કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની
devendrajani.abhiyaan@gmail.com
મહાભારત, આ મહાન ગ્રંથ વિશે એવું કહેવામાં આવે છે કે જે આ ગ્રંથમાં છે તે સંસારમાં તમને ક્યાંક ને ક્યાંક અવશ્ય મળી જશે, પણ જે આ ગ્રંથમાં નથી એ દુનિયામાં ક્યાંય પણ નહીં મળે. એનો અર્થ એ છે કે મહાભારત એક સંપૂર્ણ ગ્રંથ છે. દરેક કાળ ખંડમાં તેનું એટલું જ મહત્ત્વ રહેલું છે. વિશ્વનું આ સૌથી મોટું મહાકાવ્ય છે. રામાયણ કરતાં ચાર ગણો મોટો આ પૌરાણિક ગ્રંથ છે. અંદાજે એક લાખ કરતાં પણ વધુ શ્લોકને તેમાં સમાવવામાં આવ્યા છે. પૌરાણિક સંદર્ભો અને ખુદ મહાભારતમાં અપાયેલા પ્રમાણ મુજબ મહર્ષિ વેદ વ્યાસજીએ આ મહાન કાવ્યગ્રંથની રચના કરી હતી અને ખુદ ભગવાન ગણેશજીએ લેખન કાર્ય કર્યું હતું.
અંદાજે પાંચ હજાર વર્ષ પૂર્વે લખાયેલો આ મહાન ગ્રંથ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. ૧૮ પર્વમાં લખાયેલો આ ગ્રંથ અન્ય પુરાણો અને શાસ્ત્રોની સરખામણીએે સમજવામાં સરળ નથી, એટલે તે અન્ય ગ્રંથોની જેમ લોકભોગ્ય ન બની શક્યો, પણ સાથે વાસ્તવિકતા એ પણ છે કે જીવનની કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં ગૂઢ રહસ્યોનું સમાધાન મહાભારતમાંથી મળી શકે છે. માનવ જીવનનાં મૂલ્યોની મહત્તા સમજાવવાની સાથે સંઘર્ષભર્યા જીવનમાં કેવી રીતે સાચો માર્ગ પસંદ કરીને સફળતા મેળવવી તેની શીખ તેમાં આપવામાં આવી છે.
હજારો વર્ષ પૂર્વે દેવી-દેવતાઓ જેનું પઠન કરતા એ મહાભારતને સાંપ્રત સમયમાં કેમ યાદ કરવાનું થયું? આવો સવાલ થાય એ સ્વાભાવિક છે. હિન્દુ ધર્મના આ મહાન ગ્રંથ વિશે હાલ વાત એટલા માટે કરવી છે કે મહાભારત વિશે અનેક ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી છે. તેની સામે વાસ્તવમાં મહાભારત એ સાંપ્રત સમયમાં પણ કેટલું પ્રસ્તુત છે તે સમજાવવા માટે અને તેના વિશેની ખોટી માન્યતાઓને દૂર કરવાના પ્રયાસો શરૃ થયા છે. મહાભારત વિશેની શંકાઓ દૂર કરવા વર્ષો બાદ એક અભિયાનની શરૃઆત થઈ છે.
સામાન્ય રીતે આપણે એવું જોતા આવ્યા છીએ કે રામાયણ, શ્રીમદ્ ભાગવત કથા, દેવી ભાગવત કે શિવ પુરાણની આઠ કે નવ દિવસની કથાઓ બેસતી હોય છે. સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે પણ યજમાન આવી કથાઓ કરાવતા હોય છે. હવે તો ગૌ કથા પણ થઈ રહી છે, પણ કોઈએ મહાભારતની કથા બેસાડી છે તેવું સાંભળવા કે જોવા મળતું ન હતંુ. તેની પાછળ મહાભારત વિશેની કેટલીક ખોટી માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે તે કારણભૂત છે. મહાભારત ઘરમાં રખાય નહીં..તે વંચાય નહીં.. તેમાં તો પરિવારના સભ્યો વચ્ચે જ યુદ્ધ છેડાય તેવાં પ્રકરણો અને પાઠો છે, મહાભારતમાં તો માત્ર યુદ્ધ નીતિ જ છે… આવી અનેક માન્યતાઓને કારણે સામાન્ય લોકો મહાભારત ગ્રંથથી દૂર થતા ગયા. આવી સમજ આજકાલની નહીં, પણ સદીઓથી ચાલતી આવી છે. એટલે ભાગ્યે જ કોઈના ઘરમાં મહાભારત ગ્રંથ જોવા મળે છે.
