જિનપિંગ ચીનના આજીવન રાષ્ટ્રપતિ-સુવિધા અને સંશય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે આજીવન રાષ્ટ્રપતિપદના હોદ્દા પર રહી શકશે.

રાજકાજ – ચાણક્ય
abhiyaan@sambhaav.com

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે આજીવન રાષ્ટ્રપતિપદના હોદ્દા પર રહી શકશે. ચીનની સંસદે આ અંગેના બંધારણીય સુધારાને મંજૂરીની મહોર મારી છે. એ પહેલાં ચીનના બંધારણમાં એવી જોગવાઈ હતી કે કોઈ પણ નેતા રાષ્ટ્રપતિના પદ પર વધુમાં વધુ બે મુદત સુધી રહી શકે. મતલબ વધુમાં વધુ દસ વર્ષ સુધી રાષ્ટ્રપતિના હોદ્દા પર રહી શકાય. વર્તમાન રાષ્ટ્રપતિ જિનપિંગના બીજા કાર્યકાળને ગણતરીમાં લઈએ તો તેઓ ૨૦૨૨ના વર્ષ સુધી રાષ્ટ્રપતિપદે રહી શકે તેમ હતા, પરંતુ હવે નવા સુધારા બાદ તેમને આજીવન આ પદ પરથી હટાવી શકાશે નહીં. ચીનમાં લોકશાહી નથી અને એક જ પક્ષની સરકાર છે. ચીનમાં ચૂંટણી યોજાતી નથી. આ અગાઉ ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિના નેતા માઓત્સે તુંગ આજીવન રાષ્ટ્રપતિપદે રહ્યા હતા. તેમના મૃત્યુ પછી ચીની સામ્યવાદી પક્ષમાં સત્તાના સંઘર્ષને ટાળવા માટે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિપદ પર વધુમાં વધુ બે મુદત સુધી રહી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. એટલું જ નહીં તો દસ વર્ષ પછી બીજા ભાવિ રાષ્ટ્રપતિ બની શકે એવા સંભવિત સક્ષમ નેતાઓની પસંદગી કરીને તેમને રાષ્ટ્રપતિપદની જવાબદારી વહન કરવા માટે તૈયાર કરવાની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી હતી જેથી ચીનનું સંભવિત ભાવિ નેતૃત્વ પેચિદા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને સમજી શકે.

કોઈ પણ રાષ્ટ્રપતિને દસ વર્ષ પછી પદ છોડવાની જોગવાઈ કરવા પાછળનું એક મહત્ત્વનું કારણ યુવા નેતૃત્વને તક પૂરી પાડવાનું પણ હતું. વયોવૃદ્ધ અવસ્થામાં પણ પદને વળગી રહેવાની અને સત્તા પર કબજો જમાવી રાખવાની મનોવૃત્તિ ન કેળવાય એવી આદર્શ વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી, પરંતુ એ વ્યવસ્થાને હવે તિલાંજલિ આપવામાં આવી છે તો તેનું એક કારણ લાંબો સમય સુધી ચીનની સત્તા પર કબજો જમાવી રાખવાની જિનપિંગની મનોવૃત્તિ પણ હોઈ શકે છે. ચીનમાં આજે સર્વોપરી અને શક્તિશાળી નેતા તેઓ એક જ છે. ચીનને વિશ્વની મહાસત્તા બનાવવાના બહાના સાથે તેમણે બંધારણમાં સુધારો કરાવી પોતાને માટે આજીવન સત્તાની જોગવાઈ કરી લીધી છે.

ચીનમાં આવા કોઈ આંતરિક રાજકીય પરિવર્તનો સામાન્ય રીતે ચીનની આંતરિક બાબત જ ગણાવી જોઈએ, પરંતુ ચીનનો આ આંતરિક મામલો હોય તો પણ ચીન જેવા દેશના નેતૃત્વની વૈશ્વિક અસર પણ રહેતી હોય છે. ચીનનું આંતરિક રાજકારણ દુનિયાને પ્રભાવિત કરે છે. વિશ્વના તમામ મોટા દેશોમાં લોકતંત્ર છે. માત્ર ચીન જ એક એવો દેશ છે જ્યાં લોકતંત્ર નથી.

લોકતાંત્રિક વ્યવસ્થામાં સરકારોએ જનમતનો આદર કરવો પડે છે. ચીનમાં એવી કોઈ મર્યાદા નથી. ચીનમાં વાણી કે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી. ચીનમાં સરકારના નીતિ-નિર્ણયોનો વિરોધ થઈ શકતો નથી. એવી સ્થિતિમાં ચીનમાં કોઈ એક વ્યક્તિ આજીવન સર્વસત્તાધીશ બની જાય તો તેની અસરથી અન્ય દેશો મુક્ત રહી શક્તા નથી. ભારતનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. પાકિસ્તાન સાથે હાથ મિલાવીને ચીન ભારતને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતું રહે છે. આમ પણ ચીનની નીતિ પાડોશી દેશોમાં હસ્તક્ષેપ કરવાની રહી છે. એ નીતિ ભારતને અસર કરે છે. ૧૯૬૨ના યુદ્ધ પછી ભારતને પણ ચીન સાથે સરહદી વિવાદની સ્થિતિ છે. ચીન સાથેના સંબંધો સુધારવા માટે ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સઘન પ્રયાસો કર્યા છે, પરંતુ તેમાં અપેક્ષિત સફળતા મળી નથી તો તેને માટે ચીનનું અડીયલ વલણ જવાબદાર છે. ડોકલામમાં ચીનની હરકતો સામે ભારતને વાંધો પડ્યો હતો. એ પછી સમાધાન થવા છતાં ચીનની હરકતો ચાલુ રહી છે.

