કવર સ્ટોરી – નરેશ મકવાણા
ભારતમાં યોજાયેલ થિયેટર ઑલિમ્પિક – ૨૦૧૮ તેના આખરી તબક્કામાં છે. એકાવન દિવસના આ આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનો આરંભ ૧૭ ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં થયો હતો અને તેની પૂર્ણાહુતિ આઠમી એપ્રિલે મુંબઈમાં થશે. વિશ્વના સૌથી લાંબા નાટ્ય મહોત્સવમાં ગણના થઈ શકે એવા આ થિયેટર ઑલિમ્પિક આખરી પડાવ સુધી પહોંચવા આવ્યો હોવા છતાં દેશના સામાન્ય નાગરિકને કે પછી નાટ્યકલા ક્ષેત્રે રસ ધરાવનારા તેમજ નાટકો જોવામાં રસ-રુચિ ધરાવનારા દર્શકોને તેને વિશે કોઈ ખાસ જાણકારી નથી. થિયેટર ઑલિમ્પિકના આયોજન અને તેના પ્રચાર-પ્રસારની બાબતમાં આ મોટી ક્ષતિ ગણાવી જોઈએ. એ સિવાય આ થિયેટર ઑલિમ્પિકના આયોજન પ્રત્યે જેમને વાંધા-વિરોધ છે એમાંના મોટા ભાગના તો ‘અમને પહેલાં પૂછ્યું કેમ નહીં’ એવો અહમ્ ધરાવનારા તેમજ નાટ્યકલાના ક્ષેત્રે તેમના સિવાય કોઈ સારું કામ કરી જ ન શકે એવી ગ્રંથિ ધરાવનારાઓની જમાત છે. અન્યથા આ સમગ્ર આયોજન અત્યંત વ્યાપક, ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, દીર્ઘદૃષ્ટિપૂર્ણ, નાટ્યકલાનાં તમામ પાસાંઓને આવરી લેનાર, શિક્ષણ-પ્રશિક્ષણ અને ચર્ચા-સંવાદને પણ તેનો મહત્ત્વનો હિસ્સો બનાવનારંુ સર્વોચ્ચ કક્ષાનું સફળ આયોજન બની રહ્યું છે.
હજુ તો દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિકના પડઘા માંડ શમ્યા છે ત્યાં વધુ એક ઓલિમ્પિક વાયા દિલ્હી થઈને અમદાવાદના આંગણે દસ્તક દેવા આતુર છે. તમે બરાબર સમજ્યા, વાત થઈ રહી છે થિયેટર ઑલિમ્પિકની, કે જેની યજમાની પ્રથમ વખત ભારત કરી રહ્યું છે. ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે થિયેટર ઓલિમ્પિકના ૧૫ જેટલા શૉ અમદાવાદમાં પણ યોજાનાર છે. ત્યારે આવો જાણીએ વિશ્વભરની રંગભૂમિને ઘરઆંગણે લઈ આવનાર આ મેગા કાર્યક્રમ વિશે…
હાલ ૯થી ૧૮ માર્ચ, ૨૦૧૮ સુધી દક્ષિણ કોરિયામાં ચાલેલા વિન્ટર ઑલિમ્પિકે રમતરસિયાઓનું ધ્યાન ખેંચી રાખ્યું હતું. એમાં પણ ઉત્તર કોરિયા ભાગ લઈ રહ્યાની વાતે વધારે ચર્ચા જગાવી હતી. જોકે તેની સમાંતર ભારતમાં પણ એક ઑલિમ્પિક છેક ૧૭મી ફેબ્રુઆરીથી શરૃ થઈ ગયો હતો જેના પ્રત્યે બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું હતું. વાત થઈ રહી છે આઠમા થિયેટર ઓલિમ્પિકની કે જેની યજમાની પ્રથમ વખત ભારત કરી રહ્યું છે. ભારતમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેના વિશે વિગતે જાણકારી મેળવીએ.
સળંગ દોઢ માસ લાંબો નાટ્ય મહોત્સવ
૧૭મી ફેબ્રુઆરીથી ૮ એપ્રિલ એટલે કે દોઢ મહિના સુધી ચાલનારા નાટકોના આ મહાકુંભમાં દુનિયાભરના ૩૦ દેશો ભાગ લઈ રહ્યા છે. ભારતમાં વૈશ્વિક કક્ષાના આ કાર્યક્રમનું સંચાલન દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને સોંપવામાં આવ્યું છે જે દેશભરમાં વિવિધ શહેરોમાં નાટકોનું મંચન કરવા માટે વ્યવસ્થા જાળવી રહ્યું છે. તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ થિયેટર ઑલિમ્પિકનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું હતું. હવે તેનું સમાપન ૮ એપ્રિલ, ૨૦૧૮ના રોજ મુંબઈ સ્થિત ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે થશે. આ વખતના થિયેટર ઑલિમ્પિકની થીમ ‘ફ્લેગ ઓફ ફ્રેન્ડશિપ’ રાખવામાં આવી છે. ૫૧ દિવસ સુધી ચાલનારા આ ઑલિમ્પિકનાં નાટકો દેશનાં ૧૭ શહેરોમાં યોજાનાર છે. એનએસડીનું માનવું છે કે, થિયેટર ઑલિમ્પિકની યજમાનીના કારણે દુનિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારને મદદ મળશે. આ આયોજન ભારતીય રંગભૂમિને દુનિયા સામે રાખશે. દુનિયાભરના રંગકર્મીઓ આ માધ્યમથી આપણા વૈવિધ્યસભર નાટ્યવારસાથી માહિતગાર થશે. એક અંદાજ પ્રમાણે થિયેટર ઑલિમ્પિકમાં ભારત સહિત દુનિયાભરના ૨૫ હજારથી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે. તેનું આયોજન રાજધાની દિલ્હી ઉપરાંત ચેન્નાઈ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, કોલકાતા, તિરુવનંતપુરમ, પટણા, અગરતલા, ગુવાહાટી, જયપુર, જમ્મુ, અમદાવાદ અને મુંબઈ ઉપરાંત દેશનાં ૧૭ શહેરોમાં કરવામાં આવ્યું છે. થિયેટર ઑલિમ્પિકમાં નાટકો ઉપરાંત સેમિનાર, વાર્તાલાપ, જાણીતા નાટ્યકારોના તાસ અને યૂથ ફોરમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં પ્રથમવાર યોજાઈ રહેલ થિયેટર ઑલિમ્પિકમાં દુનિયાના ૩૦ દેશોના રંગકર્મીઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ચીન, જાપાન, ફ્રાંસ, તુર્કી, યુકે, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયેલ, ઇટાલી, અમેરિકા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રાઝિલ, ડેનમાર્ક, ચેક રિપબ્લિક સહિતના દેશો સામેલ છે. અહીં એ નોંધવું રહ્યું કે, એનએસડીના સંચાલકો છેલ્લાં ત્રણ વર્ષથી થિયેટર ઑલિમ્પિક ભારતમાં યોજાય તે માટે પ્રયત્નશીલ હતા. આ મોકો જ્યારે મળ્યો છે ત્યારે તેણે તેના વાર્ષિક કાર્યક્રમ ‘ભારત રંગ મહોત્સવ’ને મુલતવી રાખીને તેની જગ્યાએ થિયેટર ઑલિમ્પિકનું આયોજન ગોઠવ્યું છે. એમ.કે. રૈના, બંસી કૌલ, માયા કૃષ્ણરાવ, ભાનુ ભારતી જેવા દેશના અનેક જાણીતા રંગકર્મીઓ આ આયોજનમાં જોડાયેલા છે. ઑલિમ્પિક ગેમ્સની જેમ થિયેટર ઑલિમ્પિકની શરૃઆત પણ ગ્રીસ એટલે કે યુનાનથી જ થઈ હતી. સૌ પ્રથમ થિયેટર ઑલિમ્પિક ૧૯૯૫માં ગ્રીસના ડેલ્ફીમાં યોજાયો હતો. ત્યાર બાદ ૧૯૯૯માં જાપાને બીજા ઑલિમ્પિકની યજમાની કરી હતી. એ પછી ૨૦૦૧માં રશિયા, ૨૦૦૬માં તુર્કી, ૨૦૧૦માં દક્ષિણ કોરિયા, ૨૦૧૪માં ચીન, ૨૦૧૬માં પોલેન્ડ અને હવે ૨૦૧૮માં ભારતમાં યોજાઈ રહ્યો છે. આ પહેલો એવો કાર્યક્રમ છે કે જેમાં ૩૦ ભારતીય અને ૧૫ વિદેશી ભાષાઓના મળીને કુલ ૪૫૦ જેટલાં નાટકો પ્રદર્શિત થનાર છે. મુંબઈમાં યોજાનાર કાર્યક્રમમાં શબાના આઝમી, પરેશ રાવલ, મનોજ જોષી, સીમા વિશ્વાસ અને સૌરભ શુક્લા જેવા રંગભૂમિના મોટા ગજાના કલાકારો ઉપસ્થિત રહેનાર છે. અહીં ૨૪થી ૨૮ માર્ચ દરમિયાન નાટ્યમંચન થશે અને સમાપન પણ ૮ એપ્રિલે મુંબઈમાં જ થશે.
અમદાવાદમાં કેવી છે તૈયારી?
થિયેટર ઑલિમ્પિક સાથે સંકળાયેલાં અર્પિતા ધગત કહે છે, ‘થિયેટર ઑલિમ્પિક માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ પસંદ કરેલાં દરેક શહેરમાં પોતાના કોર્ડિનેટર નિમેલાં છે જેઓ સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાણ કરે છે. અમદાવાદમાં આ માટે ગુજરાત સંગીત નાટક અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે હાથ મિલાવવામાં આવ્યો છે. અમદાવાદમાં સળંગ પંદર દિવસનો કાર્યક્રમ છે. જેમાં નાટકો રાજસ્થાન, પૂના, દિલ્હી, પટણા, વારાણસી, કર્ણાટક, આસામ એમ વિવિધ રાજ્યો ઉપરાંત જર્મની જેવા દેશમાંથી પણ આવનાર છે. આ દરેક નાટકની આગવી વિશેષતા છે અને તેના જ કારણે તે આ સ્પર્ધામાં પસંદગી પામ્યાં છે. જેમ કે ઓપનિંગ સેરેમની માટેનું જે નાટક છે ‘ભગવદ અજુકેયમ’ જે મૂળ સંસ્કૃતમાં છે પણ તે ડાન્સ ડ્રામામાં રજૂ થનાર છે. જર્મનીનું એક નાટક ખાસ એટલા માટે જોવું રહ્યું કે જેથી બહારના કલાકારો કેવી રીતે કામ કરે છે તેનો આપણને ખ્યાલ આવે. રાજસ્થાનથી આવનાર નાટકમાં બેસીને મહાભારતની વાત રજૂ થશે. આસામથી આવનારું ‘ચિત્રાંગદા’માં પણ ડાન્સ પરફોર્મન્સ છે. વારાણસીનું નાટક વિઝ્યુઅલી કેવી રીતે કંઈક અલગ કરી શકાય તે બતાવશે. દ્રશ્ય, ચિત્રની પોતાની એક ભાષા હોય છે તે આ નાટકમાં ચરિતાર્થ થશે. બીજું એક સરસ નાટક રજૂ થશે, ‘ધ ક્લાઉન્સ ક્રાય ફોર ધ મૂન.’ તેના ડિરેક્ટર વી.કે. શર્મા કહે છે, ‘આ છ વર્ષના બાળકથી લઈને નેવું વર્ષના ‘બાળક’ સુધીનું નાટક છે. આમ તો એ બાળકો માટેનું નાટક છે, પણ જે મોટેરાંઓ, જેમનામાં એક બાળક હજુ પણ જીવે છે તેમના માટે ડિરેક્ટરનો આ મેસેજ છે. ૬ એપ્રિલે બંસી કૌલનું નાટક ‘જિંદગી ઔર જોંક’ રજૂ થશે. આ સિવાય છેલ્લા દિવસે વિનય શર્માનું ‘આત્મકથા’ પણ રજૂ થશે. જેમાં કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે.