મહાભારત વિશે આવો ખ્યાલ પ્રવર્તી રહ્યો હોય ત્યારે કોઈ કથાકાર આઠ દિવસની મહાભારત કથા કરવાના છે તેવું કોઈ કહે તો નવાઈ લાગે, પણ હવે સમય બદલાયો છેે. સંતો-કથાકારો અને ધર્મગુરુઓ હવે મહાભારત કથા કરી આ મહાન ગ્રંથ વિશેની ગેરસમજને દૂર કરવા આગળ આવી રહ્યા છે. આ એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના બહુ મોટા બદલાવની ઘડી છે.
વ્યાસજી અને ગણેશજી વચ્ચે શરત મહાભારતમાં એવું વર્ણન કરવામાં આવ્યંુ છે કે વેદ વ્યાસજીએ હિમાલયની પવિત્ર ગુફામાં તપસ્યા કર્યા બાદ જુદી- જુદી ઘટનાઓનું સ્મરણ કરી મનોમન મહાભારતની રચના કરી દીધી હતી. ત્યાર બાદ વેદ વ્યાસજીને મૂંઝવણ એ ઊભી થઈ કે આ લાંબા કાવ્ય ગ્રંથને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કોની પાસે તે લખાવવો, કારણ કે હજારો શ્લોકના અર્થ સમજવા અને તેની લંબાઈ અને જટિલતાને ધ્યાને રાખવામાં આવે તો આ કપરું કામ હતું. વેદ વ્યાસજીએ બ્રહ્માજીની સલાહ લઈને આ કામ માટે ભગવાન ગણેશજી પાસે પહોંચ્યા હતા.
ગણેશજી ગ્રંથ લખવા માટે તૈયાર તો થઈ ગયા, પણ આ કાર્ય કઠિન હતું એટલે તેમણે એક શરત રાખી હતી. ગણેશજીએ એવી શરત રાખી કે કલમ એક વખત ઉઠાવવામાં આવ્યા બાદ જ્યાં સુધી કાવ્ય ગ્રંથ સમાપ્ત ન થાય ત્યાં સુધી વચ્ચે અટકશે નહીં. વ્યાસજી જાણતા હતા કે આ શરત કઠિન છે, પણ ગણેશજી પાસે જ લખાવવાનું મન બનાવી ચૂકેલા વેદ વ્યાસજીએ કહ્યું કે, શરત મંજૂર છે, પણ સામે મારી એક શરત છે. વ્યાસજીએ ગણેશજી સમક્ષ એવી શરત મુકી કે કોઈ પણ શ્લોકને લખતા પહેલાં તેનો અર્થ સમજવો પડશે. ગણેશજીએ વેદ વ્યાસજીની આ શરત માન્ય રાખી હતી. વેદ વ્યાસજી વચ્ચે-વચ્ચે કઠિન શ્લોક બોલી લેતા અને ગણેશજી તેનો અર્થ સમજવામાં સમય પસાર કરે ત્યાં સુધીમાં વેદ વ્યાસજી રાહત મેળવીને નવા શ્લોકનો વિચાર કરી લેતા હતા.
