ન્યૂ વૅવ – મહાભારત પારાયણ

વ્યાવહારિક જ્ઞાન માટે મહાભારત જેવો ઉત્તમ કોઈ ગ્રંથ નથી.

કવર સ્ટોરી – હિંમત કાતરિયા
himmatkataria@gmail.com

ન્યૂ વૅવ – મહાભારત પારાયણ શ્રીમદ્ ભાગવત કે રામાયણની કથા – પારાયણની માફક મહાભારત-કથાનું પ્રચલન સમાજમાં થયું નહીં. આ ધાર્મિક-સાંસ્કૃતિક ક્ષતિને દૂર કરવાના પ્રયાસ હવે શરૃ થયા છે. તમામ પ્રકારનાં વ્યાવહારિક જ્ઞાન માટે મહાભારત જેવો ઉત્તમ કોઈ ગ્રંથ નથી. મહાભારતની કથા-પારાયણ કરાવવાના ઉપક્રમ હવે ધર્માચાર્યો દ્વારા શરૃ થયા છે. મંદિર, આશ્રમ જેવાં ધાર્મિક સંસ્થાનો તેને માટે પહેલ કરી રહ્યાં છે. ધાર્મિક-સાંસ્કૃતિક-સામાજિક ક્ષેત્રે એક યુગાંતરકારી પરિવર્તનનો પદરવ તેમાં સંભળાય છે…

લોકમાન્ય તિલકે મહાભારતનો મહિમા આમ કહીને ગાયો છે, બે હજાર વર્ષથી મહાભારતના આધારે દેશના બધા પ્રાંતના કવિ, પુરાણી, કીર્તનકાર વગેરે પોતાનાં કાવ્ય, કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે. કાલિદાસ જેવા કવિઓએ કથાનકોને મહાભારતમાંથી લીધા છે. મહાભારત ગ્રંથ હિમાલયથી કન્યાકુમારી સુધી અને સિંધુથી બ્રહ્મપુત્રા સુધીના પ્રાચીનકાળના છપ્પને દેશોમાં આબાલવૃદ્ધ સૌને એકસરખો પ્રિય છે. રામાયણ કરતાં મહાભારતની રાષ્ટ્રીય યોગ્યતા વધારે છે, કારણ કે રોજબરોજના લોકવ્યવહારમાં જે સુખ-દુઃખનો અનુભવ કરવો પડે છે તે બધી બાબતોનું મહાભારતમાં યથાર્થ વર્ણન સમાયેલું છે. તેમાં દરેક પ્રસંગે ધર્મ અને નીતિનો વિચાર કરીને વ્યવહાર કેવી રીતે કરવો તેની શીખ છે.

મહાભારતની મહત્તા અન્ય શાસ્ત્રો કરતાં કેવી રીતે અલગ પડે છે તે દર્શાવતા તિલકે કહ્યું હતું કે આ ગ્રંથમાં ભગવાન વેદ વ્યાસે ધર્મનો ઉપદેશ સાહજિક અને સરળ ભાષામાં નાનું બાળક પણ સમજી શકે એવા મનોરંજક ઉદાહરણોના રૃપમાં આપ્યો છે. એટલે મહાભારતને પાંચમો વેદ પણ કહે છે. વ્યાસે સ્વયં કહ્યું છે કે જે આમાં છે તે જ બધા સંસ્કૃત સાહિત્યમાં છે અને જે આમાં નથી તે ક્યાંય નથી. મહાભારત પંચતંત્રની જેમ કલ્પિત કથાઓથી ભરપૂર નથી અથવા તે વેદોની સંહિતાઓ, આરણ્યકો, ઉપનિષદો, ગૃહ્યસૂત્રો, શ્રોત્રસૂત્રો, ધર્મસૂત્રો, દર્શનો અને સ્મૃતિઓની પેઠે કેવળ ધર્મવિષયક આજ્ઞાઓ કે ચર્ચાઓથી ભરપૂર નથી. આ મહાકાવ્યના નાયક, ઉપનાયક કે પ્રતિનાયક ભીષ્મ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, શ્રીકૃષ્ણ, દુર્યોધન વગેરે કપોળકલ્પિત નથી, પણ ઐતિહાસિક પુરુષો છે.

શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રઉન્નતિમાં આ ગ્રંથ જ કારણરૃપ હતો. પેશ્વાઈમાં પણ ધર્મ, વ્યવહાર અને રાજનીતિ શીખવવામાં આ ગ્રંથનો ઉપયોગ કરવામાં આવતો હતો. બારમી સદીમાં થયેલી ધર્મજાગૃતિમાં મહાભારતનું ભાષાંતર કારણભૂત થયું હતું. આ દેશમાં મેકોલેની શિક્ષણ પદ્ધતિ લાગુ પાડવામાં આવી ત્યાં સુધી વિદ્યાર્થીઓને મહાભારત કથાની ઐતિહાસિક હકીકતોને ભણાવવાનો રિવાજ હતો. મહાભારતનું શિક્ષણ બંધ થયંુ તેનું પરિણામ એ આવ્યું કે જે ધર્મનીતિનાં તત્ત્વો નાના બાળકો સુધી અનાયાસે સમજાઈ જતા હતા તે તત્ત્વો આજના એકપણ કૉલેજિયનને પણ સમજાતા નથી. તિલકે શીખ આપતાં લખ્યું હતું કે સેંકડો-હજારો વર્ષથી રાષ્ટ્રના સંસ્કાર સિંચન માટે અત્યુત્તમ ઉપયોગ થતો આવેલો તે મહાભારત ગ્રંથનું પારાયણ કરાવીને નાનાં બાળકો સુદ્ધાંને આ ગ્રંથનો સારી પેઠે પરિચય કરાવવો જોઈએ.

જે જાતિ પાસે પોતાનો પુરાણો ઇતિહાસ નથી, પોતાના પૂર્વજોના મહત્ત્વપૂર્ણ ચરિત્રોનો ઇતિહાસ નથી તે જાતિ મુડદાલ જ બને છે. આપણી પાસે મહાભારત રૃપે આવો ગ્રંથ છે. આપણી પાસે જેનો જગતમાં જોટો ન જડે તેવો મહાભારત ગ્રંથ હયાત હોવા છતાં આજે આપણો સમાજ કર્તવ્યભ્રષ્ટ કેમ થતો જાય છે? સમાજની દુર્ગતિ કેમ થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતા પંડિત રામલાલજી શર્મા કહે છે, ‘કારણ એનું માત્ર એ જ છે કે આપણે મહાભારત ગ્રંથ વાંચવો-સાંભળવો છોડી દીધો છે અને પૂર્વજોની અનુકરણીય ગુણગાથાઓનું ગાન બંધ કરી દીધું છે. એટલે વિદેશીઓના કેટલાક ઉપલકિયા ગુણો ઉપર મુગ્ધ બની જઈ તેમને કુશળ રાજનૈતિક, મહાપરાક્રમી અને ઐતિહાસિક માની બેસીએ છીએ. આ સ્થિતિમાં આજે દરેકે મહાભારતની કથા જાણવી જોઈએ. મહાભારતનો થઈ શકે એટલો પ્રચાર કરવો જોઈએ. પહેલા મહાભારતની કથાનું ગાન થતું ત્યારે દરેકના હૃદયમાં પૂર્વજોનું ગૌરવ પણ ટકી રહેતું હતું જે આજે લુપ્તપ્રાય થતું જાય છે. ગંગાયમુના તરફના પ્રદેશમાં રામાયણનો પ્રચાર ઘેર-ઘેર થઈ ગયો છે એમ મહાભારતની કથાનો પ્રચાર પણ ઘેરઘેર થઈ જવો જોઈએ. દેશની ઉન્નતિ માટે આનાથી સુગમ ઉપાય બીજો એકેય નથી.’

આજ મુદ્દા ઉપર ભિક્ષુ અખંડાનંદે તો રાષ્ટ્રસેવકોનો પણ વ્યંગની ભાષામાં ઊધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે સમાજ સુધારકો અને રાષ્ટ્રસેવકોની પણ હજુ સુધી એટલી ઊંડી ગતિ-મતિ જણાતી નથી, તો પછી બીજાની તો વાત જ શી? તેઓ પોતાનાં ચરિત્રો અને ગુણગાનોની મોહમમતા તજી દઈને મહાભારતના પૂર્વજોના ગુણચરિત્રો ગવરાવવાનું, ગોટપીટિયા ભણતર ભણ્યા વગરના કથાકારોને વધાવવાનું કામ કરે તો તો પોતાના હાથે જ પોતાને તેમના કરતાં ઝાંખા દેખાડવાનું થાય. દેશ કાલે ડૂબતો હોય તો આજ ભલે ડૂબે, પણ તેઓ એમ કંઈ પોતાની લોકપૂજા વધારવાનું મુકે ખરા?

મહાભારતમાં શૌર્યનું એક ઉદાહરણ લઈએ. પિતામહ ભીષ્મ પિતાની પ્રસન્નતા ખાતર આજીવન અપરિણીત રહે છે, રાજગાદીના હક્કોનો ત્યાગ કરે છે, એકસોપચીસ વર્ષની વયે પણ એવું પ્રબળ યુદ્ધ કરે છે કે પાંડવ સેનાના છક્કા છૂટી જાય છે. સ્ત્રીને ધર્મશાસ્ત્રે અવધ્ય કહેલી હોવાથી અને શિખંડીનો ચહેરો સ્ત્રી જેવો હોવાથી તેને મારવાને બદલે તેના હાથે મરવાનું પસંદ કરે છે. મહિનાઓ સુધી બાણશય્યા પર પડ્યા રહે છે છતાં દુઃખનો એક હરફ પણ એમણે ઉચ્ચાર્યો નથી અને પ્રાણ પણ સ્વેચ્છાએ ત્યજ્યા. આવું શૌર્યવાન પાત્ર બીજે ક્યાં મળવાનું હતું?

મહાભારત ગ્રંથને ઘરમાં ન રાખવો કે તેની કથા ન કરવી એવો વિચાર સમાજમાં કેમ ફેલાયો અને કેમ પ્રબળ બન્યો? એનો એક જવાબ તો એ હોઈ શકે કે આપણા તમામ ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને તે સામાન્ય લોકોની સમજની બહાર છે. મહાભારત ગ્રંથ પણ મૂળ સંસ્કૃતમાં લખાયેલો છે, પરંતુ તેનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને પઠન કરતા જનસામાન્ય પણ ધર્મના ગૂઢ તત્ત્વને સમજી શકે છે. પાખંડ એટલી હદે ફેલાયું કે ગૂઢ ધર્મતત્ત્વનો ઉપયોગ તેમના અધિકારીઓએ પોતાની મરજી પ્રમાણે લોકોને ધર્મના ભય હેઠળ રાખવામાં કર્યો. જો સ્થાનિક ભાષામાં મહાભારત લોકો વાંચે-સાંભળે તો તો તેમનો પાખંડ ઉઘાડો જ પડી જાય. એટલે તેમણે ધર્મની દુહાઈ દઈને મહાભારતની કથા વાંચવી કે સાંભળવી વર્જિત ગણાવી. એટલું જ નહીં, મહાભારત ગ્રંથને ઘરમાં રાખવો અનિષ્ટકર ગણાવ્યો. અંગ્રેજ શાસનમાં અંગ્રજોએ કપટ આચરીને પણ લોકો ભારતીય પરંપરાઓથી વિમુખ બને તે માટે આવો પ્રપંચ આદર્યો હતો.

વ્યાસપીઠ પરથી ગવાતી અત્યારની કથાઓમાં પણ પુરાણચરિત્રોનો મહિમા ઓછો અને સ્વનો મહિમા વધુ ગવાય છે. તેમાં કથાકારની અપાત્રતા અને અનીતિને કારણે ધર્મતત્ત્વને મંદ પાડીને અન્ય પાસાંઓ ઉપર વધુ ભાર મુકાય છે. ફેશનવીકની જેમ અઠવાડિયામાં કથા પૂરી કરાય છે. સ્વામી હરિહરાનંદજી કરતા હતા તેવી કથા કરનારા કેટલા? વેદ-ઉપનિષદોના જ્ઞાતા સ્વામી હરિહરાનંદજીએ સ્વયં ગીતા અને મહાભારતની સરળ ભાષામાં રચના કરી હતી. આધુનિક ભારતમાં મહાભારતની કથા કરનારા પણ તેઓ પ્રથમ હતા. ભારત અંગ્રજોનો ગુલામ હતો ત્યારે કાશી નગરીમાં તેમણે મહાભારત કથાના સમારોહનું આયોજન કર્યું હતું. સ્વામીજીના મુખેથી મહાભારતની કથા સાંભળવા શ્રોતાઓની એટલી ભીડ જામતી કે વિશાળ વેનિયાબાગનું મેદાન નાનું પડવા માંડ્યું હતું. લોકોએ કાશી નગરીની ગલીઓ અને ચોકોમાં લાઉડસ્પીકરની વ્યવસ્થા કરીને આખી નગરીને કથા સાંભળવાની સુવિધા કરી આપી હતી. એ પહેલાં લોકોએ ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદ, દર્શન, વેદોના અનેક વક્તાઓ સાંભળ્યા હતા, પરંતુ મહાભારત ઉપર પ્રવચન કરતા વક્તા સ્વરૃપે સ્વામી હરિહરાનંદજીને પહેલીવાર જોયા હતા.

મહાભારતની એ કથા ચાર મહિના સુધી ચાલી હતી. કથા દરમિયાન જ સ્વામીજીએ જોયું કે દેશવાસીઓને ભ્રમિત કરવા માટે અને ભારતીય પરંપરાઓને નાબૂદ કરવા માટે કેટલાક સ્વાર્થ પરાયણ અને સંકુચિત ધારણાવાળા બ્રાહ્મણોએ અન્ય ધર્મો અને સંપ્રદાયોથી ગ્રસિત થઈને પ્રજામાં એવો મિથ્યા પ્રચાર કરાવ્યો અને ખોટી ધારણા બંધાવી કે કોઈ મહાભારત ગ્રંથને પોતાના ઘેર ન રાખે અને કથા પણ ન સાંભળે. સ્વામી હરિહરાનંદજીએ પ્રજાના આ અજ્ઞાન અને ભ્રમને દૂર કરવા માટે અન્ય નગરોમાં મહાભારતનો પ્રચાર અને પ્રસાર કરવા માટે મહાભારત ઉપર જ પ્રવચન કરવાનું શરૃ કર્યું. બે વર્ષ સુધી સ્વામીજીએ અનેક સ્થળોએ મહાભારત કથા કરી.

