ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ
લોકસભાની ચૂંટણી આડે સવા વર્ષ જેટલો સમય માંડ બચ્યો છે ત્યારે રાજકીય પક્ષો પોતાના લાભમાં કઈ રીતે બાજી ગોઠવી શકાય તે માટેના સોગઠા ગોઠવવા લાગ્યા છે. રાષ્ટ્રીય સ્તરે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા હોવાના કારણે મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. એક સમય હતો જ્યારે ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ વર્સિસ ઑલનો સિનારિયો જોવા મળતો, જ્યારે હવે ભાજપ વર્સિસ ઑલનું દૃશ્ય ક્રમશઃ સ્પષ્ટ થતું જાય છે. આમ તો આજે પણ ભાજપના સાથીઓ ઘણા છે, પરંતુ રાષ્ટ્રીય ફલક પર જે રાજકીય ગતિવિધિઓ જોેવા મળે છે તે જોતા લાગે છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાંથી કેટલાક સાથીઓ છૂટા પડી ગયા હશે. પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો આનાં કારણોમાં ભાજપની વધી ચૂકેલી શક્તિ અને નાના પક્ષો માટે પોતાની ઓળખ અને અસ્તિત્વ ટકાવવાનો પડકાર કારણભૂત માની શકાય તેમ છે.
મે-૨૦૧૪માં જ્યારે ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની હતી, ત્યારે ભારતીય જનતા પક્ષની સાથે ૨૯ પક્ષો જોડાયેલા. એ અલગ વાત છે કે ચૂંટણીમાં એક ડઝન પક્ષો સિવાયના અન્ય કોઈ લોકસભાની બેઠક મેળવવા માટે ખાતું ખોલવામાં સફળ રહ્યા ન હતા. આમ છતાં નિષ્ફળ રહેલા નાના પક્ષો પણ જુદાં-જુદાં રાજ્યોમાં વધતે-ઓછે અંશે ભાજપને લાભ અને કોંગ્રેસને ગેરલાભ માટે મહત્ત્વના પરિબળ પુરવાર થયા હતા. કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારે ભાજપે પોતાની ૨૮૨ બેઠકોવાળી સંપૂર્ણ બહુમતી હોવા છતાં સાથી પક્ષો સાથે પરસ્પરનો આદર અને વિશ્વાસ વધે તેવું વાતાવરણ સર્જવા તેઓને સરકારમાં સ્થાન આપીને એનડીએ સરકારની સ્થિરતા અને શક્તિ સામેના કોઈ પણ પ્રશ્નોનો છેદ ઉડાવી દીધો હતો, પરંતુ શાસનનાં ૪ વર્ષ પછી આજે સમગ્ર ચિત્ર પર નજર નાખીએ તો ચિત્ર ઘણુ બદલાઈ ચૂક્યું છે. પોતપોતાનાં રાજ્યોમાં વિશેષ મહત્ત્વ ધરાવતાં આવા પક્ષો ભાજપની નીતિ-રીતિથી નારાજ હોવાના સમાચારો સહજ બની ગયા છે. રાજ્યોની સમસ્યાઓ પર ભાજપ અને સાથી પક્ષોનું વલણ ભિન્ન જોવા મળે છે. ભાજપના સ્થાનિક આગેવાનો અને રાષ્ટ્રીય નેતાઓ પણ હવે આપબળે રાજ્યમાં ભાજપનો પ્રસાર થાય તેવું ઇચ્છી રહ્યા છે અને તેથી સાથી પક્ષોને પોતાનો જનાધાર સાચવવાની નોબત આવી પડી છે.
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના સર્વેસર્વા ચંદ્રાબાબુ નાયડુએ તેમના પક્ષના મંત્રીઓને કેન્દ્ર સરકારમાંથી નીકળી જવા ફરમાન કર્યા બાદ એનડીએના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ જોઈએ છે તે ૨૦૧૪માં ખાતરી મળ્યા પછી ૪ વર્ષેય મળ્યું નથી તેની ફરિયાદ ચંદ્રાબાબુ કરી રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના બે કેન્દ્રીય પ્રધાનો પી.અશોક ગજપતિ રાજુ અને વાય.એસ. ચૌધરીએ કેન્દ્રમાંથી અને આંધ્રની રાજ્ય સરકારમાંથી ભાજપના બે પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં છે. અલબત્ત,
ટીડીપીએ હાલ એનડીએ સાથે સાવ છેડો ફાડી નાંખ્યો નથી અને પાછલા બારણે હજુ સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોય એવું જણાય છે.