ત્રણ વર્ષના લેખનકાર્ય બાદ ગ્રંથ રચાયો
હિમાલયમાં વેદ વ્યાસજી અને ગણેશજી વચ્ચે મહાભારત લખવાની શરૃઆત થઈ હતી અને એવું કહેવાય છે કે સંપૂર્ણ મહાભારતને તૈયાર થતાં ત્રણ વર્ષ સુધીનો સમય લાગ્યો હતો. ૧૮ પર્વ અને એક લાખ કરતાં પણ વધુ શ્લોક સાથેનો મહાભારત ગ્રંથ તૈયાર થયો હતો. ભારતવંશીય ચરિત્રોની સાથે ઋષિઓ અને સૂર્યવંશી-ચંદ્રવંશીય રાજાઓના સમયની ઘટનાઓનું નિરૃપણ કરાયંુ હોવાથી આ ગ્રંથને શરૃઆતમાં ‘જય’થી ઓળખવામાં આવતો હતો. ધર્મનો અધર્મ પર વિજય થયાની ઘટનાઓનું નિરૃપણ હોવાથી તેને ‘જય’થી ઓળખવામાં આવતો હોવાનું કહેવામાં આવે છે. આ મહાન કાવ્ય ગ્રંથમાં ભારતીય વંશની કથાઓ – પ્રસંગો હોવાથી ભારત નામથી પણ પ્રચલિત થયો હતો. મહાભારતમાં એક કથા એવી આવે છે કે જ્યારે દેવતાઓ અને ઋષિઓએ તરાજુની એક તરફ ચાર વેદ અને બીજી તરફ ભારત ગ્રંથને મુક્યો તો ભારત ગ્રંથ તરફનું પલ્લું નીચે નમી ગયું હતું. અર્થાત્ આ ગ્રંથની મહાનતા વિશેષ રહી એટલે ભારતને મહાભારત ગ્રંથ તરીકેનું નામ આપવામાં આવ્યું હતું. આ મહાકાવ્ય મહાભારતથી જ સૌથી વધુ પ્રચલિત બન્યું છે.
નડિયાદમાં મહાભારતની કથા
છેલ્લા થોડા સમયથી મહાભારતની આઠ દિવસની કથાઓ શરૃ થઈ છે. હમણાંની જ વાત કરીએ તો નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરના સાંનિધ્યમાં તા. ર૭ જાન્યુઆરીથી તા. ૪ ફેબ્રુઆરી સુધી મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા ઉપરાંત અનેક સંતો-મહંતો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે મહાભારત કથાના આયોજનને બિરદાવી મહાભારત ગ્રંથ વર્તમાન સમયમાં પણ કેટલો પ્રસ્તુત છે તેની સમજ આપી સમાજમાં ખોટી માન્યતાઓ છે તે દૂર કરવા દરેકને આગળ આવવા અપીલ કરી હતી. મહાભારત સાંભળવા કોઈ જતું નથી એવંુ માનવામાં આવતું હતું, પણ નડિયાદની આ મહાભારત કથામાં હજારો લોકો ઊમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ
રસપૂર્વક આઠ દિવસની આ કથાનું રસપાન કર્યું હતું.
મહાભારત યોગ્ય નિર્ણય લેવાની સમજ આપે છે
નડિયાદમાં યોજાયેલી મહાભારત કથાની વ્યાસપીઠ પર આચાર્ય ગોવિંદદેવ ગિરી બિરાજ્યા હતા. ગુજરાતમાં ત્રણ સહિત ભારતમાં ૩૪ જેટલી સંસ્કૃત પાઠશાળાઓ ચલાવી રહેલા આચાર્ય ગોવિંદદેવ ગિરીજી શ્રીમદ ભાગવત, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો અને વેદ પરંપરાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. તેઓ જન જાગરણનું એક અભિયાન ચલાવી રહ્યા છે.
નડિયાદની મહાભારત કથા દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મહાભારત એ મહાન ગ્રંથ છે. આ ગ્રંથનો સાર એ છે કે માનવીએ જીવનમાં સંઘર્ષના દરેક તબક્કે સાચો નિર્ણય કેવી રીતે લેવો તેની શીખ મહાભારત આપે છે.’