મહાભારતમાં શું છે? પ્રશ્નનો ટૂંકો જવાબ આમ આપી શકાય, મહાભારતમાં સેંકડો આખ્યાન, ઉપાખ્યાન છે. રાજાઓના વંશનું વર્ણન છે. તેમનો અદ્દભુત કીર્તિ-કલાપ છે, તેમની ભૂલોનું પણ વર્ણન છે અને તે ભૂલોને સુધારવાના ઉપાય પણ દર્શાવેલા છે. એમાં ઋષિઓની કથાઓ છે, તેમની તપશ્ચર્યાઓના વર્ણન છે, તેથી થતાં વિશ્વહિતના ઉલ્લેખ છે અને જે-જે ઋષિઓ તપોભ્રષ્ટ થયેલા તેનાં પણ કારણો દર્શાવેલાં છે. એક સામાન્ય માનવ સાધના દ્વારા પ્રયત્ન કરતો-કરતો કેવી રીતે શ્રેષ્ઠ માનવ થઈ શકે તે એમાં દર્શાવેલું છે. તેની સાથે એ પણ દર્શાવ્યું છે કે ગમે તેવો મહાબળવાન પણ જો વિવેકભ્રષ્ટ હોય કે થાય તો તેની કેવી દુર્દશા થાય છે. તેની પાસે બધંુ હોવા છતાં કોઈ પણ તેની રક્ષા કરી શકતું નથી. આવા સત્ય સિદ્ધાંતોને સાબિત કરતા બનાવોના અનેક વર્ણનો મહાભારતમાં છે. આવા આ ગ્રંથને વાંચવાથી માણસને દુરાચારથી દૂર રહી સદાચારી થવાનું શિક્ષણ મળશે. અધર્મથી દૂર રહી ધર્માત્મા થવાનો ઉપદેશ મળશે. બીજાના ગળા કાપીને મેળવાતા ઐશ્વર્ય કરતાં સાદું-સીધું અને સરળ જીવન સ્વીકારવાનો ઉત્સાહ મળશે. મહાભારતમાં શૃંગારથી તે વૈરાગ્ય સુધી બધા જ રસોનું સુંદર મિલન થયું છે. આ એક એવો અસામાન્ય ગ્રંથ છે કે જેને વાંચવામાં જીવ એકદમ પરોવાઈ જાય છે અને જાતજાતના ઉપદેશ તો મફતમાં જ મળી જાય છે.

સંસારના એ મહાવીરોની વીરકથા વાંચીને આપણા મુડદાલ પ્રાણોમાં નવીન સંજીવની શક્તિ ભરવાની ઇચ્છા હોય તો મહાભારત ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. પ્રોફેસર દાવર કહે છે, ‘મહાભારત એ માત્ર મહાકાવ્ય જ નહીં, એન્સાઇક્લોપીડિયા એટલે કે વિશ્વકોષ પણ છે. કેમ કે તેમાં દરેક વિષયને લગતું જ્ઞાન સમાયેલું છે.’ મહાત્મા ગાંધીજી ૬ હજાર પાનાંનો મહાભારત ગ્રંથ યરવડા જેલમાં ચાર મહિનામાં પૂરો કર્યા પછી લખે છે, ‘મેં પહેલાં તો એવો મત બાંધી લીધો હતો કે એમાં મારપીટ, લડાઈ અને ઝઘડાઓની કહાણીઓનાં લાંબા વર્ણનો હશે જે મારાથી વાંચી પણ નહીં શકાય, પરંતુ મેં મહાભારત વાંચવાનું શરૃ કર્યું પછી તો એ એટલું બધું મનમોહક થઈ પડ્યું કે એમાં એટલી બધી લેહ્ય લાગી ગઈ કે એકવાર શરૃ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવાને હું અધીરો જ બની ગયો અને પૂરું વાંચ્યા પછી મારા પહેલાના ખ્યાલો ખોટા ઠર્યા. મહાભારત રત્નોની અખૂટ ખાણ છે. જેને વધુને વધુ ઊંડી ખોદીએ તેમ-તેમ તેમાંથી કિંમતી જવાહિર વધુ ને વધુ નીકળતા જાય.’