ચીનની વિસ્તારવાદી નીતિ અને શક્તિ સંતુલન જાળવવા માટે ભારત નેપાળ, ભૂતાન, માલદીવ, અમેરિકા અને રશિયા જેવા દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસાવી રહ્યું છે. ભારતના વિદેશ સચિવ ગત મહિને ચીન ગયા હતા. તેમનો હેતુ ચીન સાથેના સંબંધોને ‘રિ-સેટ’ કરવા માટેનો હતો. તેમની એ મુલાકાતને પરિણામે સરકારી સ્તરે મંત્રણા માટેનું એક કેલેન્ડર તૈયાર થયું છે અને સંભવતઃ ટૂંક સમયમાં ચીનમાંથી કોઈ ઉચ્ચ સ્તરની ભારત મુલાકાત શક્ય બનશે. વડાપ્રધાન આગામી જૂનમાં શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં હાજરી આપવા ચીન જવાના છે. ભારતે એ વાતની ખાસ નોંધ લીધી છે કે ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સની બેઠકમાં આતંકીઓને આર્થિક મદદ કરવા બદલ પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કરાયો ત્યારે ચીને પાકિસ્તાનની તરફેણ કરી ન હતી. આવા સંજોગોમાં ચીનમાં શી જિનપિંગના સ્થાયી નેતૃત્વને કારણે ભારત કેટલીક સુવિધાનો અનુભવ પણ કરી શકશે તો અનેેક બાબતોમાં ભારત ચીનનું પ્રતિસ્પર્ધી પણ બની રહેશે.
——-.
સમાજવાદી પરિવારમાં ફરી એક તકરાર
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાઈ ગયા છે. પક્ષે તેમને રાજ્યસભામાં મોકલ્યા નહીં એથી તેઓ નારાજ થઈ ગયા. આવા જ મુદ્દે પિતા મુલાયમસિંહ અને પુત્ર અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુલાયમે શિવપાલસિંહને રાજ્યસભાની ટિકિટ આપવા અખિલેશને કહ્યું, પરંતુ અખિલેશ છેલ્લી ક્ષણો સુધી એ માટે તૈયાર થયા નહીં. તેમણે પિતાને સાફ સંભાળાવી દીધું – ‘મને ખબર છે તમે આવું શા માટે કરવા ઇચ્છો છો? તમે દિલ્હીમાં બેઠેલા ચાચા રામગોપાલની પાંખો કાપવા માંગો છો.’ પુત્રની આવી વાત સાંભળીને મુલાયમસિંહને આઘાત લાગ્યો. એ પછી બંને વચ્ચેનો સંવાદ-સૂત્ર પણ તૂટી ગયો છે. કહે છે કે યાદવ પરિવારમાં આ સંઘર્ષ લાંબો ચાલશે. સમાજવાદી પાર્ટીના બીજા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
——–.
અભિનેત્રી હુમા કુરેશીના ગ્રેટ ફેન કિરણ રિજ્જુ
કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજ્જુ બોલિવૂડની અભિનેત્રી હુમા કુરેશીના મોટા ચાહક-પ્રશંસક છે. તેમના ટ્વિટર હેન્ડલ પરથી આવું જણાય છે. તાજેતરમાં હુમાએ એક ટ્વિટર પોસ્ટ દ્વારા રિજ્જુને તેનો અનુવાદ કરીને તેમાં સુગર કન્ટેન્ટ છે કે કેમ તેની સમજ આપવા કહ્યું હતું. ઉત્તર-પૂર્વની ચૂંટણીમાં વ્યસ્ત રિજ્જુએ ટ્વિટર દ્વારા પ્રતિૅભાવ આપતાં કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી અનુવાદ કરી શકે તેમ નથી. એ પછી તુરત બીજું ટ્વિટ કરીને વધુ સ્પષ્ટતા કરી કે તેઓ પ્રચાર ઝુંબેશ દરમિયાન હેલિકોપ્ટરમાંથી આ મેસેજ મોકલી રહ્યા છે. કિરણ રિજ્જુના ટ્વિટરમાં અવાર-નવાર હુમા કુરેશીના નામનો ઉલ્લેખ થતો રહે છે. ગત વર્ષે રિજ્જુએ ‘પાર્ટિશન-૧૯૪૭’ ફિલ્મના દિલ્હીમાં સરકારી ઓડિયોરિયમમાં પ્રિમિયર શૉ યોજવા માટે યજમાન બન્યા હતા. આ ફિલ્મની હિરોઇન હુમા કુરેશી હતી.
—————————.

ચાણક્યચીનરજ્જુરાજકાજસમાજવાદી પાર્ટી
Comments (0)
Add Comment