મહાભારત વિશે ખોટી ભ્રાંતિ
નડિયાદની કથામાં ગોવિંદદેવ ગિરીજીનો જન્મોત્સવ ઊજવાયો હતો. તે પ્રસંગમાં હાજરી આપવા આવેલા જાણીતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ મહાભારત કથાના આ આયોજનને બિરદાવીને કહ્યું હતું કે, ‘જે મહાભારત ગ્રંથ વિશે અનેક ભ્રાંતિઓ ફેલાવવામાં આવી છે એ મહાભારતની કથા અહીં થઈ રહી છે અને આચાર્ય ગોવિંદદેવ ગિરીજી આ કથાનું રસપાન કરાવી રહ્યા છે એ અત્યંત પ્રસન્નતાની વાત છે. મહાભારત કથા વિશે લોકોના મનમાં શંકાઓ ઊભી કરવામાં આવી છે. પ્રયોજનપૂર્વક આ મહાન ગ્રંથ વિશે ભ્રાંતિઓ ફેલાવવામાં આવતી હોય છે, પણ વાસ્તવમાં દરેક પ્રકારની ભ્રાંતિઓ કે સમસ્યાનું સમાધાન આ મહાન મહાભારત ગ્રંથમાંથી મળે છે. આ એક અદ્ભુત, વિશાળ અને સંપૂર્ણ ગ્રંથ છે. મહાભારત વિશેની ગેરસમજો દૂર કરી સાચી સમજ લોકો સુધી પહોંચાડવાનું કઠિન કાર્ય થઈ રહ્યું છે તે સરાહનીય છે.’
વર્તમાન વિજ્ઞાનનો મહાભારતમાં ઉલ્લેખ
સંસ્કૃત સાહિત્યમાં શિક્ષણ એ વિષય પર પીએચ.ડી. કરનાર અને સૌરાષ્ટ્ર યુનિ.ના સંસ્કૃત વિષયનાં અધ્યાપિકા ડૉ. નૈના રાવલ કહે છે, ‘વેદ વ્યાસજી રચિત અને ગણેશજી લિખિત મહાભારતનું મૂૃળ નામ જય હતું. તેમાં ૮,૮૦૦ શ્લોક હતા. પછી રાજા જન્મેજયના સર્પ યજ્ઞ વખતે વેદ વ્યાસજીના શિષ્ય વૈશમ્પાયને ઋષિ મુનિઓને તેની કથા સંભળાવી ત્યારે ર૪,૦૦૦ શ્લોક થયા અને ‘ભારત’ નામથી એ સમયે આ ગ્રંથ ઓળખાયો હતો. ત્યાર બાદ સુતજીએ નૈમિષારણ્યમાં આ ગ્રંથ સંભળાવ્યો ત્યારે ૧ લાખ શ્લોક સુધીનો લાંબો ગ્રંથ થયો અને તે મહાભારત કહેવાયો હોવાના ઉલ્લેખો જુદા-જુદા સંદર્ભ ગ્રંથોમાં છે. મહાભારત એક એવો ગ્રંથ છે કે તે ધર્મ, સાહિત્ય, શસ્ત્રવિદ્યા, સામાજિક, પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ, ગણિત, વિજ્ઞાનના સિદ્ધાંતો પણ શીખવે છે. એક દાખલો જોઈએ તો બાળક માટે આજે ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફ કે સરોગેટ મધર જેવી પદ્ધતિ પ્રચલિત છે, પણ હજારો વર્ષ પૂર્વે મહાભારતમાં કેટલાંક પાત્રોની ઉત્પત્તિ એવી રીતે બતાવવામાં આવી છે કે એ સમયે આ પ્રકારનું વિજ્ઞાન હતું તે સાબિત કરે છે.’
છેલ્લા ઘણા સમયથી ભાગવત અને ગૌ કથા કરનાર કથાકાર શંકર મહારાજ કહે છે, ‘હવે ધીરે-ધીરે મહાભારત વિશે લોકોનો ખ્યાલ બદલાઈ રહ્યો છે. મેં ત્રણ જેટલી મહાભારત કથા કરી છે. રામાયણ અને શ્રીમદ્ ભાગવત કરતાં વધુ વિશાળ આ ગ્રંથ છે. સમાજમાં આ ગ્રંથને ધીરે-ધીરે સ્વીકૃતિ મળી રહી છે અને આજે કથાકારો મહાભારત વાંચતા થયા છે એ સારી બાબત છે.’
———.
દરેક પ્રકારની ભ્રાંતિઓ કે સમસ્યાનું સમાધાન આ મહાન મહાભારત ગ્રંથમાંથી મળે છે. આ એક અદ્ભુત, વિશાળ અને સંપૂર્ણ ગ્રંથ છે – રમેશભાઈ ઓઝા, કથાકાર
———.
