એથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફૂલ, ન્યૂ સેક્સી

સુંદરતામાં 'સેક્સીપણું'

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

શરીર થકી સુંદર અને સેક્સી બનવા ગૌણ અને નિર્બળ ના થવું
કસાયેલા હોઈશું તો કોઈની પ્રેરણા બનીને પણ જીવન મહાલશું

સ્ત્રી-દિવસની ઉજવણી પૂર્ણ થઈ. મજાક કે વક્રદૃષ્ટિ બાદ કરતાં લોકોમાં હકારાત્મકતા દેખાઈ. સમત્વ ‘ને એકત્વની સમજ જણાઈ. સ્ત્રીને એક મનુષ્ય, એક વ્યક્તિ તરીકે જોવાની વાતને સાચી તેમ જ સરળ રીતે સ્વીકારવાની દિશામાં સૌ આગળ વધી રહ્યાં છીએ. ભવિષ્યમાં સ્ત્રી અને પુરુષની નાગરિક તરીકેની ફરજની હરીફાઈ થશે. સ્ત્રીઓ દેશની તિજોરીમાં સિંહણફાળો આપશે. ફક્ત પુરુષની સમોવડી થવાની વાતથી આગળ વધી સ્ત્રી તરીકેની સ્વતંત્ર વ્યાખ્યા, ઓળખ અને અસ્તિત્વ મેળવવાના પથ પર દોડતી સ્ત્રીઓ બેશક પુરુષ કરતાં શરીરશાસ્ત્રની નજરે નોખી જ રહેવાની. સમલિંગી સંબંધનો મામલો જુદો છે. વિજ્ઞાન જ્યાં સુધી પુરુષને પૂર્ણ રૃપે માતૃત્વ ના અર્પી શકે ત્યાં સુધી અને જ્યાં સુધી વિષમલિંગી સંબંધ જીવે છે ત્યાં સુધી પુરુષ અને સ્ત્રીઓ બંને એવું જ ઇચ્છશે કે બંને પોતપોતાનાં લૈંગિક લક્ષણ જાળવી રાખે, તેનું જતન કરે અને તે થકી એકમેકને સુંદર એવં સેક્સી દેખાય.

વેલ, સૌ જાણે છે કે સુંદરતા જોનારની આંખમાં હોય છે. પોતે સેક્સી દેખાવું, હોવું ‘ને કોઈ સેક્સી છે એવું ધારી લેવું એ ભિન્ન-ભિન્ન બાબત છે. પોતાનું ઘર સૌને ગમે. જેને પ્રેમ કરતા હોઈએ એ પાત્ર પોતાને ગમવાનું જ, પરંતુ ગમવું એ ભીતરની અનુભૂતિ વધારે છે. ટોચ પર એકલો પહોંચીને કોઈ પર્વતારોહી એકલો સોડા પીવે અને ખુશ થાય એવી ઘટના કેટલી? આપણે સતત કોઈક સાથે જીવીએ છીએ. યાદ, સ્વપ્ન અને વર્ચ્યુઅલ વર્લ્ડ યાને સોશિયલ નેટવર્ક ગણતરીમાં લઈએ તો બહુમત મનુષ્ય માટે સુંદર અને સેક્સી હોવા કરતાં બીજાને દેખાવું વધારે મહત્ત્વનું હોય છે. પોતે સુંદર કે સેક્સી છે એવું કોઈ ધારે અને માને એવું ખૂબ મોટી સંખ્યામાં મનુષ્ય ઇચ્છે છે. તે માટે પ્રયત્ન કરે છે. પરિશ્રમ પણ કરે છે.

આંતરરાષ્ટ્રીય સ્ત્રી-દિવસ પર કે એ સિવાયના ત્રણસો ચોસઠ દિવસમાં ઇન જનરલ સ્ત્રીઓ સુંદરતા અંગે સભાન હોય છે, પોતાની તેમજ બીજી સ્ત્રીઓની. એમાંથી નોંધપાત્ર સ્ત્રીઓ જાણે અજાણે સુંદરતામાં ‘સેક્સીપણું’ આવરી લે છે. પ્રશ્ન એ છે કે એ કઈ સત્તા છે જે સુંદર ‘ને સેક્સી દેખાવાના ધારાધોરણ નક્કી કરે છે? મનુષ્ય પોતાને દર્પણમાં જુએ તો એ કયા સ્ટાન્ડર્ડ સામે પોતાને મૂલવે છે? જે પોતાના મન સિવાયના બહારી પરિબળને ધ્યાનમાં લઈને પોતાના દેખાવને માર્ક્સ નથી આપતો એવો મનુષ્ય ‘આપણે’ ખરેખર સામાજિક નથી ગણતા! સાયકો, ક્રેઝી, ફિલોસોફર, પોએટ, આર્ટિસ્ટ કે નાર્સિસ્ટિક જેવા હાથવગા લેબલથી આપણે એમને વગે કરીએ છીએ. ઘણાને તો સાધુ પણ સુંદર (અને અમુકતમુકને છેવટે અભાનપણે સેક્સી) દેખાય ત્યારે ગમે. આપણે એવા સંસારીઓ છીએ જે સંસાર ત્યાગ કર્યો હોય એમના ફેસ જોઈને એમના તેજ વિષે ચર્ચા કરીએ. ના, આપણને ઓજ એટલે શું એ કલ્પના નથી. રેર એક્સેપ્શન્સ સિવાય દેખાવને આપણી આંખો સુંદર ‘ને સેક્સી એવા કોન્શ્યસ ‘ને સબકોન્શ્યસ પેરામીટર થકી ચેક કરતી હોય છે.

