ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણીમાં રસાકસી નહીં થાય તેવી ધારણાઓ ઊંધી પડતી દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં સોૈથી મોટું આશ્ચર્ય કોંગ્રેસે જે બે ઉમેદવારોની પસંદગી કરી છે તેનાથી થયું છે. આ મામલે ખુદ પાર્ટીમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં રાજકીય મોરચે હમણાં ચૂંટણીની મોસમ ખીલી છે. વિધાનસભા બાદ ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણી આવી હતી. આ ચૂંટણીઓનાં પરિણામો હજુ તો હમણાં જ આવ્યાં. પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા માંડ પૂરી થઈ છે ત્યાં રાજ્યસભાની ચૂંટણીની ગરમી શરૃ થઈ ગઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી પડી છે. આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધી હોવાથી બે ભાજપ અને બે સીટ કોંગ્રેસને ફાળે આવી શકે તેવી આંકડાની રમત છે. ગત ડિસેમ્બરમાં કોંગ્રેસના અહેમદ પટેલને જીતાડવા માટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ હાઈપ્રોફાઈલ બની ગયો હતો. તેવો પ્રતિષ્ઠાનો જંગ આ વખતે માર્ચની ચૂંટણીમાં નહીં જામે તેવું લાગતું હતું, પણ છેલ્લી ઘડીએ ભાજપે ૩, કોંગ્રેસે ર અને કોંગ્રેસ સમર્થિત એક અપક્ષ ફોર્મ ભરાતાં રાજ્યસભાની આ ચૂંટણી પણ રસપ્રદ બનશે તેવા સંકેતો મળે છે.
જે ચાર સીટ ખાલી પડી તે તમામ ભાજપ પાસે હતી. ભાજપે ધારણા મુજબ જ શંકર વેગડને ટિકિટ ન આપી અને અરુણ જેટલીને અન્ય રાજ્યમાંથી લડાવ્યા. બે ઉમેદવાર પસંદ કરવાના હતા તેમાં બંને કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૃપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ કર્યા છે. ભાજપ નેતાગીરી કેન્દ્રીય મંત્રીમંડળમાં રહેલા ગુજરાતના આ બંને પાટીદાર નેતાઓને નહીં બદલે તેવી અટકળો સાચી ઠરી છે. જોકે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સહુ કોઈ એવું માનતા હતા કે કોંગ્રેસ રાજ્યસભાની બે સીટ માટે પ્રદેશના કોઈ મોટા નેતાને પસંદ કરશે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિતનાં નામોની પસંદગીમાં મોખરે હોવાની ચર્ચા હતી, પણ છેલ્લી ઘડીએ હાઈકમાન્ડે દિલ્હીથી જ નામોની પસંદગી કરી જાહેરાત કરી દીધી હતી. રવિવારે રાત્રે જ્યારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને એડવોકેટ અમીબહેન યાજ્ઞિકની પસંદગી કરવામાં આવતા ખુદ કોંગી કાર્યકરોને આશ્ચર્ય થયું હતું. કાર્યકરો એકબીજાને ફોન કરીને મોડી રાત સુધી પૂછતા રહ્યા કે આ ખરેખર આ નામ જાહેર થયાં છે?
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોનાં નામની જાહેરાત સાથે જ કોંગ્રેસ પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળા ભડકી છે અને આ આગે સૌ પહેલાં મહિલા કોંગ્રેસના સંગઠનને દઝાડ્યું છે. ગુજરાત મહિલા કોંગ્રેસમાં બે ટર્મથી પ્રમુખપદે રહેલાં સોનલ પટેલે વ્યક્તિગત કારણને આગળ ધરીને રાષ્ટ્રીય અધ્યક્ષને પ્રદેશ મહિલા કોંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પત્ર મોકલી આપ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓમાં પણ ઉમેદવારીની પસંદગીને લઈને નારાજગી છે, પણ સિનિયરો હોવાથી જાહેરમાં શિસ્તમાં રહીને જવાબદારી અદા કરી રહ્યા છે અને ખાનગીમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકરોમાં એવો કચવાટ છે કે નારણ રાઠવાના પરિવારના બે સભ્યો હમણાં જ પૂરી થયેલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા છે. હારેલાને ટિકિટ ન આપવી તેવું હાઈકમાન્ડે નક્કી કર્યું હોય તો નારણ રાઠવાને રાજ્યસભાની ટિકિટ ન આપવી જોઈએ. અમીબહેન યાજ્ઞિક સંગઠનમાં સક્રિય નથી, તેઓ પ્રવક્તાને કારણે ટીવીની ડિબેટમાં માત્ર જોવા મળે છે. રાજ્યસભામાં પ્રદેશ કોંગ્રેસનો કોઈ ચહેરો બન્યા હોય તેવા નેતાઓને ટિકિટ આપવી જોઈતી હતી તેવી લાગણી કાર્યકરો નેતાઓને પહોંચાડી રહ્યા છે. કાર્યકરોનો આ રોષ કોંગ્રેસના બે ઉમેદવારોને આસાનીથી જીતાડવામાં અવરોધ તો ઊભો નહીં કરે ને? આ સવાલ હાઈકમાન્ડને મૂંઝવી રહ્યો છે. જોકે કોંગ્રેસમાં પહેલીવાર ઉપરથી આવા આંચકારૃપ નામો જાહેર થયાં એટલે આવી પ્રતિક્રિયા આવવી એ સ્વાભાવિક હોવાનું માનનારો એક વર્ગ પણ છે!
———————.