આંધ્રપ્રદેશની તકલીફ એ છે કે રાજ્યનું વિભાજન થયું અને તેલંગાણા નવું રાજ્ય બન્યું ત્યારે અગાઉ ચંદ્રાબાબુ નાયડુએ દેશમાં સૌથી પહેલાં ઇન્ફોરમેશન ટૅક્નોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરીને સોફ્ટવેર ઉદ્યોગમાં રાજ્યને જે લાભકારી પરિણામો મેળવી આપ્યાં હતાં, તે આજના તેલંગાણા રાજ્ય માટે આશીર્વાદ સમાન બની ગયા છે અને આંધ્ર પાસે હવે પોતાની વિકસિત રાજધાની પણ નથી! આવા સંજોગોમાં ચંદ્રાબાબુ નાયડુને ટૂંક સમયમાં પોતાના રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મોઢે લોકો સમક્ષ જવું, તેની ચિંતા પેદા થઈ છે. ચંદ્રાબાબુ પાસે ધીરજ ધરવા માટે હવે સમય રહ્યો નથી. આંધ્રપ્રદેશને જો સ્પેશિયલ સ્ટેટસ પ્રાપ્ત થાય તો તેને નેશનલ ડેવલપમેન્ટ તરીકે અપાતી સહાયની ૯૦% ગ્રાન્ટ તરીકે મળે, પરંતુ સ્પેશિયલ સ્ટેટસની બાબત કેન્દ્ર પણ સ્વીકારી શકે તેમ નથી. આમ તો શરૃઆતમાં કેન્દ્રની તૈયારી હતી, પરંતુ ૨૦૧૫માં નાણાપંચે સ્પેશિયલ સ્ટેટસની જોગવાઈ નાબૂદ કરવાની ભલામણ કરી હતી અને કેન્દ્ર સરકારે તે સ્વીકારી લીધેલી, જેથી સ્પેશિયલ સ્ટેટસની માગણી અપ્રસ્તુત બની ગઈ. કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય આંધ્રપ્રદેશને બીજા માધ્યમો વડે સહાય પૂરી પાડવા તૈયાર છે, પરંતુ ચંદ્રાબાબુ નાયડુએ ‘સ્પેશિયલ સ્ટેટસ’ હેઠળ જ સહાય માટેનો આગ્રહ સેવ્યો છે. આ તેમની રાજકીય મજબૂરી હોઈ શકે છે, પરંતુ આંધ્રના વિકાસનો જ્યાં સુધી સવાલ છે, ત્યાં સુધી કેન્દ્રનું વલણ તદ્દન યોગ્ય જણાય છે.
અગાઉ કેબિનેટ મંત્રી તરીકે આજના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પણ પોતે આંધ્રપ્રદેશના હોવાથી નાણામંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ આગ્રહપૂર્વક સમજાવવા પ્રયત્નો કરેલા કે આમ પણ કેન્દ્ર હજારો કરોડ રૃપિયા આપવા તૈયાર છે, ત્યારે શા માટે સ્પેશિયલ સ્ટેટસ નહીં?, પરંતુ મુદ્દો એ હતો કે જો એક રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ આપવા જાય તો ભવિષ્યમાં દરેક રાજ્ય આવી માગણી કરી શકે છે. વળી, ૯ રાજ્યોની માગણી તો તે સમયે પેન્ડિંગ જ હતી. નીતિ આયોગની રચના પછી કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધમાં કેટલાક નીતિગત ફેરફારો અમલમાં આવ્યા બાદ રાજ્યોને સહાય આપવાની પદ્ધતિ પણ બદલાઈ છે. ચંદ્રાબાબુની નારાજગીનું કારણ એટલા માટે પણ વધારે છે કે તેઓએ સ્પેશિયલ સ્ટેટસ મળવાની શ્રદ્ધામાં બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ પર ઘણી તૈયારીઓ કરી લીધેલી. રાજધાની અમરાવતીનું નિર્માણ અને પોલાવરમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું બાંધકામ કેન્દ્રની સહાય થકી થવાનું હતું, જે સ્પેશિયલ સ્ટેટસની વાતનો અંત આવી જતાં આ બંને મહત્ત્વનાં કામો અટવાઈ પડ્યાં છે. પોતાને જનતા સમક્ષ નીચાજોણુ થયાની લાગણી સાથે ચંદ્રાબાબુ હવે ભાજપનો આ વિશ્વાસઘાત છે તેવું લોકમાનસમાં ઠસાવવા સક્રિય બન્યા છે.
