અયોધ્યા અદાલતના આંગણે

અરજી કોર્ટે ફગાવી

હિમંત કાતરિયા

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ ઉપર આખા દેશની નજર છે. ગત અઠવાડિયે એક દિવસ કોર્ટ કાર્યવાહી ચાલી. તેમાં કોર્ટે મુખ્ય પક્ષકારો સિવાયના ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને પોતાની જાતને છેલ્લા મુગલ બહાદુર શાહ જફરના વંશજ ગણાવતા તૂસી સહિત તમામની પક્ષકાર બનવાની અરજી કોર્ટે ફગાવી દીધી. પક્ષકાર બનવા આવેલા કોઈકે વિવાદિત સ્થળે હૉસ્પિટલ બાંધીને કેસની પતાવટ કરવાની તો કોઈકે સર્વ ધર્મ સમભાવ કેન્દ્ર ઊભંુ કરવાની હિમાયત કરી હતી. કોઈકે કોર્ટ બહાર સમાધાનનો માર્ગ ચીંધ્યો. જોકે કોર્ટે કોર્ટ બહાર સમાધાનનો માર્ગ ખુલ્લો રાખ્યો. કોને કોર્ટે શું કહ્યું, કોણ પક્ષકાર બનવા આવ્યું હતું, પક્ષકારો બનવા માંગતા લોકોને કેવી રીતે રવાના કર્યા? આવો જોઈએ.

સુપ્રીમ કોર્ટેં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં હસ્તક્ષેપ માટેની બધી જ વચગાળાની અરજીઓ ફગાવી દીધી છે. માત્ર મૂળ પક્ષકારોેને જ કેસ લડવાની મંજૂરી આપવી અને આ પ્રકરણથી અસંબદ્ધ વ્યક્તિઓની હસ્તક્ષેપની અરજીઓને મુખ્ય ધ્યાને નહીં લેવાની માગણીને ન્યાયાધીશ દીપક મિશ્રા, અશોક ભૂષણ અને એસ.એ. નજીરની ત્રણ સભ્યોની વિશેષ પીઠે માન્ય રાખી છે. કોર્ટે હસ્તક્ષેપની સુબ્રમણ્યમ સ્વામીની અરજીને પણ નકારી દીધી છે. અલબત્ત વિવાદિત સ્થળે બનેલા રામ મંદિરમાં પૂજા કરવાના મૌલિક અધિકારને લાગુ કરવા માટેની સ્વામીની અરજીને સ્વીકારવાનો આદેશ આપ્યો છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં કોર્ટ કેસમાં ઝંપલાવવા ૩૨ અરજીઓ થઈ હતી. તેમાં નાગરિકોથી લઈને છેલ્લા મુગલ વંશજ હોવાનો દાવો કરતા શખ્સની અરજી હતી. જાણીતા અરજીકર્તાઓમાં ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ અને અપર્ણા સેન જેવા હતા. તેમની માગણી હતી કે મંદિર-મસ્જિદની જગ્યાએ હૉસ્પિટલ બનાવી દેવી. પૂણેના શાંતિ વિશ્વવિદ્યાલયની માગ હતી કે ત્યાં સર્વ ધર્મ સંસ્થાન બનાવી દેવું. એક અરજી શિયા વકફ બોર્ડે પણ કરી હતી. તેમનો દાવો હતો કે ૧૩ માર્ચ, ૧૯૪૬ના રોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવાદિત સ્થળ શિયા વકફનું છે. કોર્ટે કહ્યું છે કે આ અરજી રજિસ્ટ્રી જોશે. વિશેષ પીઠ પાસે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની ૧૪ અપીલ વિચારાધીન છે. અલાહાબાદ હાઈકોર્ટે ૨૦૧૦માં બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે વિવાદિત જમીનની રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે સરખે ભાગે વહેંચણી કરી દેવામાં આવે.