‘કલ્ચરલ એક્સચેન્જ થિયેટર ઑલિમ્પિકનો મૂળ ઉદ્દેશ છે. જેના કારણે ક્યાં રાજ્યમાં કે પ્રદેશમાં કેવા પ્રકારનું થિયેટર થાય છે તેનો બીજા રાજ્યના કલારસિકોને ખ્યાલ આવે એટલા માટે જ થિયેટર ઑલિમ્પિકમાં ગુજરાતનાં નાટકો ગુજરાત બહાર રજૂ થવાનાં છે. નાટકની પોતાની વિઝ્યુઅલી એક ભાષા છે, માટે ભાષાની સમસ્યા બહુ નડતી હોતી નથી. છતાં પણ તેના માટે સબટાઇટલની વ્યવસ્થા કરવામાં આવતી જ હોય છે. નાટક મંચનની સાથે જ થિયેટર ઑલિમ્પિકમાં નાટ્યજગતના દિગ્ગજો સાથેના વાર્તાલાપનો એક ભાગ રખાયો છે. જેમાં જનક દવે, કુમુદિની લાખિયા સાથે વાતચીત થશે. બીજો છે એ ‘માસ્ટર ક્લાસ’, જેમાં ઉત્પલ ભાયાણી અને ગોપી દેસાઈ આવશે. સાથે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે દર્શકોનો વાર્તાલાપ પણ યોજાનાર છે. આ એવા લોકો છે જેમનું કામ આપણે રંગમંચ પર જોયું છે, પણ તેમને એમના કામ વિશે બોલતાં આપણે ભાગ્યે જ જોયાં છે. આ સિવાય દરરોજ પ્લેટફોર્મ પરફોર્મન્સ પણ યોજાશે. એટલે એ રીતે જોવા જઈએ તો થિયેટર ઑલિમ્પિક માત્ર નાટ્યમંચન પૂરતું મર્યાદિત નથી. થિયેટર ઑલિમ્પિકમાં ભજવાતાં નાટકો માટે એનએસડી દ્વારા મીડિયામાં જાહેરાત આપવામાં આવતી હોય છે. જેના આધારે દેશભરમાંથી એન્ટ્રીઓ મળે છે. આ માટે સંસ્થા દ્વારા એક પેનલ (જેમાં રંગભૂમિના ઉચ્ચ કલાકારો અને પ્રશિક્ષકો સામેલ હોય છે) નક્કી કરવામાં આવે છે. જેમાં કલાકારોથી માંડીને નાટ્યશિક્ષકોની હાજરી હોય છે. આ પેનલ થિયેટર ઑલિમ્પિક માટેની રૃપરેખા તૈયાર કરે છે અને એ પ્રમાણે નાટકો તૈયાર કરતી હોય છે. અમદાવાદ માટે આ બહુ મોટી તક એટલા માટે પણ છે, કારણ કે આ પ્રકારનાં નાટકો જોવાની તક તેમને ઘરઆંગણે ભાગ્યે જ મળવાની છે. મસમોટી ટિકિટ ખર્ચીને જે-તે રાજ્યોમાં લોકો જે નાટક જોવા જતાં
હોય છે તે અમદાવાદીઓને ફ્રીમાં જોવા મળશે.’
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પૂર્વ વિદ્યાર્થી અને થિયેટર ઑલિમ્પિક અમદાવાદના કોર્ડિનેટર ભાર્ગવ ઠક્કર થિયેટર ઑલિમ્પિકમાંથી આપણને શું મળશે તે અંગે વિસ્તારથી વાત કરતાં કહે છે, ‘ગુજરાતની રંગભૂમિએ થિયેટર ઑલિમ્પિક થકી ઘણું બધું જોવાનું છે અને જોઈને શીખવાનું છે. આપણે સામાન્ય રીતે મુંબઈના અથવા અમદાવાદના નાટકો જોઈએ છીએ. જેમાં એક સામાજિક વાર્તા હોય અને મોટા ભાગે હસવાની વાત હોય છે. ગંભીર વાતો બહુ જ ઓછી હોય છે. એટલે આપણા માટે આ એક પ્લેટફોર્મ છે કે જ્યાં અન્ય રાજ્યો અને દુનિયામાં કેવાં પ્રકારનાં નાટકો થાય છે તે સમજી શકાય. અને એ રીતે જોઈને શીખી શકાય. આ કાર્યક્રમમાં આપણને જુદા પ્રકારનાં નાટકો જોવા જાણવા, માણવાનો સતત પંદર દિવસ અનુભવ થશે. આ તમામ એવાં નાટકો છે જે, જે-તે જગ્યાએ જઈએ તો જ જોવા મળે. તે આપણા ઘરઆંગણે આવ્યાં છે અને એ પણ ફ્રીમાં. એનએસડીએ વિવિધ સોળ રાજ્યોમાંથી એક-એક શહેરને થિયેટર ઑલિમ્પિક માટે પસંદ કર્યું છે. આ રીતે આ તમામ શહેરોમાં ૫૦૦ જેટલાં નાટકો જોવા મળશે. આ સિવાય ૬૦૦ જેટલા અલાઈડ એટલે કે અડધો કલાકનાં નાનાં પરફોર્મન્સ પણ જોવા મળશે જેને અમે પ્લેટફોર્મ પરફોર્મન્સ કહીએ છીએ, તે પણ ભજવાશે. અમદાવાદમાં ભજવાનાર દરેક નાટકની પોતાની વિશેષતા છે. જેમ કે, રાધા રાજા રેડ્ડી નામના આપણા બહુ જાણીતા થિયેટર ડિરેક્ટર છે, જેઓ અઢી હજાર વર્ષ પહેલાંનું મહાભારતનું એક નાટક લઈને આવનાર છે. આસામનું એક ગ્રુપ રવીન્દ્રનાથ ટાગોરની એક કૃતિ પરથી ‘ચિત્રાંગદા’ લઈને આવી રહ્યા છે. દિલ્હીના વી.કે. શર્મા એવું નાટક લઈને આવી રહ્યા છે જેમાં શરૃઆતમાં તેમનાં કલાકારો પરફોર્મન્સ આપશે અને નાટકના અંત સુધીમાં એવું થશે કે ખુદ દર્શકો અભિનય કરતાં થઈ જશે. આર્ટિસ્ટ ઓડિયન્સ બની જશે અને ઓડિયન્સ આર્ટિસ્ટ બની જશે!’
થિયેટર ઑલિમ્પિકના અમદાવાદના ટૅક્નિકલ કૉ-ઓર્ડિનેટર વિદિશા પુરોહિત કહે છે, ‘આપણે ત્યાં વધારે પડતું ડ્રોઇંગરૃમ થિયેટર ચાલતું હોય છે. તેની સામે અહીં વિઝ્યુઅલી અલગ અલગ ભાષાને સમજી શકીએ તેવા પ્રકારના નાટકો ભજવાનાર છે. થિયેટરના દર્શકો જુદા પ્રકારના હોય છે. તે અલગ-અલગ બાબતોને બારીકીથી સમજતાં હોય છે એટલે મને નથી લાગતું કે ભાષાનો પ્રશ્ન અહીં નડે. આમ પણ આ બધાં નાટકો એવાં છે જે વિઝ્યુઅલી એટલાં મજબૂત છે કે ભાષાની અણસમજનો પ્રશ્ન જ ઊભો નથી થતો. ભારતમાં જે અઢાર જગ્યાએ થિયેટર ઑલિમ્પિકનું આયોજન થયું છે તે દરેકનાં કલ્ચર પણ એટલાં અલગ-અલગ છે અને ત્યાંનાં નાટકોને પાછાં જુદાં કલ્ચર ધરાવતાં શહેરમાં લઈને જઈશું. આપણી વાત કરીએ તો હજુ આપણા માટે થિયેટર એક હળવા થવા માટેનું માધ્યમ છે. જ્યારે અન્ય જગ્યાએ તેને બહુ ગંભીરતાથી લેવાય છે. બે કલાકારો, ડિરેક્ટરોનાં કામ વચ્ચે સરખામણી પણ આપણે ત્યાં સામાન્ય બાબત છે. કોમેડી કરવાની તો રીતસરની હોડ લાગી છે. એટલે થિયેટર ઑલિમ્પિકમાંથી આપણે સૌથી પહેલાં તો મગજના તમામ દરવાજા ખુલ્લા રાખીને નવી બાબતોને આવકારવાની તૈયારી રાખવાની છે. બાકી બધું તેની મેળે થઈ જશે. કેમ કે, ઘણીબધી એવી વસ્તુઓ હોય છે જે તરત સમજાતી પણ નથી અને જવાબ પણ નથી આપતી. છતાં જીવનના કોઈ ને કોઈ તબક્કે તે સમજાશે, પણ તેના માટે પ્રથમ તેને સ્વીકારવાની તૈયારી રાખવી પડશે.’
—————————–.