એક નાટક જેલના કેદીઓ ભજવે છે…

નાટક વ્યક્તિના જીવન

કવર સ્ટોરી – 2

ભારતમાં યોજાઈ રહેલા થિયેટર ઑલિમ્પિકમાં એક કન્નડ નાટક પણ ભજવાઈ રહ્યું છે. ‘જાતેગિરુવનું ચંદિર’ નામના આ નાટકના આ કલાકારોમાં મોટા ભાગના મૈસુરની સેન્ટ્રલ જેલના કેદીઓ છે. આ નાટક અને તેના દિગ્દર્શકના માધ્યમથી રંગભૂમિ સાથે સંકળાયેલા વિશ્વના લોકોને અને દર્શકોને રંગભૂમિની તાકાતનો ખ્યાલ આવશે. નાટક વ્યક્તિના જીવનમાં કેવો બદલાવ લાવી શકે છે તેની પ્રતીતિ થશે. ‘જાતેગિરુવનું ચંદિર’ના નિર્દેશક છે હુલુગપ્પા કટ્ટિમનિ. અમેરિકન નાટ્યકાર જોસેફ સ્ટેનના ફિડલર ઓન ધ રૃફ નામના નાટકનું જયંત કેકિનીએ કન્નડમાં રૃપાંતર કર્યું છે. તેમાં ભારતના વિભાજન સમયના દ.ભારતના સમુદ્ર કિનારાના એક ગામથી કથા છે. આ નાટકમાં પાંચેક મહિલા કલાકારોને બાદ કરતાં બાકીના ત્રીસેક કલાકારોમાંના બધા જ કેદી છે અથવા કેદી રહી ચૂક્યા છે. થિયેટર ઑલિમ્પિક માટે નાટકનું રિહર્સલ પણ જેલમાં અને સાંજનું રિહર્સલ બહારના એક મંદિરમાં થતું હતું. નાટકનું રિહર્સલ જોવા માટે પણ ઘણી વખત નવસો જેટલા કેદીઓ આવી જતા. બહાર મંદિરમાં રિહર્સલ થતું ત્યારે પણ લોકો જોવા આવી જતા.

જેલમાં પીપળાના એક વૃક્ષની નીચે રિહર્સલ ચાલતું. નાટકના ડિરેક્ટર કટ્ટિમનિ ભારે કડક રહેતા. ગણેશ નાયક ઉજિરે નામનો એક કલાકાર ખૂનના અપરાધમાં ૧૭ વર્ષની સજા ભોગવીને ર૦૧પમાં છૂટ્યો છે. એ અનુભવ વર્ણવે છે- જેલમાં ગયો ત્યારે મનમાં ભારોભાર ગુસ્સો હતો. નક્કી કર્યું કે જેલમાંથી છૂટીને પોતાની વિરુદ્ધ જુબાની આપનાર બધાની હત્યા કરીશ. એ પછી જેલમાં નાટક કરવાનું શરૃ કર્યું. જેલમાં કરવાનું કશું નહીં. ભોજન કરો અને સૂઈ જાવ, ખરાબ વિચારોમાં ડૂબેલા રહો, પરંતુ જ્યારે હું કોઈ નાટક કરતો હોઉં ત્યારે માત્ર એ પાત્ર વિશે વિચારું છું. તેણે ભજવેલાં પાત્રોમાં ‘કિંગ લિયર’, ‘મેકબેથ’, અને ‘ગાંધી’નો સમાવેશ થાય છે. થિયેટર ઑલિમ્પિક માટેના નાટકમાં એ એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. જેલના મુખ્ય વૉર્ડને કહ્યું કે, એ એક ટીવી શ્રેણીમાં પણ કામ કરી ચૂક્યો છે. ઉજિરે કહે છે કે, નાટક કરતાં કરતાં એક તબક્કે અંદરનો બધો ગુસ્સો શમી ગયો. ‘મને ખબર પણ ન પડી ને હું બદલાઈ ગયો. રંગમંચે મને મારું નવું જીવન ખડું કરવામાં મદદ કરી, રંગમંચ અને કટ્ટિમનિ સરે.’