જે લોકો ચંદ્રાબાબુ નાયડુની રાજનીતિને સમજે છે એ લોકોને તેમના આવા વર્તન પર આશ્ચર્ય થાય તેવું નથી. તેઓ જે જોખમ ઉઠાવે છે તેની પાછળ ચોક્કસ ગણતરી હોય છે. ૨૦૧૪માં ચૂંટણીના એક મહિના પહેલાં તેઓ રાજકીય વાતાવરણ સમજીને એનડીએમાં ફરી પાછા જોડાઈ ગયેલા. તેમણે વાય.એસ. રાજશેખર રેડ્ડીના નેતૃત્વવાળી કોંગ્રેસ સામે પરાજિત થયા પછી ભાજપ સાથે સંબંધ તોડી નાંખ્યો હતો અને તે સમયે ભાજપને તેમણે કોમવાદી પાર્ટી તરીકે ઓળખાવી હતી, પરંતુ વાય.એસ.આર.રેડ્ડીના નિધન બાદ તેમના પુત્ર જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતા અને આંધ્રપ્રદેશના શહેરી વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને જોઈને ફરી પાછા સત્તા માટે ભાજપ સાથે જોડાઈ ગયા હતા, જેનો લાભ પણ તેમને છેલ્લાં ૪ વર્ષો દરમિયાન મળ્યો છે.
આજની તારીખે જોઈએ તો ચંદ્રાબાબુ જાણે છે કે સ્થાનિક સ્તરે તેમના પ્રતિસ્પર્ધી એવા જગન મોહન રેડ્ડીની પાર્ટી સાથે ભાજપના સંબંધો ઘનિષ્ઠ બનતા જાય છે અને તે સંબંધો આગળ ન વધે તે તેમના માટે જરૃરી છે. હવે જો ચંદ્રાબાબુ ભાજપ સાથે રહે તો આંધ્રની પ્રજા તેમની નિષ્ફળતાનો દંડ તેમને પોતાને જ કરે અને જો ભાજપ સાથે છેડો ફાડે તો પોતે ભાજપના માથે નિષ્ફળતાનું ઠીકરું ફોડી શકે તેમ છે. સામે પક્ષે જોઈએ તો ભાજપ વધુ વિશ્વાસ સાથે આંધ્રપ્રદેશમાં પણ પોતાનો વિસ્તાર કરી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં જે રીતે એક સમયે ‘સ્વાવલંબી’ બન્યા બાદ તેણે શિવસેનાને પોતાનાથી નારાજ થવા દીધી, તે જ રીતે આંધ્રપ્રદેશમાં હવે તે ટીડીપીની નારાજગીથી ચિંતિત હોય તેવું લાગતું નથી. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો કેન્દ્ર સરકારમાં રહેલા પક્ષો પોત-પોતાની મનમાની કરીને સરકારના એજન્ડાને પોતાની રીતે ફેરવવા મજબૂર કરે તે યોગ્ય નથી. ભૂતકાળમાં યુપીએ સરકારના વડા તરીકે ડૉ.મનમોહન સિંહે એકવાર કબૂલેલું કે મોરચા સરકાર હોવાના કારણે વહીવટ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. એ રીતે જોઈએ તો હાલની એનડીએ સરકારનું નેતૃત્વ પોતાના માર્ગમાંથી વિચલિત થતું નથી, તે યથાયોગ્ય છે.
ભૂતકાળમાં આપણે એવા કેટલાય રાજકીય ઘટનાક્રમો જોયા છે, જેમાં પ્રાદેશિક પક્ષોએ પોતાનું ધાર્યું કરાવવા રાષ્ટ્રીય
પક્ષને મજબૂર કર્યો હોય અને પૂંછડી કૂતરાને હલાવે તેવો ઘાટ સર્જાયો હોય! આવું થાય તેના કરતાં તો ‘ટાઢા પાણીએ ખસ જાય’ તેવા ‘સંગીન’ નીતિમાર્ગ પર સાથીઓને ચાલવા મજબૂર કરી દેવાથી બહેતર બીજું શું હોઈ શકે?, જેમાં ‘વિશ્વાસઘાત’નો આક્ષેપ પણ ન ટકે અને સ્વયંના બળ પર ‘આગળ એકલો જાને રે..’ના મુગ્ધ કરી દેનારા મંત્રની સામે ‘સમર્પણ’ પછીની પ્રજાની સહાનુભૂતિ પણ હોય!
આમ, રાજકીય રીતે જોઈએ તો એક તરફ ભલે એવું લાગે કે એનડીએના ગઢના કાંગરા ખરી રહ્યા છે, પરંતુ ઘટનાક્રમો પર ધ્યાનથી વિચારીએ તો જણાય છે કે સ્વયં ભાજપ ઇચ્છી રહ્યો છે કે પ્રેશર ટેકટિક્સ સામે ઝૂકવાને બદલે એવા સાથીઓ પોતાની મેળે દૂર ચાલ્યા જાય, તે વધુ હિતાવહ છે.
—————————–.