બાળક મોબાઇલ ફોનને અડે જ નહીં તો જલદી ડૉક્ટરને બતાવો…

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
bhattdilip2000@gmail.com

ગઈકાલે જે કન્યાનાં લક્ષણ હતાં અને જે વરનાં અભિજાત લક્ષણો હતાં, અલબત્ત સારાં જ હતાં, લગ્ન પછીનાં વરસોમાં આજે તેમનાં સંતાનોનાં એ જ લક્ષણ હોઈ શકે છે. તમે જેનું ગૌરવ લો છો અને જે અસ્ત્રશસ્ત્ર ઉત્સાહથી ધારણ કરો છો તે પછીની પેઢી આપોઆપ પ્રાપ્ત કરી લે છે. અત્યારે તંદુરસ્ત બાળકની નિશાની છે કે તે માતાપિતાની અનિચ્છાએ મોબાઇલ સાથે રમતો હોય. જો એ મોબાઇલ ફોનને અડે જ નહીં તો દિવ્યાંગ કહેવાશે, કારણ કે માર્શલ મૅકલૂહાન નામના મીડિયા વિદ્વાને કહ્યું છે તે પ્રમાણે આ મોબાઇલ ફોન આપણા હાથ, કાન અને વાણીનું એક્સટેન્શન છે. એ જેનામાં સંભવ ન બને તે આવનારા ભવિષ્યના સમાજમાં સકલાંગ તો નહીં જ ગણાય!

દંપતીઓની બાળકો વિશેની ફરિયાદો બહુ રસપ્રદ હોય છે. કોઈ વિચક્ષણ વ્યક્તિ એમાંથી પારિવારિક આત્મકથા જેવો ગ્રંથ પણ નિપજાવી શકે, કારણ કે તેઓ કહેતાં હોય છે બાળકની વાતો, પરંતુ એમાં એમની વાતો પણ છૂપાયેલી જ હોય છે, જો ઉકેલતા આવડે તો! કમસે કમ દસ વરસની ઉંમર સુધીના કોઈ પણ બાળક સામેની ફરિયાદ ક્યાં તો એની પોતાની એટલે કે માતાપિતા સામેની હોય છે અથવા પ્રાથમિક શાળાના શિક્ષકો સામેની જ હોય છે. એટલે કે વાંક બાળકનો હોતો નથી. બાળક ક્યાં સોશિયલી ડિઝાઇન થઈને આવે છે? એ ઘડીઓ તો આપણે જ પાડીએ છીએ.

આજકાલ બાળકોના મોબાઇલ ફોન તરફનાં આકર્ષણોએ દંપતીઓને નવેસરથી ફરિયાદી બનાવ્યા છે. અગાઉ ટેલિવિઝન જોવા સામે પણ આ વાલીઓએ ઊહાપોહ મચાવ્યો હતો. બાળકોની તો એક સામાન્ય દલીલ છે કે અમે કંઈ શીખીને આવ્યાં નથી, જે કંઈ શીખ્યા તે અહીંથી જ અને મુખ્યત્વે તો અમારી આસપાસના આપ સહુ પાસેથી જ શીખ્યા છીએ. આ દુનિયામાં બાળકો પાસે કોઈ એડવોકેટ નથી કે તર્ક પછી તર્ક લડાવી શકે. જે દંપતીઓ પાસે મોબાઇલ ફોન નથી તેઓની સંખ્યા આપણા દેશમાં હજુ પણ લાખો-કરોડોની છે. તેઓનાં સંતાનોએ કદી આ ફોન માટે જિદ કરી નથી, કારણ કે તે જાણતાં જ નથી કે આ જાદુઈ યંત્ર શું છે?