મહાભારત વિશે બહુ ખોટા ખ્યાલો પ્રવર્તી રહ્યા છે. સાંપ્રત સમયમાં મહાભારત પરિવારને સાચી દિશા આપવા માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે – ડૉ. ગૌતમ પટેલ, પૂર્વ પ્રમુખ સંસ્કૃત સાહિત્ય અકાદમી
———.
બાળક માટે આજે ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફ મધર જેવી પદ્ધતિ પ્રચલિત છે, પણ હજારો વર્ષ પૂર્વે મહાભારતમાં કેટલાંક પાત્રોની ઉત્પત્તિમાં આ પ્રકારનું વિજ્ઞાન હતું – ડૉ. નૈના રાવલ, સંસ્કૃત વિષયનાં અધ્યાપિકા
——-.
મહાભારતમાં માત્ર યુદ્ધ નીતિ નથી
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહાભારત એવો ગ્રંથ છે કે તેમાં કોૈરવો અને પાંડવો વચ્ચે ઝઘડાઓના પ્રસંગોને જ વર્ણવવામાં આવ્યા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં એક જ પરિવાર સામસામે આવી ગયો હોવાના પ્રસંગોનું નિરૃપણ છે. માત્ર યુદ્ધ નીતિ જ તેમાં શીખવવામાં આવતી હોવાથી આ ગ્રંથ ઘર – પરિવારમાં વિખવાદ ઊભા કરાવશે. આવી ખોટી માન્યતાને કારણે ઘરોમાં મહાભારત જેવા ઉત્તમ ગ્રંથને રાખવામાં આવતો ન હતો અને તેનું વાંચન પણ સીમિત રીતે કરવામાં આવતંુ હતું. હકીકતમાં સંસ્કૃતના પંડિતો એવું કહે છે કે મહાભારત વિશે ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે. આ તો એક સંપૂર્ણ ગ્રંથ છે તેમાં માત્ર યુદ્ધ નીતિ કે કાવાદાવા જ નથી, પણ વાસ્તવમાં ન્યાય, શિક્ષણ, ચિકિત્સા, જ્યોતિષવિદ્યા, અર્થશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર અને કામશાસ્ત્ર સહિત જીવનના દરેક તબક્કે સાચી દિશા મળે તેવી શીખ આપવામાં આવી છે.
——-.
મહાભારત વિશે કોણ શું કહે છે?
ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીનાં દસ વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલા અને મહાભારતના વિષય પર અખબારોમાં કોલમ લખી ચૂકેલા ડો. ગોૈતમ પટેલ કહે છે, ‘એક સમયે ગામડાંઓમાં માણભટ્ટ મહાભારતની કથાઓ કરતા હતા, પણ વર્તમાન સમયમાં કેટલાક કથાકારોએ હવે મહાભારત કથા કરવાનું શરૃ કર્યું છે તે સારી વાત છે. મહાભારત એ રામાયણ અને શ્રીમદ્ ભાગવત કરતાં ઘણો મોટો ગ્રંથ છે. આઠ દિવસમાં ઘણી વખત ભાગવત પૂરું નથી થતું ત્યારે મહાભારત પૂર્ણ કરવું અઘરું કાર્ય છે. ભાગવતમાં ૧૮,૦૦૦, રામાયણ (વાલ્મીકિ)માં ર૪,૦૦૦ શ્લોક છે, જ્યારે પૂણેની એક સંસ્થાએ મહાભારત વિશે ખૂબ સંંશોધન કરીને મહાભારતના વોલ્યુમ બહાર પાડ્યા છે તે મુજબ ૯ર,૦૦૦ શ્લોક છે. તેમાં કેટલીક પુરવણી થતાં ૧ લાખ કરતાં પણ વધુ શ્લોક મહાભારતમાં છે. મહાભારત વિશે બહુ ખોટા ખ્યાલો પ્રવર્તી રહ્યા છે. હકીકત એ છે કે મહાભારત એ જીવનની દરેક પળે શીખ આપતો એક મહાન ગ્રંથ છે. સંસ્કૃતના વિદ્વાન ઉપેન્દ્રભાઈએ સાત વખત મહાભારત વાંચ્યું હતું છતાં તેમના ઘરમાં ખૂબ શાંતિ રહી હતી. તેઓ મારા મિત્ર હતા એટલે મહાભારત એ આપસમાં વેરવૃત્તિ વધારે છે એવી માન્યતાઓ ખોટી છે. મહત્ત્વની વાત તો એ છે કે સાંપ્રત સમયમાં જ્યારે કોૈટુંબિક કલેશ વધી રહ્યો છે ત્યારે મહાભારત પરિવારને સાચી દિશા આપવા માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. મહાભારત વધુ ને વધુ વંચાય તે જરૃરી છે. કેટલીક યુનિવસિર્ટીઓની કોલેજોમાં સંસ્કૃતના વિષયમાં સભા પર્વ લેવામાં આવે છે તેમાં મહાભારત વિશે શીખવવામાં આવે છે.’
ડૉ. ગોૈતમ પટેલ (પૂર્વ પ્રમુખ, સંસ્કૃત સાહિત્ય અકાદમી ગુજરાત)
———-.
ગુજરાતની એક માત્ર વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવસિર્ટી સંચાલિત સંસ્કૃત કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. નરેન્દ્ર પંડ્યા ‘અભિયાન’ ને કહે છે, ‘મહાભારત એ અસત્ય સામે સત્યનો વિજય છે. અસત્યની સામે લડવાની હિંમત આપી નૈતિક વિજય અપાવે છે. અસત્યો અર્થાત્ કોૈરવો સામે પાંડવોની સંખ્યા ભલે ઓછી હોય, પણ અંતે તો વિજય પાંડવોનો થયો છે. મહાભારતનું પઠન કરનાર કે સાંભળનાર અસત્યને લાંબો સમય સહન કરી શકતો નથી. આ પણ એક કારણ હોઈ શકે છે કે મહાભારત ના વાંચવા દેવું, કારણ કે મહાભારતમાંથી શીખ મેળવનારનું દમન લાંબો સમય કરી શકાતું નથી.’ મહાભારત એક ઈતિહાસ ગ્રંથ છે. લગભગ પર૦૦ વર્ષ પૂર્વે લખાયેલો આ ગ્રંથ છે. તેને સંપૂર્ણ ગ્રંથ એટલા માટે કહેવામાં આવે છે કે તે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આમ જીવનના દરેક તબક્કે શીખ આપે છે. મહાભારત જેમ-જેમ સમય જાય છે તેમ વધુ પ્રાસંગિક બનતું જાય છે. આજના સમયે તે ખૂબ ઉપયોગી છે. જીવનની દરેક સમસ્યાનું સમાધાન તેમાંથી મળી શકે છે. કોલેજોમાં સંસ્કૃતના વિષય સાથે અભ્યાસ કરતા વિધાર્થીઓને પુરાણના એક વિષયમાં મહાભારત વિશે શિક્ષણ આપવામાં આવે છે.
ડૉ. નરેન્દ્ર પંડયા (પ્રિન્સિપાલ, સંસ્કૃત કોલેજ, વેરાવળ)
———-.
સોૈરાષ્ટ્ર યુનિ.ના સંસ્કૃત ભવનના વડા ડૉ. એમ.કે. મોલિયા કહે છે, ‘મહાભારત અને તેનાં કેટલાંક પાત્રો વિશે સમાજમાં ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી છે. હકીકતમાં તો મહાભારતનાં દરેક પાત્રો કોઈક શીખ આપે છે. મહાભારતના મુખ્ય પાત્ર દ્રૌપદી વિશે જે કહેવાય છે તેનાથી ઊલટું આ પાત્રની મહત્તા છે. મહાભારતમાં કેટલાંક સ્થાનો પર દ્રૌપદીને સીતાજી જેટલું માન અપાયું હોવાના ઉલ્લેખો છે. સત્ય અને ત્યાગ માટે દ્રૌપદીએ જે સહનશીલતા બતાવી છે તે તેની મહાનતા છે. મહાભારત એ વિશાળ અને મહાન ગ્રંથ છે. કૉલેજોમાં આજે પણ વિદ્યાર્થીઓને મહાભારત વિશે શીખવવામાં આવે છે. આ ગ્રંથ પર સંશોધન કાર્ય પણ સતત થતંુ રહ્યું છે.’
ડૉ. એમ.કે. મોલિયા (સંસ્કૃત ભવનના હેડ, સોૈરાષ્ટ્ર યુનિ.)
——————————–.