હવે, સુપ્રીમ કોર્ટમાં ગત અઠવાડિયે ચાલેલી કાર્યવાહીનેે અક્ષરશઃ રજૂ કરવાનો પ્રયાસ કરીએ તો મુસ્લિમ પક્ષના વકીલ એઝાજ મકબુલે કહ્યું, ‘બધા દસ્તાવેજો મળી ગયા છે. એક પુસ્તક નથી સમાવવામાં આવ્યું. કોર્ટને આગ્રહ છે કે કોર્ટ આ મામલામાં ઘૂસ મારવા ઇચ્છુક લોકોને નિયંત્રિત કરે. જે પાર્ટી નથી તે હવે પક્ષકાર બનવા માગે છે. આ કારણે કોર્ટમાં એટલી ભીડ થઈ જાય છે કે વકીલો માટે પણ અંદર પ્રવેશવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.’

યુપી સરકારના વકીલ તુષાર મહેતાની દલીલ હતી, ‘અમે એ વાતે સહમત છીએ કે હસ્તક્ષેપકર્તાઓને આવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.’

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ પ્રત્યુત્તરમાં કાર્યવાહી શરૃ કરતા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીથી શરૃઆત કરીને કહ્યું, ‘તમારો આ મામલા સાથે શું સંબંધ છે?’

સ્વામીએ જવાબ આપ્યો, ‘મેં આ મામલે રિટ અરજી દાખલ કરી હતી અને ન્યાયાધીશ જે. ચેલ્મેશ્વરની પીઠે આ મામલે મને પક્ષકાર બનવાની રજા આપી છે.’

ન્યાયાધીશ ભૂષણે કહ્યું, ‘પણ આ કેસમાં અમે તમારી સુનાવણી નહીં કરી શકીએ. અમે કોઈ પણ હસ્તક્ષેપની મંજૂરી આપતા નથી. તમે કંઈ અપવાદ નથી.’

રાજીવ ધવને કહ્યું, ‘સ્વામી કોઈ ચર્ચા કરશે તો અમે તેનો જવાબ નહીં આપીએ.’

સ્વામીએ વળતા જવાબમાં કહ્યું, ‘આમણે તો હું કુરતો-પાયજામો પહેરીને કોર્ટમાં આવું એની સામે પણ વાંધો ઉપાડ્યો છે. હવે મારી અરજી સામે વાંધો ઉપાડી રહ્યા છે.’

દરમિયાન એક હસ્તક્ષેપકર્તાએ કહ્યું, ‘મી લૉર્ડ, અમે અયોધ્યાના ૧૦,૦૨૩ નાગરિકો છીએ અને અમે આ અરજી કરી છે. અમે ઇચ્છીએ છીએ કે આ મામલો કોર્ટમાં ઉકેલવાને બદલે સમજૂતીની ફોર્મ્યુલા આપો. આ મામલે નોટિસ કાઢવામાં આવે. આ મામલે કોર્ટમાં ઉકેલ નહીં લાવી શકાય. કેમ કે બનારસમાં શિયા-સુન્ની વચ્ચેનો કબ્રસ્તાનના મુદ્દે આઝાદી પહેલાંનો કેસ ચાલે છે.’

ન્યાયાધીશ ભૂષણે કહ્યું, ‘તો તમે જાવ અને લોકોને સમજૂતી માટે મનાવો. અમે પક્ષકારોને સમજૂતી માટે બેસવાની ફરજ ન પાડી શકીએ.’

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું, ‘તમે હાઈકોર્ટમાં પક્ષકાર કેમ ન બન્યા? અમે કેવી રીતે નોટિસ બહાર પાડી શકીએ. અમે હસ્તક્ષેપકર્તાઓને નહીં સાંભળીએ.’

વકીલ એલ.આર. સિંહે કહ્યું, ‘મારી અરજ છે કે હું કોર્ટની મદદ કરવા માંગુ છું. કેમ કે મારી પાસે એક પુસ્તક છે જેમાં અયોધ્યા મામલે સંશોધન છે અને હકીકતો છે.’

ન્યાયાધીશ ભૂષણે કહ્યું, ‘તો પછી તમે રામલલ્લાના વકીલ કે. પરાસરનને કેમ મદદ નથી કરતા. જોકે જરૃર પડ્યે કોઈ પણ તમારા પુસ્તકનો સંદર્ભ આપી શકશે.’

બહાદુરશાહ જફરના વંશજ તૂસીએ કહ્યું, ‘હું અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરનો વંશજ છું અને વિવાદિત સ્થળનો મુતવલ્લી છું. મને આ મામલામાં પક્ષકાર બનાવવામાં આવે.’