પોતાના ઉછેરમાં જેમનો ફાળો છે એવાં મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, વડીલો, પાડોશીઓ સૌથી પહેલાં નક્કી કરે છે. એ પછી શાળા-કૉલેજ ‘ને મિત્રો. ત્યાર બાદ કામધંધાની જગ્યા પરના મનુષ્યો ‘ને પોતાની રિલેશનશિપ જેની સાથે હોય (કે જેની સાથે કરવી હોય) તે નિર્ણય લે છે. નાના કે મોટા પડદા પર જોયેલા દેખાવ કે પેપર પર વાર્તા, સમાચાર કે ચિત્રમાં જોયેલા દેખાવ નિર્ધારિત કરે છે. આ આપણા આદર્શ સાધન છે જે પ્રમાણપત્ર આપે છે કે સુંદર/સેક્સી દેખાવું એટલે શું. ટ્રેન્ડ ‘ને ફેશન જેવા પરિબળો મન પર પ્રત્યક્ષ ‘ને પરોક્ષ અસર કરે છે. લોકોને યાદ હશે કે ‘સરસ્વતીચંદ્ર’ની ગુણસુંદરી, ‘ગુજરાતનો નાથ’ની મંજરી, ‘અંગાર’ની શચી જેવાં પાત્રો હાવિ થાય છે. ઔર હીરોઇન્સ કી તો બાત હી મત પૂછો!

જમાનો બદલાતો રહે છે, આ વાત સમય સમય પર આપણે ચાવીએ છીએ. કાલે, ઘને ઔર લંબે બાલ હવે ઓલમોસ્ટ આઉટ છે. બોયકટ ‘ને ડોનકટ જેવા શબ્દો પણ આઉટડેટેડ છે. એક સમયે ભારતમાં સ્કિની, બોનિ ‘ને ઝીરો ફિગર જેવા ‘કન્સેપ્ટ’ પર લોકો હસતા કે અણગમો વ્યક્ત કરતા, આજે એ ‘કક્ષા’ પ્રાપ્ત કરવા માટે ઘણા સમયથી આધુનિક સ્ત્રીઓ પ્રયત્ન કરે છે, પરિશ્રમ કરે છે. બકસમ બ્યુટી ‘ને કર્વી ફિગર એટલે શું? એવા સવાલ હવે ખૂણામાં થાય છે. હેલ્થના શીર્ષક તળે ડાયેટિંગ કરવું એ આજની શહેરી સ્ત્રીઓનું સ્વયંસિદ્ધ યોગસૂત્ર બની ગયું છે. બીજી તરફ સિક્સ-પોકેટ જિન્સ જતાં રહ્યાં અને ક્રિકેટના બેટના હાથા પર ક્યારેક જે સાઇકલની ટ્યૂબ ચઢાવવામાં આવતી તેવા પુરુષોએ પોતાના લેગ્સ પર ચિપકાવવાના જિન્સ આવી ગયા, પરંતુ સિક્સ-પેક એ હવે દુર્લભ દ્રશ્ય નથી. મેચોમેન ‘ને હીમેન જેવા ટેગ્સ વિહોણા બેબી ફેસ પુરુષો પણ સિક્સ પેક ધારણ કરે છે. આખરે ઢગલાબંધ સ્ત્રીઓને સિક્સ-પેક ધારી પુરુષ ગમે છે.

