નરેશ મકવાણા
nareshmakwana989
બોલિવૂડમાં એવી અનેક ફિલ્મો બની છે જેમાં મુખ્ય પાત્ર બોલતી વખતે હકલાતું હોય. જોકે મોટા ભાગની ફિલ્મો આ સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવવાને બદલે હાસ્ય ઉત્પન્ન કરવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, ત્યારે આગામી ફિલ્મ ‘હિચકી’માં જુદા પ્રકારનો દાવો કરાઈ રહ્યો છે.
અનુભવ કહે છે કે, બોલિવૂડમાં કોઈ ફિલ્મ રજૂ થવા જઈ રહી હોય ત્યારે તેની વાર્તાને લઈને નિતનવા પ્રચારનાં ગતકડાં માર્કેટમાં તરતાં મુકી દેવામાં આવે છે. ક્રિશનો હેન્ડબેલ્ટ, રા.વનની વીડિયો ગેમ, સુલતાનની રેસલિંગની ગેમ, પેડમેનની ચેલેન્જ અને તેના ખાસ હેશટેગ વગેરે કેટલાંક ઉદાહરણો ગણી શકાય. આવું જ વધુ એક ઉદાહરણ રાની મુખરજીની આગામી ફિલ્મ ‘હિચકી’ને લઈને સામે આવ્યું છે. ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાનીએ ખુલાસો કર્યો કે પોતે ઘણા વર્ષો સુધી હકલાવાની સમસ્યાનો સામનો કરી ચૂકી છે. રાનીએ આ સમાચાર બરાબર એવા ટાણે આપ્યા છે જ્યારે તેની ફિલ્મ ‘હિચકી’ રિલીઝ થવા માટે તૈયાર છે. અત્યાર સુધી કોઈને પણ ખ્યાલ નહોતો કે રાની આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે. હા, રિતિક રોશન પોતે આ હકલાવાની સમસ્યામાંથી ભારે મહેનત કર્યા બાદ છૂટ્યો છે તે વાત જાણીતી છે, પણ રાની વિશે આવું માનવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય. આવી સ્થિતિમાં પહેલી નજરે આખો મામલો માર્કેટિંગ ગિમિક હોય તેમ લાગી રહ્યું છે. જોકે આપણને એ બહાને હકલાવાની સમસ્યા વિશે વાત કરવાનો મોકો જરૃર મળ્યો છે.
બોલિવૂડ અને હૉલિવૂડમાં અત્યાર સુધીમાં એવી ઘણી ફિલ્મો આવી છે જેમાં મુખ્યપાત્ર હકલાતું હોય, પણ હકીકત છે કે, તેમાંનાં મોટા ભાગનાં પાત્રો વાસ્તવિક સ્થિતિથી જોજનો દૂર હોય છે. અગાઉ ‘બાજીગર’માં શાહરુખ ખાન, ‘ચૂપકે ચૂપકે’માં ધર્મેન્દ્ર, ‘સત્તે પે સત્તા’માં શક્તિ કપૂર, ‘ગોલમાલ’માં તુષાર કપૂર, ‘કમિને’માં શાહીદ કપૂર, મધુર ભંડારકરની ‘ઈન્દુ સરકાર’માં ક્રિતી કુલ્હાડી, ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કપૂર અને કેટરિના કૈફ તથા ‘ધ કિંગ્સ સ્પીચ’માં કોલિન ફર્થ સુધીનાએ આ પ્રકારનો રોલ કર્યો છે. અહીં બહુમતી ફિલ્મકારોએ બોલવામાં પડતી તકલીફના મુદ્દાને તેમનાં કોમિક પાત્રોમાં વણી લઈને મજાક તરીકે જ ચીતર્યા છે. બહુ ઓછા ફિલ્મકારો છે જેમણે આ સમસ્યાની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાની સાથે ગંભીરતાપૂર્વક રજૂ કર્યો હોય. યશરાજ બેનરની સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ ‘હીચકી’ આવી જ સંવેદનશીલ ફિલ્મ હોવાનો દાવો થઈ રહ્યો છે. જેમાં હકલાવાની સમસ્યા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ન્યૂરોસાઇકિયાટ્રિક ડિસઓર્ડર ઉર્ફે હકલાવાની સમસ્યાનો સામનો કરી મહિલાનું પાત્ર રાની મુખરજી ભજવી રહી છે.