મહાભારતકાળના કેટલાક આચારવિચાર પર દ્રષ્ટિ ફેરવીએ તો, તે સમયે રાજાઓને રાજાઓ માટે જ ફરિયાદ હતી, પ્રજાને માટે તો તેઓ સુખદાતા હતા. રાજ્ય છીનવી લઈ રાજ્યમાં જોડી દેવાની રૃઢિ જ નહોતી. યુદ્ધમાં હારેલા રાજા પાસેથી ખંડણી લઈને છોડી દેતા કે તે યુદ્ધમાં મરાય તો તેના પુત્રને રાજ્યગાદીએ બેસાડવામાં આવતો. રાજાઓ રાજ આજની જેમ સીધેસીધું નહીં પણ વિદ્યસભા, રાજસભા અને ધર્મસભા દ્વારા કરતા. તેઓ ઋષિમુનિઓના શ્રાપથી ધ્રુજતા. પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. વિદ્યા, કળાકૌશલ્ય, વેપારમાં પ્રવીણ હતી. શિક્ષણ મફત આપવામાં આવતું અને જ્ઞાન-વિક્રય નિંદાસ્પદ ગણાતો હતો. લોકો ધર્મ-કર્મમાં પ્રવૃત્ત રહેતા તેથી પરસ્પર ઈર્ષાભાવ ઓછો રહેતો. અત્યારના વિજ્ઞાનથી તેઓ આગળ હતા. શસ્ત્રાસ્ત્ર બનાવવામાં, ચલાવવામાં કુશળ હતા. તેમનાં વાહન જળ, સ્થળ અને આકાશમાં ગતિ કરતા. મયાસુરની બનાવેલી સભા આપણને વાસ્તુવિદ્યાની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે. દુર્યોધન પાંડવોના ભયથી એક તળાવમાં જળની વચ્ચે આનંદપૂર્વક સૂઈ ગયો હતો. આ જાતની જળસ્તંભન વિદ્યા તો હજુ સુધી વિજ્ઞાનીઓના ખ્યાલમાં નથી આવી. તેમની રાજનીતિ અવ્વલ હતી. બાણશય્યા ઉપરથી ભીષ્મ યુધિષ્ઠિરને જે રાજધર્મનો ઉપદેશ આપે છે તેની ઉપમા સમસ્ત સંસારમાં મળે તેમ નથી.

ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રે પ્રબોધેલો કર્મયોગ સંસારને મહાપ્રલય સુધી દીવાદાંડીરૃપ બની રહેશે. કુંતીનો ઉપદેશ મઋક્રશ્વષ્ટ ભશ્વ મટ્ટસ્ર્ભક્રધ્ ખ્ક્રળ્બ્રઋક્રષ્ટલૃજીભશ્વ ઋક્રદ્યઘ્જીભળ્ ન (ધર્મ તરફ તમારી મતિ રાખો. બુદ્ધિ હંમેશાં ઉદાર રાખો) આખા મહાભારતનો સાર આ પંક્તિમાં આવી જાય છે.

હાલના મહાભારત વિશે વિદ્વાનો કબૂલ કરે છે કે ૧ લાખ શ્લોકોના હાલના મહાભારતમાં વ્યાસલિખિત માત્ર એક ચતુર્થાંશ તથા વૈશંપાયન અને સૌતિ વગેરે લિખિત ત્રણ ચતુર્થાંશ ભાગ છે. જોકે કયા કયા ભાગો પ્રક્ષિપ્ત છે એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. મહાભારતનું શરૃઆતનું ઉપાખ્યાન છોડી દેતા તેમાં ૨૪,૦૦૦ શ્લોક છે. એ શ્લોક વેદવ્યાસે પોતાની જાતે પોતાના પુત્ર શુકદેવને શીખવેલા અને તેનું ‘જય’ નામ આપેલું. વ્યાસે રાતદિવસ મહેનત કરી એની રચના ત્રણ વર્ષમાં કરી એમ મહાભારતમાં લખ્યું છે. વ્યાસે એ રચના પોતાના પાંચ શીષ્યોને શિખવી. તેમનાં નામ સુમંતુ, જૈમિની, પૈલ, વૈશમ્પાાયન અને શુક(વ્યાસના પુત્ર). વૈશમ્પાયને એ કથા જનમેજયને કહી તે ‘ભારત’ તરીકે ઓળખાતી. ‘જય’માંથી ‘ભારત’માં પરિવર્તિત થઈ તેને આપણે બીજી આવૃત્તિ કહીશું. ત્રીજી આવૃત્તિના રચનારા સૌતિ હતા, કારણ કે મહાભારતમાં તે પોતે જ કહે છે કે હે ઋષિગણ, મેં ભારત એક લાખ શ્લોકમાં કહી સંભળાવ્યું છે. ‘ભારત’માંથી ‘મહાભારત’ નામ આપનારા પણ એ જ હોવા જોઈએ. મહાભારતમાં લખ્યું છે કે પ્રથમ આ ભારતરૃપી સંહિતા વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકની કરી અને પછી મહાત્મા પુરુષોના આખ્યાન લખ્યા છે, તેથી એ ભારત એક લાખ શ્લોકનું થયું. મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે અને વૈશમ્પાયન તેના ઉત્તર આપે છે. એ બધું અસલ મહાભારતમાં હોવું શક્ય નથી. વૈશમ્પાયનના ભારતને સૌતિ(લોમહર્ષણનો પુત્ર ઉગ્રશ્રવા)એ મોટો કર્યો હતો. કોઈ મહાભારતનો આરંભ પહેલેથી, કોઈ આસ્તિકપર્વથી તો કોઈ ઉપરિચર રાજાના આખ્યાનથી કરે છે. ભવિષ્યમાં પણ મહાભારતમાં ઘણો ભાગ ઉમેરાતો જશે એમ ધારી તેને અટકાવવા અનુક્રમણિકાધ્યાય, પર્વસંગ્રહાધ્યાય લખાયા.

નડિયાદમાં સંતરામજી મહારાજની ૧૮૩મા સમાધિ મહોત્સવ અને લક્ષ્મણદાસજીના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગત ૧૮ જાન્યુઆરીના રોજ નડિયાદના સંતરામ મંદિરમાં તેમની ગોવિંદદેવ ગિરીજીની મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ગાદિપતિ રામદાસજી મહારાજે પોથીપૂજન કર્યું હતું અને પોથીયાત્રાનો પ્રારંભ કરાવેલ. નડિયાદની કથામાં ગુજરાતના સાધુ-મહાત્માઓ તો ઠીક છેક નેપાળથી સંત ચૈતન્યમુનિ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદદેવ ગિરીજી મહારાજ કહે છે, ‘મહાભારત માત્ર એક ધાર્મિક કથા નથી. મહાભારતની મદદથી સમસ્ત શાસ્ત્રો, સમાજશાસ્ત્ર, રાજનીતિશાત્ર, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જે મહાભારત ભણીને શિક્ષણ મેળવશે તેનો હંમેશાં વિજય થશે.’

આપણામાં શૌર્ય અને ધૈર્ય બંને હોવા જોઈએ. શૌર્યમાં ગતિ છે, તો ધૈર્યમાં સ્થિરતા છે. શૌર્યમાં પ્રહાર છે તો ધૈર્યમાં પ્રહાર ઝીલવાની ક્ષમતા છે. મનુષ્યને પ્રહાર કરવાની અને પ્રહાર ઝીલવાની ક્ષમતા વિશે મહાભારત આપણને શીખવાડે છે.૨૦૦૪માં શિવાનંદ આશ્રમમાં મહાભારતની કથાની ૧૧ દિવસ સુધી પારાયણ થઈ હતી અને તેમાં કથામાં પણ વ્યાસપીઠ પર ગોવિંદદેવ ગિરીજી હતા. અધ્યાત્માનંદજી કહે છે, સ્વામી સત્યમિત્રાનંદજી પાસેે દીક્ષા લીધી તે પહેલાં ગોવિંદદેવ ગિરીજીનું નામ કિશોર વ્યાસજી હતું. તેમની ઘણી ભાગવત કથાઓ મેં સાંભળેલી. તેઓ ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હોવાની સાથે મૃદુભાષી અને બહુ સરળ છે એટલે આપણે તેમને બોલાવ્યા હતા. એવી માન્યતા છે કે મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં મહાભારત થાય, પરંતુ મારી નાનપણથી સમજણ છે કે મહાભારતનું નિયમિત વાંચન થાય તો ઘરમાં મહાભારત થાય જ નહીં. મહાભારતના શાંતિ પર્વમાં જે ઉપદેશ આપણને મળે છે તે અન્યત્ર ક્યાં મળશે? મહાભારતના અધ્યયનથી તમે એ જાણી શકવા માટે સમર્થ બનો કે દૈવી
પ્રકૃતિ ક્યાં છે અને આસુરી પ્રકૃતિ ક્યાં છે? મહાભારતનું પ્રત્યેક પાત્ર આપણને દિવ્ય સમજણ આપે છે. મહાભારત આટલો દિવ્ય અને ભવ્ય ગ્રંથ હોવા છતાં તેનું પઠન નહીં કરવાની માન્યતા કોણે સ્થાપી? પ્રશ્નનો જવાબ આપતા અધ્યાત્માનંદજી કહે છે, મને ખબર નથી. હું નાનો હતો ત્યારથી મને મોરની ઉપર બેઠેલા અને બંને બાજુ દેવયાની અને વલ્લી સાથે ઊભેલા કાર્તિકેય ઉપર બહુ પ્રીતિ હતી. મેં ભગવાન કાર્તિકેયનો આવો ફોટો ઘરમાં રાખ્યો હતો.

તે વખતે ઘરમાં આવતા લોકો ચોંકીને આ ફોટાનો પ્રતિભાવ આપતા કહેતા કે અરે, તમે આ ફોટો ઘરમાં રાખ્યો? ઘરમાં લડાઈ-ઝઘડા થશે. તે સમયે હું કહેતો કે ઘરમાં શાંતિ જ હતી, તમે આવ્યા એ પછી લડાઈ થઈ. લોકોક્તિ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર બતાવતા અધ્યાત્માનંદજી કહે છે, ‘મયદાનવે સર્જેલી માયાવી ઇન્દ્રપ્રસ્થ નગરીમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવો ભાસ થવાથી દુર્યોધન પાણીના ખાબોચિયામાં પડ્યો ત્યારે લોકોક્તિ તો એમ કહે છે કે એ સમયે દ્રૌપદીએ હસીને કટાક્ષ કર્યો કે આંધળાના તો આંધળા જ હોયને અને એ કારણે જ આખું મહાભારત સર્જાયું.