બસ, ત્યારે પ્રશ્ન થાય કે આપણે ત્યાં સ્ત્રીઓને બળવાન, ખડતલ ‘ને જોશીલા દેખાવાનું મન કેમ નથી થતું? સ્ત્રી-રમતવીર/વુમન-સ્પોર્ટ જેવા વિષયના મૂવી લોકોએ સરાહ્યા. સ્ત્રીઓ શા માટે ડાયેટિંગને જ સુંદર વા સેક્સી દેખાવા માટેનું ધર્મકર્મ ગણે છે? વેલ, કારણ સીધું છે. ઉપર જે કીધા એ સર્ટિફિકેટ આપનારાએ હજુ જાહેર નથી કર્યું કે જે સ્ત્રીના બાવડા મનોહર લાગે, જે સ્ત્રીના પેટમાં ખાડા પડે તે આકર્ષક કહેવાય. સુરાહી જેવી ગરદનની વાત-કવિતા આપણને ગમે. કેમ સામર્થ્યથી સુડોળ થયેલા પગ નથી ગમતા? મેગા-મેટ્રો શહેરમાં અમુક સ્ત્રીઓ પાવર-વર્કઆઉટ કરે છે. ડમ્બેલ વગેરે ઘરમાંય રાખે. બટમ, કેમ પાવરફુલ થઈને વધારાના બલ્ક ‘ને વેઇટને શરીરમાં વૈજ્ઞાનિક રીતે યોગ્ય સ્થાને ગોઠવવાની મહેનત કરવાનો ટ્રેન્ડ નથી આવતો? કેમ સ્ત્રીઓ થોડા બહોત મસલ બતાવવાની ફેશન નથી લાવતી? અહીં એક કલાક ‘યોગા’ કે એક કલાક ‘જિમ’માં ટ્રેડમિલ વગેરે કરતી હોય એવી સ્ત્રીઓની ખાસ વાત છે.

પુરુષપ્રધાન સમાજ વગેરે કારણો આ વિષયમાં એટલાં અસરકારક નથી. સૌથી મહત્ત્વનું કારણ છે જાહેરાતો વત્તા બજાર. વિશ્વમાં લિપસ્ટિક, આઇલાઇનર કે સોપ, શેમ્પૂ- કોસ્મેટિકનો ધંધો અબજો ડૉલરનો છે. અંતઃવસ્ત્રોની જાહેરાતમાં કંપની સામાન્ય, ગર્ભવાન ‘ને બેડોળ – તમામ પ્રકારની સ્ત્રીઓ ‘ફીચર’ કરે છે. ઝવેરાતની કે ચાની જાહેરાતમાં સ્લિમ એન્ડ ટ્રિમ સ્ત્રી હોય છે. પોતાના દીકરાના ગંદા કપડાં ધોતી કે પોતાની જોબ માટેના ઇન્ટરવ્યૂમાં જતી સ્ત્રીનો દેખાવ કેવો ‘નોર્મલ’ બતાવવામાં આવે છે? અરે, સમાચાર રજૂ કરનાર હોનહાર પત્રકાર હોય કે કોઈ નેતા, આપણે ત્યાં સ્ત્રીનું શરીર ઍથ્લિટિક ત્યારે જ હોય જ્યારે તે પેશા કે પેશનથી ઍથ્લિટ હોય કે લાચારીથી મજૂર હોય.

ના, ‘ભારતીય’ સ્ટિકર હેઠળની સુંદર/સેક્સી સ્ત્રીની વ્યાખ્યાને કારણે આ અનઍથ્લિટિક કે નોનસ્પોર્ટી લુકનો મહિમા નથી થતો. ખજૂરાહોના શિલ્પ હોય કે મિનિએચર પેઇન્ટિંગ્ઝ, ‘આપણી’ સુંદર/સેક્સીની વ્યાખ્યાનો છેદ તો ‘ત્યાં’ના મનઘડંત ‘ને મનપસંદ આયાતી ખ્યાલ મુજબ ક્યારનો ઊડી ગયો છે. વુમન એમ્પાવરમેન્ટ કે વુમન્સ પાવર, સ્ત્રી અને શક્તિને જોડતી વખતે સ્ત્રીને શિસ્તબદ્ધ રીતે માંસલ કલ્પવામાં આપણને કશું નડવું ના જોઈએ. નવરાત્રીમાં સુપરગર્લ/સુપરવુમન તરીકે સુપરમધરને સલામ કરો તો એમને ખાસ ગર્વ થાય. શક્તિ કોઈ જાતિ-ધર્મની ના હોય. દુર્ગા કે કાલીના શરીરનું એનાટોમિકલી કરેક્ટ ચિત્રાંકન થયું હોય તો માતાજી પ્રત્યે આપણો ભાવ વધુ સક્ષમતાથી ઘૂંટાવો જોઈએ. કોઈ મવાલી કે બારકસ કર્મચારી કે વિદ્યાર્થીને મસ્ક્યુલર સ્ત્રીમાં માતાજીનાં દર્શન ભલે ના થાય, ખુદના શરીરની મર્યાદા નજરે ચઢવી જોઈએ. ‘ત્યાં’નું જોઈને પિલો-ફાઇટ રમીએ એનાં કરતાં પત્ની/પ્રેમિકાનું સશક્ત શરીર જોઈને પિલો ફાઇટ કરવાનું મન થવું જોઈએ. ‘ત્યાં’ની વાત કરીએ તો યુનિ. ઓફ મિસુરી-કેન્સાસ સિટીના એક સંશોધન મુજબ બ્યુટી આઇડિઅલ્સ બદલાયા છે, મિસ યુએસની સ્પર્ધામાં ભાગ લેનાર સ્ત્રીઓ વધુ ને વધુ મસ્ક્યુલર થતી જાય છે. બાકી અહીં, પુરુષો માટે જેમ મરદ શબ્દ ઘણા ઘણાને વિચિત્ર તેમ જ બોગસ લાગે છે તેમ સ્ત્રીઓ માટે બૈરું શબ્દ ઘણા ઘણાને અયોગ્ય લાગે છે. બિનહિન્દીભાષી કે પસંદગીની જ બોલીના શબ્દ અપનાવતા શહેરી એનઆરજી મનુષ્યોને પૂછવાનું કે બાયલી શબ્દ કેમ ચલણમાં નથી? સ્ત્રી અપને આપ મેં ચંડી છે અને સ્ત્રીએ એ યાદ રાખીને સાથે યાદ કરવાનું છે કે એ અર્ધનરેશ્વરી છે.

ખેર, ‘દ્રશ્યમ’ ફિલ્મનો પ્રમુખ સૂર તમને યાદ હશે. આ કાળ શબ્દોથી વાત સમજવા, પામવા કરતાં આંખથી જોઈને માનવાનો વધારે છે. તો સ્ત્રીઓ, ઉઠાવો કીબોર્ડ ‘ને માઉસ કે પછી ઉપાડો ફક્ત આંગળી અને સર્ચ કરો આ સ્ત્રીઓના ફોટા તથા વીડિયો – Ali Krieger, Christmas Abbott, Skylar Diggins, Sydney Leroux, Sarah Backman, Julia Mancuso, Alex Morgan, Jackie Perez, Allison Stokke, Whitney Miller. આ કોઈ મોડેલ્સ કે હીરોઇન્સ નથી. જુઓ, માણો ‘ને કોઈ સિરિયલ, ફિલ્મ કે જાહેરાત તમને હુકમ આપે એ પહેલાં જાતે સ્વયમને જણાવો કે ઍથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફૂલ, ન્યૂ સેક્સી! ખ્યાલ રહે કે અહીં ટ્રેડિશનલ કે સ્વપસંદગીની સુંદર/સેક્સીની વ્યાખ્યાનો કોઈ વિરોધ નથી. થિન હોવું એ સારું જ છે. કિન્તુ, થિન એન્ડ ટોન્ડ હોવું વધુ સારું પ્લસ કામનું છે. દા.ત. વિવિધ વસ્ત્ર પહેરવાનો લુત્ફ બહેતર રીતે ઉઠાવી શકાય. મુદ્દો તંદુરસ્તીના નેજા હેઠળ ડાયેટિંગ અને સિમ્પલ એન્ડ સ્વીટ કસરતો કરીને અંતે મર્યાદિત રહેવા સામે ખરેખર સુડોળ, શક્તિશાળી અને સાચા અર્થમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવાનો છે.

———-
બુઝારો:
મેં જ્યારથી એરોબિક્સ કરવાનું શરૃ કર્યું ત્યારથી મારા શારીરિક આદર્શ બદલાયા. મેં ‘ખૂબ પાતળી’ છોડીને શક્તિ, જોશ ‘ને ભીતરના દમ કાજે ‘વધુ સ્નાયુબદ્ધ’નો આદર્શ અપનાવ્યો. મને સમજાઈ ગયેલું કે મોડેલ્સ જેવું શરીર બનાવવા પાછળ ભાગવું એ પોતાનો નાશ નોતરવા બરાબર છે. સ્નાયુબદ્ધ સ્ત્રીના શરીરથી મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવાની શક્યતા વધારે છે. – ૨૫ વર્ષની યુનિ. સ્ટુડન્ટ બેથ (ડેબ્રા જિમ્લીન લિખિત ‘બૉડીવર્કઃ બ્યુટી એન્ડ સેલ્ફ ઇમેજ ઇન અમેરિકન કલ્ચર’માંથી)

————————.

એથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફૂલએથ્લેટિકકોસ્મેટીક્સગૌરાંગ અમીનચર્નિંગ ઘાટજિમન્યૂ સેક્સીફેશનલેગ્સસેક્સી
Comments (0)
Add Comment