પહેલી નજરે તેમાં પાત્રના સંઘર્ષની વાત હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કેટલાક તેને સહાનુભૂતિની નજરે જ્યારે કેટલાક તેને મજાકનાં સાધન તરીકે જોઈ રહ્યાં છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૮માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’ પર આધારિત હોવાનું કહેવાય છે. અઢી મિનિટના ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે કે, નૈના(રાની મુખરજી) શિક્ષિકા બનવા ચાહે છે, પણ તેની હકલાવાની બીમારીના કારણે કોઈ શાળા તેને શિક્ષિકા તરીકે નોકરી આપવા તૈયાર નથી. આખરે તેને એક મોટી શાળામાં નોકરી મળે છે જેમાં તે ઝૂંપડામાં રહેતાં બાળકોને ભણાવે છે. ફિલ્મમાં ગરીબ અને પૈસાદાર છોકરાઓ વચ્ચે વધતાં જતાં અંતરને પણ દર્શાવાયું છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન રાનીએ કહ્યું કે, તે આ બીમારીથી પીડિત અનેક લોકોને મળી હતી જેમના માટે આ સમસ્યા હવે જીવનનો એક ભાગ બની ગઈ છે. તેણે બીજી મહત્ત્વની વાત એ કરી કે, હકલાતાં બાળકોનાં માતાપિતા તેમની આ સમસ્યાને લઈને જાહેરમાં આવવા તૈયાર નથી
.
અમદાવાદની એક જાણીતી હૉસ્પિટલના ચીફ સ્પીચ થૅરાપિસ્ટનું કહેવું છે કે, ફિલ્મોમાં થતું હકલાતાં લોકોનું ચિત્રણ યોગ્ય નથી. આ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે, કોઈ શારીરિક બીમારી નથી. તે બેચેની, ભય, ગભરાહટ, માનસિક તણાવ, આત્મવિશ્વાસનો અભાવ ઉપરાંત કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતના કારણે પણ થઈ શકે છે. આ એક પ્રકારની માનસિક સ્થિતિ છે જેને લોકો શારીરિક બીમારી માની બેસતાં હોય છે. એટલે જ ફિલ્મોમાં તેનું વાસ્તવિક ચિત્રણ રજૂ થતું નથી. ઘણી વખત તો તે વાસ્તવિકતાથી સાવ વેગળી પણ હોય છે. જેમ કે, ૧૯૯૮માં આવેલી અનુપમ ખેર અને પૂજા ભટ્ટની ફિલ્મ ‘ડેડી’. આ ફિલ્મમાં પૂજા ભટ્ટની હકલાવાની બીમારી એક ચુંબન દ્વારા મટી જતી બતાવવામાં આવી છે. આવું ક્યારેય શક્ય નથી. હકલાવું એ ‘સત્તે પે સત્તા’ના શક્તિ કપૂર અને ‘ગોલમાલ’ના તુષાર કપૂરની જેમ હસવાનો વિષય નથી. આ એક સંવેદનશીલ મુદ્દો છે જે ઓનસ્ક્રીન ભાગ્યે જ યોગ્ય રીતે રજૂ થયો હશે.
એક્ટરમાંથી નિર્દેશક બનેલા સમીર સોનીનું કહેવું છે, ‘ફિલ્મ સંપૂર્ણપણે સ્ક્રિપ્ટ અને ડિરેક્ટરની દ્રષ્ટિ પર આધારિત હોય છે અને અભિનેતા તેના પર અમલ કરતો હોય છે. દરેક ડિરેક્ટર પાસે સ્ટોરી, પાત્રો વગેરેને લઈને પોતાનાં દ્રષ્ટિકોણ, અર્થઘટનો હોય છે. ઘણી વાર તેઓ હકલાતા પાત્રને અક્કલ વિનાનું બતાવી ફિલ્મમાં હાસ્ય લાવવા પ્રયત્ન કરતાં હોય છે. સિત્તેર એંશીના દાયકાનું સિનેમા વાસ્તવવાદી નહોતું છતાં શ્યામ બેનેગલની આર્ટ ફિલ્મોમાં પાત્રોનું ચિત્રાંકન એકદમ સ્પષ્ટ હતું. આજકાલ વધુ વાસ્તવિક ફિલ્મો આવતી હોવાથી તે વધુ સ્પષ્ટ બનશે.’ ત્યારે જોવાનું એ રહેશે કે ‘હિચકી’ કઈ કક્ષામાં બિરાજે છે.
—————————-.