આ બાળકો મોટા થશે પછી તેમની પાસે ઔર કોઈ નવી વસ્તુ આવશે. આજે ક્યાં કોઈ જૂની દેશી રમતો રમે છે? અરે નવકૂકરી જેવી બુદ્ધિમાન રમત પણ હવે ક્યાં જોવા મળે છે? કેમ? ખરેખર રમત તો જળવાયેલી જ રહે છે, કારણ કે શૈશવનો એ સ્વભાવ છે, પરંતુ કૂકરીઓ બદલાઈ જાય છે. અત્યારે મોબાઇલ ફોન છે તો ફરી ભવિષ્યમાં કોઈ નવી કૂકરી આવશે. ત્યારના દંપતીઓ પોતાનાં સંતાનો અંગે એ પ્રકારની ફરિયાદો ઉચ્ચારતાં થશે. એક જમાનામાં વાલીઓ ડરતા કે ઘોડા પર ન બેસાય, પડી જવાય. પછી રાજાશાહીના જમાનામાં સહુ એમ ચાહતા થયા કે મારો પુત્ર પણ ઘોડેસવારી શીખે. પછી બધું બદલાયંુ. ઘોડાઓ તો ક્યાંય જતા રહ્યા. હજારો વર્ષો સુધી માણસ જાતને સાથ આપીને એને દિગ્વિજય અપાવનારા અશ્વોનો સંગાથ મનુષ્યે છોડી દીધો. છતાં પુત્રને ઘોડે ચડેલો જોવાના સપનાંઓ રહ્યાં તે હજુ વરઘોડામાં એને સાકાર થતાં જોવામાં આવે છે.

આ બધું બદલાતું જ રહેવાનું છે, સંતાનોની ફરિયાદ કરો કે ન કરો. બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરે એ માટે આ ચર્ચામાં વિજ્ઞાને અને તબીબી વિજ્ઞાને પણ કૂદકો લગાવ્યો છે, જેનો બાળકો કે એના વાલીઓ પર સરેરાશ કોઈ પ્રભાવ નથી. ૧૦ ટકાથી ઓછી બેટરી હોય ત્યારે મોબાઇલમાંથી પ્રગટતાં વિકિરણો ભારે નુકસાન કરે છે એવી પોસ્ટ ઓછા ટકાની બેટરીમાંથી જ અન્યને ફોરવર્ડ કરી દેવામાં આવે છે. સરેરાશ એક વરસમાં ૧૮ પુરાણો જેટલા સદ્દવિચારો દરેકના મોબાઇલ ફોન-એન્ડ્રોઇડમાં ધોધની જેમ પડે છે. વરસે, વરસે એમાંથી એક-એક ટીપાનું આચમન લઈ આચરણ સુધી પહોંચે તો પણ ધન્ય થઈ જવાય.

બાળકો માટે મોબાઇલ ફોન વિન્ડો ટુ ધ વર્લ્ડ છે. એમને માટે આ સંદેશાઓની આપ-લે કરવાનું માધ્યમ નથી, કારણ કે શિશુકાળમાં એવી બહુ જરૃર પડતી નથી. જ્યાં સુધી તમારી પાસે બાળકોને આપવાના સારા આકર્ષક વિકલ્પો હશે ત્યાં સુધી સ્વયં સ્વૈરવિહારની એને કોઈ જરૃર નથી. તમે આપેલા વિકલ્પોમાં પણ શાળાઓનો બોધ અને વડીલોની શિખામણો જ હશે તો એ બાળક એમાંથી છટકી જશે. મનોરંજનનાં વાઘા પહેરાવેલું જ્ઞાન જ આવતીકાલની પેઢીને માફક આવશે. એનું કોઈ આશ્ચર્ય નથી, કારણ કે એક જમાનામાં વડીલોથી છુપાઈને ફિલ્મ જોવા જનારો વર્ગ હતો. એ જ રીતે આજે વડીલોથી છૂપાઈને મોબાઇલ ફોન તરફ આકર્ષણ ધરાવનારો વર્ગ છે જ.