૧૦૦માંથી ૯૯ ટકા લોકો માને છે કે દ્રૌપદીએ હસીને એ કટાક્ષ ન કર્યો હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. મહાભારત પાછળ દ્રૌપદી અને તેમનું આ કૃત્ય જવાબદાર છે. આ લોકોક્તિ છે. દ્રૌપદી સાધારણ સ્ત્રી નહોતાં, એ યજ્ઞમાંથી પ્રગટેલું ઝાઝરમાન વ્યક્તિત્વ હતું. વાસ્તવમાં મહાભારતમાં આંધળાના તો આંધળા જ હોયને એવું દ્રૌપદી બોલ્યાં જ નથી કે નથી તેઓ તે પ્રસંગે હસ્યા. દુર્યોધન પાણીમાં પડ્યો ત્યારે કૃષ્ણના ઉશ્કેરવાથી ભીમ હસ્યો હતો. ભીમના હાસ્યને પગલે બીજા હસ્યા હતા. દ્રૌપદી ત્યાં નહોતાં. આંધળાના તો આંધળા જ હોયને એવું તો કોઈ નથી બોલ્યું. દ્રૌપદી મહાન નારી છે. તેમના પાંચ પુત્રો સૂતા હતા ત્યારે અશ્વત્થામાએ તેમને મારી નાખ્યા. સવારે ખિજાયેલા અર્જુને કહ્યું કે, આમનો વધ કરનારાને હું પકડીને લાવું છું અને તેનો વધ કરું છું અને તે અશ્વત્થામાને વાળથી પકડીને દ્રૌપદી સમક્ષ ઢસડી લાવ્યો. ત્યારે દ્રૌપદી અશ્વત્થામાને છોડી મૂકવાની અર્જુનને અરજ કરતાં કહે છે, ‘મુન્ચ, મુન્ચ. તમે તેમને છોડી મુકો. મારા પાંચ પુત્રો મરાયા તો હું મારા પાંચ પતિઓના સહારે મારું જીવન વ્યતીત કરી શકીશ, પણ તેની માતા કૃપિને તો પતિ પણ નથી અને પુત્ર ગુમાવતા તે કોના આધારે જીવશે.’ દ્રૌપદી કરુણામયી છે. મહાભારતને એના સાચા અર્થમાં જોવું જોઈએ, વાંચવું જોઈએ. વાસ્તવમાં સેમ્યુઅલ કાન્ટની થિયરી હોય કે જગતના ફિલસૂફોની ફિલસૂફી, બધંુ જ મહાભારતમાં સમાયેલું છે.

વહેતી થયેલી લોકોક્તિ અંગે કટાક્ષ કરતા અધ્યાત્માનંદજી કહે છે, ‘વિદેશોમાં ફરીને કથા કરતા આપણા અધકચરા કથાકારો એવું કહી દે છે કે બહેનોએ મહાદેવને પાણી ચડાવવું નહીં અને એ પછી રિવાજ બની જાય છે. વાસ્તવમાં તેમને સામો સવાલ કરવો જોઈએ કે તો મહાદેવને પૂજા થકી પ્રસન્ન કરનારાં પાર્વતી કેમ જળાભિષેક કરતાં હતાં? પ્રસિદ્ધિ માટેના આ વલખાં માત્ર છે. કાંચી પીઠના શંકરાચાર્યનું દેહાવસાન થયું ત્યારે તેને સમાચારપત્રોમાં અગિયારમાં પાને ટચૂકડી જગ્યામાં સ્થાન મળ્યું હતું, જ્યારે અભિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુની સાડાત્રણ પાનાં ભરીને વિગતો હતી. ચેનલમાં તો શંકરાચાર્યની ભાગ્યે જ કોઈએ નોંધ લીધી, શ્રીદેવીનાં મરણનું કલાકો સુધી પ્રસારણ થયું.’