એવા જ એક બીજા કલાકાર નંજુંદા સ્વામી પણ મૈસુર જેલમાં ૧૭ વર્ષ પસાર કરી ર૦૧૭માં છૂટ્યા. જેલમાં જ વાંચવા-લખવાનું શીખ્યા. અત્યારે તેમની પાસે માર્કેટિંગની નોકરી છે. તેમણે કરેલાં નાટકોમાં ગિરીશ કર્નાડનું ‘તાલે ડંડા’ ખાસ છે. નાટકમાં બસવન્નાના ચરિત્ર અને તેની કવિતાઓથી એ ભારે પ્રભાવિત થયા હતા. તેની અસરમાં ખુદ પણ કવિતા લખતા થઈ ગયા.

કટ્ટિમનિ કહે છે કે જેલની બહાર રિહર્સલ કરવાની મજબૂરી હતી. કેમ કે નાટકનું એક મહત્ત્વનું પાત્ર ભજવનાર વ્યક્તિ ૧૪ વર્ષ  જેલમાં રહી ચૂકી છે. હવે એ રિહર્સલ માટે પણ જેલમાં પગ મૂકવા તૈયાર નથી. રિહર્સલ વખતે પડદા પાછળના લોકોને કૉસ્ચ્યુમ પહેર્યા પછી ઓળખવા મુશ્કેલ બને. રિહર્સલ વખતે પોલીસની પણ હાજરી રહેતી. અનેક ભાવવાહી દૃશ્યો વખતે કેટલાક દર્શકો રડી પડતા. થિયેટર ઑલિમ્પિકના ભાગરૃપે આ નાટકના શૉૅ બેંગલુરુના રવીન્દ્ર કલાક્ષેત્રમાં યોજાયા હતા.

કેદીઓ સાથેના બે દાયકાના પોતાનાં કાર્ય દરમિયાન કટ્ટિમનિ વીસ નાટકોના લગભગ ૧પ૦ શૉ કરી ચૂક્યા છે. ૧૯૯૭માં એક વખત બેલ્લારી જેલની મુલાકાતે ગયા ત્યારે તેમને વિચાર આવ્યો કે આપણે કેદીઓ પાસે નાટક કેમ ન કરાવી શકીએ? તેઓએ બેલ્લારીના એસ.પી. ગોપાલ હોસુર પાસે મદદ માગી. હોસુરે થોડી આનાકાની પછી મંજૂરી આપી. કટ્ટિમનિ કહે છે કે એ એક શાનદાર વિચાર હતો. કેદીઓનાં દિલ-દિમાગને વ્યસ્ત રાખવાનો, જેથી તેઓ સમાજમાં પાછા આવીને નવી જિંદગી શરૃ કરી શકે. તેમણે સૌ પ્રથમ વાલ્મીકિના જીવન પર આધારિત મંજુનાથ બેલાકેરેનું નાટક ‘કાલનેમ’ કર્યું. વાલ્મીકિએ અપરાધી જીવન છોડી નવી શરૃઆત કરી હતી. હોસુર કહે છે કે, કટ્ટિમનિએ તેમને કહ્યું કે નાટકમાં કેટલાંક પાત્રોના શરીર કમર ઉપરથી ખુલ્લા રહેશે. આમ કરવાથી કેદીઓનાં દૂર્બળ શરીરના પ્રદર્શનથી જેલમાં પૂરતું ખાવાનું મળતું ન હોવાની વાત જાહેર થઈ જાય. હોસુર કહે છે – મેં સારા ભોજન માટે ભંડોળની વ્યવસ્થા કરી આપી. નાટક તત્કાલીન મુખ્યપ્રધાનની હાજરીમાં ભજવાયું. એ પછી તો તેના ઘણા શૉ થયા. તેમાં રાજ્યભરની જેલોના કેદીઓ દર્શક બન્યા. અનેક ફેસ્ટિવલ અને કૉલેજોમાં નાટક ભજવાયાં. ર૦૦૦ની સાલમાં કટ્ટિમનિ, રંગાયનમાં સહકર્મી તેમની પત્ની પ્રમિલા બંગરે અને ગોપાલ હોસુરે મળીને સંકલ્પ કલા સંઘની સ્થાપના કરી. આ થિયેટર ગ્રૂપ કેદીઓ સાથે કામ કરવા લાગ્યું. કર્ણાટકના જેલ વિભાગના વડા એન.એસ. મેઘરિખ કહે છે કે આ પ્રયાસોથી જેલમાં એકંદર સ્થિતિમાં સુધાર થયો છે.

નાટક અને રંગભૂમિ આ રીતે વ્યક્તિ અને સમાજ પરિવર્તનમાં ભૂમિકા ભજવી શકે છે.

———————.

Comments (0)
Add Comment