મૃત્યુનો અધિકાર મળ્યો પણ…

ઇચ્છા-મૃત્યુની અરજીઓનો નિવેડો લાવવા સરકાર સક્ષમ સિસ્ટમ બનાવી શકશે?

જીવન – હિંમત કાતરિયા
himmatkataria@gmail.com

નામ તેનો નાશ છે. જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કહેવાય છે કે જન્મ અને મૃત્યુનો દિવસ નક્કી હોય છે. દરેકે એક દિવસ ભૌતિક જગતમાંથી વિદાય લેવાની છે. આ બધું ખરું, પરંતુ અસાધ્ય બીમારીથી પીડિત એવા લોકો પણ છે જેઓ જીવતાં હોવા છતાં નિર્જીવ છે, તેમના માટે અસહ્ય યાતનાભર્યા જીવનથી છુટકારો મેળવવાનું સહેલું નથી. આવા દુર્ભાગી જીવો માટે પણ કહેવાય છે કે યાતનાઓ તેમના આ જન્મ કે પૂર્વજન્મનાં કર્મોને આધીન ભાગ્યમાં જ લખાયેલી હોય છે અને આપઘાત કરવાની ઇચ્છા થાય તો પણ તે ભોગવ્યે જ છૂટકો. આ માન્યતામાં પણ ત્રણ લાભો સમાયેલા છે. એક તો સમાજ કર્મના દંડથી ડરે, સગાંસંબંધી અને પીડિતને પીડા ભોગવાનું બળ મળે અને તે પોતાની સ્થિતિ માટે અન્યને દોષિત ન માને.

ભારત વર્ષમાં કર્મનો સિદ્ધાંત સર્વોપરી છે એમાં કોઈ બેમત નથી, પરંતુ આવા દુર્ભાગી જીવો માટે ઇચ્છા-મૃત્યુને લઈને દેશભરમાં દાયકાઓથી દલીલો થઈ રહી હતી. ઇચ્છા-મૃત્યુના પક્ષમાં તર્ક આપનારા તો મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ, માતા સીતા, રામ અને લક્ષ્મણ અને છેક હમણાં આચાર્ય વિનોબા ભાવેએ અપનાવેલા ઇચ્છા-મૃત્યુના પ્રસંગોનાં ઉદાહરણો આપતાં રહ્યાં છે. જૈન મુનિઓ અને મુમુક્ષોમાં સંથારાની પ્રથા પણ ઇચ્છા-મૃત્યુનો જ એક પ્રકાર છે. લાંબી ચર્ચા-વિચારણાના અંતે સુપ્રીમ કોર્ટે પેસિવ યૂથનેસિયાની મંજૂરી આપી દીધી છે અને ખાસ પરિસ્થિતિઓમાં લિવિંગ વિલ અર્થાત્ કે ઇચ્છા-મૃત્યુને પણ કાનૂની માન્યતા મળી ગઈ છે. મતલબ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ ઇચ્છા-મૃત્યુની માગણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે વિશેષ પરિસ્થિતિમાં એટલે કે દર્દીએ મૃત્યુને અપનાવવા સિવાયનો કોઈ વિકલ્પ જણાતો ન હોય, કોઈ આશા જણાતી ન હોય તેવી સ્થિતિમાં જ સન્માનપૂર્વક મૃત્યુ મેળવવાને વ્યક્તિનો અધિકાર ગણ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ તબીબી વિજ્ઞાન, ધર્મ, નૈતિકતા અને સમાજ વિજ્ઞાનની દૃષ્ટિએ મોટા સવાલો ઊભા કર્યા છે.