બાળકો પરત્વે આકરાં થતાં પહેલાં વડીલોએ મનનો ઉઘાડ જાળવવાની જરૃર છે અને માતા-પિતાની પસંદગી સિવાયનું બાળકો જે કંઈ પણ વર્તન કરે એને અપરાધની વ્યાખ્યામાં મૂકવાની ઉતાવળ કરવા જેવી નથી અને જો એ જ પરિભાષા હોય તો આ દંપતીઓ પણ ક્યાં હજુ આજેય એમના વડીલોની સંપૂર્ણ આચારસંહિતાનું પાલન કરે છે? થઈ જ ન શકે, કારણ કે એ તો બહુ ઊંચા ગિરિશિખરો હોય છે. બાળકોનું પણ એમ જ કહેવાનું છે કે તમે કહો એટલે આ ફોન અમે મૂકી ન દઈએ, તમારે માટે જે અઘરું હોય, એ અમારે માટે થોડુંક તો અઘરું હોય કે નહીં? કે વધારે અઘરું હોય?

આનો અર્થ એવો તો બિલકુલ નથી કે બાળકોને મોબાઇલ ફોન આપી જ દો. આ ફોનના પણ સારા વિકલ્પો હોઈ શકે છે, પરંતુ તમે મોટા છો અને કહો એ સાચું- એવા ન્યાયે બાળકોના હાથમાંથી એને ગમતી વસ્તુ તુરત આંચકી શકાય નહીં, કારણ કે મોબાઇલથી એ તરત દાઝી જાય છે એવું તો નથી. એને શું ખબર પડે – એમ માનીને પણ ધાર્યું ન કરી શકાય. કુશળ દંપતી પરિવારમાં એવા વાતાવરણની રચના કરી શકે જેમાં બાળકનો સમય આનંદથી પસાર થાય, પરંતુ એ માટે દંપતીએ ખાસ્સો સમય આપવો પડે. એ સમય તેઓની પાસે છે? નથી? તો લાવો તમારો મોબાઇલ ફોન અને અમને રમવા દો, એમ જ જાણે કે આ બાળકો કહી રહ્યાં છે. આખો સમાજ અત્યારે બાળકો મોબાઇલને અડે જ નહીં એ માટે સૂક્ષ્મ અર્થમાં યુદ્ધે ચડેલો દેખાય છે. જો ખરેખર જ તેઓેએ આ ઝુંબેશમાં કામયાબ નીવડવું હોય તો એની એક જ માસ્ટર કી છે જે સહુ જાણે છે કે તમે પોતે જ મોબાઇલ ફોનનો ત્યાગ કરી દો. એટલે વારતા પૂરી. ન રહે બાંસ ઔર ન બજે બાંસુરી! પણ એ શિસ્ત તો કોઈને દાખવવી જ નથી.

 

અરે કોઈ એમના ફોનને હાથમાં જરાક લે ત્યાં તો બૂમાબૂમ થઈ જાય. બાળકોને આપણે બધું જ કહી શકીએ છીએ, મુક્તિ મળેલી જ છે અને અમુક ચોક્કસ ઉંમર સુધી તેઓ બંધાયેલા છે, પરંતુ જ્યારે પણ બાળકોને ૯૯ ટકા વ્યાખ્યાન આપીએ ત્યારે એક ટકો આત્મદર્શન પણ કરી લઈએ તો આ સો ટકાનો હિસાબ સારી રીતે પૂરો થાય અને એમ કરવાથી જ વર્તુળ અખંડ રહે. કહેવાતું તો નથી, જ્યારે કોઈ સંતાન પર ઝડી વરસાવે ત્યારે તો ન કહેવાય, પણ પછી શાંતિથી કહેવાય કે આમાં આપડે પોતાનો પણ થોડોક વિચાર કરવો હો! અને એમ કહેવાથી દંપતીમાં જો એક ટકો પણ ફેર પડશે તો પેલા બાળકોની જિંદગીમાં તો આહાહા, ૯૯ ટકા ફેર પડી જશે! થોડુંક અઘરું ગણિત છે, પણ મઝા પડે એવું છે!

રિમાર્ક ઃ
બાળકો મૂંઝવણની નજીક તો હોય જ છે, તમે એને દોરીને પ્રસન્નતા પાસે લઈ જજો. – બટ્રૉન્ડ રસેલ
———————.

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment