ગરિમા રાવ
બોલિવૂડમાં રિમેક ફિલ્મોનો દોર શરૃ થયે તો વર્ષો થઈ ગયાં. એક જ નામથી એક, બે નહીં, પણ ચાર, ચાર ફિલ્મો બનતી થઈ છે, ત્યારે બિનપરંપરાગત ફિલ્મો બનાવવા માટે જાણીતા કહો કે પંકાયેલા ફિલ્મ સર્જક સુધીર મિશ્રા ‘દેવદાસ’ની રિમિક ફિલ્મ લઈને આવી રહ્યા છે, પરંતુ તે દેવદાસ કરતાં બિલકુલ અલગ અંદાજની છે જેનું નામ ‘દાસદેવ’ છે. હા, આજ નામની ફિલ્મ આવી રહી છે, જેમાં દેવબાબુ, પારો, ચંદ્રમુખી બધાં જોવા મળશે, પરંતુ મોડર્ન સ્વરૃપમાં. જાને ભી દો યારો, ઇસ રાત કી સુબહ નહીં, ધારાવી, હજારો ખ્વાઈસે એસી, ચમેલી, ખોયા ખોયા ચાંદ, જેવી અનેક હિટ અને હટકે ફિલ્મ આપનારા સુધીર મિશ્રા આ વખતે પણ એક અલગ ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ જ લોકોને વિચારમગ્ન કરે છે. ‘દાસદેવ’ જે ‘દેવદાસ’થી બિલકુલ અલગ ટેસ્ટની ફિલ્મ છે.
સુપ્રસિદ્ધ બંગાળી સર્જક શરદચંદ્ર ચટોપાધ્યાયની અમરકૃતિ દેવદાસને ઉલટા નામે દાસદેવ તરીકે રજૂ કરવાના પ્રયાસ માટે સુધીર કહે છે, ‘કોઈ પણ નવા કામ માટે પ્રયત્ન કરવો તે મારો અધિકાર છે અને આ બધી મારી વિરાસત છે. એક ફિલ્મ સર્જક તરીકે હું મારી રીતે સારી રજૂઆત કરી શકું છું. મેં મારી ફિલ્મ માટે દેવદાસનો આધાર લીધો છે અને સાથે જ તેનાં ત્રણે પાત્રોને પણ સ્વીકાર્યા છે. આજનો દેવ બિલકુલ અલગ છે, માટે જ મેં આને દાસદેવનું રૃપ આપ્યું છે. આ રાજકારણમાં રહેલા ત્રણ લોકોની વાત છે. જેમાં દેવ, પારો અને ચંદ્રમુખી ત્રણેને બિલકુલ મોડર્ન અંદાજમાં રજૂ કરાયા છે. દેવ રાજકીય વારસો ધરાવે છે અને પારોના પ્રેમમાં છે. પારોના પિતા રાજકીય સચિવ છે જે દેવના જ બંગલાની બહાર દેવના આપેલા જ મકાનમાં રહેતા હોય છે. આ આખી સ્ટોરી સમજીએ તેટલી સરળ નથી, કારણ કે આ રાજકીય વાર્તા છે. પારો દેવથી દૂર થાય છે અને મોડર્ન ચંદ્રમુખી એટલે કે ચાંદની નામનું પાત્ર એન્ટ્રી મારે છે. ટૂંકમાં આ ત્રણે પાત્રો રાજનીતિનો મહત્ત્વનો હિસ્સો બની ફિલ્મને આગળ વધારે છે. દેવના રોલ માટે રાહુલ ભટ્ટ પર પસંદગી ઉતારાઈ છે.’ તેના માટે સુધીર કહે છે, ‘રાહુલ એક જાણીતા પરિવારના બગડેલા દીકરાના કિરદારમાં બિલકુલ ફિટ બેસે છે. જ્યારે પારો માટે રિયા ચડ્ડાએ પૂરતી મહેનત કરી છે. મોડર્ન ચંદ્રમુખી એટલે કે ચાંદનીના પાત્રને અદિતિ રાવ હૈદરી ભજવી રહી છે. આ ફિલ્મ મૂળ દેવદાસમાં રહેલા દેવત્વમાંથી દાસત્વમાં જવાનો અણસાર છે. માટે આ મારો રિવર્સ પ્રયત્ન છે અને મને ખાતરી છે કે દર્શકોને આ પ્રયત્ન જરૃર પસંદ આવશે જ.’
સુધીર આ ફિલ્મ પોતાના દાદાને અર્પણ કરે છે. તે કહે છે કે, મારો જન્મ એક રાજકીય બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાં થયો છે. મારા દાદા અને સ્વ. ઇંદિરા ગાંધીને ઘણા સારા પારિવારિક સંબંધો હતા, પરંતુ આ રિલેશનનો ઉપયોગ ક્યારેય મારી મદદ માટે કરવામાં નથી આવ્યો. મારા ભાઈ સુધાંશુ મિશ્રા પાસેથી ઘણું બધું શીખ્યો છું. ૧૯૮૦માં પુના છોડી મુંબઈ આવ્યા પછી સઇદ અખ્તર મિર્ઝા, વિધુ વિનોદ ચોપડા જેવા અનેક મોટા નિર્દેશકો સાથે સહાયક નિર્દેશકનું કાર્ય કર્યું. ત્યાર પછી ફિલ્મોમાં સ્વતંત્ર નિર્દેશન શરૃ કર્યું હતું. દાસદેવ એ આજની જનરેશનને લઈને કરવામાં આવેલો મારો એક નવતર પ્રયોગ છે. સમય સાથે દરેક વસ્તુ બદલાય છે તો આવા અનેક બદલાવ લાવવાની તૈયારી રાખવી જોઈએ.
ફિલ્મને લઈને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સ્ટોરીમાં ઉત્તર પ્રદેશની રાજનીતિ વાત કરવામાં આવી છે. જોકે તે કેટલા અંશે સાચી છે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આ આધુનિક દેવદાસ એટલે કે દાસદેવ ખરેખર ફિલ્મ રસિયાઓ અને સાહિત્ય રસિકોને ખુશ કરશે કે પછી નારાજ તે જોવાનું રહ્યું.
——-.