એકલા જ આવ્યા સંતો, એકલા જવાના…

સાથી વિના સંગી વિના...

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

સાથી વિના સંગી વિના, એકલા જવાના!
છતાં ચીંચીં અને ચકચકથી જગત છલકાય છે…

હવામાં વાસંતિક પવનની મહેક છે. વનરાજી ચોતરફ પુરબહારમાં ખિલી છે. વળી, હવાની ઠંડી લહેર કંઈક સાથે લઈ જતાં ભૂલી ગઈ હોય એમ શેરીના નાકેથી પાછી ફરી છે. એનાથી હવામાનમાં તાજગી વધી ગઈ છે. મધ્યાહ્નનો સૂર્ય પણ આકરો થતા થતા અટકી ગયો છે, જાણે કે બાળક પર ગુસ્સે થતો પિતા, બાળકની કાલીઘેલી વાતો સાંભળી ગુસ્સો વિસરી જઈને વ્હાલથી ભેટી પડે એમ. વહેલી સવારથી પંખીઓનો કલશોર શરૃ છે. આપણી મહેફિલો તો રાતે જામે અને આ પંખીઓ તો બહુ વહેલી સવારે એટલી બધી વાતોએ વળગે કે એમની વાતો ત્યાં સુધી તો પૂરી થાય જ નહીં જ્યાં સુધી સૂર્ય માથું ઊંચું કરીને એને ચૂપ રહેવા ન કહે. વડીલની લાલ થતી જતી આંખ જોઈને સહુ પંખીઓ પોતપોતાના કામે લાગે, એટલે કે વિશાળ આકાશમાં મનગમંત ઉડ્ડયન અને પછી દાણા-પાણી!

આટલી એવી ચકી અને આટલો એવડો ચકો અને એનાં નાનાં-નાનાં બચ્ચાં! શું વાતો કરતાં હશે એ? કોની વાતો કરતા હશે? પવનની, વૃક્ષની ડાળીઓની કે પેલાં મઘમઘ ફૂલોની? આકાશ તો સહુને જોઈએ એનાથી ક્યાંય વધુ છે. ને એમ પંખીઓ માટે બધું જ અધિક છે! છતાં પરસ્પરનો આ કલબલાટ શાનો? કદાચ જે છે એના આનંદનું જ એ પ્રાતઃકાલીન મધુર ગાન હશે? કે જે હજુ પણ જોઈએ છે એને સાદ કરવા માટેનો આલાપ હશે? એક દિવસ જોયું તો એક ચકલી જ્યાં બેઠી છે ત્યાં જ બીજી ચકલીને બેસવું છે. એક ઊડે ને બીજી બેસે, બીજી ઊડે ને ફરી પહેલી ત્યાંને ત્યાં જ આવીને બેસે. આમ ઘટમાળ ચાલ્યા જ કરે. થોડાક સમય માટેની સવાર, ને વળી અલ્પ આયુષ્યની સીમા, છતાં આ ચકલીઓને જંપ નથી. શ્વાસ ચડી જાય એ હદે ક્યારેક તો એના ચીંચીંકારનું ગુંજન સવારની મીઠી ઊંઘ ઉડાડી દે. યુગોથી આપણે પણ આ જ કરતા આવ્યા છીએ જે આ ચકલીઓ નિત્ય કરી રહી છે. એક ડાળ પર પાંચ ચકલીઓ નિરાંતે જંપે તો એ ચકલી નહીં. હા જંપે, પણ અંધકાર ઊતરી આવે ત્યારે! કાળ બદલાય એટલે બધાય જંપી જાય. એના કરતાં સુવર્ણ પ્રભાતે સંપ અને જંપથી સાથે રહેતી હોત તો! પણ એવું કદી બને નહીં, કારણ કે એ ચકલીકુળની પરંપરા છે.

માનવકુળની પરંપરામાં પણ ઘણાને ચકલીનો ‘ઓતાર’ આવી જાય છે. ચકલી નાની ને ફડકો મોટો! મહારાજ શ્રી રંગ અવધૂત કહેતા હતા કે દામઘેલા, નામઘેલા અને ચામઘેલાઓનો આ દુનિયામાં તો ભાઈ ઝમેલો જામ્યો છે, એમાં રામઘેલા શોધવા બહુ અઘરા છે, કારણ કે રામઘેલાને તો આ દુનિયા પાસેથી કંઈ જોઈતું જ નથી તો એ દુનિયા તરફ શા માટે જુએ? આપણી જિંદગીમાં ચકલી શી ચકચક ઓછી તો કરવી પડશે. ચકલીને બેસવા માટે કેટલાં બધાં વૃક્ષો અને ડાળીઓ છે, છતાં એની ચકચક ચાલુ છે. બે-ચાર દાણામાં તો એનું પેટ ભરાઈ જાય છતાં એક ચકલી પોતાના દાણાપાણીમાંથી નવરી પડે કે તુરત બીજી આરોગતી ચકલીને ઉડાડવા મથે છે. કદાચ આ કાયમનું દર્શન ન હોય તોય નજરોનજર જોેયેલું ક્યારેકનું વર્તન તો છે જ. આ ક્યારેકના વર્તનમાં જ આખી માણસજાત ફસાયેલી છે. અમે કંઈ એવા નથી, એ તો ત્યારે આમ અને તેમ હતું એટલે અમારે કહેવું પડે! ક્યારેક જ! મનુષ્યના ક્યારેક જ થતાં વિચિત્ર અને અનૈતિક વર્તનનો ઘોંઘાટ હવે તો આખી