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ હસવાનું ખાળીને જવાબ આપ્યો, ‘તમે તો ખુદ એક મુકદ્દમો દાખલ કરી શકો, પણ આ કેસમાં અમે તમને નહીં સાંભળીએ.’

૩૨ જણાના વકીલ સી.યુ. સિંહે કહ્યું, ‘અમે દેશના પ્રમુખ નાગરિકો છીએ અને કોર્ટને અપીલ કરીએ છીએ કે કોર્ટ આ મામલે ચુકાદો નહીં આપતા વચ્ચેનો રસ્તો અપનાવે અને વિવાદિત સ્થળે એક હૉસ્પિટલ બનાવી દેવામાં આવે જેથી બધા ધર્મોના લોકો સારવાર કરાવે.’

એજાઝ મકબુલે કહ્યું, ‘સિવિલ સૂટમાં કોઈ હસ્તક્ષેપકર્તાને મંજૂરી ન આપવી જોઈએ.’ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું, ‘અમે તમારી અરજીને ધ્યાને લીધી છે અને તેને પણ અન્ય હસ્તક્ષેપકર્તાઓની જેમ જોવાશે. વચગાળાનો રસ્તો કેવી રીતે કાઢશો?’ એક અરજી પર વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે કહ્યું, ‘અમે કેટલીક સામગ્રી અને તથ્યો એકત્ર કર્યાં છે. અમે એ દ્વારા કોર્ટની મદદ કરવા માગીએ છીએ.’ જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘જુઓ, બંને પક્ષ તમારો વિરોધ કરે છે. આ દીવાની કેસ છે. અમારે દીવાની પ્રક્રિયા સંહિતાની જોગવાઈઓનું પાલન કરીને તેનો નિકાલ કરવાનો છે. અમે ત્રીજા પક્ષના પુરાવાઓ સ્વીકાર નથી કરી શકતા.’

પૂજારી અભિરામદાસજીના વકીલે કહ્યું, ‘મેં જ ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિ મંદિરમાં પધરાવી હતી અને હું આ મામલામાં પક્ષકાર છું.’ વડા ન્યાયાધીશે જવાબમાં કહ્યું, ‘તમે તમારી વાત રજૂ કરી શકો છો. હાઈકોર્ટે તમને સાંભળ્યા હતા તો અમે પણ સાંભળીશું.’

શિયા વકફ બોર્ડના વકીલે કહ્યું, ‘અમને આમાં પક્ષકાર બનાવો. કેમ કે ૧૩ માર્ચ, ૧૯૪૬નો કોર્ટનો ચુકાદો છે કે વિવાદિત મસ્જિદ શિયા વકફ બોર્ડની છે.’ જવાબમાં જજ એજાઝે કહ્યંુ, ‘અડધી સદી વિતી ગયા પછી મામલો કોર્ટમાં લાવો છો.’ મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘ઠીક છે. રજિસ્ટ્રીને દાખલ કરવા દો. પછી જોઈએ શું કરવું છે.’

વકીલ એ.એમ. ખાને કહ્યું, ‘તત્કાલીન ન્યાયાધીશ જે.એસ. ખેહરે ઉત્તમ વાત કરી હતી કે મામલો કોર્ટ બહાર ઉકેલી વિવાદિત સ્થળે સર્વધર્મ સમભાવ અધ્યયન કેન્દ્ર બનાવી દેવું જોઈએ.’ જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘તમે તેને સાંભળ્યા.’ એજાઝે કહ્યું, ‘સારી સ્પિચ છે.’ તુષાર મહેતાએ કહ્યું, ‘હું આને સારી સ્પિચ કહીને મજાક નહીં કરું, પણ તેને હસ્તક્ષેપની મંજૂરી ન આપી શકાય.’ મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘અમે તમારી સમજૂતી સ્વીકારી શકીએ. શરત એટલી કે પક્ષો એ

માટે તૈયાર હોય. આ સમજૂતી લાયક મુદ્દો છે. તમે વાત તો કરો.’ ખાને કહ્યું, ‘તેઓ મને નહીં સાંભળે.’ આમ કોર્ટ કાર્યવાહીનો દિવસ પૂરો થયો.

————————–.

અયોધ્યા વિવાદકોર્ટબાબરી મસ્જિદરામજન્મભૂમિહિંમત કાતરિયા
Comments (0)
Add Comment