સાંપ્રત સમયમાં મહાભારતનું પારાયણ કેટલું મહત્ત્વનું? પ્રશ્નના જવાબમાં અધ્યાત્માનંદજી પ્રતિપ્રશ્ન કરતા કહે છે કે, ‘અમેરિકાની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મૅનેજમેન્ટ ગુરુ તરીકે શિવાજીને ભણાવવામાં આવે છે ત્યારે આપણે ઇતિહાસમાં ઔરંગઝેબનો ઇતિહાસ શા માટે ભણાવીએ છીએ? એ જ મને તો સમજાતું નથી કે મહાભારત કેમ નથી ભણાવવામાં
આવતું?’
————.
ગિરધરલાલની મહાભારત કથા વર્ષો ચાલી
ગોવિંદદેવ ગિરીજી સિવાય કોઈ મહાભારતની કથા કરતું હોય એવું તમારી જાણમાં ખરું? પ્રશ્નના જવાબમાં અધ્યાત્માનંદજી જામનગરના એક ગિરધરલાલજી મહારાજ નામના મહાત્માનો હવાલો આપે છે. જામનગરમાં તળાવની પાળે આવેલા દુખભંજન મહાદેવ મંદિરના ચોગાનમાં ગિરધરલાલજીએ વર્ષો સુધી મહાભારત કથાનું પારાયણ કર્યું હતું. શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ ઋતુ હોય તેમની મહાભારત કથા ૩૬૫ દિવસ સતત વર્ષો સુધી વણઅટકી ચાલી હતી. વરસાદ કે ગરમી હોય ગમે તે પરિસ્થિતિમાં કથા સાંભળનારાઓની પણ ભીડ રહેતી. અમે તેમને ગિરધર ટોકીઝ કહેતા. ૨૮ રૃપિયામાં ઘીનો ડબ્બો મળતો તે વખતની આ વાત છે. એ વખતે પણ મહારાજને રોજ કથા પૂરી થયા પછી આરતીમાં ૧૫૦-૨૦૦ રૃપિયાની દક્ષિણા મળતી હતી.
————.
મહાભારતના ઋષિ જેવા કથાકાર ગોવિંદદેવ
વર્તમાન સમયમાં મહાભારતના કથાકાર તરીકે ગોવિંદદેવ ગિરીજી મહારાજનું નામ મોખરે આવે છે. અલબત્ત તેઓ વેદ-વેદાંગોમાં પારંગત છે અને સમસ્ત ધર્મશાસ્ત્રો ઉપર તેમનાં પ્રવચનો સાંભળવા એ એક લહાવો છે. તેમણે વારાણસીમાં વેદ-ઉપનિષદો, મહાભારત વગેરે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમનો પુણેના અલંદી ગામે આશ્રમ છે. સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજે તેમને દીક્ષા આપી હતી અને તેમના આધ્યાત્મિક વારસદાર પણ બનાવ્યા છે. ગોવિંદદેવ ગિરીજીએે ઘણા પ્રકલ્પો શરૃ કર્યા છે. તેમના દ્વારા સ્થાપિત મહર્ષિ વેદ વ્યાસ પ્રતિષ્ઠાન જમ્મુથી લઈને કોલકાતા સુધી ભારતનાં ૧૪ રાજ્યોમાં વેદ વિદ્યાલયો ચલાવે છે. ૨૫૦૦ વૈદિક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. વૃદ્ધ વેદજ્ઞાતાઓને પેન્શન આપે છે.
————.
યુદ્ધ પછીનું મહાભારત
કૌરવ પાંડવોનું યુદ્ધ દશ દિવસ ભીષ્મના, પાંચ દિવસ દ્રોણના, બે કર્ણના, અર્ધો શલ્યનો અને અર્ધો દિવસ દુર્યોધનનો એમ કરીને અઢાર દિવસ ચાલ્યું હતું. યુદ્ધ કારતક સુદ ચોથના દિવસે શરૃ થયું હતું. માગશર વદ આઠમે ભીષ્મ પડ્યા, અગિયારસે અભિમન્યુ મરાયો, બારશે જયદ્રથ હણાયો, તે જ દિવસે રાત્રિયુદ્ધ થયું અને તેમાં ઘટોત્કચ પડ્યો, તેરશે દ્રોણ પડ્યા, અમાસે કર્ણ પડ્યો અને પોષ સુદ પડવા શલ્ય અને મળસ્કે દુર્યોધન પડ્યા. બંને પક્ષની ૧૮ અક્ષોહિણી સેના પૈકી પાંડવપક્ષે પાંચ પાંડવો, સાત્યકિ, શ્રીકૃષ્ણ અને યુયુત્સુ એ આઠ યોદ્ધાઓ અને દુર્યોધનના પક્ષે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા એ ત્રણ મળીને કુલ ૧૧ યોદ્ધાઓ જ બચે છે. યુદ્ધની સમાપ્તિ પછી એક મહિના સુધી શુદ્ધિ અને ધાર્મિક ક્રિયા માટે પાંડવો નગર બહાર રહ્યા હતા. રાજા યુધિષ્ઠિરના રાજ્યકાળમાં ધૃતરાષ્ટ્ર ૧૫ વર્ષ સુધી હસ્તિનાપુરમાં રહ્યા હતા. તે પછી ગાંધારી, કુંતી, વિદુર અને સંજય સાથે વનવાસ સ્વીકાર્યો. વનવાસના એકવર્ષ બાદ વિદુરે દેહત્યાગ કર્યો. વનવાસનાં ત્રણ વર્ષ પછી ધૃતરાષ્ટ્ર અને તેના સાથીઓ એક દાવાનળમાં બળી મર્યા હતા. યુદ્ધ પછી શાસનના ૩૬મા વર્ષે યુધિષ્ઠિરે વિપરીત નિમિત્તો જોયાં. યદુવંશનો સંહાર થયો, શ્રીકૃષ્ણે અને બલરામે દેહ ત્યજ્યા અને અર્જુનનો કાબા લોકોથી માનભંગ થયો હતો. એ પછી તરત પાંડવોએ દ્રૌપદી સાથે હિમાલય ઉપર દેહત્યાગ માટે મહાપ્રયાણ કર્યું.
——————————–.

કવરસ્ટોરીપારાયણમહાભારતશ્રીકૃષ્ણશ્રીમદ્ ભગવતગીતાહિંમત કાતરિયા
Comments (0)
Add Comment