ગુજરાત ફૂટબોલઃ દેશી ખેલાડીઓ, વિદેશી કોચ

યુવાનો ફૂટબોલમાં રસ લે છે..

રમતજગત – દેવેન્દ્ર જાની

ગુજરાતીઓ ક્રિક્રેટ ક્રેઝી છે એવું ભલે કહેવાતું હોય, પણ હવે ધીરે-ધીરે ગુજરાતીઓમાં અન્ય રમતો પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે. ખાસ કરીને યુવા પેઢી ફૂટબોલ જેવી રમતોમાં રસ લેતી થઈ છે. ગુજરાતમાં ફૂટબોલના ખેલાડીઓનું કોૈવત બહાર લાવવા પહેલીવાર સ્પેનની એક મહિલાને કોચની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટના રેસકોર્સ પર આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક વિદેશી યુવતી ફૂટબોલ હાથમાં લઈને છોકરાઓને ટિપ્સ આપતી જોવા મળે ત્યારે આ દ્રશ્ય નવાઈ પમાડે તેવું હતું, કારણ કે સામાન્ય રીતે આપણી આંખો ક્રિક્રેટના મેદાનમાં ઊભરતા ખેલાડીઓને કોઈ વિદેશી કોચિંગ આપતા જોવા ટેવાયેલી છે. ક્રિક્રેટ સિવાયની રમતોમાં વિદેશી કોચ અને એ પણ આપણા લોકલ ગુજરાતીઓને તાલીમ આપતા જોઈએ ત્યારે અચરજ થાય એ સ્વાભાવિક હતંુ. આ અંગે જ્યારે ફૂટબોલ પ્રેમીઓ સાથે વાત કરી તો ખરેખર ગૌરવ થાય તેવી વિગતો જાણવા મળી હતી. ગુજરાતમાં ક્રિક્રેટ સિવાયની રમતોમાં યુવાનો રસ લેતાં થાય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધે તે માટે રાજ્ય સરકાર ગંભીર અને સક્રિય બની છે. રમત-ગમત વિભાગ એ આમ તો સરકારનો ઉપેક્ષિત વિભાગ કહેવાય છે. આ વિભાગ માટે બજેટમાં ગ્રાન્ટ મોટી ફાળવવામાં આવતી હોય છે, પણ વાસ્તવમાં તેનો ઉપયોગ ગુજરાતમાં સારા રમતવીરો કે સારા મેદાનો તૈયાર કરવામાં થતો નથી તેવી ફરિયાદો સતત ઊઠતી રહી છે.

મૂળ વાત પર આવીએ તો અહીં સરકારી વિભાગની નહીં, ફૂટબોલની વાત કરવી છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ ફૂટબોલના ખેલાડીઓનું સિલેક્શન ચાલી રહ્યું છે અને આ સિલેક્શનમાં ખાસ રસ લઈ રહી છે સ્પેનની ફૂટબોલ પ્લેયર લુરી સરોચે એલેજોસ. સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતે સ્પેનની આ મહિલાને ફૂટબોલ એકેડેમીમાં એક્સપર્ટ કોચ અને ટૅક્નિકલ ડાયરેક્ટર તરીકે નિમણૂક આપી છે. લૂરી હાલ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરોમાં ફરીને ફૂટબોલના ખેલાડીઓનું સિલેક્શન કરવામાં વ્યસ્ત છે. ગુજરાતના ફૂટબોલના કોચ સાથે કૉ-ઑર્ડિનેશન કરીને સ્પેનની આ મહિલા ફૂટબોલ ખેલાડી પસંદ કરી રહી છે. એપ્રિલના પહેલા વીક સુધી આ સિલેક્શન પ્રક્રિયા ચાલશે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે ૩૦૦ જેટલા ફૂટબોલ ખેલાડીઓ પસંદ કર્યા બાદ તેમાંથી આશરે પ૦ ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરાશે અને તેને સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત અમદાવાદમાં રહેવા-જમવાની સુવિધા સાથે ખાસ તાલીમ આપીને તૈયાર કરશે. આ ખેલાડીઓમાંથી નેશનલ રમવા માટેની ટીમ બનાવવામાં આવશે. ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓમાં ઉસ્તાહ જોવા મળી રહ્યો છે.