ઇચ્છા-મૃત્યુનો મુદ્દો અરુણા શાનબાગના મામલે ઊઠ્યો હતો. યૌન ઉત્પીડન બાદ જીવતી લાશ બની ગયેલી અરુણા શાનબાગ મંુબઈની કિંગ ઍડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલના રૃમમાં વર્ષો સુધી પડી રહી. હૉસ્પિટલના સ્ટાફે તેની સેવામાં કશી મણા ન રાખી. શારીરિક રૃપે નિષ્ક્રિય અરુણા માટે ઇચ્છા-મૃત્યુની અરજી પર સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદામાં ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ દુનિયાભરની કાનૂની અવધારણાઓ, ગીતા, કુરાન અને ઉપનિષદોનાં જીવન અને મૃત્યુને વ્યાખ્યાયિત કરતા ઉપદેશને રજૂ કર્યો. ન્યાયાધીશે મૃત્યુની ચર્ચા કરતી ગાલિબની ગઝલનો પણ ઉલ્લેખ કર્યો,
મૌત કા દિન મુઅય્યન હૈ,
નિંદ રાત ભર ક્યોં નહીં આતી.

સુપ્રીમે અરુણાની ઇચ્છા-મૃત્યુની અરજીને તો ફગાવી દીધી હતી, પરંતુ વિશેષ પરિસ્થિતિઓમાં પૈસિવ યૂથનેસિયા(કાનૂની રાહે લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવી)ને મંજૂરી આપી દીધી. કોર્ટે અરુણાની અરજી ફગાવવાનું કારણ આપતાં કહ્યું કે, જો તેના પરિવાજનોએ અરજી કરતી હોત તો ૩૭ વર્ષથી કોમામાં પડેલી અરુણાને આ અધિકાર ચોક્કસ મળ્યો હોત, પરંતુ અરજી તેની બહેનપણી પિંકી વિરાણીએ કરી હતી એટલે મંજૂરી આપી ન શકાય. કોર્ટે કહ્યું કે, દર્દી પોતે ભાનમાં હોય, મૃત્યુની ઇચ્છા બતાવે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માટે તૈયાર હોય તો આવી સ્થિતિમાં ડૉક્ટર અને દર્દીના પરિવારજનો તેમના નિર્ણયને સ્વીકારી શકે. બીજી સ્થિતિમાં, દર્દી ભાનમાં નથી, પરંતુ પહેલેથી દર્દીએ ઇચ્છા-મૃત્યુની વસિયત કરી રાખી હોય ત્યારે ડૉક્ટર અને દર્દીનાં સગાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પેસિવ યૂથનેસિયાની માગણી કરી શકે છે.

કપરી સ્થિતિમાં પણ માત્ર લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવાની મંજૂરી આપી છે, એક્ટિવ યૂથનેસિયા એટલે કે મૃત્યુ આણવા માટે કોઈ દવા કે ઉપકરણનો પ્રયોગ કરવાની મંજૂરી નથી આપી. જીવવાની કોઈ સંભાવના નથી, પણ જીવતા લાશ બનીને મહિનાઓ સુધી હૉસ્પિટલના ખાટલે પડ્યા બિલ વધારતા રહેતા દર્દીનાં સગાંને આ ચૂકાદાથી રાહત મળશે, પરંતુ હવે આ ચુકાદાને વિધવિધ તર્કો જોડીને જોવાઈ રહ્યો છે. જેમ કે દીકરો જ બીમાર માતાને છત ઉપરથી ધક્કો મારી દેશે તો? ઇચ્છા-મૃત્યુની અરજીઓનો નિવેડો લાવવા સરકાર સક્ષમ સિસ્ટમ બનાવી શકશે? આ ચુકાદાના ખોટા ઉપયોગને રોકવાનું સરળ રહેશે? જે સમાજમાં સંબંધો, માનવીય સંવેદનાઓ લગભગ ખતમ થઈ ગયા હોય, દયા અને સહિષ્ણુતાને છેહ દેવાયો હોય, એવામાં પોતાના ભૌતિક લાભ માટે સંબંધોની દરકાર કોણ કરશે?
——————————–.

ઇચ્છામૃત્યુએક્ટિવ યૂથનેસિયાલાઇફ સપોર્ટ સિસ્ટમસંથારોહિંમત કાતરિયા
Comments (0)
Add Comment