરને જોઈને હોકિંગ રડી પડ્યા હતા
૨૩ વર્ષની આયુથી હોકિંગે આખી જિંદગી વ્હીલચૅર પર જ વિતાવી. તે બોલી પણ નહોતા શકતા. કોમ્પ્યુટર સ્વિચ સિંથેસાઇઝરની મદદથી પોતાની વાત કહેતા હતા. ૨૦૦૭માં અવકાશી સંસ્થા નાસાએ તેમને સન્માનિત કરવા એટલાન્ટિક સમુદ્ર ઉપર જીરો ગ્રેવિટીમાં બે કલાક રહેવાનો અવસર આપ્યો હતો. બાદમાં, આ પ્રસંગની હોકિંગે તસવીર જોઈ તો તેઓ એકદમ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘હું ૪૪ વર્ષમાં એક ડગલુંય નથી ચાલ્યો અને નાસાએ એક જ ઝાટકે મને ઊડતું પંખી બનાવી દીધું. કાશ હું ઊડી શકતો હોત, તો બહુ દૂર ઊડી જાત. મજા આવી ગઈ.’
——————–.

'ધ થિયરી ઓફ એવરિથિંગ'એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસકોમ્પ્યુટરસ્ટિફન હોકિંગહિંમત કાતરિયા
Comments (0)
Add Comment