પૃથ્વી પર સંભળાય છે. વિવિધ ગીત ગુંજન વચ્ચે આ ઘોંઘાટ વધતો જાય છે કે જે એના અંતિમ સ્વરૃપમાં વિનાશક હોઈ શકે છે અને છે જ, ઇજિપ્ત, ઇરાક અને સિરિયા એનાં ઉદાહરણો છે. એક માણસને બીજા માણસ સાથે કામ પાડતાં આવડતું નથી એનો આ પ્રશ્નાર્થ છે. પછીથી સાચું કોણ અને ખોટું કોણ અને ખરો વાંક કોનો એ તો દૂર બેસીને વાતો કરનારા કેમ જાણે? ઘોંઘાટ સિરિયામાં જીવલેણ બની ગયો છે અને વિસ્ફોટક શસ્ત્રો જ એની અભિવ્યક્તિનાં માધ્યમો છે. એવું નથી કે ઇતિહાસમાં આ બધું પહેલીવાર છે, આદિકાળથી મનુષ્યે ચીંચીં અને ચકચક ચાલુ જ રાખ્યું છે.

વ્યક્તિગત જિંદગીમાં સહુને પણ ચીંચીં સાંભળવાનું આવે છે. જો આપણે પોતાના તરફથી પ્રતિ ચકચક ન કરીએ તો ક્રમશઃ ચીંચીં શમવા લાગે છે, પરંતુ એમ થવું એ તો િંજંદગીની નિત્ય વર્તાવમાં થતી સાધનાનો માર્ગ છે. ન આવડે કે ન ફાવે તો પણ અપનાવવા જેવો છે, નહિતર યુગ પ્રભાવમાં ચીંચીં અને ચકચક ક્યારે ઘરમાં ઘર કરી જશે એની ખબર જ નહીં પડે.

પશ્ચિમના વિચારકોએ ગઈ સદીમાં એક મહાન વિચાર પ્રસરાવ્યો. – સહુને બિનશરતી માફી આપો. જો આમ તો તેમવાળી ક્ષમા, ખરા અર્થમાં ક્ષમા નથી અને જો સંયોગોનું મૂલ્યાંકન કર્યા પછી ક્ષમા કરવાના અવસરની પ્રતિજ્ઞા કરશો તો એવો અવસર કદી આવવાનો નથી. ઊલટાનો ઘોંઘાટ વધતો જવાનો છે. પચાસ-સિત્તેર-એંસી કે એથી વધુના સમય માટે માળામાં કિલ્લોલ કરતા રહેવાની કળા જ જિંદગીની પ્રમુખ કળા છે. તર્કબુદ્ધિ સહુને લલચાવે છે અને પ્રભા, મેઘા, કીર્તિ, કાંતિ એવા બુદ્ધિના સર્વગુણોનું આકર્ષણ બતાવે છે તો પણ એ લાલસામાં પડવા જેવું નથી. નામમુગ્ધ, દામમુગ્ધ અને ચામમુગ્ધ (એટલે રૃપના ઘેલા) લોકોના આ ઝમેલાની વચ્ચે એટલે કે કોલસાની કાળી કોટડીમાંથી એક પણ ડાઘ લગાડ્યા વિના પસાર થઈ જવાની કળા જ બિનશરતી માફી આપવામાં રૃપાંતરિત થાય છે.

આવીએ છીએ એકલા અને જતી વખતે પણ કોઈ કે કાંઈ સાથે તો આવતું જ નથી! તો વચ્ચેના સમયમાં ટકટક કરતા રહેવાનો કોઈ અર્થ નથી. કલહમાં બહુ વધુ કાળ પસાર થઈ જાય છે. પ્રેમનો પણ કાળ સાથે એ જ સંબંધ છે. પ્રિયતમ અને પ્રિયતમાને એમ જ લાગે છે કે દરેક સ્થળે સમય ઝડપથી પસાર થઈ જાય છે. કલહમાં અને પ્રણયમાં કાળ ક્યાં અને ક્યારે વીતી જાય છે એની ખબર જ રહેતી નથી તો કલહને બદલે પ્રેમનો માર્ગ પસંદ કરવો હિતકારી છે. કલહનો માર્ગ કોઈ પસંદ કરતું નથી, અહંકાર જ એ પસંદ કરાવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં મારી વાત સાચી છે – એ જ અહંકારની બુનિયાદ હોય છે. મારી વાત કદાચ સાચી એટલો સુધારો થાય તોય બ્રહ્માંડની બારીઓ ખૂલી જાય અને મારી વાત સાચી ન પણ હોઈ શકે એ વિવેકનું પ્રાથમિક આરંભ બિંદુ છે. બધી જ યાત્રા ખરેખર તો ત્યાંથી શરૃ કરવી જોઈએ. માનવ જાતનું એ દુર્ભાગ્ય છે કે શરૃઆતમાં તો એને કાનની કળા શીખવવાની કોઈ વ્યવસ્થા જ નથી હોતી. પછી જો સંગીતની શિક્ષા-દીક્ષા મળે તો કાનની કળાનો પરિચય થાય છે. સંગીત જેઓ જાણે છે, તેનાથી ઘોંઘાટ સ્વયં દૂર રહે છે. સંગીત સર્વ સાધનાઓનો સેતુ છે જો એ શાસ્ત્રીય હોય તો! સંગીત પાસે કિલ્લોલ અને કલશોર છે, કલહ અને કલેશ નથી.

રિમાર્ક – To not listen anything is the ultimate music, everybody have it at the end. Try it earier

———————–.

ઓતારગુંજનદિલીપ ભટ્ટમાનવકુળહૃદયકુંજ
Comments (0)
Add Comment