એક ઝલક માત્ર જોઈએ તો રવિવારે તા. ૧૯મીએ રાજકોટના ફૂટબોલ ગ્રાઉન્ડ પર યુવા ખેલાડીઓનો જાણે મોટો મેળાવડો જામ્યો હોય તેમ ઊમટી પડ્યા હતા. આજના યુવાનો ગૂગલમાં જ ગૂંચવાયેલા રહે છે તેવું મહેણું આ યુવાનો જાણે ભાંગી રહ્યા હોય તેવા ઉત્સાહ સાથે ઊમટ્યા હતા. આટલું જ નહીં, સામાન્ય રીતે એવી ઇમેજ છે કે યુવાનો ક્રિક્રેટમાં જ રસ લે છે, પણ આ યુવાનોને જોયા પછી આ માન્યતા સાચી નથી એવું લાગ્યા વિના રહેતું નથી. સિલેક્શન પ્રક્રિયામાં ભાગ લેવા ઉત્સાહથી આ છોકરાઓ આવ્યા હતા. ૧૯ વર્ષથી ઓછી વય ધરાવતાં આ ખેલાડીઓમાં કોઈ એક – બે વર્ષ તો કોઈ છ વર્ષથી ફૂટબોલ રમતાં હોવાનું કહેતા હતા. આ યુવાનોનો ઉત્સાહ એવો હતો કે આગામી દિવસોમાં ફૂટબોલ જેવી રમતોમાં પણ ગુજરાતીઓ કાઠું કાઢશે તેવો વિશ્વાસ દૃઢ બને છે.

એસએસસીની પરીક્ષા ચાલુ હોવા છતાં દેવ ઉપાધ્યાય નામનો એક યુવાન ફૂટબોલના ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. છેલ્લા છ વર્ષથી ફૂટબોલની રમતમાં રસ લઈ રહેલો આ યુવા ખેલાડી કહે છે, ‘મારી પરીક્ષાનું કોઈ ટેન્શન નથી, કારણ કે ફૂટબોલમાં મને ખૂબ રસ છે, એક પૅશન છે.’ તે માને છે કે જો ગુજરાતના યુવા ખેલાડીઓને સારું કોચિંગ મળે અને સારા મેદાનો અને સુવિધા મળે તો ગુજરાતી ખેલાડીઓ ફૂટબોલમાં નામ રોશન કરી શકે તેવું ટેલેન્ટ ધરાવે છે. પાર્થરાજ બોરીચા નામનો ખેલાડી કહે છે, ‘ગુજરાતની યુવા પેઢી માત્ર ક્રિક્રેટમાં જ રસ લે છે એવું નથી. હવે ફૂટબોલ જેવી અન્ય રમતો પ્રત્યે તેમનો રસ વધી રહ્યો છે જુઓ અહીં કેટલા યુવાનો આવ્યા છે.’

રેસકોર્સ મેદાન પર સ્પેનની ફૂટબોલ પ્લેયર લૂરી સરોચે કહે છે, ‘ગુજરાતી યુવાનોમાં ટેલેન્ટ છે, પણ તેને બહાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. મારો ૧પ વર્ષનો ફૂટબોલનો અનુભવ છે. સ્પેનની સરખામણીમાં ગુજરાત ફૂટબોલના સ્તર પર ઘણું પાછળ છે. દરેક દેશ કે રિજિયનની કોઈની સાથે સરખામણી કરીએ તો સ્વાભાવિક છે સાધારણ, મધ્યમ, ઉત્તમ કે સર્વોત્તમ જેવી કેટેગરી જોવા મળવાની છે. ગુજરાતમાં ફૂટબોલનું સ્તર નોર્મલમાંથી શક્ય તેટલું ઊંચંુ લઈ જવાનો એક્સપર્ટ કોચ તરીકે મારો પ્રયાસ છે. મને ગુજરાતના ફૂટબોલ બોય્ઝ ખેલાડીઓને કોચિંગ આપવામાં ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે. એ જ કારણથી રહેવાનું પસંદ કર્યું છે.’ એક મહિલા પ્લેયર તરીકે ગુજરાતની મહિલા નહીં, પણ બોય્ઝ ખેલાડીઓને કોચિંગ આપવાની જવાબદારી આવી છે તો કેવું લાગે છે? તેવું પૂછતાં લોરી કહે છે, ‘મહિલા છે કે પુરુષ, ખેલાડી એ ગૌણ છે, એક કોચ તરીકે મને ભાષા કે જાતિનો કોઈ ભેદભાવ નડતો નથી.’

સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાતની ફૂટબોલ એકેડમીના હેડ કોચ સુનીત આઝાદ કહે છે, ‘ઑથોરિટીએ ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓનું પરફોર્મન્સ સારું બને તે માટે મહત્ત્વનો નિર્ણય કરીને એક વિદેશી એક્સપર્ટને કોચ બનાવ્યા છે. તેમના અનુભવનો લાભ ગુજરાતના ખેલાડીઓને મળશે. ગુજરાતના બોય્ઝ ખેલાડીઓને એક વિદેશી મહિલા કોચિંગ આપે તેવું પહેલીવાર બની રહ્યું છે. સ્પેનના ફૂટબોલ એક્સપર્ટ લૂરી સરોચે ગુજરાતમાંથી જે ખેલાડીઓ પસંદ કરવામાં આવશે તેને એકાદ વર્ષ સુધી કોચિંગ આપશે અને ત્યાર બાદ આ અંગેનો નિર્ણય ઑથોરિટી દ્વારા લેવામાં આવશે. ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકાર અને ઑથોરિટીના સ્તર પર ગુજરાતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા ખાસ રસ લેવામાં આવી રહ્યો છે.’

રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનના કોચ જયેશ કનોજિયા કહે છે, ‘ગુજરાતમાં જુદાં-જુદાં સ્તર પર ફૂટબોલની રમત પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે, તે ખૂબ સારી બાબત છે. ગુજરાત સરકાર પણ ફૂટબોલ જેવી રમતોને બળ મળે તેવા પ્રયાસો કરે છે. સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાત પણ નવા નવા પ્રયોગો કરી પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં જુદી-જુદી રમતો માટે એકેડેમી બનાવવામાં આવી છે. ફૂટબોલ એકેડમીમાં પહેલી વાર વિદેશી એક્સપર્ટ કોચની નિમણૂક કરવામાં આવી છેેે. વિદેશી અનુભવી ખેલાડીઓનો લાભ ગુજરાતના ઉભરતા ખેલાડીઓને મળશે. ઑથોરિટીનો આ નિર્ણય આવકારદાયક છે. ફૂટબોલના એક્સપર્ટ કોચ તરીકે નિમાયેલા લૂરી સરોચે બીજી વખત ખેલાડીઓના સિલેક્શન માટે રાજકોટના ફૂટબોલ ગ્રાઉન્ડ પર આવ્યા છે. તેઓ સ્પેનમાં ફૂટબોલ માટે જાણીતી એવી બારસલેના ટીમમાં કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે.’

ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ ધરાવતી સંતોષ ટ્રોફી રમી ચૂકેલા જયેશ કનોજીયા કહે છે, ‘ઓક્ટોબરમાં રાષ્ટ્રીય સ્તરે યેથ ઇન્ડિયન લીગ રમાવાની છે. તેમાં ગુજરાતની ટીમ તૈયાર કરવામાં વિદેશી મહિલા કોચના અનુભવનો લાભ મળશે. આ ઉપરાંત ગુજરાત ફૂટબોલ એસોસિયેશન પહેલી વાર ગુજરાત પ્રિમીયર લિગ રમાડી રહી છે. તેના કારણે પણ ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. થોડા સમય પહેલાં જ રાજકોટની ફૂટબોલ પ્લેયર વૈભવી જોષી અને કર્નવી કામદારે કટકમાં રમાયેલી સિનિયર વિમેન્સ નેશનલ ચેમ્યિનશીપમાં ભાગ લીધો હતો. વૈભવી જોષીએ ગુજરાતની ટીમની કેપ્ટનશિપ કરી હતી આમ રાજકોટ જેવા શહેરોમાંથી ફૂટબોલના સારા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે.
——-.

ગુજરાતી યુવાનોમાં ટેલેન્ટ છે, પણ તેને બહાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. સ્પેનની સરખામણીમાં ગુજરાત ફૂટબોલના સ્તર પર ઘણું પાછળ છે – પ્લેયર લૂરી સરોચે એક્સપર્ટ કોચ, ગુજરાત ફૂટબોલ એકેડેમી
——-.

ગુજરાતના બોય્ઝ ખેલાડીઓને વિદેશી મહિલા કોચિંગ આપે તેવું પહેલીવાર બની રહ્યું છે. તેમના અનુભવનો લાભ ગુજરાતના ખેલાડીઓને મળશે  – સુનીત આઝાદ, કોચ, સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાત
——-.

ગુજરાતમાં ફૂટબોલની રમત પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત પણ નવા-નવા પ્રયોગો કરી પ્રોત્સાહન આપી રહી છે – જયેશ કનોજિયા, કોચ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.
—————————.

દેવેન્દ્ર જાનીફૂટબોલરાજકોટસ્પોર્ટ્સ
Comments (0)
Add Comment